Thursday, July 8, 2010

ઑનર કિલિંગઃ સુંદર પ્રેમનો ખતરનાક અંત.....


29 એપ્રિલ, 2010..પત્રકાર નિરુપમા પાઠકની હત્યા થઈ ગઈ. તેનો આરોપ તેના પરિવારજનો પર લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે તેઓ નિરુપમા નીચી જાતિના એક યુવાન સાથે લગ્ન કરવા માગતી હતી અને પરિવારજનોને તે યુવાન પસંદ નહોતો. તેમણે આબરૂ બચાવવા નિરુપમાને જ દુનિયામાંથી દૂર કરી દીધી હોવાનું કહેવાય છે.

12 મે, 2010....પંજાબના તરનતારનમાં ગુરલીન કૌર અને તેની સાસુને ગુરલીનના જ પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધા. ગુરલીને કુટુંબની મરજીથી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. તેના પતિ અમન પર પણ ગોળીબાર થયો હતો, પણ તે બચી ગયો.

20 જૂન, 2010...દિલ્હીના અશોકવિહાર વિસ્તારમાં 20 જૂનના રોજ મોનિકા અને કુલદીપની હત્યા થઈ. કુલદીપ અને મોનિકા એક જ ગામમાં રહેતાં હતાં અને જુદી જુદી જાતિના હતા. બંનેના લગ્નને ચાર વર્ષ થયા હતા અને મોનિકા ગર્ભવતી હતી. તેમના પરિવારજનોએ બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો આરોપ છે.

21 જૂન, 2010....ભિવાનીના રિંકૂ અને મોનિકા વચ્ચે પ્રેમસંબંધ હતા. બંનેને યુવતીના પરિવારજનોએ નિર્દયતાપૂર્વક ફટકાર્યા અને પછી હત્યા કરી નાંખી. એટલું જ નહીં તેમણે આ હત્યાને વાજબી પણ ઠેરવી...

તમે આ બનાવોનો અપરાધિક કૃત્યો કે હત્યા કહી શકો છો, પણ આપણા દેશમાં એવો લોકો પણ છે જે તેને 'ઑનર કિલિંગ' કહે છે. ઑનર કિલિંગ એટલે માનમોભા, આબરૂ, પ્રતિષ્ઠા જાળવવાના નામે પ્રેમીપંખીડાઓની ખુલ્લેઆમ હત્યા. ઓનર કિલિંગમાં કિલિંગ અર્થાત્ પ્રેમ કરવાની ભૂલ કરી બેઠેલા યુવાનોની થાય છે અને ઓનર અર્થાત માન-સન્માન કે આબરૂ એ લોકોની જળવાય છે જે તમામ સામાજિક મર્યાદાઓ અને કાયદા-કાનૂનની ઐસીતૈસી કરીને બે યુવાનોનો જીવ લઈ લે છે.

'ઑનર કિલર'ની સર્વસામાન્ય દલીલો પણ જાણવા જેવી છે...એક જ ગામના છોકરા-છોકરીને લગ્ન નહીં કરવા દેવાય. તેઓ ન સમજે તો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં કંઈ ખોટું નથી.........એક જ ગામના છોકરા-છોકરી ભાઈ-બહેન ગણાય છે. તેમની વચ્ચે લગ્ન ન થઈ શકે. આ રીતે લગ્ન કરનારાઓને મારી નાંખવા જોઈએ.....હત્યાને વાજબી ઠેરવતાં આ વાક્યોમાં બે બાબત હેરાન-પરેશાન કરી દે તેવી છે. પહેલી તો એ કે આ બંને વાક્ય પોતાના બાળકોની હત્યા કરનાર માતાપિતાના એટલે ઑનર કિલર્સના છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને વાક્ય દેશના કોઈ પછાત વિસ્તારમાં અંધારી રાત્રે બોલાયા નથી, પણ ધોળા દિવસે આપણા દેશની રાજધાની દિલ્હીમાં બોલાયા છે.

ઑનર કિલંગ કરનારા લોકોની માનસિકતા (ખરેખર તો વિકૃત માનસિકતા ) પર એલકેકે (લોકો શું કહેશે) પરિબળ હાવી હોય છે. તેઓ બાળકોના અભિપ્રાય અને વિચારો કરતાં લોકોના વિચાર કે અભિપ્રાયને વધારે મહત્વ આપે છે. ઉપરાંત સામાજિક પરંપરાઓ તેમના માનસ એ રીતે હાવી થયેલી હોય છે કે તેઓ પોતાના જ બાળકોનો જીવ લેવા તૈયાર થઈ જાય છે. ભારતીય સમાજમાં આજે પણ મોટા ભાગના લગ્ન જ્ઞાતિની અંદર થાય છે. કેટલાંક યુવાનો આંતરજાતિય લગ્ન કરવાનો નિર્ણય લે છે ત્યારે સમાજ તેમનો સ્વીકાર કરવાની આનાકાની કરે છે. તેમને પ્રોત્સાહન પંચાયતો આપે છે. આ પ્રકારના 'ઑનર કિલિંગ' અટકાવવા સરકારે કાયદામાં સુધારો કરવાનું વિચાર્યું છે, પણ ગુરુવારે તેના પર યોજાયેલી બેઠકમાં મતભેદો સર્જાયા હોવાથી તેના પર ખરડો કાયદો લાવવાનું ટાળી દીધું છે.....સરકારમાં પણ 'ઑનર કિલિંગ'ના સમર્થકો છે....દિલ્હી પહોંચી જવાથી અક્કલ આવતી હોત તો મોહમ્મદ તઘલખે તેની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી હોત?

2 comments:

vkvora Atheist Rationalist said...

આને ઓનર કીલીંગ નહીં પણ ફતવા કીલીંગ કહેવાય. પાકીસ્તાન, અફઘાનીસ્તાન, સ્વાત ઘાટીમાં આવું રોજે રોજ બને છે. આ અઓન્ર કીલીંગ એટલે કપટ નીતી અને આ બધું લોકો રામાયણ અને મહાભારતની કપોળ કલ્પીત કથામાંથી શીખે છે.

Chirag Panchal said...

Ramayan Mahabharat ne aama vacche lavavani jarur nathi. Ema kyay aavu hounour killing nathi.