Tuesday, June 22, 2010

It's happen only in India.......


તમે સીધા માર્ગે જતાં હોવ અને તમારી સાથે સામે ચાલીને કોઈ અકસ્માત કરે તો તમને થનારા નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી કોની છે? કોમનસેન્સ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પૂછો છો તે કહેશે કે ભલા માણસ, સામેવાળા પક્ષે જ વળતર ચૂકવવાનું હોય ને. પણ 'બોલવામાં બળૂકા' અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને આવું સીધું અને સરળ સત્ય કહેતાં મનમોહન સિંઘની સરકાર ગભરાય છે. 'મેરા ભારત મહાન'ની સરકાર ખોંખરો ખાઈને અમેરિકન સરકારને ભોપાલકાંડ માટે જવાબદાર બેશરમ વોરેન એન્ડરસનનું પ્રત્યાર્પણ કરવાનું કહી શકતી નથી અને ભારતીયોના ખિસ્સાં ખેંખરી લેતાં અગાઉ તેમને પૂછવાની જરૂર પણ અનુભવતી નથી.

ભોપાલ દુર્ઘટનાનો અભ્યાસ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરના નેતૃત્વ રચાયેલા પ્રધાનોના જૂથ (જીઓએમ)એ પીડિતોને રૂ. 1,500 કરોડનું પેકેજ આપવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે આ પેકેજ ફાળવશે અને તેની ચૂકવણી મારા, તમારા અને દેશવાસીઓના ખિસ્સામાંથી થશે. ખાતર પર દિવેલ! જે દુર્ઘટના માટે અમેરિકાની એક કંપની અને તેની બેદરકારી જવાબદાર છે, તેનું વળતર ભારતીય નાગરિકોએ ચૂકવવાનું? ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા.....અમેરિકામાં ભારતીય કંપનીએ આવી બેદરકારી દાખવી હોત તો ત્યાંની સરકાર ભારતીય ઉદ્યોગપતિને આવી રીતે ઉડન છૂ થવા દે?

ચિદમ્બરમના આ જૂથે એક મોટી કામગીરી પણ કરી છે. એન્ડરસન જે હાલતમાં દેશમાંથી ભાગી ગયો તે માટેની જવાબદારીમાંથી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને ક્લીનચિટ આપવાની! કોંગ્રેસીજનોની સૌથી મોટી કામગીરી મેડમ સોનિયા અને બાબા રાહુલને રાજી કરવાની છે. આખો દેશ જાણતો હતો કે રાજીવ ગાંધીને ક્લીનચિટ મળશે જ. મને તેની કોઈ નવાઈ લાગી નથી. કોંગ્રેસ અને કોંગ્રેસીજનો માટે ગાંધીનેહરુ પરિવારનો સભ્યો દેવીદેવતા સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે ભોપાલ જેવી વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના થાય અને તેના આરોપી દેશમાંથી સરળતાપૂર્વક છટકી જાય તે માટે વડાપ્રધાન જવાબદાર નથી?તે સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહ જ જવાબદાર છે? શું કોઈ રાજ્યનો મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનની મંજૂરી વિના આટલી મોટી હોનારતના આરોપીને શહેર કે રાજ્યની બહાર નીકળવા દેવાની હિમ્મત કરી શકે?

1 comment:

Unknown said...

You have shared good points here. When oil spill by BP (British company) happened in US, Obama took $20 Billions IN ADVANCED to pay off loss due to the spill, it had no human injury/death in the spill. People died in the initial explosion were BP employee/contractors and for that BP is fully responsible off course.