Friday, October 24, 2008

જવાહરલાલ નહેરુને ઝોકું આવ્યું અને પાકિસ્તાન ફાવી ગયું



અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન ફોસ્ટર ડલેસ વર્ષ 1953માં ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નવી દિલ્હી મળવા આવ્યા હતા. તે સમયે અમેરિકા અને ભારત વચ્ચે થોડા મતભેદ હતા અને તેને દૂર કરવા ડલાસ જવાહરલાલ સાથે ચર્ચા-વિચારણા કરવા ભારત આવ્યા હતા. જ્યારે તેમની વાતચીત ચાલતી હતા તે દરમિયાન જવાહરલાલને ઝોકું આવી ગયું અને તેઓ ઊંઘી ગયા. ડલાસને થોડી ક્ષણ પછી ખબર પડી કે જવાહરલાલ સૂઈ ગયા છે. તેમને લાગ્યું કે, ભારતના વડાપ્રધાનને ચર્ચા-વિચારણામાં કોઈ રસ નથી. તેમને માઠું લાગ્યું અને તેઓ ઊઠીને ચાલ્યા ગયા. ત્યારપછી થોડા જ સમયમાં અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રસંરજામની મદદ કરવાનું વચન આપ્યું અને તે માટેની ગોઠવણ પણ કરી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીનો જવાહરલાલે ઘણો વિરોધ કર્યો પણ તેનાથી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.
તે પછી વર્ષ 1958માં મોરારાજી દેસાઈ જ્યારે પહેલી વખત અમેરિકા ગયા ત્યારે તેઓ ડલેસને મળ્યા. ત્યારે તેમને જાણવા મળ્યું કે જો જવાહરલાલજીએ ડલેસ સાથે સારી રીતે વાતચીત કરી હોત તો પરિસ્થિતિ કાંઈક જુદી હોત.

Thursday, October 9, 2008

અને લિંકનનું ખતરનાક સ્વપ્ન સાચું પુરવાર થયું




અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા હતા. અમેરિકનોએ અબ્રાહમ લિંકનને બીજી વખત દેશનું સુકાન સોંપ્યું હતું. પક્ષના કેન્દ્રીય કાર્યાલયમાં હંસી-ખુશી સાથે દિવસ પસાર કર્યા પછી અબ્રાહમ લિંકને વિજયી સ્મિત સાથે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યો. તેઓ આરામ કરવા સોફા પર આડા પડ્યાં કે તેમની આંખો સામેની દિવાલ પર લાગેલા મોટા અરીસા પર સ્થિર થઈ ગઈ. તેમને અરીસામાં પોતાના બે ચહેરા દેખાયા. તેમાં એક ચહેરો અત્યંત પ્રફુલ્લિત હતો તો બીજો ચહેરો પીળો પડી ગયો હતો અને નિષ્પ્રાણ લાગતો હતો. આ જોઇને તેઓ ગભરાઈ ગયા. તેમણે ફરી વખત અરીસામાં જોયું તો બંને પ્રતિબિંબ ગાયબ થઈ ગયા હતા. તેમણે પોતાના ચહેરાના તેવા પ્રતિબિંબ પહેલા ઘણી વખત જોયા હતા અને જાણે કોઈ કહી રહ્યું હોય કે, 'રાષ્ટ્રપ્રમુખ પદના બીજો સમયગાળામાં તારી હત્યા થશે' તેવું અનુભવ્યું હતું.
આ વિશે માર્શલ હિલમેને જણાવ્યું હતું કે, જ્યારે પક્ષે લિંકનને રાષ્ટ્રપ્રમુખના પદ માટે ફરી પસંદ કર્યા ત્યારે તેમને તેમની હત્યા થશે તે વાતનો વિશ્વાસ થઈ ગયો હતો. તેમણે તેમની પસંદગીના સમાચારને ચૂપચાપ સાંભળ્યા હતા. તેમણે કોઈ આનંદ વ્યક્ત કર્યો નહોતો.
લિંકનને તેનાથી વધારે સ્પષ્ટ સંકત તો પોતાની હત્યાના એક મહિના પહેલાં જોયેલા સ્વપ્નમાં મળ્યો હતો. તેમણે આ સ્વપ્ન વિશે પોતાના અંગત મિત્રોના વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'થોડા દિવસ પહેલાંની વાત છે. મેં સ્વપ્નમાં જોયું કે હું મારા કાર્યાલયમાં એકલો બેઠો હતો અને અચાનક રડવાનો અવાજ આવ્યો. તે ક્યાંથી આવે છે તે જાણવા હું બહાર નીકળ્યો અને વ્હાઇટ હાઉસના જુદાં જુદાં ઓરડામાં જોયું, પણ ક્યાંય કોઈ પણ નહોતું તેમ છતાં ધ્રૂસકેને ધ્રૂસકે રડવાનો અવાજ સતત આવતો હતો. ઓરડાઓની લાઇટ ચાલુ હતી. મારા મનમાં વિવિધ પ્રકારના વિચારો આવ્યા. છેવટે ફરતો ફરતો પૂર્વ દિશામાં સ્થિત ઓરડામાં ગયો તો મારી નજર ઓરડાની વચ્ચોવચ્ચ પડેલા એક મૃતદેહ પર પડી. તેની ચારે તરફ સશસ્ત્ર સૈનિકો ઊભા હતા. મૃતદેહનો ચહેરો સફેદ કપડાંથી ઢાંકી દેવાયો હતો. ચારેબાજુ લોકોની ભીડ જામી હતી. મેં એક સૈનિકને પૂછ્યું કે, 'કોનું મૃત્યુ થયું છે?' ત્યારે સૈનિકે જવા આપ્યો, 'આ આદરણીય રાષ્ટ્રપ્રમુખ લિંકનનો મૃતદેહ છે.' તે પછી લોકોમાં રોકકળ થવા લાગી અને મારી આંખો ખુલી ગઈ.'
14 એપ્રિલ, 1864ની સાંજે સાત વાગે લિંકનના વિશિષ્ટ સંરક્ષક ક્રંકે તેમની પાસેથી વિદાય લેતાં કહ્યું, 'આદરણીય રાષ્ટ્રપ્રમુખ! ગુડ નાઇટ!'
લિંકને જવાબ આપ્યો, 'ગુડ બાય!'
ક્રેંક ઘરે જતી વખતે વિચારતો હતો કે આજે પ્રમુખે 'ગુડ નાઇટ'ને બદલે 'ગુડ બાય' કેમ કહ્યું?
તેના પછી બરોબર ત્રણ કલાક પછી ક્રંકને જવાબ મળી ગયો હતો. લિંકનની બે ગાળી મારી હત્યા કરી દેવાઈ હતી.

Wednesday, October 8, 2008

મથુરા બળાત્કાર કેસ



ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં તે સૌથી અપમાનજનક કેસ પૈકીનો એક હતો. વાત મથુરા એક સોળ વર્ષની કિશોરીની હતી. તેની પર 26 માર્ચ, 1972ના રોજ મહારાષ્ટ્રના દેસાઈગંજ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારીઓએ બળાત્કાર કર્યો હતો. ભારે વિરોધ પ્રદર્શન કર્યા પછી બે આરોપી કોન્સ્ટેબલ્સ-ગણપત અને તુકારામ-વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું હતું કે, પીડિતા સંભોગક્રિયાથી સારી પરિચિત હોવાથી તેણે શારીરિક સંબંધો બાંધવાની મંજૂરી આપી હતી. પણ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે તે ચુકાદાને નામંજૂરી કરી ફેરવી તોળ્યો હતો.
ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 'ઘાતક પરિણામ ભોગવવાની ધમકીને વશ થઈ સમર્પણ કરવાનો અર્થ સંભોગ માટે સહમતિ આપી હોય તેવો થતો નથી.' પણ પીડિતાના નસીબમાં ન્યાય નહોતો. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજ કરી તો તેને ખરેખર ન્યાયની દેવીએ આંખા પાટાં બાંધ્યા હોય તેવો અનુભવ થયો હતો. સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે, 'મથુરાએ પોલીસ સ્ટેશનમાં મદદ માટે કોઈને વિનંતી કરી નહોતી અને તેના શરીર પર કોઈ પણ પ્રકારના ઇજાના નિશાન પણ નહોતા.'
આ ચુકાદામાં સહમતિ અને દબાણને વશ થઈ સમર્પણ વચ્ચે શું ફરક છે તેના પર એક શબ્દ પણ કહેવાયો નહીં. આ કારણે ચુકાદાથી લોકોને મોટો આંચકો લાગ્યો હતો, પણ તેણે દેશના બળાત્કારને લગતા કાયદા-કાનૂનમાં વ્યાપક પરિવર્તનનો માર્ગ મોકળો કરી દીધો. જોકે બદલાયેલા કાયદામાં પણ મૂળભૂત સ્તરે બહુ મોટો સુધારો થયો તેવું દેખાતું નથી. બળાત્કારના અપરાધીઓને સજા કડક કરવાની જોગાવાઈ થઈ ગઈ પણ આટલાં વર્ષોમાં સજાના દરમાં મહત્વપૂર્ણ ઘટાડો થયો છે.

Monday, October 6, 2008

પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા?


હિંદુસ્તાન બ્યુરો
નવી દિલ્હી


દૂરદર્શન અને આકાશવાણી હકીકતમાં સરકારી સંસ્થાઓ છે અને તેમની સ્વાયતત્તા માત્ર કાગળ પર જ છે. આ વાત પ્રસારભારતીના ભવિષ્યનો ફેંસલો કરવા માટે રચાયેલા મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની બેઠકમાં ચર્ચાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પંચાયતરાજ મંત્રી મણિશંકર ઐય્યરે પ્રસારભારતીની સ્વાયતત્તાને માત્ર કાગળ પર જ અને હકીકતમાં વ્યાવહારિક દૃષ્ટિએ તેને ક્યારેય સ્વાયતત્તા મળી જ નથી તેવું કહ્યું હતું.
ઐય્યરે કહ્યું હતું કે, પ્રસારભારતીએ તેની સ્થાપનાથી લઇને અત્યાર સુધી ક્યારેય સ્વાયત્ત સંસ્થાની જેમ કામ કર્યું નથી, પણ તેની કામગીરી એક સરકારી સંસ્થા જેવી જ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રસારભારતની સ્થાપના 23 નવેમ્બર, 1997ના રોજ થઈ હતી.
આ બેઠક પ્રસારભારતીના કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. તેના કર્મચારીઓની માંગણી છે કે તેમને સરકારી કર્મચારી ગણવામાં આવે જેનો સૂચના અને પ્રસારણ મંત્રાલય વિરોધ કરી રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમને સરકારી કર્મચારી ગણવાને બદલે સરકારી કર્મચારીઓની સમકક્ષ તરીકે જ ચાલુ રાખવા માગે છે. પરંતુ આ ચર્ચા-વિચારણા દરમિયાન બેઠક જેના માટે બોલાવવામાં આવી હતી તે મુદ્દો જ ભૂલાઈ ગયો અને પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા છે તેના પર ચર્ચા થઈ હતી.
સૈદ્ધાંતિક રીતે પ્રસારભારતીને સ્વાયત્ત સંસ્થા ગણવામાં આવે છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અંબિકા સોની પણ હાજર હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રસારભારતીમાં ભારતીય સૂચના સેવાના અધિકારીઓની નિમણૂંક કરી શું સરકાર પ્રસારભારતીને સરકારી સંસ્થા બનાવી દેવા માગે છે? ત્યારે આ બાબતની ગંભીરતા સમજી ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે, સરકારને સમર્થન કરતાં મીડિયા તરીકે પ્રસારભારતીની જરૂર છે.

Friday, October 3, 2008

પ્રચાર-પ્રસાર માધ્યમોની સંવેદનશીલતા અને ગુસ્સો ક્યાં છે?




ગ્રામીણ ભારતની સમસ્યાઓ સાથે જોડાયેલા પત્રકારત્વ માટે મૈગ્સેસે પુરસ્કારથી સમ્માનિત વરિષ્ઠ પત્રકાર પી. સાઇનાથે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજેન્દ્ર માથુર સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલતા પ્રચાર-પ્રસાર માધ્યમોની વર્તમાન માનસિકતા પર અમુક પાયાના સવાલો ઉઠાવ્યાં છે
ભારત અત્યારે જ કૃષિ-સંકટનો સામનો કરી રહ્યું છે તેવા સંકટનો સામનો દેશને હરિત ક્રાંતિ પછી કરવો પડ્યો નહોતો. લાખો લોકો ગામડાં છોડી શહેરો અને મહાનગરોમાં રોજગારી માટે ભટકી રહ્યાં છે. વર્ષ 1991થી વર્ષ 2001 દરમિયાન 80 લાખ લોકોએ ખેતીવાડી છોડી દીધી છે.
શું આ સમસ્યા વિશે ભારતના પ્રચાર-પ્રસાર માધ્યમોમાં તમને કંઈ જાણવા મળ્યું? આ સંદર્ભમાં પ્રચાર-પ્રચાર માધ્યમો અને કૃષિ-સંકટ વચ્ચેના સંબંધોને સમજવા પડશે. એક, અત્યારે જનસંચાર માધ્યમો અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે અંતર વધતું જાય છે. બે, પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ગરીબો અને તેમની સમસ્યાઓ માટે દરવાજા બંધ છે. ત્રણ, પ્રચાર-પ્રસાર માધ્યમના ઉદ્દશો કોર્પોરેટ જગતે છીનવી લીધા છે. અને છેલ્લે લોકશાહીના ચાર સ્તંભોમાં પ્રચાર-પ્રસાર માધ્યમો પ્રભાવશાળી વર્ગના હાથમાં આવી ગયા છે અને વાસ્તવિક સમાજથી અળગા થઈ ગયા છે.
પ્રચાર-પ્રસાર માધ્યમોની નૈતિકતા બદલાઈ ગઈ છે. તેમની દુનિયામાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. ન તેમાં ગુસ્સો છે કે ન કરુણા. તેમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થાય છે પણ એવા કોઈ મુદ્દાને સ્થાન મળતું નથી જે પાછલી પેઢીના પત્રકારોનો વિચલિત કરતાં હતા. વર્તમાનપત્રોમાં જે રીતે પત્રકારોને કામની વહેંચણી થઈ રહી છે તેમાં ગરીબોની સ્પષ્ટ અવગણના થઈ રહી છે. અત્યારે આપણા વર્તમાનપત્રોમાં ફેશન, ડીઝાઇન અને ગ્લેમર દુનિયાનું રીપોર્ટિંગ કરવા વિશેષ પ્રતિનિધિઓ રાખવમાં આવે છે. શું આ દુઃખદ આશ્ચર્ય નથી કે ગ્રામીણ ગરીબોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશમાં ગ્રામીણ કે શહેરી ગરીબી સાથે જોડાયેલી માહિતીઓ એકત્ર કરવા એક પણ પૂર્ણ કક્ષાના પ્રતિનિધિ નથી?
બેરોજગારીની ભયાવહ સંખ્યા ધરાવતા દેશમાં મજૂરોની સમસ્યાઓને વાચા આપતા પ્રતિનિધિઓ હવે દેખાતા નથી. વર્ષ 2006માં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યાઓ કરી હતી. આ દષ્ટિએ તે સૌથી વધુ ખરાબ વર્ષ હતું. વિદર્ભના કૃષિ-સંકટ વિશે સમાચારો મેળવવા રાષ્ટ્રીય સમાચારપત્રો કે સમાચાર ચેનલોના કેટલા પત્રકારો ગયા હતા ? બધા મળીને છ. પણ મુંબઈમાં યોજાયેલા લેકમે વીકના સમાચારો મેળવવા 512 પત્રકારો પહોંચી ગયા હતા.
ફેશન વીકમાં યુવતીઓ શું દેખાડતી હતી ? કદાચ યુવતીઓ વસ્ત્રો કરતાં અંગ-પ્રદર્શન વધુ કરતી હતી. જ્યારે મુંબઈથી જ માત્ર એક કલાકની હવાઈ મુસાફરી કરી જ્યાં પહોંચી શકાય છે તેવા કૃષિ ઉત્પાદન આધારિત વિસ્તાર વિદર્ભમાં કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. દરરોજ છ ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. શું આ સમાચાર નથી ? પત્રકારત્વ અને સ્ટેનોગ્રાફી બે અલગ-અલગ બાબતો છે. અત્યારે જ પત્રકારત્વ તમે જોઈ રહ્યાં છો કે વાંચી રહ્યાં છો તેમાંથી 80 ટકા સ્ટેનોગ્રાફી છે. ખેડૂતોનું ઋણ માફ કરવા બદલ બેંક ચર્ચામાં છે. સરકાર ઋણ માફી યોજનાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે. પણ કેટલા વર્તમાનપત્રો કે સમાચાર ચેનલોએ આ સમાચાર આપવા જરૂરી સમજ્યાં કે ઋણ સુવિધાની વૃદ્ધિ કરવાનો દાવો કરનારાઓએ છેલ્લાં 15 વર્ષમાં વિવિધ બેન્કોની 4,750 શાખાઓ બંધ કરાવી દીધી છે ?
વસતિ ગણતરી અને રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણ શહેરીકરણ સુધી મર્યાદિત છે. પણ 1990ના દાયકા પછી શહેરીકરણ વધુ જટિલ થઈ ગયું છે. ગ્રામીણ લોકોનું સ્થળાંતર ગામડાંમાંથી ગામડાંમાં અને ગામડાંમાંથી શહેરોમાં થઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં છે. સાથેસાથે લોકો શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ પલાયન કરી રહ્યાં છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં મજરી ઓછી છે અને નાના વ્યાપારીઓ સસ્તી મજૂરીના ચક્કરમાં ગ્રામીણ વિસ્તારોમાં જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના ગોંદિયામાં સેંકડો શહેરી મહિલાઓ રોજીરોટી માટે વિદર્ભના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ સવારે પહોંચી જાય છે.
દરેક બજેટ સત્રમાં પહેલાં નાણાપ્રધાન સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. તેના સમાચાર રજૂ કરવામાં પ્રચાર-પ્રચાસ માધ્યમોને કોણ રોકી રહ્યું છે ? વર્ષ 1991માં ખાદ્ય પદાર્થોની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા 510 ગ્રામ હતી જે વર્ષ 2005માં ઘટીને 422 ગ્રામ થઈ ગઈ છે. એક અબજ લોકોને દરરોજ 88 ગ્રામ ઓછું અનાજ મળે છે. તેનો મતલબ એ છે કે દેશનો સરેરાશ પરિવાર દસ વર્ષ પહેલાંની સરખામણીમાં અત્યારે 100 કિલોગ્રામ અનાજ ઓછું ખાય છે. તમારો ગુસ્સો ક્યાં છે ?
કિંમતો વધી રહી છે અને સમાજના જુદાં જુદાં વર્ગ પર તેની જુદી જુદી અસર થઈ રહી છે. પણ આપણે ત્યાં કયાં પ્રકારના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં છે ? થોડા સમાચાર પહેલાં એક રાષ્ટ્રીય દૈનિકમાં એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે વધતી મોંઘવારીના કારણે એક મધ્યમ વર્ગના પરિવારનો દિકરો ક્રિકેટની કોચિંગ મેળવી શકતો નથી.
આજે આપણે સમાચાર આપવાના બદલે ઉત્પાદનોનું વેંચાણ કરવામાં લાગી ગયા છીએ. આપણે સવાલો ઉઠાવવાની જરૂર હતી, સમાજની વાસ્તવિક પરિસ્થિતિને લગતા ઉજાગરા કરતાં પ્રશ્રોને વાચા આપવાની જરૂર હતી, પણ તેને બદલે આપણે ખુશામત કરવામાં લાગ્યા છીએ. જરૂર શ્રેષ્ઠ પત્રકારત્વની છે, પણ આપણે ખરાબમાં ખરાબ સ્ટેનોગ્રાફી રજૂ કરી રહ્યાં છીએ. આપણે ભદ્ર સમાજની સુરક્ષામાં લાગ્યા છીએ અને નિરાશાનો સામનો કરતાં લાખો લોકો આપણને દેખાતા નથી. આપણે દુઃખીઓને સાંત્વન આપવાના અને એશ-આરામમાં રહેતાં લોકોને દર્દથી પરિચિત કરાવવાના મહાન સિદ્ધાંતને બિલકુલ ઉલટાવી દીધો છે.