Wednesday, October 8, 2008

મથુરા બળાત્કાર કેસ



ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં તે સૌથી અપમાનજનક કેસ પૈકીનો એક હતો. વાત મથુરા એક સોળ વર્ષની કિશોરીની હતી. તેની પર 26 માર્ચ, 1972ના રોજ મહારાષ્ટ્રના દેસાઈગંજ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારીઓએ બળાત્કાર કર્યો હતો. ભારે વિરોધ પ્રદર્શન કર્યા પછી બે આરોપી કોન્સ્ટેબલ્સ-ગણપત અને તુકારામ-વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું હતું કે, પીડિતા સંભોગક્રિયાથી સારી પરિચિત હોવાથી તેણે શારીરિક સંબંધો બાંધવાની મંજૂરી આપી હતી. પણ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે તે ચુકાદાને નામંજૂરી કરી ફેરવી તોળ્યો હતો.
ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 'ઘાતક પરિણામ ભોગવવાની ધમકીને વશ થઈ સમર્પણ કરવાનો અર્થ સંભોગ માટે સહમતિ આપી હોય તેવો થતો નથી.' પણ પીડિતાના નસીબમાં ન્યાય નહોતો. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજ કરી તો તેને ખરેખર ન્યાયની દેવીએ આંખા પાટાં બાંધ્યા હોય તેવો અનુભવ થયો હતો. સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે, 'મથુરાએ પોલીસ સ્ટેશનમાં મદદ માટે કોઈને વિનંતી કરી નહોતી અને તેના શરીર પર કોઈ પણ પ્રકારના ઇજાના નિશાન પણ નહોતા.'
આ ચુકાદામાં સહમતિ અને દબાણને વશ થઈ સમર્પણ વચ્ચે શું ફરક છે તેના પર એક શબ્દ પણ કહેવાયો નહીં. આ કારણે ચુકાદાથી લોકોને મોટો આંચકો લાગ્યો હતો, પણ તેણે દેશના બળાત્કારને લગતા કાયદા-કાનૂનમાં વ્યાપક પરિવર્તનનો માર્ગ મોકળો કરી દીધો. જોકે બદલાયેલા કાયદામાં પણ મૂળભૂત સ્તરે બહુ મોટો સુધારો થયો તેવું દેખાતું નથી. બળાત્કારના અપરાધીઓને સજા કડક કરવાની જોગાવાઈ થઈ ગઈ પણ આટલાં વર્ષોમાં સજાના દરમાં મહત્વપૂર્ણ ઘટાડો થયો છે.

No comments: