મિત્ર! પ્રથમ માણસ બનો. પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કાંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વૈષ, એ કૂતરાં જેવો એકબીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.
‘તુલસા આયા જગતમેં જગત હસ્યો તુમ રોય;
વૈસી કરની કર ચલો, તુમ હસો જગ રોય.’
એવું જો તમે કરી શકો તો ખરા માણસ; નહીંતર જનમ ધરીને વળ્યું શું?
‘દુનિયાને જે કહેવું હોય તે કહે. હું તો ધર્મને માર્ગે ચાલીશ.’ વીરપુરુષોનો સાચો રસ્તો આવો છે. નહિતર માણસને જો આ માણસ શું કહે છે અને પેલો માણસ શું લખે છે તે જ રાતદિવસ ધ્યાનમાં લેવાનું હોય તો આ દુનિયામાં કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. તમે આ સંસ્કૃત શ્લોક જાણો છો?
‘નીતિનિપુણ માણસો ભલે નિંદા કરે કે સ્તુતિ કરે; લક્ષ્મી આવે કે ભલે ઠીક પડે ત્યાં જાય; મરણ આવે થાય કે પછી યુગો થાય, પણ ન્યાયના પંથથી વીરપુરુષો કદી ચલાયમાન થતા નથી.’ લોકો તમારી સ્તુતિ કરે કે નિંદા કરે, ભાગ્ય તમારા પર રૂઠે કે રીઝે, તમારું શરીર આજે પડે કે યુગો પછી પડે, પણ સત્યના માર્ગેથી તમે ચલાયમાન ન થતા. શાંતિને કિનારે પહોંચતાં પહેલાં માણસને કેટલાં તોફાનો અને વિરાટ મોજાંઓનો સામનો કરવો પડે છે! જેમ મનુષ્ય વધારે મહાન તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે. વ્યાવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે.
જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે!’ આ છે પુરુષાર્થ, મર્દાનગીભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.
જે લોકો જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. વીરભોગ્યા વસુંધરા! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો. હંમેશા બોલોઃ ‘મને કોઈ ડર નથી,’ દરેકને કહોઃ ‘નિર્ભય બનો.’
તુલસીપત્રઃ ભય નરક છે, ભય અધમ છે, ભય મિથ્યા જીવન છે.