Tuesday, May 12, 2009

દીકરી દેવો ભવઃ


માએ મમતાની મૂરત છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી તો દયા અને કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે. બાપનું ઘર છોડીને તે પતિગૃહે જાય છે ત્યારે તેની કરુણાનું સ્થાન બદલાતું હોય છે, પણ તેના હ્રદયમાં રહેલી અનુકંપા અકબંધ રહે છે. ખાસ કરીને પિતા પ્રત્યેનો તેનો પ્રેમ વધતો જાય છે. દીકરી પોતાના વિવેક અને માતાપિતાના સંસ્કારના બળે જીવનની તમામ ઘટનાઓને સહી લે છે, પરંતુ તેના બાપને કંઈ થાય તે તેના માટે અસહ્ય હોય છે. કોઈ તેને કહે કે તારા બાપની તબિયત બરોબર નથી તો થઈ રહ્યું. પછી દીકરી એક ક્ષણ રહી શકતી નથી. તે તરત જ તેના બાપને મળવા દોડી જાય છે. તેની સ્થિતિ તે જ જાણે છે.

મારી સમજ કાંઇક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પણ દીકરી તો બાપનું સ્વરૂપ છે। પુત્ર બાપનો હાથ છે જ્યારે દીકરી તો બાપનું હૈયું છે. એટલે જ્યારે કોઈ પિતા કન્યાદાન કરતો હોય છે ત્યારે તે દીકરીનો હાથ જમાઇના હાથમાં આપતો હોય છે, પણ હકીકતમાં તે તેનું હૈયું જમાઇને સોંપતો હોય છે. આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ગાયું છે કે, 'કાળજા કરે કટકો મારો હાથથી છૂટી ગ્યો.'

દીકરીને સાસરે વળાવે ત્યારે બાપની ઉંમર હોય તેના કરતાં થોડાં વરસ વધી જાય તેવું અનુભવાય છે અને લોકોને લાગે પણ છે। તે જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરનો દેખાય. દીકરીને મળવા બાપ સામે દોડી પડે અને હરખાતો હરખાતો બોલે...મારો દીકરો આવ્યો॥મારો પ્રાણ આવ્યો...

તેમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો એટલે કે નાના થઈ જાય છે। જુવાન દીકરી વૃદ્ધ બાપની મા બની જાય છે. જેમ મા બાળકને આગ્રહ કરીકરીને જમાડે અને સાચવે તેવો લાગણીનો પ્રવાહ દીકરી બાપ તરફ વહાવે છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

(મોરારીબાપુના પ્રવચનનો આ હિસ્સો સહકર્મચારી અને વડીલ મિત્ર નૃપેશભાઈ જાનીએ મને સોમવારે મેઇલમાં મોકલ્યો હતો.)

No comments: