ચર્ચા અને દલીલમાં શું ફરક છે? ચર્ચા એટલે માહિતીનું આદાનપ્રદાન. સ્વસ્થ ચર્ચાનો અંત ફાયદાકારક હોય છે. પણ દલીલ એ ચર્ચા નથી, પણ અજ્ઞાનતાનું પ્રદર્શન છે અને તેનો અંત હાસ્યાસ્પદ હોય છે. ચર્ચા હકારાત્મક હોય છે જ્યારે દલીલ નકારાત્મક. ચર્ચાને અંતે વિષયનું તારણ નીકળે છે અને દલીલમાં વ્યક્તિ કે વ્યક્તિઓની માનસિકતા સ્ખલિત થઈ જાય છે.
સ્વસ્થ અને તંદુરસ્ત ચર્ચા પૂર્વગ્રહમુક્ત હોય છે. આ પ્રકારની ચર્ચા જ સીધે પાટે દોડી શકે છે અને છેવટે બધાને કઇંક નવું જાણવા મળે છે. પૂર્વગ્રહ જડતાની નિશાની છે. વાચન અને અભ્યાસ વિનાની વ્યક્તિના વિચારો કુંઠિત અને જડ થઈ જાય છે અને પૂર્વગ્રહ ધરાવતી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં જોખમ છે. મને લાગે છે કે હજુ આપણને ચર્ચા કરવાની ફાવટ આવી નથી. આપણે ચર્ચા શરૂ કરવા જેટલા ઉત્સાહી હોઈએ છીએ તેટલો ઉત્સાહ તેનો ફળદાયક અંત લાવવા સુધી જાળવી શકતાં નથી. તેનું કારણ છે કે જે વિષય પર ચર્ચા કરવા જઇએ છીએ તેના પર પૂરી માહિતી જ ધરાવતા નથી. એટલે ચર્ચા કરવા માટે જરૂરી તર્ક જ તમારી પાસે હોતા નથી.
ચર્ચા તર્કબદ્ધ રીતે થવી જોઈએ. પણ હજુ આપણે તર્કબદ્ધ ચર્ચા કરી શકીએ તેટલા પરિપક્વ થયા નથી. તર્કબદ્ધ ચર્ચા સારી રીતે પૂર્ણ થાય છે પણ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ તર્કબદ્ધ રીતે ચર્ચા ન કરી શકે તો શું કરવું? મારું એવું માનવું છે કે તમે કોઈ વિષય પર તર્કબદ્ધ ચર્ચા ન કરી શકો તો પ્રેમથી તમારે તમારી મર્યાદાનો સ્વીકાર કરવો જોઈએ અને ચર્ચાનો અંત લાવી દેવો જોઈએ. વ્યક્તિ દરેક વિષય પર હથોટી ધરાવી શકતી નથી અને કોઈ વ્યક્તિ આવો દાવો કરતી હોય તો સમજવું કે તેને મનોચિકિત્સિકિય સારવારની જરૂર છે. પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો એ માનસિક તંદુરસ્તીની નિશાની છે. પણ મેં જોયું છે કે વ્યક્તિ ચર્ચા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે મોટા ભાગે તે ધુંધવાઈ જાય છે. તેનો અહમ્ ઘવાય છે. એટલે પહેલાં તે દલીલ કરે છે. આ સમયે તેની સામે ચર્ચા કરનાર સમજુ હોય તો તેને ટ્વેન્ટી-20 બિસ્કિટ ખવડાવી શાંત કરવાનો પ્રયાસ કરે છે અને પછી રામરામ કરીને ચાલ્યો જાય છે.
ચલતે-ચલતેઃ ઉર્દૂ સાહિત્યકાર મંટોને પાગલખાનામાંથી છોડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે-હું નાના પાગલખાનામાંથી મોટા પાગલખાનામાં આવી ગયો
1 comment:
મોટા ભાગના ગુજરાતી ઓરકુટ ઓટલા પરિષદો આ સમજે તો કેવું?? ખુબ સરસ !
Post a Comment