Saturday, August 6, 2011

દુનિયા ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહી છે...


ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસ એન્ડ પી)એ પહેલી વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનું રેટિંગ 'AAA'થી ઘટાડીને 'AA+' કર્યું છે. છેલ્લાં 70 વર્ષથી અમેરિકા 'AAA' રેટિંગ ધરાવતું હતું. ઓબામા અને અમેરિકાના નેતાઓ માટે આ મોટો આંચકો છે. અમેરિકાએ પોતાની ઋણ કટોકટી સામે લડવા ઋણ મર્યાદા વધારી દીધી છે. બીજી તરફ યુરોપીયન દેશો સૉવરિન ઋણ કટોકટી સામે ઝઝૂમી રહ્યાં છે. તેના પરિણામે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલ્યો છે, સોનાના ભાવમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયા છે અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજના શું હાલ છે? અમેરિકાની જાણીતી નાણાકીય સંસ્થા લીમન બ્રધર્સે દેવાળું ફૂંક્યું ત્યારે ડાઉ જોન્સમાં કડાકો બોલ્યો હતા તેના કરતાં પણ નીચા સ્તરે અત્યારે પહોંચી ગયો છે. અમેરિકા અને યુરોપીયન યુનિયન આર્થિક કટોકટીમાંથી ઉગરી જશે તેને લઈને અમેરિકાના રાષ્ટપ્રમુખ ઓબામાથી લઈને કચ્છમાં વસતા કાનજીકાકાને પણ વિશ્વાસ નથી.

હકીકતમાં અમેરિકા ફરી મંદી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં મકાનના ભાવ નવ વર્ષ અગાઉના સ્તર કરતાં પણ નીચે ઉતરી ગયા છે. પણ બહુબોલકા સાબિત થયેલા ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી ઉગારવામાં હવે કશું કરી શકે તેમ નથી. તેનું જાહેર ઋણ અત્યંત વધી ગયું છે. વર્ષ 2003માં અમેરિકાનું જાહેર ઋણ 64 ખરબ ડોલર કે તે વર્ષની જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)ના 60 ટકા હતું. વર્ષ 2008માં તે વધીને 100 ખરબ ડોલર થઈ ગયું હતું જ્યારે અત્યારે આ ઋણ 142 ખબર ડોલર અથવા તો જીડીપીના 98 ટકા બરોબર થઈ ગયું છે.

વર્ષ 2003 અને વર્ષ 2011 વચ્ચે બે ઘટના બની છે. તેમાં એક હતું ઇરાકનું યુદ્ધ. આ યુદ્ધ ઇરાકને 30 ખરબ ડોલરમાં પડ્યું છે. તે પછી વર્ષ 2008માં લીમન બ્રધર્સે નાદારી નોંધાવતા સર્જાયેલી આંતરરાષ્ટ્રીય ધિરાણ કટોકટી સર્જાઈ અને મહામંદી આવી. તેને ટાળવા ઓબામા આણી મંડળી ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહી છે. તેની પાછળ લગભગ 40 ખરબ ડોલરનું જાહેર ઋણ વધી ગયું છે. ડેટ-ટૂ-જીડીપી એટલે કે જીડીપી અને ઋણના રેશિયો સંબંધે જોઈએ તો અમેરિકા દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાને છે. તેના કરતાં વધારે ખરાબ સ્થિતિ જાપાન અને ઇટાલીની છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આગામી 10 વર્ષ દરમિયાન ખર્ચમાં 24 ખરબ ડોલરનો કાપ મૂકવાની તૈયારી બતાવી છે, પણ તેનાથી તો સ્થિતિ વધુ બગડશે. તેમણે કરવેરા દ્વારા આવક વધારવાની અને સામાજિક સુરક્ષા સંબંધિત ખર્ચાઓમાં કાપ મૂકવાની યોજના બનાવી છે. અમેરિકાનો ધનિક વર્ગ કરવેરાનો વધુ ભાર સહન કરવા માંગતો નથી તો જનતા સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી સામાજિક સુરક્ષા પર થતા ખર્ચમાં સરકાર કાપ ન મૂકે તેવું ઇચ્છે છે. આ બાબતો અમેરિકામાં અમેરિકાના સમુદાય, રાજકારણ અને અર્થવ્યવસ્થાની આંતરિક નબળાઈને ઉજાગર કરે છે. હકીકતમાં દુનિયામાં અમેરિકાના એકચક્રી શાસનનો અંત બહુ નજીક છે. શીત યુદ્ધ પછી વિશ્વમાં અમેરિકાનો યુગ શરૂ થયો હતો, જે પૂર્ણ થવાની નજીક છે. આપણે ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહ્યાં છીએ. અમેરિકાને ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. આ ત્રણમાંથી એક પણ દેશમાં તે રાજકીય સ્થિરતા સ્થાપિત કરી શક્યું નથી. ઉપરાંત વૈશ્વિક અસંતુલનની સમસ્યાનો કોઈ સાર્થક ઉકેલ શોધી શક્યું નથી.

No comments: