Tuesday, May 31, 2016

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોઃ હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ...


બાજીગર એટલે? ગુજરાતી લેક્સિકનમાં તેનો અર્થ આ પ્રમાણે આપવામાં આવ્યો છેઃ યુક્તિથી રમાડી જાણનાર, ખેલાડી, માકડાં વગેરેનો ખેલ કરનાર, મદારી. બાજીગર '21મી સદીના રાજેશ ખન્ના' શાહરૂખ ખાનની શરૂઆતની સફળ પુરવાર થયેલી ફિલ્મોમાંની એક હતી. બાલ્યાવસ્થામાં લાંબું વિચારવાની ક્ષમતા નહોતી, ફિલ્મની ગુણવત્તાનો જરાં સરખો પણ ખ્યાલ નહોતો ત્યારે આ ફિલ્મ અતિ મનોરંજક લાગી હતી. તેનો એક સંવાદ અતિ લોકપ્રિય થયો હતો. 'હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ...' ગયા મહિને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યાં પછી મને આ સંવાદ વારંવાર યાદ આવે છે. દેશમાં અત્યારે બાજીગરી ચાલે છે. ભારતીય રાજનીતિમાં એક પછી એક બાજીગર આવે છે અને સફળતાના નવા માપદંડ સર કરે છે. પ્રજાને પણ મજા પડે છે. બાજીગરોના ખેલ જોઈને હરખે હરખે છેતરાય છે.

આવી જ બાજીગરી ગયા મહિને પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી. તેમાં અસમમાં કોંગ્રેસના 15 વર્ષના અણઘડ શાસનને પરિણામે ભાજપનો અતિ અપેક્ષિત વિજય થયો અને તેમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે બાકીના ચાર રાજ્યોમાં ભાજપને ફાયદો થવાના બદલે ખરેખર નુકસાન થયું છે. છતાં મોદીજનો તાળીઓ પાડી પાડીને કહે છે કે અસમ ઉપરાંત બાકીના ચારેય રાજ્યોમાં ભાજપને મસમોટો ફાયદો થયો છે અને હવે આ ચારેય રાજ્યોમાં ટૂંક સમયમાં ભાજપ સત્તાના શિખરે બિરાજમાન હશે. મોદીજનો અસમમાં વિજયની પ્રશંસા દશ મોઢે કરે છે. તેનાથી પણ વિશેષ તેઓ વીસ હાથથી કોંગ્રેસના પરાજય પર તાળીઓ પાડે છે. પણ જો તેઓને પૂછો કે બાકીના ચાર રાજ્યોમાં ભાજપને કેવી રીતે ફાયદો થયો તો તેઓ તેમની સ્વભાવગત વિશેષતા પર પાછાં ફરે છે અને તમને પૂછે છેઃ કોંગ્રેસ 60 વર્ષ શું કર્યું?

મોદીજનો ચાર રાજ્યો વિશે સાચું ચિત્ર જણાવશે નહીં અને તેમની પાસે આટલા ઊંડાણપૂર્વક વિશ્લેષણની અપેક્ષા રાખવી વ્યર્થ છે. પણ સાચું ચિત્ર શું છે તે હવે જોઈએ. સૌપ્રથમ વાત કરીએ 'સવાયા સામ્યવાદી' પુરવાર થયેલા મમતાદીદીના બંગાળની. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિના સુપરસ્ટાર હતા અને દેશમાં 'અચ્છે દિન'ની લહેર હતી. આ લહેર પર સવાર ભાજપને લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 17 ટકા મત મળ્યાં હતાં. તેના પરથી ભાજપે અનુમાન હતું કે વિધાનસભાની ચૂંટણીમાં તેનો મતહિસ્સો વધશે. પણ મોદી સરકારની બે વર્ષની કામગીરી પછી ખરેખર શું થયું? બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા પછી ભાજપનો મતહિસ્સો વધવાને બદલે ઘટીને 10 ટકા થઈ ગયો છે. એટલે હકીકતમાં પશ્ચિમ બંગાળના પરિણામો તો મોદી સરકારની બે વર્ષની કામગીરીથી બંગાળની પ્રજા કેટલી ખુશ છે તેનો ચિતાર આપી દીધો છે. 

તે જ રીતે કેરળમાં મોદીજનો ખાતું ખોલવા બદલ ગર્વ અનુભવે છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતહિસ્સો વધ્યો હતો અને તે દ્રષ્ટિએ ભાજપ ચાર વિધાનસભાની બેઠકો પર સૌથી વધુ મત મેળવીને નંબર વન હતો. પણ ખરેખર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ફક્ત એક જ બેઠક પર વિજય મળ્યો છે. વળી, ભાજપના પ્રવક્તા કેરળમાં 15 મતહિસ્સો મેળવવા પર ગર્વ અનુભવે છે, પણ હકીકતમાં તેઓ ભાજપના સહયોગીઓને પ્રાપ્ત થયેલા મતો પણ પોતાના જ ગણાવે છે. ખરેખર અહીં ભાજપનો મતહિસ્સો આંશિક વધીને 11 ટકા થયો છે. તામિલનાડુમાં સ્થિતિ શું છે? અહીં પણ પ્રજાએ મોદીસરકારની બે વર્ષની કામગીરી પર નિરાશા જ વ્યક્ત કરી છે. વર્ષ 2014માં મોદીના 'અચ્છે દિન'ના સૂત્રથી અંજાઈ ગયેલા તામિલનાડુના 6 ટકા મતદારોએ ભાજપને મત આપ્યો હતો, પણ વર્ષ 2016ની ચૂંટણીમાં તામિલનાડુમાં આવા મોદીજનોનો ઘટીને 3 ટકા રહ્યાં છે.  છેલ્લે પોંડિચેર નામના એક નાનાં રાજ્યની વાત કરીએ. અહીં કોંગ્રેસનો વિજય થયો છે. (નાનાં રાજ્યમાં પણ કોઈ પણ પક્ષના વિજયની નોંધ તો લેવી જ જોઈએને!)

ભારત સંસ્કૃતિ અને રાજનીતિ ચાપલૂસપ્રધાન, ચમચાપ્રધાન છે. ગાંધીપરિવારના દરબારને 44 બેઠક સુધી પહોંચાડવામાં ચાપલૂસોની ભૂમિકા કાબિલેદાદ છે. પણ હવે મોદીજનોએ નવો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છેઃ ચાપલૂસી અને ચમચાગીરીમાં પણ કોંગ્રેસીજનોને પછાડીને નંબર 1 બનવાનું. વડાપ્રધાન મોદીએ આ ચમચાઓથી ચેતીને ચાલવા જેવું છે. ચમચાઓ, ચાપલૂસોએ વ્યક્તિ, સંસ્થા, રાજકીય પક્ષ અને  દેશનું ક્યારેય હિત કર્યું નથી. તેમણે વ્યક્તિ, સંસ્થા અને દેશના ભોગે પોતાનાં જ હિતો સાધ્યાં છે. લોકશાહીની ચાલ બહુ વિચિત્ર છે. શહેનશાહ સત્તાના ગુમાનમાં મદમસ્ત હોય છે, ત્યારે પ્રજા સણસણતો તમાચો મારીને તેની આંખો ખોલે છે. જોકે મોદી ગુજરાતના મુખ્યમંત્રીની જેમ ભારતના વડાપ્રધાન તરીકે પણ નસીબદાર છે. હું ભારતના અત્યાર સુધીના શાસકોમાં મોદીને સૌથી વધુ નસીબદાર શાસક ગણું છું, કારણ કે તેમને પડકાર ફેંકી શકે એવો રાષ્ટ્રીય સ્તરનો ગણી શકાય એક પણ નેતા નથી. કદાચ એટલે જ મોદી બેફિકર છે અને ચાપલૂસો પોતાની જ આ ધૂનમાં મસ્ત છેઃ કોંગ્રેસે 60 વર્ષ શું કર્યું.....કોંગ્રેસ 60 વર્ષ શું કર્યું....

Tuesday, May 17, 2016

દોષ ના જોઈએ કોઈના

સાધુ પ્રેમવત્સલદાસજી

મનુષ્યનું મન બહુ બદમાશ છે. વ્યક્તિઓના દોષો ઊડીને આંખે વળગે અને ગુણો પ્રત્યે આંખ આડા કાન કરે. આપણે કોઈની જરાં સરખી પણ નબળાઈને વાજતેગાજતે જાહેર કરીએ છીએ. રજનું ગજ કરવામાં આપણે માહેર. કોઈ વ્યક્તિ તામસી હોય, ક્રોધિત હોય તો તેનાથી દૂર રહેવામાં જ સલામતી એવું કહીને તેને લોકોની નજરમાંથી ઉતારી પાડીએ. કોઈ વ્યક્તિના કપટસભર વ્યવહારનો અનુભવ થાય તો આપણે તેને કપટી તરીકે જગતમાં ચીતરી નાંખીએ. પણ મારે તમને પૂછવું છે કે, તમે જેટલા લોકોના દોષોનો ઢંઢેરો પીટો છો, તેટલાં લોકોના ગુણગાન ગાવ છો? તમને કોઈ વ્યક્તિનો સારો ગુણ દેખાય તો તેને જગત સમક્ષ જાહેર કરો છો?

સાવ સાચું કહેજો. હકીકતમાં આપણે પામર મનુષ્યોને જેટલો આનંદ દોષદર્શનમાં આવે છે તો તેટલું સુખ આપણને ગુણગાનમાં મળતું નથી. આપણે જે મજા બીજાના નાનાં સરખા દોષને હિમાલય જેવડો કરવામાં આવે છે, તે મજા ગુણગાન કરવામાં ક્યાં મળે! આપણી ઘણી બધી સમસ્યાનું મૂળ દોષદર્શન છે. બીજાના દોષ જોવાથી આપણે તેના ગુણો જોઈ શકતાં નથી. વ્યક્તિમાં રહેલો એકાદ સદગુણ પણ આપણે માણી શકતાં નથી. આ મનોવૃત્તિ સુધારવાની જરૂર છે. આવો, જો કોઈ વ્યક્તિમાં ઉદારતા દેખાય તો તેની ઉદારતાને પોંખીએ. જો વ્યક્તિમાં ક્ષમાનો ગુણ દેખાય તો તેના જેવો ગુણ કેળવવાનો પ્રયાસ કરીએ. તેના ક્ષમાપનાની પ્રશંસા કરીએ.

મહાન તત્ત્વચિંતક કોન્ફ્યુશિયસ હંમેશા કહેતાં કે જો દોષ જ જોવા હોય તો આપણે આપણી અંદર રહેલા દોષોને જોવા. તેનાથી બે ફાયદા થાય છે - આપણો અંતરાત્મા શુદ્ધ થાય છે અને બીજાની મર્યાદાઓની સમજણ પ્રકટે છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે-
દોષ ના જોઈએ કોઈના, સુણિયે નહિ તે કાન;
ન કહીએ ન વિચારીએ, જાણી પુણ્યનું જ્યાન.

તુલસીપત્રઃ દોષ જોવાની ઇચ્છા થાય ત્યારે હું મારા દોષ પર નજર નાંખું છું. મારામાં એટલા બધા દોષ છે કે બીજાના દોષ જોવાનો વિચાર જ આવતો નથી - ડેવિડ ગ્રેસન, મહાન તત્ત્વચિંતક