ધર્મ એટલે પ્રામાણિકતા અને નૈતિકતા. ધર્મ સમાજને ઉપયોગી થવાનું શીખવે છે અને સહકારની ભાવના ખીલવે છે. પણ સ્વાઇન ફ્લુએ એક વખત ફરી દેખાડી દીધું છે કે, આપણો દેશ ધાર્મિક કર્મકાંડો કરવામાં નંબર વન છે, પણ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવામાં કે જીવદયા પ્રત્યે કરુણા દાખવવામાં આપણને છેલ્લું સ્થાન મળે તો પણ કોઈ શેહશરમ નથી. સ્વાઇન ફુલ માટે જવાબદાર એચ1એન1 વાઇરસ નો ચેપ ન ફેલાય એટલે ડૉક્ટરોએ નાગરિકોને એન-95 માસ્ક પહેરવાની સલાહ આપી. આ માસ્ક હજારો-લાખોની સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. આ સમયે કેમિસ્ટોની ફરજ એ હતી કે તેમની પાસે જેટલા એન-95 માસ્ક ઉપલબ્ધ હોય તો તેમનો સ્વાભાવિક નફો લઇને વેંચવો. પણ થયું શું?
વૈદિક, જૈન, બૌદ્ધ, ઇસ્લામ વગેરે તમામ ધર્મો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બાવાઓના સંપ્રદાય હારી ગયા અને લોભ જીતી ગયો. મુંબઈ, અમદાવાદ, પૂણે, નાશિક, બેંગ્લોર જેવા દેશના વિવિધ શહેરોમાં પોતપોતાના ભગવાનને દીવાબત્તી કરીને કેમિસ્ટોએ માસ્કના કાળા બજાર કર્યા. સામાન્ય રીતે એન-95 માસ્ક 300 રૂપિયામાં મળે છે, પણ પ્રજામાં ફફડાટ અને ગભરાટ જોઇને કેમિસ્ટોએ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે આ માસ્કનું વેચાણ કર્યું. આટલું પૂરતું નથી. જે કેમિસ્ટ પાસે એન-95 માસ્ક નહોતા તેમણે સામાન્ય માસ્કના પણ કાળા બજાર કર્યા. પ્રજાને એન-95 માસ્ક ન મળ્યાં તો સામાન્ય માસ્ક પર તૂટી પડી. આ માસ્કની કિંમત સામાન્ય સંજોગોમાં પાંચથી દસ રૂપિયા હોય છે, પણ કેમિસ્ટોએ તેને પણ 30થી 50 રૂપિયામાં વેંચ્યા. જેવો ગ્રાહક તેવો ભાવ...આપણા ધાર્મિક દેશના આ કેમિસ્ટોએ એકથી વધુ વખત વપરાયેલા માસ્કને ભેગા કરીને તેને ધોઇને તેના પણ કાળા બજાર કર્યા. એક વખત વપરાયેલા માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ ખિસ્સા માટે તો લાભદાયક છે ને...
હકીકતમાં કેમિસ્ટોની ફરજ શું હતી? ગુજરાતના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કેમિસ્ટોને માનવતા દાખવવાની અને પ્રજાને ગેરમાર્ગે ન દોરી જરૂર હોય તેને જ સામાન્ય કિંમતે માસ્ક વેંચવાની અપીલ કરી. માનવતાના નામે કરેલી અપીલને આપણા ધાર્મિક દેશની જનતા ઘોળીને પી ગઈ. ધર્મ કહે છે કે તક મળે ત્યારે જનતાની સેવા કરી લો અને સ્વાર્થી અને ભ્રષ્ટ વેપારનો સિદ્ધાંત તક મળે ત્યારે વધુમાં વધુ ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ધાર્મિક છીએ કે સ્વાર્થમાં અંધ ધાર્મિકતાનો ડોળ કરતાં લોભી માનસિકતા ધરાવતા અમીચંદો ?
બીજું એક ઉદાહરણ આપું. આખા દેશમાં અત્યારે મોંઘવારીની હાયતોબા મચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ગરીબોને ખીચડી ખાવી પણ પોષાય તેમ નથી. આ મામલે સરકાર બેવડી રમત રમી રહી છે. એક તરફ તેણે દુષ્કાળના નામે ઓછું ઉત્પાદન થશે તેવું કહી હાથ ઊંચા કરી દીધા છે તો બીજી તરફ કૃષિ પ્રધાન શરદ પવારને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પણ સટ્ટો કરવાની છૂટ આપીને જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંજોગોમાં દેશની જનતાએ એકબીજાને ટેકો આપવાની જરૂર છે. પણ નાના-મોટા વેપારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવામાં કંઈ પાપ સમજતા નથી. ખાંડનું જ ઉદાહરણ લઇએ.
જે વેપારીઓ 24થી 25 રૂપિયાની પડતર કિંમતે ખાંડ લાવ્યાં હતા તેઓ ગઇકાલ સુધી 30 રૂપિયે કિલો ખાંડ વેચતા હતા. આજે તેમણે ખાંડના ભાવ 34 રૂપિયા કરી નાંખ્યા છે. આ વિશે મારે એક વેપારી સાથે વાતચીત થઈ તો તેણે કહ્યું કે ખાંડના ભાવ વધવાના જ છે. એટલે જેટલો થાય તેટલો નફો ઘરે કરી લેવામાં જ માલ છે. આવા અનેક વેપારીઓ છે જેમણે ખાંડ અને તેના જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે અને ભગવાનનું નામ લઇને તેને કૂદકે-ભૂસકે વધતા ભાવે વેચી રહ્યાં છે. આપણે પોતે જ કાળા બજાર કરતાં હોય ત્યારે સરકારને દોષ દેવો કેટલો યોગ્ય છે? આપણે પોતે નૈતિકતા જાળવતા નથી અને સરકાર ભ્રષ્ટ હોવાનું કહીને સત્યનારાયણ બનીને ફરવાનો ડોળ કરીએ તે કેટલું યોગ્ય છે?
ધર્મ અન્યાય સામે લડતાં શીખવાડે છે. રામાયણમાં રામ અન્યાયી રાવણનો નાશ કરવા શસ્ત્ર ઉઠાવે છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આતતાયી કૌરવોને હણીને પૃથ્વીનો ભાર હળવો કરવા અર્જુનને ગાંડીવ ધારણ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે ગીતાનો પાઠ કરવામાં અને રામાનંદ સાગરના દિકરાની રામાયણ જોવાને જ ધર્મ માનીએ છીએ. ખરેખર આપણે ધર્મને સમજવા માગતા જ નથી. આપણે પોતાને ધર્મગુરુ જ ગણીએ છીએ. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા ધર્મગુરુઓ આપણા કરતાં વધારે ચડિયાતા અને વિશિષ્ટ જ હોવાના.
મોંઘાવારીએ માઝા મૂકી છે તેમ છતાં એક પણ બાવાએ સરકારને કહ્યું નથી કે, બાપ, આ શું થવા બેઠું છે? ગરીબ માણસ ચા ને રોટલો પણ ખાઈ શકે તેમ નથી ત્યારે તમે હાથ શાને ઊંચા કરો? એકપણ બાવાઓએ નઘરોળ વેપારીઓને કાળા બજારથી દૂર રહેવાની સલાહ આપી નથી. તેમને કદાચ ડર છે કે જો વેપારીઓને સાચું કહેશે તો તેમના મહેલો જેવા આલીશાન મઠ અને મંદિરો કોણ બનાવી આપશે? સ્વાઇન ફ્લુનો સામનો કેવી રીતે કરવો કે સમલૈંગિકતા યોગ્ય છે કે અયોગ્ય કે અંબાણી બંધુઓએ ઝઘડો ન કરવાની વણમાગી સલાહ આપવાનો સમય આ બાવાઓ પાસે છે, પણ પ્રજાનું લોહી ચૂસતી આ સરકારને શોષણખોર વૃત્તિ અટકાવવાની સલાહ આપવાની હિમ્મત એક પણ ધર્મગુરુઓ પાસે નથી.
હકીકતમાં નથી આપણે ધાર્મિક, નથી આપણા ધર્મગુરુઓ ધાર્મિક. આપણે બધા સ્વાર્થી, શોષણખોર, તકવાદી અને ભ્રષ્ટ છીએ. ધર્મને નામ ધતિંગ કરતાં અમીચંદો છીએ...