Monday, June 21, 2010

તમારી લાઇન મોટી કરવા બીજાની લાઇન કાપવી જરૂરી નથી...


તમારે તમારી લાઇન મોટી કરવા શું કરવું જોઈએ? સીધો અને સરળ પ્રશ્ન છે, પણ તેનો જવાબ મનુષ્યની વૈચારિક માનસિકતા અને તેનું સ્તર જગજાહેર કરી દે છે. સિદ્ધાંતવાદી, મહેનતુ અને પોતાને જ બળે યોગ્ય માર્ગે સફળતા મેળવવા માગતી વ્યક્તિ આ પ્રશ્નનો શું જવાબ આપશે? તે કહેશે કે, 'આપણે આપણી લાઇન મોટી કરવા પ્રયાસ કરવો જોઈએ....'

આપણે આપણી લાઇન મોટી કરવી એટલે સફળતા મેળવવા મહેનત કરવી, જરૂર પડે ત્યાં સુધારા કરવા અને અનુભવને આધારે કુશળતા મેળવવી. આ સીધોસાદો અર્થ આપણે જાણીએ છીએ. પણ તેમાં રહેલો અધ્યાહાર વધારે મહત્વપૂર્ણ છે. આપણે આપણી લાઇન વધારવી, પણ બીજાની લાઇન કાપવાનો પ્રયાસ ન કરવો. મિત્રો, બીજાની લાઇન કાપવાથી તમારી લાઇનમાં એક ઇંચનો પણ ફરક પડવાનો નથી. તમારી સ્થિતિ તો યથાવત્ જ રહેશે. હા, થોડો સમય બીજાની લાઇન કાપીને તમારી લાઇન મોટી હોવાનો ભ્રમ જરૂર પેદા કરી શકશો.

હવે આ જ પ્રશ્ન કોઈ અતિ મહત્વાકાંક્ષી, તકવાદી, પાક્કાં ગણતરીબાજ અને મંડળીબાજ માણસને પૂછશો તો તે વાતો તો સૂફિયાણી જ કરશે અને મહેનત વધારવાનું કહેશે. પણ તેના વર્તનનો અભ્યાસ કરશો તો જણાશે કે, તે પોતાની લાઇન વધારવા જેટલો પ્રયાસ કરે છે તેના કરતાં વધુ પ્રયાસ તેના હરિફોની લાઇન કાપવાનો કરે છે. સામાન્ય રીતે આ પ્રકારનું વલણ વધારે જોવા મળે છે. ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવવાનો અને વાહવાહી લૂંટવાનો આ ખરેખર ઉત્તમ માર્ગ છે. એક તરફ તમારી લાઇન થોડી થોડી વધતી જાય છે અને બીજી તરફ તમારા કરતાં મજબૂત હરિફની લાઇન ઝડપથી કાપતાં જાવ છો. બંને દિશામાં ફાયદો, પણ ટૂંકા ગાળાનો ફાયદો. તેમાં કોઈ શંકા નથી.

મને એમ હતું કે આ પ્રકારની કુટિલ, દ્વૈષીલી અને દાઝિલી માનસિકતા ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે રાજકારણમાં જોવા મળે છે. પણ હવે ખબર પડી કે આવી વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિઓ લગભગ બધા ક્ષેત્રમાં જોવા મળે છે. આવી વ્યક્તિના એક સર્વસામાન્ય પેંતરાથી વાકેફ કરાવું. તે હંમેશા હરિફોની ચાલ પર નજરો રાખે છે. હરિફ વ્યક્તિ કોઈ સારી કામગીરી કરે ત્યારે બુહ પ્રેમથી ચૂપકીદી સેવી લે છે, પણ ભૂલ કરે એટલે હજારે હાથે તેના પર કોરડા વીંઝવાનું શરૂ કરી દે છે. હરિફ વ્યક્તિની સારી બાબત સામે આંખ આડા કાન કરે છે અને તેની નબળાઈને જાહેર કરવાની એક પણ તક છોડતી નથી. ઉદાહરણ આપવાની જરૂર નથી. તેજીને ટકોરો જ કાફી હોય. તે હંમેશા પોતાના કરતાં નબળાં માણસોને પોતાની સાથે રાખે છે અને તેને પ્રોત્સાહન આપે છે. અહીં પણ તેને ફાયદો થાય છે? તેના કરતાં નબળા માણસો તેની વાહવાહ કરે છે અને આ જ નબળા માણસોથી આગળ જતાં તેને કોઈ ખતરો ઊભો થતો નથી. પણ આ માણસ તેના કરતાં વધારે મજબૂત અને સક્ષમ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તે છે?

જુઓ, આવી વ્યક્તિ તેના કરતાં વધારે મજબૂત વ્યક્તિ પર તક મળતાં પ્રહાર કરે છે. તેની અવગણના કરીને પોતાને વધારે મજબૂત દેખાડવાનો પ્રયાસ કરે છે. તેનાથી તેને બે ફાયદા થાય છે. પહેલો ફાયદો, સમાજમાં વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ સામે બાથ ભીડવા બદલ ઘેટાં-બકરાં તેની વાહવાહ કરે છે અને બીજો ફાયદો, હરિફની લાઇનની સરખામણીમાં તેની લાઇન થોડી મોટી દેખાય છે. ખાસ કરીને તેનો મજબૂત હરિફ નબળો પડે છે ત્યારે તો તેની આબરૂના કાંકરા નહીં, પાળિયા કરવા તે રીતસર તૂટી પડે છે અને તેનું અનુકરણ તેની ચમચામંડળી કરે તેમાં કોઈ નવાઈ નથી....

તુલસીદાસજીની રામાયણ સવારે વાંચતો હતો ત્યારે સજ્જનના લખણો અને દુર્જનના અપલખણોથી ફરી પરિચિત થયો....તેમાં સજ્જન પુરુષનું એક લક્ષણ મને બહુ ગમે છે...મહારાજ કહે છે કે સજ્જન પુરુષ બીજાના દોષોને ઢાંકે છે. એટલે કે સજ્જન પુરુષ બીજાના દોષોનો ઢંઢોરો પીટતો નથી. હકીકતમાં સજ્જન પુરુષમાં એટલી કોમનસેન્સ હોય છે કે પાપ ક્યારેય છાનું રહેતું નથી અને દુનિયા બુદ્ધુ નથી કે બીજાના પાપને અને વૈચારિક અધમતાને સમજી ન શકે. એટલે તે ચૂપ રહીને પોતાનું કામ કરવામાં મસ્ત રહે છે. દુનિયાને મૂર્ખ સમજવી એ મોટામાં મોટી મૂર્ખતા છે.

બીજાના દોષોને હજાર આંખોથી જુએ અને બીજાનાં પાપો કહેતાં-સાંભળતાં લજાતાં નથી તેવા લોકોને તુલસીદાસજીએ દુષ્ટજનો કહ્યાં છે. તમે વિચાર કરો કે, ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન આ ગ્રંથમાં અન્ય લોકોના પાપની વાતો પણ કરવાનો ઇનકાર કર્યો છે. તુલસીદાસજી એ વખતે પણ સમયનું મૂલ્ય સમજતાં હશે...મહારાજ કહે છે કે બીજાના પાપનો પ્રચાર કરવાનું માધ્યમ પણ તમે શા માટે બનો છો.......સીધો સંદેશ છે મિત્રો, તમે ખરેખર સારું કરવા માગતા હોય તો ફલાણો આ કરે છે અને ઢીકણો આ કરે છે તેની લપમાં પડ્યાં વિના તમારી દિશામાં આગળ વધો ને....હા, કોઈ સારું કામ કરે તો તેને બિરદાવવામાં પાછી પાની ન કરો, પણ જાણતા કે અજાણતાં કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને તેના હાલ પર છોડી દો...બહુ જીવ બળતો હોય તો તેને અંગત રીતે તમારી ચિંતા જણાવો અને ચેતવી દો...પણ છડેચોક નાગાને નાગો કરવાનો શો ફાયદો...પોતાની બહાદુરીનો ઢંઢેરો પિટાવવાનો...


બીજાના પાપનો પ્રચાર કરવામાં સદાય અગ્રેસર રહેનારી વ્યક્તિની માનસિકતાથી થોડા પરિચિત થઈએ...આવી વ્યક્તિ પોતે બહુ જ્ઞાની છે, સમજુ છે અને સાથેસાથે બહાદુર છે તેવું દેખાડવા માગતી હોય છે.....બીજું, પોતાની ક્ષમતામાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાથી બીજાની ક્ષમતા પર પ્રહાર કરીને પોતે વધુ ક્ષમતાશીલ છે તેવા ભ્રમમાં રહે છે અને તેના જેવા કે તેના કરતાં પણ નબળાં બીજા ઘેટા-બકરાઓને ભ્રમમાં રાખવામાં તેને સફળતા પણ મળે છે....તે એમ માને છે કે દુનિયામાં સૌથી વધુ સમજદાર અને બહાદુર તે પોતે છે...

મિત્રો...આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીપલ્સ પ્રેસિડન્ટ કલામસાહેબ હંમેશા કહેતાં વાદવિવાદમાં શક્તિનો વ્યય થાય છે, તમારે ખરેખર રચનાત્મક કાર્ય કરવું હોય તો નિરર્થક વાદવિવાદ ટાળવો....જેના જવાબ તમને ખબર હોય તેવા પ્રશ્નો પૂછીને સમય બગાડવાનો કોઈ અર્થ ખરો....જાણતા હોવા છતાં અજાણ્યાં બનીને દુનિયાને શું દેખાડી દેવા માંગો છો...હકારાત્મકતા કેળવો અને તમારી દિશામાં આગળ વધો...બીજાને તેમની દિશામાં આગળ વધવા દો...તમારા ઇરાદા પ્રામાણિક હશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે...બને કે તમારે સફળતા મેળવવા રાહ જોવી પડે....પણ તે લાંબા ગાળાની અને પારદર્શક સફળતા હશે....તે તમારી પોતાની હશે...બીજાની લાઇન કાપીને કે બીજાની સામે સ્ત્રીઓની જેમ સવાલો ઊભા કરીને ઉધાર માગેલી નહીં હોય....

ચલતે-ચલતેઃ સફળતા અને નિષ્ફળતાનો આધારે વ્યક્તિની માનસિકતા પર હોય છે...કૃષ્ણની સફળતા દ્રૌપદીની આબરૂ બચાવવામાં છે અને દુઃશાસન ચીરહરણને સફળતા માને છે...તુંડે તુંડે મતિ ભિન્ના.....અસ્તુ....

No comments: