Thursday, August 6, 2009

ગુજરાતી સાહિત્ય, ચોરીચપાટી અને બિચારા દક્ષાબહેન....


વિદ્યાર્થી એક જ પુસ્તકમાંથી ઉપાડે તો તેને ચોરી કહેવાય અને દસ, વીસ કે પચીસ પુસ્તકોમાંથી ઉપાડતા પ્રોફેસર પ્યારેલાલને સંશોધક કહેવાય! વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો તેને ઘરે બેસવું પડે અને પ્રોફેસર પ્યારેલાલ દસ, વીસ કે પચીસ જગ્યાએથી તફડંચી કરે તો તેનો સન્માન સમારંભ યોજાય અને ઘંટપ્રસાદો ભેગા થઇને ગુરુઘંટાલને વિદ્વાન ઠેરવે! તેના કરતાં પણ વધારે રસપ્રદ ચોરીઓની વાત સાહિત્યિક ચોરચપાટીની છે. થોડા દિવસ પહેલાં સુરતના જાણીતા અખબાર 'ગુજરાતમિત્ર'એ જાહેરાત કરી કે, અખબારે યોજેલી નવલિકા સ્પર્ધામાં બિલીમોરાનાં દક્ષાબહેન પટેલને એનાયત થયેલું રૂ. 5,0000નું બીજું ઇનામ પાછું ખેંચી લેવામાં આવે છે. કેમ?

બન્યું એવું કે, ગુજરાતમિત્રએ દક્ષાબહેનને 'ગુડનાઇટ' નામની નવલિકા માટે નવલિકાસ્પર્ધાનું બીજું ઇનામ આપ્યું હતું. પણ પાછળથી ખબર પડી કે દક્ષાબહેને તો ધીરુબહેન પટેલની નવલકથા 'શીમળાનાં ફૂલ'ના પંદરમા પ્રકરણની બેઠી ઉઠાંતરી કરવાની કમાલ કરી હતી. રાકેશ રોશન બાળકોને ગમે તેવી ક્રિશ જેવી ફિલ્મો બનાવવા વિદેશી વાર્તાની ઉઠાંતરી કરી પાત્રોના નામ બદલે તેમ દક્ષાબહેને પણ કારીગીરી કરીને પાત્રોના નામ બદલી નાંખ્યા. પણ વાચકો _દૂ નથી. ધીરુબહેન પટેલના સાહિત્યના જાગૃત અભ્યાસુ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઇડ્સ વિભાગમાં કાર્યરત સ્નેહલતા ભાટિયા નામના બહેનને દક્ષાબહેનની નવલિકા વાંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. તેમણે દક્ષાબહેનની તફડંચી ઝડપી લીધી. બિચારા દક્ષાબહેન...છીંડે ચડે તે ચોર...

હકીકતમાં ગુજરાતી સાહિત્યમાં તફડંચી, ઉઠાંતરી અને ચોરચપાટી કરવાનો અધિકાર કહેવાતા તત્વચિંતકો, સિદ્ધહસ્ત લેખકો અને યુગકવિઓને જ છે. નાના માણસોને ખુલ્લા કરવા સૌ મેદાને પડે છે, પણ સાહિત્યના મોટા ભા થઇને ફરતાં બેસ્ટ સેલર તત્વચિંતકો કે યુગકવિઓ કે અખબારમાં ન સમજાય તેવું લખતાં હાંસીપાત્ર હાસ્યલેખકોના ચરણોમાં અચ્છા-અચ્છા સાહિત્યરસિકો ગૌરવપૂર્વક આળોટે છે અને કોઈ અખબારમાં કોલમ ચાલુ કરવાની રહેમ મેળવી લે છે. દક્ષાબહેનને ચોરીચપાટી કરતાં ઉગતાં જ ડામી દેવાયા છે, પણ ચોરચપાટી કરીને જ 'વીર ઉઠાંતરિયા' થઈ ગયેલા વિચારકો અને કવિઓનો બોજ તો આપણે વેઠવાનો જ છે. વીર ઉઠાંતરીના આવા એક-બે કિસ્સા જણાવું.

કવિ અનિલ જોષી ગુજરાતી સાહિત્યના પવિત્ર ભવાઈમંચ પર નવા નવા પ્રવેશ કરી રહ્યાં હતા અને કવિ દલાલ સુરેશ જૂનાં થઈ રહ્યાં હતા. તે દિવસોમાં કલકત્તામાં એક ખાનગી સમારંભ યોજાયો હતો. તેમાં અનિલ જોષીએ તેમની અપ્રકટ કવિતા 'બરફની આંગળીએ સૂરજ ચીતરવો' સંભળાવી. આ રચના દલાલસાહેબને એટલી બધી ગમી ગઈ કે તેમણે તેમાંથી પોણો હિસ્સો પોતાના નામે પોતાની કોલમમાં ચડાવી દીધો. આ વાત છાપે ચડી. વાત કલકત્તાવાસીઓના દરબારમાં પહોંચી અને ચુકાદો આવ્યો કે તે કાવ્યરૂપી સંતાનની માતા અનિલ જોષી છે. પછી શું થયું? જનસંપર્ક અભિયાન જીતી ગયું અને સમાધાન થઈ ગયું....

આપણા મહાન કવિ નર્મદ અને દલપતરામનો જ આવો એક કિસ્સો નર્મદની આત્મકથા 'મારી હકીકત'માંથી જાણવા મળે છે. બન્યું એવું હતું કે કવિ દલપતરામે એક છપ્પો લખ્યો 'ગંગા ગિરિજા દ્વૈષ કલેશ નિત તેનો થાએ.' આ છપો નર્મદના પિતાજી લાલશંકરને ગમી ગયો. તેમણે નર્મદને વાત કરી. કવિ તો બહુ અભ્યાસુ. તેમણે તરત જ તેમના પિતાજીને કહ્યું, તે મૂળ વિચાર દલાજીનો નહીં હોય. નર્મદે તે જ અર્થનો એક સંસ્કૃત શ્લોક સાંભળ્યો હતો. પછી નર્મદ અને દલપતરામ વચ્ચે જે વાત થઈ તે અક્ષરસઃ રજૂ કરું છું.

નર્મદઃ એ વિચાર તમારા પોતાના છે કે સંસ્કૃત શ્લોક પરથી લીધેલા છે? એક સંસ્કૃત શ્લોકમાં પણ તમારા જેવો જ વિચાર આપેલો છે.
દલપતરામઃ (થોડી વાર તો ચૂપ રહે છે) હા, મેં તે (વિચાર) શ્લોક ઉપરથી કર્યો છે (આ પ્રકારની ઉઠાંતરીના વિશેષ પ્રસંગો જાણવા હોય તો ચંદ્રકાન્ત બક્ષીના લેખસંગ્રહ 'શબ્દ અને સાહિત્ય'માં 'ગુજરાતી સાહિત્યમાં સાઇકલ અને એરોપ્લેનની ટક્કર' પ્રકરણ વાંચો)

તો દક્ષાબહેન ડોન્ટ વરી....સારા સારા યુગકવિઓને તેમની તફડંચી પર પહેલાં ગૌરવ હતું અને પછી....નફ્ફટ બેશરમી....ગુજરાતી સાહિત્યમાં સર્જન કરતાં પણ જનસંપર્ક અને નાગો જૂથવાદ મહત્વપૂર્ણ છે. તમારે ચોરી કરતાં પહેલાં ચોરમંડળીઓ સાથે જનસંપર્ક કેળવી લેવાની જરૂર હતી. આ મંડળીઓના આગેવાનના ચાર હાથ તમારા પર આવી જાય પછી તમે તમારી ઉઠાંતરી કરવાની લાયકાતનો ભરપૂર ફાયદો ઉઠાવી શક્યા હોત. અત્યારે તમારી પાસે ચમચામંડળી જમાવવાની અને બધાને ટુકડો-ટુકડો નાંખવાની ત્રેવડ હોય તો તમારા દરવાજે એક નહીં સો શ્વાન રખેવાળી કરશે...એકબીજાની વફાદારીની પ્રશંસા કરતાં ટપકાં પાડશે..

ચલતે-ચલતેઃ માહિતી પર કોઇના બાપનો અધિકાર નથી, પણ વિચારો પર માત્ર વિચારકોનો જ અધિકાર છે

No comments: