સાધુ પ્રેમવત્સલદાસજી
મનુષ્યનું મન બહુ બદમાશ છે. વ્યક્તિઓના દોષો ઊડીને આંખે વળગે અને ગુણો પ્રત્યે આંખ આડા કાન કરે. આપણે કોઈની જરાં સરખી પણ નબળાઈને વાજતેગાજતે જાહેર કરીએ છીએ. રજનું ગજ કરવામાં આપણે માહેર. કોઈ વ્યક્તિ તામસી હોય, ક્રોધિત હોય તો તેનાથી દૂર રહેવામાં જ સલામતી એવું કહીને તેને લોકોની નજરમાંથી ઉતારી પાડીએ. કોઈ વ્યક્તિના કપટસભર વ્યવહારનો અનુભવ થાય તો આપણે તેને કપટી તરીકે જગતમાં ચીતરી નાંખીએ. પણ મારે તમને પૂછવું છે કે, તમે જેટલા લોકોના દોષોનો ઢંઢેરો પીટો છો, તેટલાં લોકોના ગુણગાન ગાવ છો? તમને કોઈ વ્યક્તિનો સારો ગુણ દેખાય તો તેને જગત સમક્ષ જાહેર કરો છો?
સાવ સાચું કહેજો. હકીકતમાં આપણે પામર મનુષ્યોને જેટલો આનંદ દોષદર્શનમાં આવે છે તો તેટલું સુખ આપણને ગુણગાનમાં મળતું નથી. આપણે જે મજા બીજાના નાનાં સરખા દોષને હિમાલય જેવડો કરવામાં આવે છે, તે મજા ગુણગાન કરવામાં ક્યાં મળે! આપણી ઘણી બધી સમસ્યાનું મૂળ દોષદર્શન છે. બીજાના દોષ જોવાથી આપણે તેના ગુણો જોઈ શકતાં નથી. વ્યક્તિમાં રહેલો એકાદ સદગુણ પણ આપણે માણી શકતાં નથી. આ મનોવૃત્તિ સુધારવાની જરૂર છે. આવો, જો કોઈ વ્યક્તિમાં ઉદારતા દેખાય તો તેની ઉદારતાને પોંખીએ. જો વ્યક્તિમાં ક્ષમાનો ગુણ દેખાય તો તેના જેવો ગુણ કેળવવાનો પ્રયાસ કરીએ. તેના ક્ષમાપનાની પ્રશંસા કરીએ.
મહાન તત્ત્વચિંતક કોન્ફ્યુશિયસ હંમેશા કહેતાં કે જો દોષ જ જોવા હોય તો આપણે આપણી અંદર રહેલા દોષોને જોવા. તેનાથી બે ફાયદા થાય છે - આપણો અંતરાત્મા શુદ્ધ થાય છે અને બીજાની મર્યાદાઓની સમજણ પ્રકટે છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે-
દોષ ના જોઈએ કોઈના, સુણિયે નહિ તે કાન;
ન કહીએ ન વિચારીએ, જાણી પુણ્યનું જ્યાન.
તુલસીપત્રઃ દોષ જોવાની ઇચ્છા થાય ત્યારે હું મારા દોષ પર નજર નાંખું છું. મારામાં એટલા બધા દોષ છે કે બીજાના દોષ જોવાનો વિચાર જ આવતો નથી - ડેવિડ ગ્રેસન, મહાન તત્ત્વચિંતક
No comments:
Post a Comment