Sunday, June 20, 2010

સરવરપુરમાં શીખોની ઐતિહાસિક ધર્મનિરપેક્ષતા અને દંભી ધર્મનિરપેક્ષોને થોડા સવાલ......



ભારતીય મુસ્લિમોનું અગ્રણી પખવાડિક અખબાર ગણાતા 'ધ મિલ્લી ગેઝેટ'ના 1-15 જૂન, 2010ના અંકમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા છે, જેને વાંચીને દંભી ધર્મનિરપેક્ષો 'ધ મિલ્લી ગેઝેટ'ના તે અંકને માથે મૂકીને એક પગે નાચશે તેમાં મને કોઈ શંકા નથી. દેશમાં ધર્મનિરપેક્ષતાની મિસાલ બને તેવા સમાચારનું શીર્ષક છેઃ '1947માં તોડી પાડેલી મસ્જિદનું પુનઃનિર્માણ કરતો શીખ સંપ્રદાય.' હું તેના વિશે થોડું જણાવું.

પંજાબના સમરાલા શહેરથી 10 કિલોમીટરના અંતરે એક ગામ છે સરવરપુર. હિંદુસ્તાનના ભાગલા પડ્યાં તે અગાઉ ગામમાં મુસ્લિમોની સારી એવી વસતી હતી. એક સારી મસ્જિદ પણ હતી. 1947માં ભાગલા સમયે ત્યાં કોમી હુલ્લડ થયા. મોટા ભાગના મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યાં ગયાં. પછી તે મસ્જિદને હિંદુઓ અને શીખોએ તોડી પાડી. ગયા વર્ષે ગામના શીખોએ તે મસ્જિદનો પુનરોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ગયા મહિને 22 મેના રોજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના જથ્થેદાર કિરપાલ સિંહે પંજાબના શાહી ઇમામ મૌલાના હબીબુર રહમાન સાની લુધિયાનવીનું સ્વાગત કર્યું. તે સમયે ત્યાંના ધારાસભ્ય જગજીવન સિંઘ અને ગ્રામજનો હાજર હતાં. ત્યાં ગામના વયોવૃદ્ધ મુસ્લિમ દાદા મૌહમ્મદ તુફૈલને મસ્જિદની ચાવી સોંપવામાં આવી. તે સમયે સંપૂર્ણ વાતાવરણ 'અલ્લાહ ઓ અકબર'ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું.

શીખોએ મુસ્લિમો પ્રત્યે આ પ્રકારની ઉદાર ભાવના અગાઉ પણ દેખાડી છે. શીખોના ધર્મગુરુ ગુરુ નાનકના પહેલા શિષ્ય ભાઈ મરાદાના હતા. તેઓ આજીવન મુસ્લિમ બની રહ્યાં હતાં. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવએ પણ સુવર્ણમંદિરનું ખાતમુહૂર્ત લાહોરના સૂફી સંત હજરત મિયા મીર પાસેથી કરાવ્યું હતું. શીખોના પ્રસિદ્ધ મહારાજા રણજીત સિંઘની એક મહારાણીએ પણ લાહોરમાં દાતાગંજ બક્શની સફેદ માર્બલવાળી દરગાહ બનાવી હતી, જે આજે પણ લાહોરની મશહૂર દરગાહ છે. સરવરપુરમાં શીખોએ ફરી એક વખત સાચી ધર્મનિરપેક્ષતાનું દર્શન કરાવ્યું છે. આ પ્રસંગને 'ધ મિલ્લી ગેઝેટ'ના સંપાદક ઝફરુલ-ઇસ્લામ ખાને ઐતિહાસિક ગણાવ્યો છે. પંજાબના શાહી ઇમામે શીખ સમુદાયનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, 'માનવતા એટલે પ્રેમ અને અહિંસા.'

કોઈ પણ સાચા ધર્મનિરપેક્ષ માણસને આ સમાચાર સાંભળીને આનંદ જરૂર થાય. કોઈ બે ધર્મ અને સંપ્રદાયના માણસો વચ્ચે એકતા અને પ્રેમની ભાવના સ્થાપિત થાય તો કોને આનંદ ન થાય...પણ થોડા પ્રશ્નો પણ થાય છેઃ

- મુલ્લા-મૌલવીઓએ તેમના પૂર્વજોએ કરેલા જંગલી અને ધર્માંધ કૃત્યો બદલ ક્યારેય પશ્ચાતાપની લાગણી અનુભવી છે?

- જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય ત્યાં ફરીથી મંદિરનું નિર્માણ કરીને તેની ચાવી હિંદુઓને સોંપી એકતા અને બંધુતાની લાગણી દેખાડવાની ઇચ્છા મુલ્લા-મૌલવીઓને ક્યારેય થાય છે?

- હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરીને તેને કળા ગણાવતાં એમ એફ હુસૈન જેવા હલકટ ચિત્રકારોની વિકૃત હરકતો સામે મુલ્લા-મૌલવીઓએ ક્યારેય ફતવો બહાર પાડ્યો છે? દુઃખની વાત એ છે કે હુસૈનની આ પ્રકારની ગંદી હરકતોને કળા ગણાવતા બુદ્ધિહીન બુદ્ધુજીવીઓ આપણા હિંદુઓ વચ્ચે જ છે. એટલું જ નહીં તેમના ચમચાઓની આખી જમાત છે.

- અયોધ્યામાં બાબરી ઢાંચાનો વિવાદ ચાલી રહ્યો છે. આ ઢાંચો અગાઉ રામમંદિર હતું તેવું ઇતિહાસકારોએ કહ્યું છે. તો ત્યાં સામે ચાલીને રામમંદિર બાંધીને કોમી એખલાસ અને ધર્મનિરપેક્ષતાની ભાવના દેખાડવાની મુસ્લિમોની ફરજ નથી?

- વિભાજન સમયે જે સંપ્રદાયના લોકોની લાશો સૌથી વધુ ઢળી હતી, જે સંપ્રદાયની મહિલાઓ સૌથી વધુ બળાત્કારનો ભોગ બની હતી તે શીખ સંપ્રદાયે મસ્જિદનો પુનરોદ્ધાર કરી ધર્મનિરપેક્ષતાનો દાખલો બેસાડ્યો છે. શું આવો કોઈ દાખલો બેસાડવાની હિમ્મત મુસ્લિમ મુલ્લા-મૌલવીઓ દેખાડી શકશે?

1 comment:

અહમ ( ક્યાં છો તમે યાર ? ) said...

બઉ જબરું...જબરું લખો છો હોં .....કેયુરભાઈ ...તમે તો ...બઉ ગમ્મત પડે છે....અમને તો...તમારા આવા ગાંડા.. ઘેલા.... લેખોમાં બઉ ગમ્મત પડે છે