Friday, October 3, 2008

પ્રચાર-પ્રસાર માધ્યમોની સંવેદનશીલતા અને ગુસ્સો ક્યાં છે?




ગ્રામીણ ભારતની સમસ્યાઓ સાથે જોડાયેલા પત્રકારત્વ માટે મૈગ્સેસે પુરસ્કારથી સમ્માનિત વરિષ્ઠ પત્રકાર પી. સાઇનાથે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજેન્દ્ર માથુર સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલતા પ્રચાર-પ્રસાર માધ્યમોની વર્તમાન માનસિકતા પર અમુક પાયાના સવાલો ઉઠાવ્યાં છે
ભારત અત્યારે જ કૃષિ-સંકટનો સામનો કરી રહ્યું છે તેવા સંકટનો સામનો દેશને હરિત ક્રાંતિ પછી કરવો પડ્યો નહોતો. લાખો લોકો ગામડાં છોડી શહેરો અને મહાનગરોમાં રોજગારી માટે ભટકી રહ્યાં છે. વર્ષ 1991થી વર્ષ 2001 દરમિયાન 80 લાખ લોકોએ ખેતીવાડી છોડી દીધી છે.
શું આ સમસ્યા વિશે ભારતના પ્રચાર-પ્રસાર માધ્યમોમાં તમને કંઈ જાણવા મળ્યું? આ સંદર્ભમાં પ્રચાર-પ્રચાર માધ્યમો અને કૃષિ-સંકટ વચ્ચેના સંબંધોને સમજવા પડશે. એક, અત્યારે જનસંચાર માધ્યમો અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે અંતર વધતું જાય છે. બે, પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ગરીબો અને તેમની સમસ્યાઓ માટે દરવાજા બંધ છે. ત્રણ, પ્રચાર-પ્રસાર માધ્યમના ઉદ્દશો કોર્પોરેટ જગતે છીનવી લીધા છે. અને છેલ્લે લોકશાહીના ચાર સ્તંભોમાં પ્રચાર-પ્રસાર માધ્યમો પ્રભાવશાળી વર્ગના હાથમાં આવી ગયા છે અને વાસ્તવિક સમાજથી અળગા થઈ ગયા છે.
પ્રચાર-પ્રસાર માધ્યમોની નૈતિકતા બદલાઈ ગઈ છે. તેમની દુનિયામાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. ન તેમાં ગુસ્સો છે કે ન કરુણા. તેમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થાય છે પણ એવા કોઈ મુદ્દાને સ્થાન મળતું નથી જે પાછલી પેઢીના પત્રકારોનો વિચલિત કરતાં હતા. વર્તમાનપત્રોમાં જે રીતે પત્રકારોને કામની વહેંચણી થઈ રહી છે તેમાં ગરીબોની સ્પષ્ટ અવગણના થઈ રહી છે. અત્યારે આપણા વર્તમાનપત્રોમાં ફેશન, ડીઝાઇન અને ગ્લેમર દુનિયાનું રીપોર્ટિંગ કરવા વિશેષ પ્રતિનિધિઓ રાખવમાં આવે છે. શું આ દુઃખદ આશ્ચર્ય નથી કે ગ્રામીણ ગરીબોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશમાં ગ્રામીણ કે શહેરી ગરીબી સાથે જોડાયેલી માહિતીઓ એકત્ર કરવા એક પણ પૂર્ણ કક્ષાના પ્રતિનિધિ નથી?
બેરોજગારીની ભયાવહ સંખ્યા ધરાવતા દેશમાં મજૂરોની સમસ્યાઓને વાચા આપતા પ્રતિનિધિઓ હવે દેખાતા નથી. વર્ષ 2006માં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યાઓ કરી હતી. આ દષ્ટિએ તે સૌથી વધુ ખરાબ વર્ષ હતું. વિદર્ભના કૃષિ-સંકટ વિશે સમાચારો મેળવવા રાષ્ટ્રીય સમાચારપત્રો કે સમાચાર ચેનલોના કેટલા પત્રકારો ગયા હતા ? બધા મળીને છ. પણ મુંબઈમાં યોજાયેલા લેકમે વીકના સમાચારો મેળવવા 512 પત્રકારો પહોંચી ગયા હતા.
ફેશન વીકમાં યુવતીઓ શું દેખાડતી હતી ? કદાચ યુવતીઓ વસ્ત્રો કરતાં અંગ-પ્રદર્શન વધુ કરતી હતી. જ્યારે મુંબઈથી જ માત્ર એક કલાકની હવાઈ મુસાફરી કરી જ્યાં પહોંચી શકાય છે તેવા કૃષિ ઉત્પાદન આધારિત વિસ્તાર વિદર્ભમાં કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. દરરોજ છ ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. શું આ સમાચાર નથી ? પત્રકારત્વ અને સ્ટેનોગ્રાફી બે અલગ-અલગ બાબતો છે. અત્યારે જ પત્રકારત્વ તમે જોઈ રહ્યાં છો કે વાંચી રહ્યાં છો તેમાંથી 80 ટકા સ્ટેનોગ્રાફી છે. ખેડૂતોનું ઋણ માફ કરવા બદલ બેંક ચર્ચામાં છે. સરકાર ઋણ માફી યોજનાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે. પણ કેટલા વર્તમાનપત્રો કે સમાચાર ચેનલોએ આ સમાચાર આપવા જરૂરી સમજ્યાં કે ઋણ સુવિધાની વૃદ્ધિ કરવાનો દાવો કરનારાઓએ છેલ્લાં 15 વર્ષમાં વિવિધ બેન્કોની 4,750 શાખાઓ બંધ કરાવી દીધી છે ?
વસતિ ગણતરી અને રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણ શહેરીકરણ સુધી મર્યાદિત છે. પણ 1990ના દાયકા પછી શહેરીકરણ વધુ જટિલ થઈ ગયું છે. ગ્રામીણ લોકોનું સ્થળાંતર ગામડાંમાંથી ગામડાંમાં અને ગામડાંમાંથી શહેરોમાં થઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં છે. સાથેસાથે લોકો શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ પલાયન કરી રહ્યાં છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં મજરી ઓછી છે અને નાના વ્યાપારીઓ સસ્તી મજૂરીના ચક્કરમાં ગ્રામીણ વિસ્તારોમાં જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના ગોંદિયામાં સેંકડો શહેરી મહિલાઓ રોજીરોટી માટે વિદર્ભના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ સવારે પહોંચી જાય છે.
દરેક બજેટ સત્રમાં પહેલાં નાણાપ્રધાન સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. તેના સમાચાર રજૂ કરવામાં પ્રચાર-પ્રચાસ માધ્યમોને કોણ રોકી રહ્યું છે ? વર્ષ 1991માં ખાદ્ય પદાર્થોની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા 510 ગ્રામ હતી જે વર્ષ 2005માં ઘટીને 422 ગ્રામ થઈ ગઈ છે. એક અબજ લોકોને દરરોજ 88 ગ્રામ ઓછું અનાજ મળે છે. તેનો મતલબ એ છે કે દેશનો સરેરાશ પરિવાર દસ વર્ષ પહેલાંની સરખામણીમાં અત્યારે 100 કિલોગ્રામ અનાજ ઓછું ખાય છે. તમારો ગુસ્સો ક્યાં છે ?
કિંમતો વધી રહી છે અને સમાજના જુદાં જુદાં વર્ગ પર તેની જુદી જુદી અસર થઈ રહી છે. પણ આપણે ત્યાં કયાં પ્રકારના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં છે ? થોડા સમાચાર પહેલાં એક રાષ્ટ્રીય દૈનિકમાં એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે વધતી મોંઘવારીના કારણે એક મધ્યમ વર્ગના પરિવારનો દિકરો ક્રિકેટની કોચિંગ મેળવી શકતો નથી.
આજે આપણે સમાચાર આપવાના બદલે ઉત્પાદનોનું વેંચાણ કરવામાં લાગી ગયા છીએ. આપણે સવાલો ઉઠાવવાની જરૂર હતી, સમાજની વાસ્તવિક પરિસ્થિતિને લગતા ઉજાગરા કરતાં પ્રશ્રોને વાચા આપવાની જરૂર હતી, પણ તેને બદલે આપણે ખુશામત કરવામાં લાગ્યા છીએ. જરૂર શ્રેષ્ઠ પત્રકારત્વની છે, પણ આપણે ખરાબમાં ખરાબ સ્ટેનોગ્રાફી રજૂ કરી રહ્યાં છીએ. આપણે ભદ્ર સમાજની સુરક્ષામાં લાગ્યા છીએ અને નિરાશાનો સામનો કરતાં લાખો લોકો આપણને દેખાતા નથી. આપણે દુઃખીઓને સાંત્વન આપવાના અને એશ-આરામમાં રહેતાં લોકોને દર્દથી પરિચિત કરાવવાના મહાન સિદ્ધાંતને બિલકુલ ઉલટાવી દીધો છે.

No comments: