Wednesday, July 25, 2012

સ્વધર્મ


સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ, કેમ કે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. દરેક વ્યક્તિનો ધર્મ અલગ હોય છે. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરજસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી. 

બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારું કલ્યાણ નથી. સૂરજનું અજવાળું મને ગમે છે. એ પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારું વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારું પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલ તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે વિકાસ સાધવો જોઈએ. 

બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે, પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. આપણા જન્મની સાથે જ સ્વધર્મ જન્મે છે, બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંય ખોટું નથી. તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હોય, મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ 'સ્વ'ને ટાળવા જેવું આત્મઘાતકીપણું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ. તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં.