Showing posts with label મોરારિબાપુ. Show all posts
Showing posts with label મોરારિબાપુ. Show all posts

Tuesday, May 12, 2009

દીકરી દેવો ભવઃ


માએ મમતાની મૂરત છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી તો દયા અને કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે. બાપનું ઘર છોડીને તે પતિગૃહે જાય છે ત્યારે તેની કરુણાનું સ્થાન બદલાતું હોય છે, પણ તેના હ્રદયમાં રહેલી અનુકંપા અકબંધ રહે છે. ખાસ કરીને પિતા પ્રત્યેનો તેનો પ્રેમ વધતો જાય છે. દીકરી પોતાના વિવેક અને માતાપિતાના સંસ્કારના બળે જીવનની તમામ ઘટનાઓને સહી લે છે, પરંતુ તેના બાપને કંઈ થાય તે તેના માટે અસહ્ય હોય છે. કોઈ તેને કહે કે તારા બાપની તબિયત બરોબર નથી તો થઈ રહ્યું. પછી દીકરી એક ક્ષણ રહી શકતી નથી. તે તરત જ તેના બાપને મળવા દોડી જાય છે. તેની સ્થિતિ તે જ જાણે છે.

મારી સમજ કાંઇક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પણ દીકરી તો બાપનું સ્વરૂપ છે। પુત્ર બાપનો હાથ છે જ્યારે દીકરી તો બાપનું હૈયું છે. એટલે જ્યારે કોઈ પિતા કન્યાદાન કરતો હોય છે ત્યારે તે દીકરીનો હાથ જમાઇના હાથમાં આપતો હોય છે, પણ હકીકતમાં તે તેનું હૈયું જમાઇને સોંપતો હોય છે. આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ગાયું છે કે, 'કાળજા કરે કટકો મારો હાથથી છૂટી ગ્યો.'

દીકરીને સાસરે વળાવે ત્યારે બાપની ઉંમર હોય તેના કરતાં થોડાં વરસ વધી જાય તેવું અનુભવાય છે અને લોકોને લાગે પણ છે। તે જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરનો દેખાય. દીકરીને મળવા બાપ સામે દોડી પડે અને હરખાતો હરખાતો બોલે...મારો દીકરો આવ્યો॥મારો પ્રાણ આવ્યો...

તેમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો એટલે કે નાના થઈ જાય છે। જુવાન દીકરી વૃદ્ધ બાપની મા બની જાય છે. જેમ મા બાળકને આગ્રહ કરીકરીને જમાડે અને સાચવે તેવો લાગણીનો પ્રવાહ દીકરી બાપ તરફ વહાવે છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

(મોરારીબાપુના પ્રવચનનો આ હિસ્સો સહકર્મચારી અને વડીલ મિત્ર નૃપેશભાઈ જાનીએ મને સોમવારે મેઇલમાં મોકલ્યો હતો.)

Wednesday, April 1, 2009

સુમન આપી શકો જો ના, પણ કોઇને કંટક દેશો ના


સંશય તો ભલભલાને થાય। પણ પૂછ્યું ક્યાં? એનો વિવેક હોવો જોઇએ. સંશય થાય, આપણે માણસ છીએ. પણ પૂછશો ક્યાં?

એક રંગાને ઊજળાં જેને ભીતર બીજી ન ભાત,
એને વહાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા.

અમુક જગ્યાએ જ વાત કહેવાય। જ્યાંત્યાં ન કહેવાય. બહુ થઈ જાય તો ઘરના એક ખૂણામાં ઠાકોરજી પાસે બેસીને બે આંસુડાં પાડી લેજો, બાકી જ્યાંત્યાં વાતો ન કરાય.

બહુ થઈ જાય તો થોડું રડી લેજો
પણ તમારી દુર્દશાઓ જગતમાં જાહેર કરશો મા.
મળ્યો છે દેહ માનવનો
તો કોઈ કાળો કેર કરશો મા.
અને જગતમાં માનવીને કદી
ત્રાંબિયાના તેર કરશો મા.
સહારો દઈ નથી શકતા
તો ઠુકરાવશોય ના.

કોઇનો હાથ ન પકડી શકીએ તો કાંઈ નહીં। પણ કવિ કહે કોઈને ધક્કો તો ન મારીએ. આધાર ન આપીએ તો કોઈ ચિંતા નહીં, બધા થોડા સુવિધાવાળા હોય છે જે બીજાની મદદ કરી શકે? પણ કોઈને ધક્કો તો ન મારીએ કમ સે કમ.

સુમન આપી શકો જો ના
પણ કોઇને કંટક દેશો ના.

ફૂલ ન આપી શકો તો કોઈ ચિંતા નહીં. પણ કોઇને કાંટા પધરાવો નહીં. માટે કોઈ એવા સંતની આગળ સંશય રજૂ કરો જે સંત તમારા ઉપર કોઈ વસ્તુ લાદે નહીં પણ તમારામાં પડેલું ખોલે. સમર્થ ગુરુ મળે તો આપણામાં પડેલું ખોલી નાખે. એનું નામ જ મહાપુરુષ જે ઉપરથી લાદવાની કોશિશ ન કરે, પણ અંદર પડ્યું હોય તેને બહાર લાવે.

Monday, March 30, 2009

લોભને જીતે તે સાચો શત્રુઘ્ન



કામ અને ક્રોધને ભારતીય શાસ્ત્રોમાં બાહ્ય દુશ્મનો ગણવામાં આવ્યાં છે. આપણને ન ગમે એવું કાંઇક આપણે જોઇએ, આપણને ન રુચે એવું કાંઇક સાંભળીએ, આપણા મગજથી વિરૂદ્ધ હોય એવું કાંઇક વર્તન જોઇએ તો તુરત જ આપણને ક્રોધ આવશે. ક્રોધ એ બહારનો દુર્ગુણ છે. એવી જ રીતે કામ. આપણે કોઇની સુંદરતાને જોઇએ, કોઈ પદાર્થને જોઇએ એટલે આકર્ષણ જાગશે અને આ આકર્ષણ એટલે કામ. કામ અને ક્રોધ બહારના દુશ્મન છે. પણ લોભ અંદરનો દુશ્મન છે.

કામ અને ક્રોધને મારે તે શૂરવીર જરૂર છે, પણ સાચો સાચો શૂરવીર તે તે અંદરના લોભને મારે। લોભ પર જે ઘા કરે એ સાચો શત્રુઘ્ન. લોભને જે જીતે તે સાચો શત્રુઘ્ન છે. લોભને જીતવો કઠિન છે. ઘણા માણસો સમાજમાં અત્યંત લોભી પ્રકૃતિના જોવા મળે છે. સુભાષિતકારો કહે છે કે, લોભીના પૈસા એ ગુજરી જાય પછી જ બીજાના હાથમાં જાય. એ જીવતો હોય ત્યાં સુધી એનો રૂપિયો બીજાના હાથમાં ન જાય. કંજૂસનો પૈસો બીજાના હાથમાં ન જાય.

લોભ બહુ કઠિન છે. પણ રૂપિયાનો લોભ કરે ત્યાં સુધી વાંધો નહીં. કેટલાંક તો વાણીનાય લોભ હોય છે. વાણી સરખી નથી બોલતા, દ્રષ્ટિના લોભી છે. સંકલ્પના લોભી છે. સારી વિચારધારાના કંજૂસ છે.

Sunday, March 22, 2009

યહ તો ઘર હૈ પ્રેમ કા, ખાલાકા ઘર નાહિં


ભક્તિનો મારગ છે શૂરાનો। નાનકે, કબીરે બધાએ કહ્યું કે, આ તો ભક્તિનો મારગ છે, આ તો શૂરાપૂરાનો મારગ છે, આ તો કુરબાની આપવાનો મારગ છે, કંઈ માસીનું ઘર નથી. યહ તો શીશ દે લે જાય, જે માથાં આપવાની તૈયારી કરે એ ભક્તિ કરી શકે. કાંઈ પાંચ મિનિટમાં ભક્તિ થઈ જાય?

અત્યારે તો બધા બોર્ડ મારે છે કે દશ મિનિટમાં સાક્ષાત્કાર। પંદર મિનિટમાં ધ્યાન અને વીસ મિનિટમાં પ્રાપ્તિ. હવે આ ધ્યાન કેવું લાગતું હશે! ભગવાન જાણે! ઋષિમુનિઓની ઉપર રાફડા થઈ ગયા તોય પત્તો લાગતો નહોતો અને આજે અડધા કલાકમાં ધ્યાન! કંઈ સહેલું છે? એ માનો એટલું સહેલું નથી. એ તો-

દંભીન નિજ મતિ કલ્પિ કરી-
પ્રગટ કિયે બહુ પંથ

દંભી લોકોએ પોતાને ફાવે તેવા માર્ગો ઊભા કર્યા છે। વરસાદ પડે અને તમે જે વાવ્યું હોય તે તો ઊગે, પણ વાવ્યા વગર બીજું બહુ ઊગે. તે રીતે ઋષિમુનિઓએ વાવ્યું હતું તેના કરતાં અત્યારે વાવ્યા વગરનું બહુ ઊગ્યું છે. કેટલાં પંથો નીકળ્યાં છે? કોઈક કહે, આમ કરો. કોઈક કહે તેમ કરો. કોઈક કહે આહીં જાઓ અને કોઈક કહે, ત્યાં જાઓ. માણસને ચૂંથી નાંખ્યો. માણસને વીંખી નાખ્યો છે. ભક્તિ તો બહુ મુશ્કેલ છે.

ભક્તિ માટે તો કુરબાની આપવી પડે। સમર્પણ કરવું પડે છે. નિંભાડામાં કેટલાય ખડકાઈ ગયા. કટેલાય જેલમાં પુરાયા, મીરાંને ઝેર પીવું પડ્યું, જીસસને જડી દીધા ક્રોસ ઉપર, મહંમદને હિજરત કરવી પડી, નાનકને લોકોએ ગાળો દીધી, બુદ્ધની પાછળ પથરા ફેંકાયા, મહાવીરના કાનમાં લોકોએ ખીલા ઠપકાર્યા, સોક્રેટિસને ઝેર પાઈ દીધું. જગતનો ઇતિહાસ લો. ઇશ્વરને પામતાં પહેલાં કેટલી કેટલી કુરબાનીમાંથી લોકો પસાર થયા? એકાવન રૂપિયા આપો અને બેડો પાર થઈ જાય એ તો કેમ બનતું હશે?

સેન્ટર પોઇન્ટઃ જલિલ આસાં નહીં આબાદ કરનાયે ઘર મુહબ્બત કા
યહ ઉસીકા કામ હૈં જો ખુદ બરબાદ હોતે હૈં।

Thursday, March 19, 2009

રોટી મિલે તો બાંટ કે ખાના


સ્વામી રામકૃષ્ટ પરમહંસ પાસે એક યુવાન ગયો. તેણે પરમહંસજીને સીધો પ્રશ્ન કર્યો-''બાપજી એક પ્રશ્ન કા પ્રત્યુત્તર દીજિએ-બતાઈએ સાધુ કી વ્યાખ્યા ક્યા?'' પરમહંસજી સમજી ગયા કે આ કેટલાયને પૂછીને મારી પાસે આવ્યો છે। આની પ્રવૃત્તિ જ પૂછવાની છે. પરમહંસ ઓળખી ગયા. આ માણસે મગજમાં સાધુની વ્યાખ્યા નક્કી કરી નાખી છે. હવે એણે જે નક્કી કરી છે એવો જો કોઈ જવાબ આપે તો જ એ બોલતો બંધ થશે; નહીંતર એ પૂછ્યા જ કરશે.

પરમહંસજીએ જવાબ આપતાં પહેલાં યુવાનને એમ કહ્યું કે, પહેલે આપ બતાઈએ આપકે દિમાગમેં ક્યા વ્યાખ્યા હૈ? તું જે નક્કી કરીને આવ્યો છે એની પહેલાં વાત કર। હું પછી મારો વિચાર રજૂ કરું. પેલો સમજી ગયો કે બાપજી મારા મનની વાત જાણી ગયા. એટલે તેણે કહ્યું, ''બાપજી, મને તો એમ લાગે છે કે, સાધુની વ્યાખ્યા એટલે રોટી મિલે તો ખા લેના; ન મિલે તો અફસોસ ન કરના.'' પેલા યુવાને વ્યાખ્યા કરી કે રોટલો મળે તો ખાઈ લેવો, ન મળે તો ખેર-એનો અફસોસ ન કરવો.

પરમહંસજી ગુસ્સે થઈ ગયા કે યહ તો સાધુ કા અપમાન હૈ; યહ કોઈ સાધુ કી વ્યાખ્યા હૈ? યહ તો કુત્તે કી વ્યાખ્યા હૈ. આ તો કુતરાનો સ્વાભાવ છે કે રોટલો નાંખો તો ખાઈ લે અને ન નાંખો તો જતો રહે. સાધુ કા તો સ્વભાવ રોટી મિલે તો બાંટ કે ખાના - યે ન ત્યક્તેન ભુંજીથાઃ રોટલો મળે તો ટુકડામાંથી ટુકડો બીજાને આપીને ખાવો. અને જો ન મળે તો ભગવાનને કહેવાનું કે હું ઉપવાસ ન કરત, પણ તેં મને ઉપવાસ કરાવ્યો-પ્રભુ તેં મને તપ કરાવ્યું-તેં મારી આંતરશુદ્ધિ કરાવી એટલું હું તારો ઋણી છું. આ સંતનો સ્વભાવ છે.

Wednesday, March 18, 2009

કોના ચરણ સુંદર-રામજીના કે સીતાજીના?


ચિત્રકૂટમાં રામ અને સીતાજી બેઠાં છે. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. રામજીએ સીતાજીને કહ્યું કે, જાનકી, જરા મારા ચરણની સામું જુઓ. સીતાજીએ રામના ચરણની સામું જોયું. રામજીએ કહ્યું, સીતાજી તમને એમ નથી લાગતું કે તમારાં ચરણ કરતાં મારાં ચરણ સુંદર છે? રામજીએ આવો દાવો કર્યો.

સીતાજીએ કહ્યું, નહીં મહારાજ માફ કરજો। જ્યારે તમે દાવો કરો છો તો મારે કહેવું જોઈએ કે આપનાં ચરણ કરતાં મારાં ચરણ વધારે સુંદર છે. બંને વચ્ચે તકરાર શરૂ થઈ. સીતા કહે, મારાં ચરણ સુંદર, રામજી કહે, મારા ચરણ સુંદર. છેવટે સીતાજીએ રામજીને કહ્યું કે, મહારાજ, આપણે સામસામી દલીલો કરીએ, પણ ન્યાય તો લખનભૈયા આપી શકે, કારણ કે તે આપણા બંનેના પગની સેવા કરે છે. સેવા કરનારો વધારે નક્કી કરી શકે કે બેમાંથી કોના ચરણ વધારે સુંદર છે.

લક્ષ્મણજી ફળફૂલ લઇને આવ્યા। રામજીએ કહ્યું, લખન, આજે તારે એક ન્યાય આપવાનો છે. હું એમ કહું છે કે, મારા ચરણ સુંદર છે. સીતા કહે છે, મારાં ચરણ સુંદર છે. તું અમારાં બંનેનાં ચરણની પૂજા રોજ સવારે કરે છે. એટલે હવે તું નક્કી કર. લક્ષ્મણજીને થયું કે, પ્રભુએ તો ધર્મસંકટમાં નાંખી દીધો.

સીતાજીને લક્ષ્મણજીએ પૂછ્યું કે, માતાજી નારાજ નહીં થાવને? સીતામૈયા કહે નહીં। લક્ષ્મણજીએ બહુ સરસ નિર્ણય આપ્યો. સીતાજીને કહે-આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામજીને કહે તમારાં કરતાં સીતાજીના ચરણ વધારે સુંદર લાગે છે. જાનકી ખુશખુશ થઈ ગયા. રામજી નીચું જોઈ ગયા. ત્યારે લખનજીએ કહ્યું, મા, રામજીનાં ચરણ કરતાં તમારા ચરણ સુંદર છે એ બરાબર. પણ હું જે કહું છે તે ધ્યાનમાં રાખો. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે એટલે કે તમારા પગની સુંદરતા રામજીના પગલે પગલે છે. રામજીના ચરણને લીધે તમારા ચરણની કિંમત છે. લખનજીનો ન્યાય સાંભળી બંને ખુશ થઈ ગયા.

લક્ષ્મજીએ કહ્યું કે, મહારાજ, ખુશ થવાની જરૂર નથી. ત્રીજો અરથ છે. તેમણે કહ્યું, મહારાજ, પગલાંની સુંદરતાનું કોઈ મહત્વ નથી. પણ આ આચરણથી આ ચરણ સુંદર લાગે છે. માનવીના આચરણથી એનાં ચરણ સુંદર લાગે. આચરણ ન હોય તો પગલાં ગમે તેટલાં રૂપાળાં હોય એની કોઈ કિંમત નથી.

Tuesday, March 17, 2009

શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય


શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય। ધનુષ્ય ઉપર તમે બાણ ચઢાવો પછી જેટલું તીરને વધારે ખેંચો એટલું તીર વધારે ગતિ કરે. તે રીતે જેટલી સમજણમાંથી શબ્દો નીકળે, જેટલા વિવેકમાંથી શબ્દ નીકળે, જેટલી જ્ઞાનની ભૂમિકામાંથી શબ્દો નીકળે એટલા ઊંડે સુધી શબ્દો સામાના હ્રદયમાં અસર કરે. માણસ પાસે ભાષા ખૂબ હોય પણ જો જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? આપણે બોલીએ ઘણું પણ જો ભીતરથી જ્ઞાન ન હોય તો શું કામનું?

કોઈએ કવિતા લખી છે કે,

નથી દીઠી ભૂખને છતાંયે ભૂખ પર બોલે
અને અનીતિમય જીવન સભામાં નીતિ પર બોલે.

જિંદગીમાં એક ટંક ભૂખ્યો ન રહ્યો અને એ ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એના એ ભાષણની સમાજ પર શું અસર પડે? જો પોતાનો નિજ અનુભવ ન હોય ભૂખનો તો એના ઉપર આંકડા આપીને અને ગરીબાઈ ઉપર બોલવાનો કયો અધિકાર એ માણસને? છતાં પણ સમાજમાં આવું ચાલે છે।

જીવન આખું અનીતિમાં ડૂબેલું હોય અને ભાષણ કરતો હોય ત્યારે એ નીતિ ઉપર નિવેદન કરતો હોય। સમાજમાં મોટે ભાગે આવું જીવન જિવાય છેઃ

પરાઈ નારીને દેખી નયન જેનાં આમતેમ ડોલે
અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે.

આવા માણસના બ્રહ્મચર્ય પરના ભાષણની સમાજ પર શી અસર થાય?
અમારા વક્તાઓ માટે લખ્યું કેઃ

ઇર્ષ્યા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને,
પાછો વ્યાસની ગાદી પર જઇને એ ભક્તિ પર બોલે.

યે સબ કાગઝ કે ફૂલ હૈં ભાઈ ઉસમેં ખુશ્બૂ નહીં. તુલસી કહે છે, ભાષા આવી જાય, પણ જો વિવેક નહીં હોય તો શબ્દો લૂખા હશે-ખાલી હશે. શું અસર એ શબ્દની?