Thursday, October 29, 2009

Bye Bye Shepherd...


''મને ક્રિકેટપ્રેમીઓ જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ મેચ દરમિયાન સ્કોરબોર્ડ પર નેલ્સન, ડબલ નેલ્સન દેખાતા એક પગ પર કૂદકો મારતા કે નાચતાં અમ્પાયર તરીકે યાદ રાખશે.'' બાય બાય શેપર્ડ....તમારી ધારણા સાચી પડી. તમારા અવસાનના સમાચાર મળ્યાં ત્યારે ક્રિકેટપ્રેમીઓએ તમને જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ 'જિગ અમ્પાયર' તરીકે જ યાદ કર્યા. તમે ક્રિકેટમાં રસ ધરાવતો હશો તો 25 ક્રિકેટરના નામ ઝડપથી બોલી જશો, પણ પાંચ અમ્પાયરના નામ યાદ કરવા વિચારવું પડશે. ક્રિકેટપ્રેમીઓના મનમસ્તિષ્કમાં ક્રિકેટરની જેમ જ અંકિત થવાનું સૌભાગ્ય બહુ ઓછા અમ્પાયરને પ્રાપ્ત થયું છે અને તેમાંના એક ડેવિડ શેપર્ડ હતા.
ઇંગ્લેન્ડના આ ભૂતપૂર્વ લોકપ્રિય અમ્પાયરે 68 વર્ષની વયે જીવલેણ બિમારી કેન્સર સામે મેદાન છોડી દીધું અને જીવનરૂપી રંગમંચને કાયમ માટે અલવિદા કહી દીધું. મિત્રો, સસ્તી લોકપ્રિયતા મેળવવી બહુ સહેલી છે અને હરામખોરો તેમાં હથોટી ધરાવતા હોય છે, પણ સન્માનપૂર્વકની લોકપ્રિયતા મેળવવી મુશ્કેલ છે, કારણ કે તેમાં વ્યક્તિને પોતાની જાત પ્રત્યે પ્રામાણિકતા દાખવવી પડે છે. ડેવિડે કાઉન્ટી ક્રિકેટર અને અમ્પાયર તરીકે સાથીદારો અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે સન્માનિય લોકપ્રિયતા મેળવી હતી. તેઓ મેદાન પર ખેલાડીઓના મિત્ર બની જતાં હતાં, પણ કોઈ ખેલાડી તેમના વિવેકને નબળાઈ સમજીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેને પ્રેમથી મર્યાદા દેખાડવાની આવડત પણ તેઓ ધરાવતા હતા.

થોડા સમય પહેલાં ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના કેપ્ટન માઇક આર્થરટોન હતા. એજબસ્ટોનના મેદાન પર સચિન તેંડુલકર પૂરબહારમાં ખીલ્યો હતો અને અંગ્રેજી બોલરો નતમસ્તક થઈ ગયા હતા. આર્થરટોને સચિન પર માનસિક દબાણ લાવવા સ્લેજિંગ શરૂ કર્યું અને મર્યાદા વટાવી ગયો. ડેવિડને આ વાતની જાણ થતાં જ મેદાન પર જ આર્થરટોનનો ઉધડો લઈ લીધો અને ક્રિકેટ જેન્ટલમેનની રમત છે તેના પર લેક્ચર આપી દીધું હતું. તેમની પ્રામાણિકતા પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ને કેટલો વિશ્વાસ હતો તે વર્ષ 2001માં ઓલ્ડટ્રેફર્ડમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું.

આ મેચ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ હતી. તે શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ હતું. આ મેચમાં પાકિસ્તાનનો હાથ ઉપર હતો અને ઇંગ્લેન્ડ મેચ બચાવવા ઝઝૂમતું હતું. મેચના છેલ્લાં દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેન મેચ ડ્રોમાં ખેંચવા પાકિસ્તાનના બોલરોને લડત આપતાં હતા. પણ બન્યું એવું કે પાકિસ્તાનના ઓફ-સ્પિનર સકલીન મુસ્તાકના ત્રણ નો-બોલને પારખવામાં ડેવિડ થાપ ખાઈ ગયા અને આ ત્રણેય બોલમાં ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી ગઈ. ઇંગ્લેન્ડ મેચ તો હારી ગયું, પણ શ્રેણી 1-1થી સરભર થઈ ગઈ. આ આખું પ્રકરણ અંગ્રેજી મીડિયામાં ખૂબ ગાજ્યું હતું અને ડેવિડને તેમની ભૂલનો પારાવાર પસ્તાવો હતો. તેમણે ઇસીબીને પત્ર લખી માફી માગી અને અમ્પાયર તરીકે રાજીનામું આપવાની તૈયારી કરી હતી. પણ ઇસીબીએ અને તેમની ભૂલના કારણે મેચ ગુમાવેલી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ તેમને આવું ન કરવા સમજાવ્યાં હતાં. વેસ્ટ ઇન્ડિઝનો મહાન ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોસે ઇંગ્લેન્ડમાં નિવૃત્ત થયો ત્યારે શેપર્ડના ખભા પર તેના મોટા હાથ મૂકીને રડી પડ્યો હતો. તે જ રીતે ડેવિડ બૂન પણ નિવૃત્ત થયો ત્યારે શેપર્ડની મસ્તીની ખોટ અનુભવશે તેમ કહ્યું હતું.

ખેલાડીઓનો આવો પ્રેમ મેળવનાર ડેવિડે 1983થી 2005 સુધીની 22 વર્ષની કારકિર્દીમાં 92 ટેસ્ટ મેચ અને ત્રણ વિશ્વકપની ફાઇનલ મેચની સાથે કુલ 172 ટેસ્ટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ષ 2005માં જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટમાં છેલ્લી વખત અમ્પાયરની ભૂમિકા અદા કરી હતી. વિદાય વેળાએ બંને ટીમના ખેલાડીઓ અને સ્ટેડિયમના તમામ દર્શકોએ ઊભા થઇને તેને અલવિદા કહ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ તેમને એક બેટની ભેટ ધરી હતી. તેના પર લખ્યું હતું...''the service, the memories and the professionalism''

ચલતે-ચલતેઃ મને છેતરપિંડી બિલકુલ પસંદ નથી-ડેવિડ શેપર્ડ

Wednesday, October 14, 2009

IPO, OPO AND UPO....


એક કદમ પાછળ ને બે કદમ આગળ...છેલ્લાં ત્રણ મહિનામાં બજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ આવી રહી છે. સેન્સેક્સ 17,000ની સપાટી પાર કરી ગયો છે તો નિફ્ટી 5,000ની સપાટીની આસપાસ ફરી રહ્યો છે. પણ આ તેજીનો ફાયદો આ જ સમયગાળા દરમિયાન આવેલા મોટા ભાગના આઇપીઓને થયો નથી. આ ગાળામાં નવ આઇપીઓ બજારમાં આવ્યાં છે, જેમાંથી પાંચનું લિસ્ટિંગ તેમની ઇશ્યૂ પ્રાઇસ કરતાં નીચે થયું છે. તેના પગલે આઇપીઓ પ્રાઇસિંગને લઇને રોકાણકારોના પ્રશ્ન ઊભા થાય તે સ્વાભાવિક છે.
જાહેર ક્ષેત્રની કંપની નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન (એનએચપીસી)એ આઇપીઓ મારફતે બજારમાંથી રૂ. 6,000 કરોડ ઊભા કર્યાં છે. તેની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 36 હતી, પણ પહેલી સપ્ટેમ્બર, 2009ના રોજ બજારમાં લિસ્ટિંગ થયું તે પછી અત્યાર સુધી માત્ર ચાર વખત તેનો શેર ઇશ્યૂ પ્રાઇસ કરતાં વધુ કિંમતે બંધ રહ્યો છે. સોમવારે બીએસઈ તે રૂ. 33ના ભાવે બંધ રહ્યો હતો. તેના જેવી જ હાલત ગ્લોબસ સ્પિરિટ, રાજ ઓઇલ મિલ્સ, એક્સેલ ઇન્ફોવે અને પિપાવાવ શિપયાર્ડ જેવી અન્ય કંપનીઓના શેરની છે, જેમના આઇપીઓ છેલ્લાં ત્રણ મહિનામાં આવ્યાં હતાં. અદાણી પાવરની જ વાત કરીએ. અદાણી પાવરના આઇપીઓને રોકાણકારોએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો, પણ જે રોકાણકારો ટૂંકા ગાળામાં નફો રળવા માગતા હતા તેમને અપેક્ષાથી વિપરીત પરિણામ મળ્યાં છે. અદાણી પાવરનું લિસ્ટિંગ પણ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થયું હતું.

આ પ્રકારના અનુભવને પગલે રીટેલ રોકાણકારો નવા આઇપીઓમાં રોકાણ કરતાં સાવચેતી દાખવી રહ્યાં છે. સોમવારે ઇન્ડિયાબુલ્સ પાવરનો આઇપીઓ આવ્યો. (ઇન્ડિયાબુલ્સ પાસે વીજક્ષેત્રમાં કામગીરીનો કોઈ અનુભવ નથી. કદાચ પબ્લિકને રૂપિયે અનુભવ લેવાનો વિચાર છે) તેના પહેલાં દિવસે તેનો આઇપીઓ છ ગણો ભરાઈ ગયો તેવી જાણકારી મળી. પણ શું તમે જાણો છો રીટેલ રોકાણકારોનું કેટલું પ્રદાન છે? આ આઇપીઓને સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors)એ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 10.8 ગણો ભરાઈ ગયો છે, પણ રીટેલ રોકાણકારોનો હિસ્સો 0.37 ગણો ઓછો ભરાયો છે.
આગામી ચારથી છ મહિનામાં દસેક કંપનીઓ મેગા ઇશ્યૂ મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ ઊભા કરવા માગે છે. તેમાંથી મોટા ભાગની કંપની રીઅલ એસ્ટેટ અને વીજ ક્ષેત્રમાં કાર્યરત છે. આ કંપનીઓના આઇપીઓમાં રીટેલ રોકાણકારોનું વલણ સાવેચતીભર્યુ હશે તે બાબત નિશ્ચિત છે. હકીકતમાં રોકાણકારોને પ્રમોટર્સના આશય વિશે હવે શંકા જન્મી છે. તેનું કારણ થોડા સમયમાં રોકાણકારોને વિવિધ આઇપીઓમાં થયેલો અનુભવ છે. ખાસ કરીને વીજકંપનીઓના પ્રમોટર્સે પ્રોજેક્ટના અમલીકરણના સ્વાભાવિક જોખમને પગલે એ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે, જેમાં રોકાણકારોને ટૂંકા ગાળાના ફાયદાનો અવકાશ જ રહેતો નથી. દાખલા તરીકે, એનએચપીસીના આઇપીઓમાં રોકાણ કરનારાઓએ સારું એવું વળતર મેળવવા ઓછામાં ઓછા પાંચ વર્ષ રાહ જોવી પડશે. ઉપરાંત રિલાયન્સ પાવરના આઇપીઓનો ઘા હજુ રુઝાયો નથી. રિલાયન્સ પાવરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 450 હતી, પણ અત્યારે તેનું ટ્રેડિંગ રૂ. 165ની આસપાસ ચાલી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે, કંપનીમાં લાંબા ગાળાના રોકાણકારોને અત્યારે 63.5 ટકાનું નુકસાન છે.

કોઈ કંપનીનું લિસ્ટિંગ તેની ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થાય ત્યારે રોકાણકારો તેના આઇપીઓને ઓપીઓ અર્થાત્ ઓવરપ્રાઇસિંગ પબ્લિક ઓફર કહે છે. તે જ રીતે લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસ કરતાં વધારે કિંમતે થાય ત્યારે તેવા આઇપીઓ માટે રોકાણકારોમાં યુપીઓ અર્થાત્ અંડરપ્રાઇસ પબ્લિક ઓફર શબ્દ પ્રચલિત છે. રિલાયન્સ પાવરના આઇપીઓમાં 46 લાખ રોકાણકારોએ ઝંપલાવ્યું હતું, પણ તેનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થયું અને તેના શેરની કિંમત ગગડી ત્યારે રોકાણકારો તેને ઓપીઓ કહેતાં હતાં. પણ ખરેખર ઓપીઓ કે યુપીઓ જેવું કંઈ હોતું જ નથી. આઇપીઓમાં રોકાણ કર્યાં પછી જ રોકાણકારોને ખબર પડે છે કે કંપનીની ઓફર વાજબી હતી કે ગેરવાજબી.

ચલતે-ચલતેઃ વર્ષ 2007ની તેજીના તોખારમાં લિસ્ટિંગ થયેલી મોટા ભાગની કંપનીઓના શેર પોતાની પાસે રાખી મૂકનાર રોકાણકારો હજુ પણ મંદીના આંચકામાંથી બહાર આવી શક્યા નથી. સેન્સેક્સની આગેકૂચ ચાલુ હોવા છતાં તેમને હજુ પણ તેમનું રોકાણ પાછું મળ્યું નથી. વર્ષ 2007માં 95 કંપનીઓના આઇપીઓ આવ્યાં હતાં, જેમાંથી 58 કંપનીઓનું ટ્રેડિંગ અત્યારે તેમની ઓફર પ્રાઇસ કરતાં નીચે ચાલી રહ્યું છે.