Friday, July 9, 2010

હેડલીનો ખુલાસો અને દંભી ધર્મનિરપેક્ષોની ચૂપકીદી.....


લશ્કર-એ-તોઇબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ ખુલાસો કર્યા પછી સ્યૂડો સેક્યુલરિસ્ટોની (છહ્મ ધર્મનિરપેક્ષ)ની જમાતના હોંઠ સિવાઈ ગયા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની સૂચનાના આધારે 15 જૂન, 2004ના રોજ ગુજરાત પોલીસે લશ્કર-એ-તોઇબાના ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં કથિત ધર્મનિરપેક્ષોની લાડકી ઇશરત જહાં પણ સામેલ હતી. આપણે જાણીએ છીએ કે હેડલીએ ખુલાસો કર્યા તે અગાઉ કથિત ધર્મનિરપેક્ષોની મંડળી ઇશરતની નિર્દોષતા સાબિત કરવા આકાશપાતાળ એક કરતી હતી.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયેલી ઇશરતને મીડિયાના કથિત માનવતાવાદી જૂથે પણ પ્રામાણિક અને સ્વચ્છ નાગરિક હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. પણ હેડલીના ખુલાસા પછી દેશને ધર્મ અને જાતિને નામે વિભાજીત કરવા માગતા કથિત ધર્મનિરપેક્ષ જૂથોએ તેમની ક્ષુદ્ર રાજરમતનો વિચાર કરવો જોઈએ અને વિવિધ પ્રસાર માધ્યમોમાં ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સામે વારંવાર પ્રશ્નો ઉઠાવનારા લોકોએ ઇશરત મામલે હવે તેમનો શું અભિપ્રાય છે તે વ્યક્ત કરવો જોઈએ.

દંભી ધર્મનિરપેક્ષોનો અન્ય એક આતંકવાદી અબ્દુલ નાસેર મદની સાથેનો પ્રેમ પણ જાણવા જેવો છે. સામ્યવાદીઓના બીજા ગઢ સમાન કેરળમાં વર્ષ 1993માં 'ઇસ્લામિક સેવક સંઘ' નામના સંગઠનને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું હતું. તેનો વડો અબ્દુલ નસીર મદની હતો. સરકારે સંગઠન પર પ્રતિબંધ મૂક્યાં પછી મદનીએ નવો પક્ષ 'પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી' (પીડીપી)ની સ્થાપના કરી હતી. દંભી ધર્મનિરપેક્ષોએ તેને ભાવભીનો આવકાર આપ્યો હતો. પછી બન્યું એવું કે 8 એપ્રિલ, 1998ના રોજ કોઇમ્બતૂરમાં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં મદનીની ધરપકડ કરવામાં આવી. તેમ છતાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પીડીપીના પ્રભાવને ધ્યાનમાં રાખીને વર્ષ 2001ની ચૂંટણીમાં કોંગ્રેસે તેની સાથે હાથ મિલાવ્યાં હતાં. વર્ષ 2007માં પુરાવાના અભાવે મદની છૂટી ગયો છે. પણ તેના થોડા સમય અગાઉ બાંગ્લાદેશમાંથી પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે મદનીની પત્ની સૂફિયા મદની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. એટલું જ નહીં અત્યારે બેંગ્લોર બોંબવિસ્ફોટમાં મદનીની પૂછપરછ ચાલુ જ છે. પણ કર્ણાટક પોલીસ તેની ધરપકડ કરી શકતી નથી, કારણ કે દેશના કથિત ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોનું સમર્થન છે.

હકીકતમાં દેશમાં માનવાધિકાર અને ધર્મનિરપેક્ષતાના નામે દેશદ્રોહી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેને હિંદુવિરોધી માનસિકતા ધરાવતા સ્વાર્થી અને નઠારા અમીચંદો સાથ-સહકાર આપી રહ્યાં છે. ચર્ચ પર હુમલો થાય કે મુસ્લિમ આતંકવાદીનું એન્કાઉન્ટર થાય તો તરત જ હિંદુઓને ભાંડવામાં તેઓ જરા પણ સમય વેડફશે નહીં. પણ ઇશરત જહાંનું એન્કાઉન્ટર થયા પછી તેમને જીભ સિવાઈ ગઈ છે........

Thursday, July 8, 2010

ઑનર કિલિંગઃ સુંદર પ્રેમનો ખતરનાક અંત.....


29 એપ્રિલ, 2010..પત્રકાર નિરુપમા પાઠકની હત્યા થઈ ગઈ. તેનો આરોપ તેના પરિવારજનો પર લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે તેઓ નિરુપમા નીચી જાતિના એક યુવાન સાથે લગ્ન કરવા માગતી હતી અને પરિવારજનોને તે યુવાન પસંદ નહોતો. તેમણે આબરૂ બચાવવા નિરુપમાને જ દુનિયામાંથી દૂર કરી દીધી હોવાનું કહેવાય છે.

12 મે, 2010....પંજાબના તરનતારનમાં ગુરલીન કૌર અને તેની સાસુને ગુરલીનના જ પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધા. ગુરલીને કુટુંબની મરજીથી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. તેના પતિ અમન પર પણ ગોળીબાર થયો હતો, પણ તે બચી ગયો.

20 જૂન, 2010...દિલ્હીના અશોકવિહાર વિસ્તારમાં 20 જૂનના રોજ મોનિકા અને કુલદીપની હત્યા થઈ. કુલદીપ અને મોનિકા એક જ ગામમાં રહેતાં હતાં અને જુદી જુદી જાતિના હતા. બંનેના લગ્નને ચાર વર્ષ થયા હતા અને મોનિકા ગર્ભવતી હતી. તેમના પરિવારજનોએ બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો આરોપ છે.

21 જૂન, 2010....ભિવાનીના રિંકૂ અને મોનિકા વચ્ચે પ્રેમસંબંધ હતા. બંનેને યુવતીના પરિવારજનોએ નિર્દયતાપૂર્વક ફટકાર્યા અને પછી હત્યા કરી નાંખી. એટલું જ નહીં તેમણે આ હત્યાને વાજબી પણ ઠેરવી...

તમે આ બનાવોનો અપરાધિક કૃત્યો કે હત્યા કહી શકો છો, પણ આપણા દેશમાં એવો લોકો પણ છે જે તેને 'ઑનર કિલિંગ' કહે છે. ઑનર કિલિંગ એટલે માનમોભા, આબરૂ, પ્રતિષ્ઠા જાળવવાના નામે પ્રેમીપંખીડાઓની ખુલ્લેઆમ હત્યા. ઓનર કિલિંગમાં કિલિંગ અર્થાત્ પ્રેમ કરવાની ભૂલ કરી બેઠેલા યુવાનોની થાય છે અને ઓનર અર્થાત માન-સન્માન કે આબરૂ એ લોકોની જળવાય છે જે તમામ સામાજિક મર્યાદાઓ અને કાયદા-કાનૂનની ઐસીતૈસી કરીને બે યુવાનોનો જીવ લઈ લે છે.

'ઑનર કિલર'ની સર્વસામાન્ય દલીલો પણ જાણવા જેવી છે...એક જ ગામના છોકરા-છોકરીને લગ્ન નહીં કરવા દેવાય. તેઓ ન સમજે તો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં કંઈ ખોટું નથી.........એક જ ગામના છોકરા-છોકરી ભાઈ-બહેન ગણાય છે. તેમની વચ્ચે લગ્ન ન થઈ શકે. આ રીતે લગ્ન કરનારાઓને મારી નાંખવા જોઈએ.....હત્યાને વાજબી ઠેરવતાં આ વાક્યોમાં બે બાબત હેરાન-પરેશાન કરી દે તેવી છે. પહેલી તો એ કે આ બંને વાક્ય પોતાના બાળકોની હત્યા કરનાર માતાપિતાના એટલે ઑનર કિલર્સના છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને વાક્ય દેશના કોઈ પછાત વિસ્તારમાં અંધારી રાત્રે બોલાયા નથી, પણ ધોળા દિવસે આપણા દેશની રાજધાની દિલ્હીમાં બોલાયા છે.

ઑનર કિલંગ કરનારા લોકોની માનસિકતા (ખરેખર તો વિકૃત માનસિકતા ) પર એલકેકે (લોકો શું કહેશે) પરિબળ હાવી હોય છે. તેઓ બાળકોના અભિપ્રાય અને વિચારો કરતાં લોકોના વિચાર કે અભિપ્રાયને વધારે મહત્વ આપે છે. ઉપરાંત સામાજિક પરંપરાઓ તેમના માનસ એ રીતે હાવી થયેલી હોય છે કે તેઓ પોતાના જ બાળકોનો જીવ લેવા તૈયાર થઈ જાય છે. ભારતીય સમાજમાં આજે પણ મોટા ભાગના લગ્ન જ્ઞાતિની અંદર થાય છે. કેટલાંક યુવાનો આંતરજાતિય લગ્ન કરવાનો નિર્ણય લે છે ત્યારે સમાજ તેમનો સ્વીકાર કરવાની આનાકાની કરે છે. તેમને પ્રોત્સાહન પંચાયતો આપે છે. આ પ્રકારના 'ઑનર કિલિંગ' અટકાવવા સરકારે કાયદામાં સુધારો કરવાનું વિચાર્યું છે, પણ ગુરુવારે તેના પર યોજાયેલી બેઠકમાં મતભેદો સર્જાયા હોવાથી તેના પર ખરડો કાયદો લાવવાનું ટાળી દીધું છે.....સરકારમાં પણ 'ઑનર કિલિંગ'ના સમર્થકો છે....દિલ્હી પહોંચી જવાથી અક્કલ આવતી હોત તો મોહમ્મદ તઘલખે તેની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી હોત?

Sunday, July 4, 2010

ચર્ચા એટલે શું? દલીલ એટલે શું?


ચર્ચા અને દલીલમાં શું ફરક છે? ચર્ચા એટલે માહિતીનું આદાનપ્રદાન. સ્વસ્થ ચર્ચાનો અંત ફાયદાકારક હોય છે. પણ દલીલ એ ચર્ચા નથી, પણ અજ્ઞાનતાનું પ્રદર્શન છે અને તેનો અંત હાસ્યાસ્પદ હોય છે. ચર્ચા હકારાત્મક હોય છે જ્યારે દલીલ નકારાત્મક. ચર્ચાને અંતે વિષયનું તારણ નીકળે છે અને દલીલમાં વ્યક્તિ કે વ્યક્તિઓની માનસિકતા સ્ખલિત થઈ જાય છે.


સ્વસ્થ અને તંદુરસ્ત ચર્ચા પૂર્વગ્રહમુક્ત હોય છે. આ પ્રકારની ચર્ચા જ સીધે પાટે દોડી શકે છે અને છેવટે બધાને કઇંક નવું જાણવા મળે છે. પૂર્વગ્રહ જડતાની નિશાની છે. વાચન અને અભ્યાસ વિનાની વ્યક્તિના વિચારો કુંઠિત અને જડ થઈ જાય છે અને પૂર્વગ્રહ ધરાવતી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં જોખમ છે. મને લાગે છે કે હજુ આપણને ચર્ચા કરવાની ફાવટ આવી નથી. આપણે ચર્ચા શરૂ કરવા જેટલા ઉત્સાહી હોઈએ છીએ તેટલો ઉત્સાહ તેનો ફળદાયક અંત લાવવા સુધી જાળવી શકતાં નથી. તેનું કારણ છે કે જે વિષય પર ચર્ચા કરવા જઇએ છીએ તેના પર પૂરી માહિતી જ ધરાવતા નથી. એટલે ચર્ચા કરવા માટે જરૂરી તર્ક જ તમારી પાસે હોતા નથી.


ચર્ચા તર્કબદ્ધ રીતે થવી જોઈએ. પણ હજુ આપણે તર્કબદ્ધ ચર્ચા કરી શકીએ તેટલા પરિપક્વ થયા નથી. તર્કબદ્ધ ચર્ચા સારી રીતે પૂર્ણ થાય છે પણ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ તર્કબદ્ધ રીતે ચર્ચા ન કરી શકે તો શું કરવું? મારું એવું માનવું છે કે તમે કોઈ વિષય પર તર્કબદ્ધ ચર્ચા ન કરી શકો તો પ્રેમથી તમારે તમારી મર્યાદાનો સ્વીકાર કરવો જોઈએ અને ચર્ચાનો અંત લાવી દેવો જોઈએ. વ્યક્તિ દરેક વિષય પર હથોટી ધરાવી શકતી નથી અને કોઈ વ્યક્તિ આવો દાવો કરતી હોય તો સમજવું કે તેને મનોચિકિત્સિકિય સારવારની જરૂર છે. પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો એ માનસિક તંદુરસ્તીની નિશાની છે. પણ મેં જોયું છે કે વ્યક્તિ ચર્ચા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે મોટા ભાગે તે ધુંધવાઈ જાય છે. તેનો અહમ્ ઘવાય છે. એટલે પહેલાં તે દલીલ કરે છે. આ સમયે તેની સામે ચર્ચા કરનાર સમજુ હોય તો તેને ટ્વેન્ટી-20 બિસ્કિટ ખવડાવી શાંત કરવાનો પ્રયાસ કરે છે અને પછી રામરામ કરીને ચાલ્યો જાય છે.

ચલતે-ચલતેઃ ઉર્દૂ સાહિત્યકાર મંટોને પાગલખાનામાંથી છોડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે-હું નાના પાગલખાનામાંથી મોટા પાગલખાનામાં આવી ગયો