Saturday, August 6, 2011

દુનિયા ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહી છે...


ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસ એન્ડ પી)એ પહેલી વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનું રેટિંગ 'AAA'થી ઘટાડીને 'AA+' કર્યું છે. છેલ્લાં 70 વર્ષથી અમેરિકા 'AAA' રેટિંગ ધરાવતું હતું. ઓબામા અને અમેરિકાના નેતાઓ માટે આ મોટો આંચકો છે. અમેરિકાએ પોતાની ઋણ કટોકટી સામે લડવા ઋણ મર્યાદા વધારી દીધી છે. બીજી તરફ યુરોપીયન દેશો સૉવરિન ઋણ કટોકટી સામે ઝઝૂમી રહ્યાં છે. તેના પરિણામે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલ્યો છે, સોનાના ભાવમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયા છે અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજના શું હાલ છે? અમેરિકાની જાણીતી નાણાકીય સંસ્થા લીમન બ્રધર્સે દેવાળું ફૂંક્યું ત્યારે ડાઉ જોન્સમાં કડાકો બોલ્યો હતા તેના કરતાં પણ નીચા સ્તરે અત્યારે પહોંચી ગયો છે. અમેરિકા અને યુરોપીયન યુનિયન આર્થિક કટોકટીમાંથી ઉગરી જશે તેને લઈને અમેરિકાના રાષ્ટપ્રમુખ ઓબામાથી લઈને કચ્છમાં વસતા કાનજીકાકાને પણ વિશ્વાસ નથી.

હકીકતમાં અમેરિકા ફરી મંદી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં મકાનના ભાવ નવ વર્ષ અગાઉના સ્તર કરતાં પણ નીચે ઉતરી ગયા છે. પણ બહુબોલકા સાબિત થયેલા ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી ઉગારવામાં હવે કશું કરી શકે તેમ નથી. તેનું જાહેર ઋણ અત્યંત વધી ગયું છે. વર્ષ 2003માં અમેરિકાનું જાહેર ઋણ 64 ખરબ ડોલર કે તે વર્ષની જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)ના 60 ટકા હતું. વર્ષ 2008માં તે વધીને 100 ખરબ ડોલર થઈ ગયું હતું જ્યારે અત્યારે આ ઋણ 142 ખબર ડોલર અથવા તો જીડીપીના 98 ટકા બરોબર થઈ ગયું છે.

વર્ષ 2003 અને વર્ષ 2011 વચ્ચે બે ઘટના બની છે. તેમાં એક હતું ઇરાકનું યુદ્ધ. આ યુદ્ધ ઇરાકને 30 ખરબ ડોલરમાં પડ્યું છે. તે પછી વર્ષ 2008માં લીમન બ્રધર્સે નાદારી નોંધાવતા સર્જાયેલી આંતરરાષ્ટ્રીય ધિરાણ કટોકટી સર્જાઈ અને મહામંદી આવી. તેને ટાળવા ઓબામા આણી મંડળી ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહી છે. તેની પાછળ લગભગ 40 ખરબ ડોલરનું જાહેર ઋણ વધી ગયું છે. ડેટ-ટૂ-જીડીપી એટલે કે જીડીપી અને ઋણના રેશિયો સંબંધે જોઈએ તો અમેરિકા દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાને છે. તેના કરતાં વધારે ખરાબ સ્થિતિ જાપાન અને ઇટાલીની છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આગામી 10 વર્ષ દરમિયાન ખર્ચમાં 24 ખરબ ડોલરનો કાપ મૂકવાની તૈયારી બતાવી છે, પણ તેનાથી તો સ્થિતિ વધુ બગડશે. તેમણે કરવેરા દ્વારા આવક વધારવાની અને સામાજિક સુરક્ષા સંબંધિત ખર્ચાઓમાં કાપ મૂકવાની યોજના બનાવી છે. અમેરિકાનો ધનિક વર્ગ કરવેરાનો વધુ ભાર સહન કરવા માંગતો નથી તો જનતા સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી સામાજિક સુરક્ષા પર થતા ખર્ચમાં સરકાર કાપ ન મૂકે તેવું ઇચ્છે છે. આ બાબતો અમેરિકામાં અમેરિકાના સમુદાય, રાજકારણ અને અર્થવ્યવસ્થાની આંતરિક નબળાઈને ઉજાગર કરે છે. હકીકતમાં દુનિયામાં અમેરિકાના એકચક્રી શાસનનો અંત બહુ નજીક છે. શીત યુદ્ધ પછી વિશ્વમાં અમેરિકાનો યુગ શરૂ થયો હતો, જે પૂર્ણ થવાની નજીક છે. આપણે ધીમે ધીમે 'અનુઅમેરિકા યુગ'માં પ્રવેશી રહ્યાં છીએ. અમેરિકાને ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. આ ત્રણમાંથી એક પણ દેશમાં તે રાજકીય સ્થિરતા સ્થાપિત કરી શક્યું નથી. ઉપરાંત વૈશ્વિક અસંતુલનની સમસ્યાનો કોઈ સાર્થક ઉકેલ શોધી શક્યું નથી.

Thursday, August 4, 2011

વસ્તાનવી પ્રકરણઃ મુસ્લિમ સમાજે સુધારણાની એક વધુ તક ગુમાવી....


દારુલ ઉલૂમ દેવબંદના કુલપતિ પદ પરથી ગુલામ મોહમ્મદ વસ્તાનવીને પદભ્રષ્ટ કરવામાં આવ્યાં છે. તે શું સૂચવે છે? વસ્તાનવીને કુલપતિ બનાવવામાં આવ્યાં ત્યારે મુસ્લિમ સમાજ ઉદારવાદી વિચારધારા અપનાવવા અગ્રેસર છે તેવો સંકેત મળ્યો હતો. પણ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા દારુલ ઉલૂમ દેવબંદના સત્તાધિશોએ તેમને 'કથિત લોકશાહી'ના માર્ગે પદભ્રષ્ટ કરી દીધા છે.

દારુલ ઉલૂમ દેવબંદ પર દાયકાઓથી જમાયત-એ-ઉલમા-એ-હિંદનો કબજો છે. જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતના પછાત જાતિના વસ્તાવનીએ અશરફો અને શક્તિશાળી મદની પરિવારને પરાજય આપ્યો હતો. તેમણે ધર્મના નામે સામાન્ય મુસ્લિમોનું શોષણ ન કરવાની, કટ્ટરતા છોડી ઉદારવાદી વિચારધારા અપનાવવાની અને મદરસાની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની વાત કરી હતી. તેમણે એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, કમ્પ્યુટર અને અંગ્રેજીને મદરસાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો જેથી ધાર્મિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ રોજીરોટી મેળવીને પગભર થઈ શકે. પરંતુ કટ્ટરપંથીઓને તેમનું આ વલણ ખૂંચતું હતું. ખરેખર તો તેમની નિમણૂંક થઈ ત્યારથી શક્તિશાળી મદની પરિવારે વસ્તાનવી પર 'આરએસએસના ટટ્ટુ', 'હિંદુ એજન્ટ' જેવા લેબલ લગાવવાનું શરૂ કરી દીધું હતું. દારુલ ઉલૂમ દેવબંદમાં ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુસ્લિમોનો દબદબો રહ્યો છે અને એક ગુજરાતી મુસ્લિમ દેવબંદમાં સત્તાસ્થાને બેસે તે તેમને પસંદ નહોતું.

વસ્તાનવી પ્રકરણ ભારતીય મુસ્લિમ સમાજ માટે મહત્વપૂર્ણ ઘટના છે ત્યારે પ્રશ્ન થાય છે કે મુસ્લિમ સમાજનો બુદ્ધિજીવી વર્ગ અને ધર્મનિરપેક્ષો ચૂપ કેમ છે? વસ્તાનવીની અકલૌવા મદરસા સરકારી સહાય વિના ચાલે છે. તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંદાજે 70 મદરસા ચલાવી રહ્યાં છે, જેમાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ કુરાનની સાથે-સાથે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનનું શિક્ષણ મેળવે છે. કટ્ટરપંથીઓનું માનીએ તો વસ્તાનવીએ બે માફ ન કરી શકાય તેવા અપરાધ કર્યા છે. મહારાષ્ટ્રના એક સમારંભમાં વસ્તાનવીએ ગણેશજીની મૂર્તિઓ ભેટ આપીને સ્પર્ધકોનું સમ્માન કર્યું હતું એટલે મુલ્લા-મૌલવીઓ માટે તેઓ કાફિર થઈ ગયા. ભારતમાં ધર્મનિરપેક્ષતા મુસ્લિમ કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ માટેનો પર્યાય બની ગઈ છે. પણ પંથનિરપેક્ષ દેશમાં બીજા ધર્મના અનુયાયીઓની આસ્થાનું સમ્માન કરવો અપરાધ છે?

તેમના પર વી વસ્તાનવીનો બીજો મોટો અપરાધ હતો. હકીકતમાં તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલો વસ્તાનવીની મુલાકાત વાંચવામાં આવે તો તેમાં તમને ક્યાંય મોદીની પ્રશંસા જેવું લાગશે નહીં. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુસ્લિમ સમાજે કોમી તોફાનો ભૂલીને આગળ વધવું જોઈએ અને આ વાત જ મુલ્લા-મૌલવીઓને ખૂંચી હતી. તેઓ ગુજરાતના મુસ્લિમો કોમી તોફાનો ભૂલી જાય તેવું ઇચ્છતાં જ નથી. તેઓ અહીં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી આગ સળગતી રહે તેવું ઇચ્છે છે.

શાહબાનો પ્રકરણ પછી વસ્તાનવીનો મુદ્દે મુસ્લિમ સમાજ માટે ઉદારવાદી સુધારણા અપનાવવાની તક ઊભી થઈ હતી. તે સમયે કોર્ટે મુસ્લિમ ત્યક્તાને પતિ પાસેથી આજીવિકાની રકમ મેળવવાનો અધિકાર આપ્યો હતો. પરંતુ આરિફ મોહમ્મદ ખાન જેવા ઉદારવાદી મુસ્લિમોના અવાજને દબાવીને બંધારણમાં સુધારો કરીને મુસ્લિમ સમાજ માટે સુધારણાના દ્રાર બંધ કરી દેવાયા હતા. વસ્તાનવીને પદભ્રષ્ટ કરવાની સાથે ભારતીય મુસ્લિમ સમાજમાં પરિવર્તન અને સુધારણાની વધુ એક તક પર પાણી ફરી વળ્યું છે.