Monday, November 30, 2009

સ્મિતા ઠાકરેઃ માતોશ્રીથી દસ જનપથ સુધીની સફર....


અમેરિકાના બીજા રાષ્ટ્રપ્રમુખ જોહન એડમ્સના પત્ની એબિગેઇલ એડમ્સ સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી હતા. તેમણે પુરુષોને એક મજાની સલાહ આપતાં કહ્યું છે કે, તમે સ્ત્રીઓ કે મહિલાઓની દરકાર નહીં કરો અને તેમને સાચવશો નહીં તો તમારે ચોક્કસ બળવાનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્રના રાજકીય રંગમંચના સુપરસ્ટાર બાલસાહેબ કેશવરામ ઠાકરેને કદાચ આ વાતની જાણ નહીં હોય.

મહારાષ્ટ્રના જાણીતા ઠાકરે પરિવારના હાઇપ્રોફાઇલ પુત્રવધુ સ્મિતા ઠાકરેએ શિવસેના વિરૂદ્ધ બળવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગયા અઠવાડિયે તેમણે મરાઠી દૈનિક લોકસત્તામાં લેખ લખી મહારાષ્ટ્ર વિધાનસભાના ઇતિહાસમાં રાજ ઠાકરેના ગુંડાઓએ જે શરમજનક પ્રકરણ ઉમેર્યુ તે બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ લેખમાં તેમણે મહારાષ્ટ્રીયનોને ભાષા પ્રત્યેનું સંકુચિત વલણ છોડી અંગ્રેજી અને અન્ય ભાષાઓ પ્રત્યે નફરત ફેલાવતા પરિબળોથી દૂર રહેવાની સલાહ આપી હતી. પણ આ સલાહ પાછળનો આશય સમાજનું ભલું કરવા કરતાં અંગત ફાયદો મેળવવાનો વધારે હતો.

છેલ્લાં બે દાયકાથી માતોશ્રીમાં બાલ ઠાકરેની છત્રછાયામાં રહેતાં અને સેનાના હિંસક અને તોફાની રાજકારણનો ભરપૂર ફાયદો ઉઠાવનાર સ્મિતા ઠાકરેના આ બદલાયેલા વલણથી શિવસૈનિકો સિવાય અનેકને આશ્ચર્ય લાગ્યું હતું. તેમણે સોનિયા ગાંધી અને કોંગ્રેસીજનોનો યુવરાજ રાહુલ ગાંધીની ભરપેટ પ્રશંસા કરી ત્યારે આ લેખની પાછળનો આશય સ્પષ્ટ થયો હતો. મેડમ સ્મિતા સેના સાથે છેડો ફાડી હવે મેડમ સોનિયાના દરબારી બનવા માગે છે. માતોશ્રી છોડી તેઓ હવે દસ જનપથમાં પ્રવેશ કરવા માગે છે. નારાયણ રાણે, રાજ ઠાકરે જેવા ભૂતપૂર્વ અને મનોહર જોશી જેવા સદાબહાર શિવસૈનિકોને સ્મિતા ઠાકરેના આ વલણથી બિલકુલ આશ્ચર્ય લાગ્યું નથી.

સ્મિતા ઠાકરે પહેલેથી જ મહત્વાકાંક્ષી છે. 1985ની આજુબાજુ તેઓ સેન્ટુર હોટેલમાં રીસેપ્શનિસ્ટ હતા. આ ફાઇવ સ્ટાર હોટલમાં આવતા ધનિક અને વગદાર મહેમાનોની જેમ તેઓ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી બનવા માગતા હતા. દરેક ધનિકની પાછળ ફરતાં સ્વામાન વગરના સ્વાર્થી જી હજુરિયા રાખવાનો તેમને પણ શોખ હતો. તે સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં બાલ ઠાકરેનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. સ્મિતાનો પરિચય બાલ ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ સાથે થયો. પરિચયે પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્મિતાએ 1987માં માતોશ્રીમાં પ્રવેશ કર્યો. વર્ષ 1995માં મહારાષ્ટ્રમાં પહેલી વખત સેના-ભાજપની યુતિ સરકાર રચાઈ. તેનું રીમોટ કન્ટ્રોલ બાલાસાહેબના હાથમાં હતું, પણ ક્યારે કયા બટન દબાવવા તેનો ફેંસલો સ્મિતા ઠાકરે કરતાં હતા. કોઇક કારણસર જયદેવ પિતા બાલાસાહેબથી દૂર થઈ ગયો હતો, પણ સ્મિતાએ તેમના સસરા સાથે સારો તાલમેલ બેસાડી દીધો હતો. મહારાષ્ટ્રમાં સેના-ભાજપની સરકાર વખતે સ્મિતાનો કેટલો દબદબો હતો તેનું એક ઉદાહરણ આપું.

આ સરકારના મુખ્યમંત્રી પહેલાં મનોહર જોશી હતા. વર્ષ 1999માં તેમના સ્થાને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવાયા હતા. રાણેને મુખ્યમંત્રી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા સ્મિતા ઠાકરેએ જ ભજવી હતી. રાણેએ પણ આ અહેસાનનો બદલો વાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રી બનીને પહેલું કામ સ્મિતાના બિનસરકારી સંગઠન મુક્તિ ફાઉન્ડેશનને અંધેરીમાં 1,720 ચોરસ મીટરના એક પ્લોટની ભેટ ધરી હતી. આ જમીન મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક શોપિંગ સેન્ટર બનાવવા અનામત રાખી હતી અને તેમાંથી સરકારને રૂ. 50 કરોડની આવક થવાની હતી. તે સમયે આઇએએસ, આઇપીએસ અને સરકારી તંત્ર સ્મિતાના ઇશારે નાચતું હતું. બોલીવૂડ તેમના એક ફોન પર ધ્રુજી જતું હતું. તેનો એક કિસ્સો અત્યંત જાણીતો છે.

ફિલ્મના સેટ પર કાયમ મોડો પડવા માટે જાણીતા ગોવિંદાની એક ફિલ્મ હસીના માન જાયેલી થોડા વર્ષ પહેલાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ સ્મિતા ઠાકરેએ કર્યું હતું. તેના શૂટિંગમાં શરૂઆતમાં ગોવિંદો તેની આદત પ્રમાણે મોડો જ પહોંચતો હતો. આ વાતની જાણ નિર્દેશકે સ્મિતાને કરી. પછી તેમણે ગોળમટોળ ગોવિંદાને એક ફોન કર્યો. તે પછી ફિલ્મનું નિર્માણ થયું ત્યાં સુધી ગોવિંદો સેટ પર પાંચ મિનિટ વહેલા પહોંચી જતો હતો. બોલીવૂડની નાની-મોટી કોઈ પણ પાર્ટીનું પહેલું આમંત્રણ સ્મિતાને પહોંચાડવું પડતું હતું. પણ સમય હંમેશા મહેરબાન રહેતો નથી.

વર્ષ 1999 અને 2004ની વિધાનસભાની ચૂંટણીઓમાં સેના-ભાજપની હાર થઈ. 2004માં જયદેવ ઠાકરે સાથે છૂટાછેડા લીધા. જયદેવ માતોશ્રી છોડી બીજે રહેવા ચાલ્યો ગયો પણ સ્મિતાએ બાળકો સાથે શ્વસુર સાથે રહેવાનું પસંદ કર્યું. થોડા સમયે પહેલાં તેઓ જૂહુમાં એક વૈભવી મકાનમાં રહેવા ગયા છે. તેમની પોતાની હાઇપ્રોફાઇલ સેલિબ્રિટી બનવાની ઇચ્છા-આકાંક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ તેમનો દબદબો ઓછો થઈ ગયો છે. ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સેનાનો કારમો પરાજય થયો છે. સ્મિતા હવે પોતાનું અને પુત્ર રાહુલનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માગે છે. તેમને સેનાનો સૂર્યોદય થવાની કોઈ તક દેખાતી નથી. કોંગ્રેસનો સૂર્ય ઝળહળી રહ્યો છે. કોંગ્રેસ પણ શિવસેનાને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. રાજ ઠાકરેને ઢાલ બનાવ્યાં પછી હવે કોંગ્રેસીજનોની નજર સ્મિતા પર છે....

Saturday, November 28, 2009

પામેલાસિંહ ચૌધરી ઉર્ફે પામેલા બોર્ડેસનું સેક્સ સ્કેન્ડલ...


વાત પામેલા બોર્ડેસની છે. તમને થશે કે કોઈ વિદેશી અભિનેત્રીની વાત હશે, પણ ના આ વાત છે એક મિસ ઇન્ડિયાની. મિસ ઇન્ડિયા પામેલાસિંહ ચૌધરીની. પામેલા વર્ષ 1982માં મિસ ઇન્ડિયા બની હતી અને તેણે 1990ના દાયકાના અંતમાં બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.

પામેલસિંહ ચૌધરી ભારતીય સેનામાં મેજર તરીકે સેવા આપી ચૂકેલા મહિન્દરસિંહ કાદ્યાનની પુત્રી છે. તેનો જન્મ વર્ષ 1961માં થયો હતો. દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં આ સુંદર વિદ્યાર્થીનીએ અભ્યાસ દરમિયાન જ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિસ ઇન્ડિયા બન્યા પછી તે યુરોપ જતી રહી અને ત્યાં તેણે શસ્ત્રોના સોદાગર હેનરી બોર્ડેસ સાથે લગ્ન કર્યાં હતા.

આ દરમિયાન પામેલા બ્રિટનમાં પણ રહી. અહીં તેણે અનેક સાંસદો, મંત્રીઓ અને વિશિષ્ટ લોકો સાથે અંતરંગ સંબંધો કેળવ્યાં હતા. તેમાં બ્રિટિશ અખબાર સંડે ટાઇમ્સના સંપાદક એન્ડ્રુસ નીલ અને બ્રિટનની રમતમંત્રી કોલિન મોનીહા પણ સામેલ હતા. પામેલા પાસે હાઉસ ઓફ કોમન્સ એટલે બ્રિટનની લોકસભાનો સિક્યુરિટી પાસ હતો. આ પાસ તેણે રાજકીય વગથી મેળવ્યો હતો. અહીં પામેલા ટોરી પક્ષના સાંસદ ડેવિડ શૉના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. બ્રિટનના અખબારો ત્યારે પામેલા માટે કયો શબ્દ વાપરતા હતા જાણો છો? Alleged High Society Prostitute.

આ વિવાદ બહાર આવ્યો ત્યાં સુધી બ્રિટિશ સરકાર તેને ફક્ત એક સેક્સ કૌભાંડ જ માનતી હતી, પણ તે દરમિયાન એક વધુ ફણગો ફૂટ્યો. તે મુજબ પામેલાના સંબંધ લિબિયા સાથે હતા અને તે આ સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ તરફથી બ્રિટનમાં જાસૂસી કરતી હતી. ખરેખર વાત એમ હતી કે લિબિયાના શાસક ગદ્દાફીના એક સગા અને લિબિયા સરકારના વરિષ્ઠ અધિકાર અલ ડૈમ અને પામેલા વચ્ચે પણ અત્યંત સુંવાળા સંબંધો હતા. ડૈમને મળવા પામેલા અનેક વખત લિબિયા પણ ગઈ હતી. ઉપરાંત તેઓ બંને પેરિસની અત્યંત વૈભવી હોટેલમાં નિયમિતપણે મળતાં હતાં.

બ્રિટિશ સરકાર તેના પર દબાણ વધારતી હતી, પણ પામેલા બહુ તૈયાર હતી. તેણે એક અખબારને મુલાકાત આપી સ્ફોટક જાહેરાત કરી દીધી કે જો તે સત્ય રજૂ કરશે તો બ્રિટનની સરકાર પડી જશે. અંગ્રેજો બહુ શાણા. તેમણે સરકાર બચાવી લીધી અને સાથેસાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગ્રેજોની આબરુના ધજાગરા પણ ન થયા. આ કૌભાંડ પછી વર્ષો સુધી પામેલા ગાયબ થઈ ગઈ હતી. પછી ભારત આવી પ્રોફેશનલ ફોટોગ્રાફર બની ગઈ હતી...

Friday, November 27, 2009

વિનૂ માંકડથી શ્રીસંતઃ ટેસ્ટ કિક્રેટમાં વિજયની સેન્ચુરી....


સફળતા બે પ્રકારની હોય છે-એક અંગત કે વ્યક્તિગત સફળતા અને બીજી સામૂહિક સફળતા, જેને ટીમવર્ક પણ કહેવાય છે. સામૂહિક સફળતાની સરખામણીમાં અંગત સફળતા મેળવવી સહેલી છે. વ્યક્તિગત સફળતાનો આધાર મનુષ્યની પોતાની ક્ષમતા પર હોય છે જ્યારે સામૂહિક સફળતાનો આધાર ટીમના તમામ સભ્યોની સામૂહિકતાની ભાવના અને તેમની વચ્ચેના તાલમેલ પર હોય છે. અંગત સફળતા વ્યક્તિગત ક્ષમતાનું પ્રતિક છે જ્યારે સામૂહિક સફળતા ટીમ વર્ક વ્યક્ત કરે છે અને કાનપુરમાં ટીમ ઇન્ડિયાએ તેની ટેસ્ટ ક્રિકેટની અત્યાર સુધીની સફરમાં વિજયની સદી ફટકારી છેલ્લાં દાયકામાં ટીમની વધી રહેલી તાકાતના દર્શન કરાવ્યાં છે. કાનપુરના ગ્રીન પાર્કમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમ સામે એક ઇનિંગ્સ અને 144 રને ભવ્ય વિજય મેળવી તેના એકસોમા ટેસ્ટ વિજયને યાદગાર બનાવી દીધો છે. પણ પહેલા ટેસ્ટ વિજયથી એકસોમા ટેસ્ટ વિજય સુધીની આ સફર અત્યંત સંઘર્ષમય અને રોમાચંક રહી છે.

ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પદાર્પણ અંગ્રેજના જમાનામાં કર્યું હતું. વર્ષ 1932માં મહાત્મા ગાંધીજી અંગ્રેજો સામે સવિનય કાનૂનભંગની ચળવણ ચલાવતા હતા ત્યારે ગુલામ ભારતની પહેલી ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પણ 1930 અને 1940ના દાયકામાં ભારતીય ટીમને એક પણ વિજય મળ્યો નહોતો. આ બંને દાયકા દરમિયાને તેને કુલ 11 ટેસ્ટમાં પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને પહેલી વખત વિજયનો સ્વાદ વિજય હઝારેના નેતૃત્વમાં ફેબ્રુઆરી, 1952 ચાખવા મળ્યો હતો. મદ્રાસમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને આઠ રને હાર આપી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો. એક આડ વાત કરી લઉં. ટીમ ઇન્ડિયાના પહેલા અને એકસોમા એમ બંને વિજયમાં થોડીઘણી સમાનતા છે.

ટીમ ઇન્ડિયાએ પહેલો વિજય મેળવ્યો એક ઇનિંગ્સ અને આઠ રને મેળવ્યો હતો તો એકસોમો વિજય પણ એક ઇનિંગ્સ અને 144 રને મેળવ્યો છે. આ બંને ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. બંને ઐતિહાસિક મેચમાં ભારતને વિજયની વરમાળા પહેરાવવામાં બોલરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં પ્રથમ વિજયની ભેટ એક ગુજરાતી ઓલરાઉન્ડરે ધરી હતી. મૂળવંતરાય હિમ્મતલાલ માંકડ ઉર્ફે વિનૂ માંકડે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં પપ રનમાં આઠ વિકેટ અને બીજા દાવમાં 53 રનમાં ચાર વિકેટ ઝડપી એમ કુલ 12 વિકેટ ઝડપી હતી. તેની જેમ જ એકસો વિજયની ભેટ પણ એક બોલરે જ ધરી છે. શ્રીસંતે મેચમાં કુલ સાત વિકેટ ધરી શ્રીલંકાની હાર નિશ્ચિત કરી દીધી હતી. મૂળ વાત પર પાછાં ફરીએ...

1950ના દાયકામાં ભારતીય ટીમને છ વિજય અને 17 પરાજ્ય મળ્યાં જ્યારે 1960ના દાયકામાં નવ વિજય અને 21 પરાજ્ય થયા હતા. 1970ના દાયકામાં ભારતીય ટીમે 10 કરતાં વધારે ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી હતી. આ દાયકામાં ભારતીય ટીમે 17 ટેસ્ટ મેચમાં વિજય અને 19 ટેસ્ટમાં પરાજ્ય મેળવ્યો હતો. ટીમ માટે 1980ના દાયકો અત્યંત ખરાબ પુરવાર થયો. આ દાયકામાં ભારતીય ટીમ કુલ 81 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં માત્ર 11 ટેસ્ટમાં તેનો વિજય થયો જ્યારે 21 મેચમાં તેને પરાજ્યનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે 1990ના દાયકામાં ભારતીય ટીમ તેનો દેખાવ સુધારવામાં સફળ રહી હતી. આ દાયકામાં ટીમે 18 મેચમાં વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં વિજયની અર્ધીસદી શ્રીલંકા સામે જ જાન્યુઆરી, 1994માં લખનૌમાં પૂરી કરી હતી. આ રીતે તેને 50 ટેસ્ટ વિજય મેળવતાં 62 વર્ષ લાગ્યા હતા. જોકે તે પછી બીજા 50 ટેસ્ટ વિજય મેળવવા માત્ર 15 વર્ષ જ લાગ્યાં છે અને તેમાં પણ છેલ્લો દાયકો ભારતીય ટીમ માટે સોનેરી પુરવાર થયો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતીય ટીમ 102 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 39 ટેસ્ટમાં તેનો વિજય થયો છે જ્યારે 27 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી આ એકમાત્ર એવો દાયકો છે જેમાં ભારતીય ટીમે હાર કરતાં જીત વધારે મેળવી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ભારતનો આ છઠ્ઠો ટેસ્ટ વિજય છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી છે. ગાંગુલીના નેતૃત્વમાં ભારતનો 21 ટેસ્ટમાં વિજય થયો છે જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં 14, સુનીલ ગાવસ્કર અને પટૌડીના નેતૃત્વમાં નવ, રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આઠ અને બિશનસિંઘ બેદીના નેતૃત્વમાં છ વિજય પ્રાપ્ત કર્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિજય ઓસ્ટ્રેલિયાએ મેળવ્યાં છે. તેણે અત્યાર સુધી 713 ટેસ્ટ મેચમાં 332 વિજય પ્રાપ્ત કર્યાં છે. ઇંગ્લેન્ડને 310, વિન્ડિઝને 152, દક્ષિણ આફ્રિકાને 120 અને પાકિસ્તાને 103 ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી છે.

Thursday, November 26, 2009

કછડો બારે માસ....


રવિવારથી ગુરુવારની રજા મળી. રજા ક્યારે મળશે તે નક્કી નહોતું. પણ રજા મળતા પિંજરામાંથી પંખી છૂટે તેમ અમદાવાદની બહાર નીકળી ગયો. આયોજન વિના અને લાંબી રજા વિના ગુજરાતની બહાર જવું શક્ય નહોતું એટલે બારે માસ રળિયામણા કછડા ભેગા થઈ જવાનું નક્કી કર્યું. એ બહાને સગાસંબંધીઓને મળવાની અને એક સામાજિક પ્રસંગે હાજરી આપવાની પણ ઇચ્છા હતી. કહેવાય છે કે-

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.

હા મુંજો કછડો બારે માસ. કચ્છ મને કાયમ આકર્ષે છે. ખબર નહીં પણ ત્યાં મને અજાણ્યું લાગતું નથી. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો લડાખ છે) આ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ એટલે?

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે. દરિયામાં ભરતી આવે ત્યારે ગુજરાતની તળભૂમિ અને કચ્છ વચ્ચે ઓછા ઊંડાણવાળો રેતાળ ભાગ પાણીથી છવાઈ જાય છે અને દરિયાના દર્શનની ભ્રાંતિ ઊભી થાય છે.

કચ્છનો ઉલ્લેખ પુરાણ કાળ જેટલો જૂનો છે. વિષ્ણુના દસ અવતાર માંહેનો બીજો અવતાર કચ્છાવતાર તરીકે જાણીતો છે. કચ્છાવતારની કથા કંઈક આવી છે. જળપ્રલય વખતે મૂલ્યવાન પદાર્થનો નાશ થયેલો જોઈ તેની શોધ માટે ભગવાન વિષ્ણુએ કૂર્મનું સ્વરૂપ ધારણ કર્યું. કૂર્મ રૂપે તેઓ ક્ષીરસાગરને તળિયે બેઠા અને સમુદ્રમંથન માટે રવૈયો બનાવેલા મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. દેવો અને દૈત્યો બંનેએ મળીને વાસુકી નાગનું નેતરું બનાવ્યું અને મોંની તરફ દૈત્યો અને પૂછડાંની તરફ દેવોએ રહીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. કચ્છની વાત પર પાછાં ફરીએ.

કચ્છની બોલી કચ્છી તરીકે જાણીતા છે. તેને જાડેજી ભાષા પણ કહેવાય છે. તેની વિશેષતા એ છે કે તે બોલાય છે, પણ લખાતી નથી. તેમાં 'દ'ની જગ્યાએ 'ધ', 'મ'ને સ્થાને 'ભ' અને 'ત'ને બદલે 'દ' બોલાય છે. આ બોલી બહુ નિરાળી છે. નાના બાળકોનું કુટુંબ 'કચ્ચા કુંબા' કહેવાય છે. વિક્રમ સંવતની જેમ કચ્છી સંવત પણ છે. તેને 'કચ્ચા સંવત' કહેવાય છે. તેની શરૂઆત ઇસ્વી સન 24 કે 25થી થઈ હોવાનું મનાય છે. અત્યારે કચ્ચા સંવત 1984 કે 1985મી ચાલે છે. અહીં ઉંમરલાયક થતી કુંવારી છોકરીને 'કચ્ચી આસામી' કહેવાય છે. કચ્છી સાહિત્યના સંરક્ષણ માટે ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના પણ કરી છે.

શનિવારે અંજાર પહોંચ્યા. અહીં મારા માસી રહે છે. રવિવારે અંજારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપી, જેસલતોરલની સમાધિ જોઈ, છત્રપાળ દાદાના દર્શન કર્યા......

મુંબઈ હુમલોઃ એક વર્ષ, અનેક સવાલ

26 નવેમ્બર એક તારીખ છે, પણ તે ફક્ત એક તવારીખ જ નથી. તેની સાથે એક ઇતિહાસ હંમેશ માટે જોડાઈ ગયો છે અને સાથેસાથે અનેક સવાલો પણ. ભલે આ ઇતિહાસ ફક્ત એક વર્ષ જૂનો હોય અને તેને યાદ કરવા કોઈ વિશેષ પ્રયાસની જરૂર ન હોય, પણ 26 નવેમ્બરને ભૂલી ન જ શકાય તે અહેસાસ પણ જરૂરી છે. એક વર્ષ અગાઉ દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ પર નાપાક પાકિસ્તાનમાંથી દસ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ફક્ત દસ આતંકવાદીઓએ 60 કલાક આખા દેશને બાનમાં લઈ લીધો હતો. ચોક્કસ, તે અનુભવ આતંકવાદ અને આતંકવાદીઓની તાકાતનો હતો. પણ શું તે હુમલો આપણી નબળાઈનું ઉદાહરણ નહોતો?

આતંકવાદીઓ સામેના તે મુકાબલામાં આપણી બહાદુરીનો અધ્યાય પણ જોડાયેલો છે. આપણા પોલીસ કર્મચારીઓ, સૈનિકો અને નાગરિકોએ પ્રાણની આહુતિ આપી આતંકવાદનો સામનો કર્યો હતો. તે દિવસે વાતાવરણમાં ભય હતો, પણ તેની સાથેસાથે તેને પરાસ્ત કરવાનો એક જુસ્સો પણ હતો. દસ આતંકવાદીઓએ સેંકડો નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા તેની પીડા હંમેશા થશે, પણ મુંબઈવાસીઓ અને સુરક્ષા દળોએ જે હિમ્મત સાથે તે આતંકવાદીઓનો સામનો કર્યો તેના પર પણ ગર્વ થશે.

એક વર્ષ અગાઉ આતંકવાદીઓને નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યાં પછી એક લાખથી વધારે મુંબઈવાસીઓ તાજમહલ હોટલ સામે ભેગા થયા હતા. તેમણે આતંકવાદ સામે ઝૂકી નહીં જવાના, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જવા દેવાના અને દરેક મોરચે આતંકવાદ સામે લડવાના શપથ લીધા હતા. પણ સવાલ એ છે કે આતંકવાદ સામે મુકાબલો કરવા જે માનસિકતાની જરૂર હોય છે, તે આપણી અંદર છે? જરૂરી માનસિકતા એટલે આપણે એક હકારાત્મક વિચારસરણી વિકસિત કરીએ. આ હુમલા પછી દેશમાં રાષ્ટ્રીયતાની એક લહેર ઉઠશે તેવી આશા હતા. આપણે વધુ પ્રામાણિક બનવાનો પ્રયાસ કરીશું તેવી અપેક્ષા હતી. પણ કેટલી ઝડપથી રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ઓગળી ગયો? કેટલી ઝડપથી મુંબઈ હુમલાને ભૂલી ગયા?

આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ આપણને ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું. તાજમહેલ હોટલની સામે ભેગા થઈને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેનારા લોકોમાંથી કેટલાં લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા? મુંબઈના અડધા કરતાં વધારે મતદારોને આ બંને ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી લાગ્યું નહોતું. એવું નથી કે દુનિયાના અન્ય લોકશાહી દેશોમાં આપણા દેશની સરખામણીમાં વધારે મતદાન થાય છે. હુમલા પછી ન્યૂસ ચેનલોના કેમેરા સામે રાજકારણીઓ વિરૂદ્ધ ગુસ્સો પ્રગટ કરનાર મુંબઈવાસીઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સારું એવું મતદાન કરશે તેવી અપેક્ષા હતી, પણ સૂરસૂરિયું થઈ ગયું. રાજકારણીઓ પણ પોતાના અંગત સ્વાર્થમાં આ હુમલાને કેવી રીતે ભૂલી ગયા તેનું એક ઉદાહરણ આપું.

મુંબઈ પર હુમલો થયો ત્યારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટિલ હતા. હુમલા પછી આ પાટિલ મહોદયે કેવું નફ્ફટ વિધાન કર્યું હતું તેને યાદ કરીએ. મુંબઈ જૈસે બડે શહેરોમાં ઐસે છોટે-છોટે હાદસે હોતે રહેતે હૈ...પાટિલસાહેબ માટે મુંબઈ હુમલો નાનો બનાવ હતો. પ્રજાને રોષને પગલે ગૃહ મંત્રી પદેથી તેમને દૂર કરાયાં હતા. પણ હમણાં ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીને ફરી બહુમતી મળતાં પાટિલ મહાશયને ફરી ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ હુમલાને એક વર્ષ થાય તે પહેલાં તેમનું ગૃહ મંત્રી પદે પુનરાગમન થયું છે. પ્રશ્ન એ છે કે કોંગ્રેસ અને એનસીપી હુમલા સમયે પાટિલને ગૃહ મંત્રી તરીકે અયોગ્ય કે નાલાયક સમજતા હતા તો પછી તેમને ફરી ગૃહ મંત્રી શા માટે બનાવવામાં આવ્યાં?

તે ઉપરાંત અનેક પ્રશ્નો જાગે છે. એક વર્ષ અગાઉ થયેલા હુમલામાંથી આપણે શું શીખ્યા? મુંબઈ પોલીસ આ પ્રકારના હુમલાનો સામનો કરવા સજ્જ નહોતી તો શું અત્યારે તૈયાર છે? અત્યંત નબળા બુલેટપ્રૂફ જેકેટોને કારણે કુશળ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. અત્યારે તો એ જેકેટ જ ગાયબ થઈ ગઈ છે, જેને પહેરીને આપણા એક જાંબાઝ પોલીસ અધિકારીએ તેના પ્રાણની આહૂતિ આપી હતી. સરકારે હુમલા પછી પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટની વ્યવસ્થા કરી છે? સરકારે મુંબઈ હુમલા માટે જાસૂસી એજન્સીઓની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી તો અત્યારે આપણી જાસૂસી સંસ્થાઓ આ પ્રકારના હુમલાઓ રોકવા સક્ષમ છે? સૌથી વધુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે આતંકવાદ સમજવા અને તેનો મુકાબલો કરવા જનમાનસમાં કેટલી સમજણ છે? દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા હુમલા પ્રત્યે આપણે કેટલા સાવધ છીએ?

નબળા સમાજ અને રાષ્ટ્રમાં જ આતંકવાદ મૂળિયા જમાવી શકે છે. પ્રશ્ન માત્ર બાહ્ય પરિબળો ફેલાવવામાં આવતા આતંકવાદનો જ નથી. સવાલ એ તમામ પરિબળો સામે લડવાનો છે, જે આપણા રાષ્ટ્રને નબળું બનાવે છે. ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતના નામે પોતાના રોટલાં શેકતાં નીતિભ્રષ્ટ રાજકારણીઓ પણ આપણા દેશ અને સમાજને નબળો પાડી રહ્યાં છે. એટલે આપણે આતંકવાદી હુમલાના શહીદોને સલામ કરી રહ્યાં છીએ ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને, આપણા સમાજને અને આપણા હિંદુસ્તાનને નબળો પાડતા તમામ પરિબળો સામે લડવાનો સંકલ્પ કરવો જરૂરી છે.

Wednesday, November 11, 2009

જય જય ગરવી ગુજરાત..આ આંદોલન પણ ધન્ય છે!

(ફોટો સૌજન્યઃ ગુજરાત સમાચાર)

ખરેખર આ વિરોધ પણ ધન્ય છે! આ આંદોલન પણ ધન્ય છે! ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા આ વિરોધને જાણીને અને જોઇને ધન્યતા અને ભવ્યતા સિવાય બીજું શું અનુભવી શકે? છેવટે મોદીજીના ગુજરાતની યુવા પેઢીએ કંઈક કરી તો દેખાડ્યું! યુવા પેઢીનું આ પરાક્રમ પણ વાઇબ્રન્ટ છે. સવારે ઊઠીને છાપું વાંચીએ અને આ પ્રકારના સમાચાર વાંચવા મળે એટલે મોદીજીના સમૃદ્ધ અને વાઇબ્રન્ટ ગુજરાતની પડખું ફેરવતી સંસ્કૃતિના એક વધુ પાસાનું દર્શન થાય. મોદીજી, આપણા ગુજરાતની યુવા પેઢીનું આ પરાક્રમ પણ ધન્ય છે! ધન્ય છે મારી, તમારી અને આપણા બધા ગુજરાતીઓની આંખ, જેને સહજાનંદ કોલેજના યુવા વિદ્યાર્થીઓના આંદોલનના દર્શન કરવાનો મોકો મળ્યો. જય જય ગરવી ગુજરાત...

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આંદોલન શા માટે કરે? તેમને કોઈ અન્યાય થાય અને તેનાથી સમાજ અને દેશને નુકસાન થવાની શક્યતા હોય ત્યારે વિદ્યાર્થીઓ આંદોલનરૂપી હથિયાર ઉગામે છે. યાદ કરો કે, વી પી સિંહે મંડલ પંચનો સ્વીકાર કર્યો ત્યારે દેશભરના વિદ્યાર્થીઓએ કેવું જલદ આંદોલન છેડ્યું હતું. કોઈ પ્રોફેસર ભણાવવામાં ઠાગાઠૈયા કરતો હોય, સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓનું શોષણ કરતું હોય વગેરે જેવા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરે તે સ્વાભાવિક છે. પણ સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને ભણાવવા કોઈ સારો પ્રયાસ કરે ત્યારે કોલેજના વર્ગખંડને બદલે તેની બહાર કોલેજના કમ્પાઉન્ડમાં રખડવા આંદોલન કરે તેવું ક્યાંય જોયું કે સાંભળ્યું છે. પણ જગતના કદાચ આવા અભૂતપૂર્વ અને ઐતિહાસિક આંદોલન કરવાનું શ્રેય ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત સહજાનંદ કોમર્સ કોલેજને જાય છે.

ચાલો, પહેલાં તમને સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિરોધ વિશે જણાવી દઉં. વાત એમ છે કે, યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી વર્ગખંડમાં ફરજિયાત છે. તે મુજબ કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલે જે વિદ્યાર્થીઓની હાજરી પહેલા સત્રમાં 40 ટકા કરતાં ઓછી હોય તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું. પહેલાં આ પ્રકારના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કેવા હોય છે તે જાણી લઇએ.

કોલેજનાં વર્ગખંડમાં ઓછી હાજરી ધરાવતાં વિદ્યાર્થીઓની પ્રકૃતિ સામાન્ય રીતે હરાયા ઢોર જેવી હોય છે. હરાયું ઢોર એટલે નધણિયાતું કે રખડું ઢોર અને હરાયા ઢોર જેવો માણસ એટલે અમર્યાદ માણસ. જે કોઈ મર્યાદા જાણતી ન હોય કે જાણી જોઇને પાળતી ન હોય તેવી વ્યક્તિ. આ પ્રકારની મહાન હસ્તીઓ તેમને જન્મ આપીને ધન્ય થઈ ગયેલા માતાપિતાને કોલેજ જવાનું કહીને નીકળે છે, પણ કોલેજમાં આવીને વર્ગખંડમાં જતાં નથી. પણ કોલેજના મેદાનમાં અને તેની આજુબાજુ પોતાના જેવા હરાયા ઢોરનું ટોળું બનાવી વિજાતીય વ્યક્તિઓને આકર્ષવાના જ પ્રયાસમાં લાળપાડુ શ્વાનની જેમ આમતેમ હરતાં-ફરતાં હોય છે.

સહજાનંદ કોલેજના આચાર્યએ આ પ્રકારના મૂર્ખશિરોમણીઓને પહેલાં સત્રની હાજરી બીજા સત્રમાં પૂરી કરવાની સૂચના આપી. તેની બાંહેધરી સ્વરૂપે 500 રૂપિયા ડીપોઝિટ પેટે ભરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી બંને સત્રની હાજરી 80 ટકા પૂરી કરે એટલે આ ડીપોઝિટ પાછી. પણ આચાર્યની આ જાહેરાતથી સુખી, સમૃદ્ધિ અને વાઇબ્રન્ટ ગુજરાતની બુદ્ધિશાળી યુવા પેઢી નારાજ છે. તેઓ આચાર્યના આ કદમને વ્યક્તિ અને બૌદ્ધિક સ્વાતંત્ર્ય પર તરાપ સમાન માને છે. તેમનું કહેવું છે કે, તેમણે પરીક્ષા વર્ગખંડમાં હાજર રહીને આપવી કે ગેરહાજર રહીને આપવી તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર વિદ્યાર્થીઓને છે, નહીં કે સંસ્થાના સંચાલકોને. આ બધા બુદ્ધિધનોએ મંગળવારે કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સામે આંદોલન કર્યું. તેમના આ આંદોલન અને એકતાને જોઇને ઘનશ્યામભાઈ પણ ગદગદ થઈ ગયા અને તેમના આંખમાં પાણી આવી ગયું. તેમના મોંમાંથી એક જ વાક્ય સરકતું હતું-વિદ્યાર્થીમિત્રો, તમારી આ એકતા પણ ધન્ય છે! તમારો આ વિરોધ પણ ધન્ય છે!

ગાંધીજી કહેતા કે, હિંદની સંસ્કૃતિ તો કોઈ નિરાળી ચીજ છે. હવે સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓના અનોખા, વિશિષ્ટ અને ઐતહાસિક વિરોધની મોદીજીને જાણ થશે ત્યારે તેઓ તરત જ કહેશે કે-જુઓ, મોદીના ગુજરાતની સંસ્કૃતિ પણ કંઈ ઓછી નિરોળી નથી, મોદીનું ગુજરાત અભૂતપૂર્વ અને અનન્ય છે. તેઓ આ વિરોધની તસવીરના મોટા મોટા હોર્ડિગો રાજમાર્ગો પર લગાવી શકે છે. આ તસવીર પાસે તેમનો મોટો ફોટો હોય, તેમની આંગળી તે તસવીર તરફ હોય અને મોદીજી કહેતા હોય-ગુજરાતની આ યુવા પેઢી પણ ધન્ય છે, આવો, ગુજરાતની ધરા પર જન્મેલા આવા અનોખા અસહકાર આંદોલનના પ્રણેતાઓને શત્ શત્ વંદન કરીએ. ગુજરાતના આ યુવાનો સમગ્ર દેશના યુવાનોને માર્ગ ચીંધશે. જય જય ગરવી ગુજરાત....

ચલતે-ચલતેઃ સુખ-સમૃદ્ધિ સાથે સંસ્કાર આવે છે તે જરૂરી નથી

Tuesday, November 10, 2009

વંદેમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?


વર્ષ 1923. કોંગ્રેસના અધિવેશનનો શુભારંભ પરંપરાગત રીતે આઝાદીની લડાઈના બ્રહ્માસ્ત્ર 'વંદેમાતરમ્' ગીતથી થયો. પણ હિંદુસ્તાનીઓને આઝાદીની લડાઈની પ્રેરણા આપનાર આ ગીતની શરૂઆત થતાં જ કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલી જૌહરે ઊભા થઈને તેનો વિરોધ કર્યો. મહાન સ્વતંત્રતાસેનાની પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'મૌલાના આ કોંગ્રેસનું અધિવેશન છે, કોઈ મસ્જિદ નહીં.' તેના થોડા વર્ષ પછી મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના એક અધિવેશનમાં મુસ્લિમોને 'વંદેમાતરમ્'નો બહિષ્કાર કરવાની અપીલ કરી. મુસ્લિમ લીગ અને મુસ્લિમો પર ઝીણોના પ્રભાવ જોઇને કોંગ્રેસે એક સમિતિની રચના કરી, જેણે 'વંદેમાતરમ્'ના બે અંતરાને રાષ્ટ્રગીત સ્વરૂપે સ્વીકાર કરવાની ભલામણ કરી અને ત્યારથી 'વંદેમાતરમ્' ના બે જ અંતરા ગવાય છે. કોંગ્રેસનું આ સમાધાનવાદી વલણ આજે પણ ચાલુ છે.

થોડા દિવસ પહેલાં જમીયત-ઉલેમા-એ-હિંદે 'વંદેમાતરમ્'ને ઇસ્લામ વિરોધી ગીત જાહેર કર્યું, મુસ્લિમોને તેના ગાનથી દૂર રહેવાનો ફતવો જાહેર કર્યો અને આ સંમેલનમાં હાજર આપણા માનનીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ચૂપકીદી સેવી લીધી. તેમણે ખુલાસો પણ કેવો હાસ્યાસ્પદ આપ્યોઃ આ ફતવો જાહેર થયો ત્યારે હું મંચ પર હાજર નહોતો...કોંગ્રેસ મુસ્લિમોને 'વંદેમાતરમ્' ગાવાનું કહેશે તેવી આશા રાખી શકાય? પ્રશ્ન એ થાય છે કે વંદમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?

મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનમાં મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજાનો વિરોધ કરવામાં આવ્યો છે. કેટલાંક મુસ્લિમો જાણી જોઇને કે અજાણપણે 'વંદેમાતરમ્'નો અર્થ મૂર્તિપૂજા સ્વરૂપે કરે છે. હકીકતમાં 'વંદેમાતરમ્'નો અર્થ છે 'મા તને સલામ, માતૃભૂમિ તને શત્ શત્ વંદન.' તેમાં માતૃભૂમિને નમસ્કારનો ભાવ છે, વંદનનો ભાવ છે અને જે રાષ્ટ્રમાં રહેતાં હોય તે રાષ્ટ્રને પ્રણામ કરવાની કોઈ પણ ધર્મમાં માનતી વ્યક્તિની ફરજ છે. સમગ્ર દેશને ભારતમાતા સ્વરૂપે વંદના કરતાં બંકિમચંદ્ર ચેટર્જીને કલ્પના પણ નહીં હોય કે આઝાદીની લડતમાં વેદ મંત્ર બની ગયેલા આ ગીતનો નાપાક મુસ્લિમો વિરોધ કરશે અને તેને ઇસ્લામવિરોધી ગણાવશે. ચોક્કસ, મુસ્લિમો એક અલ્લાહ સિવાય બીજા કોઈની બંદગી ન કરી શકે, પણ કુરાનમાં રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવાની મનાઈ નથી અને વંદમાતરમ્ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે.

'વંદેમાતરમ્'નો વિરોધ કરતાં ફતવાઉત્પાદક મુલ્લા-મૌલવીઓ કદાચ એ વાત જાણતા નથી કે વર્ષ 1992થી સંસદના સત્રની શરૂઆત 'જન ગણ મન'થી અને 'વંદેમાતરમ્'ના ગાનથી તે પૂર્ણ થાય છે. શું તેઓ હવે મુસ્લિમ સાંસદોને 'વંદેમાતરમ્'ના ગાનથી દૂર રહેવાનું ફરમાન જાહેર કરશે? આ મુલ્લા-મૌલવીઓને જાણ હોવી જોઇએ કે આ પુણ્ય-પવિત્ર રાષ્ટ્રગાનની રચનાનો આશય ધાર્મિક નહોતો, પણ અંગ્રેજોની બેડીઓમાં જકડાયેલા ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમનો દીપ પ્રગટાવવાનો હતો. અંગ્રેજોએ 1870માં ભારતીયોના માથા પર 'ગોડ સેવ ધ ક્વીન'ને રાષ્ટ્રગીત સ્વરૂપે મારવાનો પ્રયાસ કર્યો ત્યારે બંકિમચંદ્રે હિંદુસ્તાનને ભારતમાતા સ્વરૂપે જોઈ આ પ્રાર્થનાગીતની રચના કરી હતી.

વર્ષ 2002માં બીબીસીએ વિશ્વના ટોચના દસ લોકપ્રિય ગીતો વિશે 155 દેશોમાં એક સર્વે કરાવ્યો હતો, જેમાં દુનિયાના સૌથી લોકપ્રિય ગીત તરીકે બીજું સ્થાન 'વંદેમાતરમ્'ને મળ્યું હતું. પહેલું સ્થાન આયરલેન્ડના રાષ્ટ્રગીત 'એ નેશન વન્સ અગેન'ને મળ્યું હતું. 25 ઓગસ્ટ, 1948ના રોજ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 'વંદેમાતરમ્'નું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે ''વંદમાતરમ્ સ્પષ્ટપણે ભારતનું મુખ્ય રાષ્ટ્રીય ગીત છે. તેની મહાન ઐતિહાસિક પરંપરા છે અને તે આઝાદાની લડાઈનું અભિન્ન અંગ છે. તેનું સ્થાન બીજું કોઈ ગીત ન લઈ શકે.'' પંડિતજીની આ વાત હાલના કોંગ્રેસીઓ જાણતા હશે?

ચલતે-ચલતેઃ ''હું કદાચ આ ગીતની લોકપ્રિયતા જોવા જીવતો રહું કે ન રહું, પણ દરેક ભારતીય આ ગીતને વેદમંત્રની જેમ ગાશે તે વાત નક્કી છે''- બંકિમચંદ્ર ચેટર્જી

Friday, November 6, 2009

कागद अब कोरे ही रहेंगे


हा, इसे हिन्दी पत्रकारिता के एक युग का अवसान ही कह सकते है। क्रिकेट और कुमार गंधर्व, राजनीति और हिन्द स्वराज-इन सभी विपरीत ध्रुव पर एक साथ साधना उन्होंने साधी। हा वो हिन्दी पत्रकारिता का उज्जवल नाम थे। जी हा, मैं प्रभाष जोशी की बात कर रहा हुं। परंपरा और आधुनिकता के साथ भविष्य पर नजर रखनेवाले पत्रकार। ऐसा लग रह है, इस क्रिकेटप्रमी को एक तरफ सचिन के 17,000 रन से खुशी हुई तो दूसरी तरफ भारत की हार का धक्का लगा। यह सिर्फ हिंदी पत्रकारिता का नुकसान नहीं है, बल्कि पूरे समाज की क्षति है। वो समाजचिंतक थे। समाज में उनके जैसे सर्वमान्य बुद्धिजीवी काफी कम है। उन्हे सभी ध्यान से पढते है। वो मेरे प्रिय पत्रकार, चिंतक और लेखकोमें से एक है।

वरिष्ठ आलोचक नामवर सिंह ने कहा कि अब कागद कारे पढ़ने को नहीं मिलेगा, कागद अब कोरे ही रहेंगे। वरिष्ठ कवि और समालोचक अशोक बाजपेयी ने कहा कि यह सिर्फ हिन्दी पत्रकारिता का नुकसान नहीं है, बल्कि हिन्दी समाज और बुद्धिजगत की भी क्षति है। जोशीजी ने अनोखी लेखनी विकसित की और पत्रकारिता के माध्यम से हिन्दी को बेहतरीन गद्य दिए। वो अभिव्यक्ति की आझादी के पैरोकार थे। प्रेस की आझादी के लिए वो लडे। मीडिया को मिशन समझनेवाले जोशीजी पत्रकारिता को स्तरहीन और पैसे बनाने की मशीन बनते देख दुःखी थे। वो जनसत्ता हिन्दी के स्थापक संपादक थे।

प्रभाषजी क्रिकेट से लेकर राजनीति तक लिखने वाले हिन्दी के शायद एक मात्र संपादक थे। उनकी राजनीति की समझ काफी गहरी थी और क्रिकेट पर वह दिल से लिखते थे। हिन्दी समाचार का विश्लेषण करने में वह लोकप्रिय नाम थे। उनके निधन के साथ ही परंपरा और आधुनिकता के साथ भविष्य दृष्टि रखने वाली निर्भीक पत्रकारिता के एक युग का अवसान हो गया। गांधीवादी होने के बावजूद क्रिकेट के प्रति उनका रागात्मक लगाव रहा जिसके चलते उनमें युवाओं जैसा जोश दिखाई देता था। हिन्दी पत्रकारिता में क्रिकेट को जोड़ना उनका एक अहम योगदान रहा। मालवी भाषा को पत्रकारिता में लाना उनका दूसरा सबसे बड़ा योगदान था। जोशी के निधन के साथ ही हिन्दी ने राजेन्द्र माथुर की पीढ़ी का सबसे सशक्त हस्ताक्षर खो दिया। हंस के संपादक राजेन्द्र यादव उनको हिन्दी का तीसरा सबसे बड़ा पत्रकार अज्ञेय और राजेन्द्र माथुर के बाद मानते है।

दिल्ली की मुख्यमंत्री और हिन्दी अकादमी दिल्ली की अध्यक्ष शीला दीक्षित ने वरिष्ठ पत्रकार प्रभाष जोशी के निधन पर गहरा शोक व्यक्त किया है। श्रीमती दीक्षित ने जोशी के निधन को गांधीवादी पत्रकारिता के शिखर पुरुष का अवदान बताया। उन्होंने कहा कि जोशी के निधन से गंभीर और जिम्मेदार पत्रकारिता में गहरा शून्य पैदा हुआ जिसकर जिसकी भरपाई संभव नहीं है।

दिल्ली की मुख्यमंत्री और हिन्दी अकादमी दिल्ली की अध्यक्ष शीला दीक्षित ने वरिष्ठ पत्रकार प्रभाष जोशी के निधन पर गहरा शोक व्यक्त किया है। श्रीमती दीक्षित ने जोशी के निधन को गांधीवादी पत्रकारिता के शिखर पुरुष का अवदान बताया। उन्होंने कहा कि जोशी के निधन से गंभीर और जिम्मेदार पत्रकारिता में गहरा शून्य पैदा हुआ जिसकर जिसकी भरपाई संभव नहीं है।

Monday, November 2, 2009

સરદાર અને ઇન્દિરાઃ એક રાજનીતિજ્ઞ, એક માત્ર રાજકારણી


ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા! અત્ર, તત્ર સર્વત્ર, ઇન્દિરા! 31 ઓક્ટોબરે 'પ્રિયદર્શિની' ઇન્દિરા ગાંધીની હત્યાને 25 વર્ષ પૂર્ણ થયા. અખબારો, ન્યૂસ ચેનલો, મેગેઝિન્સ..ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા...તમે રાષ્ટ્રીય મીડિયા પર નજર નાંખો તો એક વાત ઉડીને આંખે વળગશે કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની જાહેરાત સિવાય બીજે ક્યાંય દેખાયા નહોતા. કોઈ રાષ્ટ્રીય ખાનગી ન્યૂસ ચેનલ પર કે જાણીતા રાષ્ટ્રીય અખબાર કે મેગેઝિનમાં સરદાર ક્યાંય નહોતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ ઇન્દિરાને શહીદ ગણાવતી જાહેરાતની સરખામણીમાં સરદારની જાહેરાતનું કદ નાનું કરી નાંખ્યું. જોકે દિલ્હીની ગાદી પર ગાંધી પરિવાર સત્તાનશીન હોય ત્યારે આવી બાબતોની નવાઈ ન લાગવી જોઇએ. ગાંધી-નેહરુ પરિવારની એક ખાસિયત છે. તેઓ પ્રતિભા કરતાં ચમચાગિરીને વધુ પ્રાધાન્ય આપે છે અને મોતીલાલ નહેરુના વંશજોની આ નબળાઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ બહુ સારી રીતે જાણે છે.

તેમણે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી અને સરદાર જંયતિના દિવસે જાણી જોઇને સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને સમકક્ષ નેતા ગણાવ્યાં. પોતાનો સ્વાર્થ સાધવા ઇતિહાસ સાથે ચેડા કરવાનો અધિકાર માત્ર કલમખોર ઇતિહાસકારોનો નથી. હવે રાજકારણીઓ પણ તેમના રંગે રંગાઈ ગયા છે. સિદ્ધાર્થ પટેલને મન સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોઈ ફરક નથી. તેમનું માનવું છે કે, સરદાર પટેલે દેશને એકતાંતણે બાંધ્યો અને ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેનો સીધો અર્થ એ થયો કે સરદારે જે કામ દેશ માટે કર્યું તેવું જ કામ ઇન્દિરા ગાંધીએ તેમના શાસનકાળ દરમિયાન કર્યું. ખરેખર?

સરદારે દેશને એક કર્યો તેમાં કોઈ બેમત નથી. ચોક્કસ, તેઓ અખંડ ભારતના શિલ્પી હતા. પણ ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા તેમના પ્રાણનું બલિદાન આપ્યું તે વાત સંપૂર્ણપણે સાચી નથી. તેમાં અર્ધસત્ય છે અને કોંગ્રેસ સહિત અનેક વિદ્વાનો આ પ્રકારના અર્ધસત્યો આપણા માનસમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આ વિદ્વાનો ખરેખર ગાંધી-નેહરુ દરબારના ચારણો છે અને તેઓ તેમનું બુદ્ધિધન અત્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે આગળ વધારવા ભાતભાતના પેંતરા કરવામાં વાપરી રહ્યાં છે. ગાંધીજી કહેતા કે સત્ય કરતાં અર્ધસત્ય વધારે ખતરનાક છે. કમનસીબે અત્યારે આપણા સમાજમાં અર્ધસત્ય હાવી થઈ ગયું છે.

ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા હતા તેમાં કોઈ બેમત નથી. પણ સરદાર અને ઇન્દિરાના રાષ્ટ્રપ્રેમની સરખામણી કરવી એ સરદારનું અપમાન છે. સરદાર નખશીખ રાષ્ટ્રપ્રેમી હતા. તેમના જીવનમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કોઈ સ્થાન નહોતું. વડાપ્રધાન કે અન્ય કોઈ પદની તેમને લાલસા નહોતી. ગાંધીજીના એક ઇશારે તેમણે દેશના વડાપ્રધાનપદને ઠોકર મારી દીધી હતી. તેમના લોખંડી મનોબળના પ્રતાપે 554 રજવાડા એકછત્ર હેઠળ આવ્યાં હતા. તેમની દ્રઢતાથી પ્રતાપે દેશ મજબૂત થયો. જ્યારે ઇન્દિરા ગાંધીના લોખંડી મનોબળ અને દ્રઢતાથી તેમના વારસદારો અને ચાટુકરો જ મજબૂત થયા હતા, દેશ તો નહીં જ. તેઓ રાષ્ટ્રપ્રેમી હતા, પણ વ્યક્તિગત મહત્વકાંક્ષાની આગળ તેમનો દેશપ્રેમ ગૌણ બની જતો હતો. બાંગ્લાદેશના સર્જન દરમિયાન તેમના રાષ્ટ્રપ્રેમના દર્શન થયા હતા, પણ કટોકટી સમયે તેમના વ્યક્તિત્વમાંથી એક સરમુખત્યારની ગંધ આવતી હતી.

સરદાર રાજનીતિજ્ઞ હતા અને ઇન્દિરા નખશીખ રાજકારણી હતા. સરદાર દીર્ઘદ્રષ્ટા હતા અને લાંબા સમયગાળે દેશના હિતને ધ્યાનમાં લઇને નિર્ણયો લેતા હતા જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજકારણ સત્તાકેન્દ્રી હતું. તેઓ ટૂંકા ગાળાના વ્યક્તિગત સ્વાર્થને સંતોષવા લાંબા ગાળે દેશનું અહિત કરવાની (અ)પરિપક્વતા ધરાવતા હતા. ભિંડરાનવાલેનું સર્જન તેનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમનામાં સરદાર જેટલી હિમ્મત હતી, પણ સરદારની જેમ વૈચારિક પરિપક્વતા નહોતી.

અત્યારે મીડિયા ઇન્દિરા ગાંધીની જે સિદ્ધિઓના ભરપેટ વખાણ કરી રહ્યું છે તેમાંની મોટા ભાગની સિદ્ધિ લાંબા ગાળે રાષ્ટ્ર માટે હાનિકારક પુરવાર થઈ છે. તેમણે બાંગ્લાદેશનું સર્જન કરી દક્ષિણ એશિયામાં લોકશાહીને મજબૂત કરી હતી અને પાકિસ્તાનના ટુકડાં કરી નાંખ્યાં હતાં. પણ પછી સીમલા કરારમાં થાપ ખાઈ ગયા. એટલું જ નહીં બાંગ્લાદેશી વસાહતીઓ આજે પણ આપણા ઘરજમાઈ બનીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપી પાકિસ્તાનના નાપાક ઇરાદા પાર પાડી રહ્યાં છે. તે જ રીતે પંજાબમાં ભિંડરાનવાલેનું સર્જન તેમણે પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષવા કર્યું હતું અને તેમની હત્યા તેની ચરમસીમા હતી...

સરદાર અને ઇન્દિરા મારા પ્રિય નેતા છે, પણ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. એક સાચા દેશપ્રેમી, રાજનીતિજ્ઞ તરીકે સરદાર વંદનીય છે, આદરણીય છે જ્યારે એક સરમુખત્યાર મહિલા રાજકારણી તરીકે ઇન્દિરા આકર્ષે છે...બાકી બંનેની સરખામણી કરીને આપણા સરદારનું અપમાન કરવા જેવું પાપ તો ન જ કરી શકાય......