Wednesday, October 5, 2011

રામનામઃ હ્રદયના ચોખ્ખા લોકો માટે છે...


રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે, તે પોતાના માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે. રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો શરતી ઇલાજ છે. પણ એની એક શરત છે, તે એ કે રામનામ દિલમાંથી ઊઠવું જોઈએ. બૂરા વિચારો તમને આવે છે? કામ અને લોભ તમને સતાવે છે? એ દશામાં રામનામ જેવો બીજા કીમિયો નથી.

ધારો કે તમને લાલચ થઈ આવી કે, વગર મહેનતે, બેઈમાનીને રસ્તે, લાખો રૂપિયા જોડી લઉં. પણ તમે વિચાર કરો કે, મારાં બૈરીછોકરાંને માટે આવો પૈસો શું કામ એકઠો કરું? બધા મળીને તે ઊડાવી નહીં મારે? સારી ચાલચલગત, સારી કેળવણી અને સરસ તાલીમના રૂપમાં તેમને માટે એવો વારસો કેમ ન મૂકી જાઉઁ કે બચ્ચાં મહેનત કરીને પ્રામાણિકપણે પોતાની રોજી કમાય? આવું બધું તમે જરૂર વિચારતા હશો પણ તેનો અમલ નથી કરી શકતા. પરંતુ રામનામ અખંડ રટશો તો એક દિવસ તે તમારા કંઠમાંથી હ્રદય સુધી ઊતરી જશે અને પછી રામબાણ બની જશે, તમારા બધા ભ્રમ ટળી જશે, જૂઠો મોહ અને અજ્ઞાન જે હશે તેમાંથી તમને છોડાવશે.

રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઈ ખાઈને જેને બાદી થઈ છે ને તેની આપદામાંથી ઊગરી જઈ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઈ શકતો નથી. રામનામ તેમના માટે છે જે હ્રદયના ચોખ્ખા છે અને જે દિલની સફાઈ કરી હંમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવટ મેળવવાનું સાધન ન થઈ શકે. રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. એ એક મહાન શક્તિ છે અને એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી.

ગાંધીગંગાઃ રામનું નામ લેવું અને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી શકીએ નહીં.

No comments: