Tuesday, August 14, 2012
સ્વતંત્ર્તાનો ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ
Monday, April 23, 2012
કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા ઊપજે
સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઈ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ચ - છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો સદાના માટે મનુષ્યજાતિના સદા માટે આશીર્વાદ મેળવશે.
કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઈ રહી છે તેથી સામાજિક માન્યતાઓને જે કંઈ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.
પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયો થઈ વધુ ખાઈ લે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઈ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઈ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડ લેવાં એ ખોટું છે. પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે જુદું છે. કુદરત કોઈની દયા ખાતી નથી અને પોતાના નિયમોના ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્વિક અને શુભ પરિણામ તો વાસનાઓના નિગ્રહથી જ મેળવી શકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.
ગાંધીગંગાઃ કૂતરાંબિલાડાંની પેઠે થતી પ્રજાવૃદ્ધિ બેશક અટકાવવી જોઈએ
Sunday, April 1, 2012
મારો રામ

Wednesday, October 5, 2011
રામનામઃ હ્રદયના ચોખ્ખા લોકો માટે છે...

Saturday, October 1, 2011
मैं क्रांतिकारी हूं, अहिंसक क्रांतिकारी...

Thursday, March 25, 2010
જ્યારે હું ભયભીત થાઉં ત્યારે....

માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.
રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.
ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે
Tuesday, March 23, 2010
ગાંધીજીનો વાઇસરૉયને પત્ર

માર્ચ 23, 1931
પ્રિય ભાઈ,
આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.
સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.
વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.
આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.
આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.
શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.
ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.
રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.
''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''
આપનો
સહ્રદયી મિત્ર
Wednesday, March 10, 2010
હિંદુ કોણ?

તમે સૌ જાણો છો કે હિંદુ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયેલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશા તત્પર છે અને અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મના અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે.
હું પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. હિંદુ સમાન મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઇશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને અને મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે.
જો મને કોઈ હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ.
ગાંધીગંગાઃ સૂર્ય તપે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે હિંદુ ધર્મનો નિચોડ આપી દીધો છે કે 'દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટમેં પ્રાન.'
Monday, March 8, 2010
સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી...

સ્ત્રીઓની સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથ ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. ગામડાંઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો એમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાનો જરૂર છે.
કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહેલું છે, પણ તેણે હંમેશા વિવેદદ્રષ્ટિ વાપરેલી જોવામાં આવતી નથી..સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી જોઈએ નહીં. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ છૂટ સ્ત્રીઓને ભોગવવાનો હક છે.
ગાંધીગંગાઃ દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ
Sunday, February 21, 2010
હિંદુસ્તાન તળિયે મજબૂત છે...

હિંદુસ્તાને જે માર્ગ દેખાડ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કોઈ કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું, ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.
જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદુ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા જ નથી. આ આરોપ એ આપણો ગુણ છે, દોષ નથી. ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.
હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણને કંઈ સંચા શોધતાં ન આવડે તેમ ન હતું. પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.
તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો. તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો-ઋષિઓ અને ફકીરો-કરતાં ઊતરતા ગણ્યા.
આવું જ પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.
ગાંધીગંગાઃ પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદુનો સુધારો સેશ્વરી છે
Wednesday, February 17, 2010
ઇસ્પિતાલો એ પાપની જડ છે......

એક વખત મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. પણ આપણામાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો જ નથી, એનું મને ભાન થયું છે, ને હું તે વિચારની કિંમતને પારખી શકું છું.
દાક્તરોના દંભનો પણ કોઈ પાર નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે તેના ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને સિરપાવ મળ્યો. ખરેખર દાક્તરે આપણને હલમલાવી નાખ્યા છે. દાક્તરો કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મન થઈ જાય છે. આપણી વિચારીએ.
દાક્તરોનું કામ માત્ર શરીર સંભાળવાનું છે. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે?
આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લઉં. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરે તો આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાય કાબૂ ન રાખી શકું. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ કરત, મારું મન દ્રઢ થાત અને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.
ઇસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે. દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધારાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ તે જુદી વાત છે. પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધા વાત છે.
આનું પરિણામ એ આવ્યું કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આપણે શરીરહીન અને બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.
આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે, તેનું ખરું કારણ તો આબરૂદાર અને પૈસો કમાવવાનો ધંધો કરવાનું છે. તેમાં લોકોને ફાયદા કરતાં કરતાં નુકસાન વધારે છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા લે છે.
ગાંધીગંગાઃ ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં દેખીતા ઠગવૈદ્ય સારા ગણાય...
Thursday, February 4, 2010
અદાલતો આવી ત્યારે બાયલા બન્યા...
વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય ત્યારે રાજી થાય છે. નહીં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે. તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબ માણસોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ.
વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશઆરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનાર વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે, ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!
કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. અદાલતો એ કંઈ લોકોનું ભલું કરવા માટે નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા બેસાડી શકતો નથી. ખરેખર જ્યારે માણસો પોતાના હાથે મારામારી કરીને અથવા સગાંને પંચ તરીકે નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકીબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છું એ બંને પક્ષકાર જાણે છે. આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઈન્સાફ કરે છે.
ગાંધીગંગાઃ આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.
Tuesday, February 2, 2010
શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દઈએ તો......

હિંદુ એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપ્નું છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું. છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે, તે મુલકી ભાઈ છે અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે. દુનિયાના કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એમ થયો નથી અને હિંદુસ્તાનમાં હતો નહીં.
હિંદુ-મુસલમાન વચ્ચે હાડવેર છે એ બંનેના દુશ્મને શોધેલું વચન છે. હિંદુ-મુસલમાન લડતા હતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને કોમને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી. તેથી બંનેએ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજે શરૂ કરાવ્યા.
ઘણા હિંદુ અને મુસલમાનના બાપદાદા એક જ હતા. આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેનો ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તો શું થયું? તેમાં દુઃખ શું? જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તોપણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે. આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.
ગાંધીગંગાઃ આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવાના ઉપાયો શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને, માણસે અક્કલનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો.
Sunday, January 17, 2010
કુંભમેળામાં ગાંધીજી

Saturday, January 2, 2010
આપણે સામે ચાલીને અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું હતું..

ઇતિહાસ સાક્ષી છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતાં. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. તબીબ તો એ જે દરદનું મૂળ શોધે.
અંગ્રેજી વેપારીઓને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસરો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની દાદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો અને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં આપણે મદદ આપી ત્યારે તેમણે લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે પણ વેર ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો. આમ બધી રીતે કંપનીનો કાબૂ જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું તેમ કહેવું વધારે સાચું છે.
(દોસ્તો, 'હિંદ સ્વરાજ' વાંચી રહ્યો છું ત્યારે ગાંધીજીના જે વિચારો મને સારા લાગે છે તેને સંપાદિત કરીને અહીં મૂકી રહ્યો છું. જે વાંચીએ તેમાંથી સારું લાગે તેને મિત્રો સાથે વહેંચવાનો શોખ છે.)
Thursday, December 31, 2009
પાર્લમેન્ટ વેશ્યા છે...

પાર્લમેન્ટનો કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે- જેમ કે મુખ્ય પ્રધાન- ત્યારે પણ તેની ચાલ એકસરખી રહેતી નથી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવો દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.
મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું છે કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી. તેથી ભલે પ્રામાણિક ગણાય, પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારું ઇલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રામાણિકતાપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.
Wednesday, December 30, 2009
પાર્લામેન્ટ વાંઝણી છે....
* લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરો ચૂંટીને મોકલે.
* મેમ્બરો વગર પગારે જાય અને લોકકલ્યાણનું કામ કરે.
* તેનું કામ એવું સરળ હોય કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય.
* પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે.
* સૌ પોતાનું ખેંચે છે.
* માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી.
* મોટા સવાલોની ચર્ચા પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલાં ખાય છે. એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડી' એવું નામ આપ્યું છે.
* મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે વિરોધી મત રજૂ કરે તો તે મેમ્બરના ભોગ સમજવા.
* જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લામેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે.
આ વિચારો મારા અંગત છે તેમ ન માનશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લામેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી.
Tuesday, December 29, 2009
ગાંધીજી બોલે તો..
* જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ન મારવી એ ડહાપણ છે. જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર કરતા નથી, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં. મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે.
* જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે. સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો.
* હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન પર જોવામાં આવે છે.
* અસંતોષ બહુ ઉપયોગી વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જોઇએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)
Tuesday, September 29, 2009
હકનું બીજ ફરજ છે

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે.
અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન જાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જ પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે.
Tuesday, July 14, 2009
મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો..............

જો મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એકેએક પીઠાને કશું વળતર આપ્યાં વિના બંધ કરી દઉં. ગુજરાતમાં જ્યાં ખજૂરાં છે તે બધાંનો નાશ કરું. કારખાનાવાળા પાસે મજૂરો માટે મનુષ્યને યોગ્ય એવી સ્થિતિ પેદા કરાવું અને આ મજૂરોને જ્યાં નિર્દોષ પીણાં અને તેટલાં જ નિર્દોષ મનોરંજનના સાધનો મળે એવાં ઉપહારગૃહો અને ક્રીડાગૃહો ખોલાવું.
કારખાનાના માલિકો નાણાંની તંગીનું કારણ બતાવે તો હું તેમનાં કારખાનાં બંધ કરી દઉં. દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કરનાર હોઈ એક કલાકની સરમુખ્યારી મળવા છતાં હું મારું ભાન ઠેકાણે રાખું, એટલે મારા યુરોપિયન મિત્રો અને માંદા માણસો જેમને બ્રાન્ડી કે એવી ચીજની દવા તરીકે જરૂર હોય તે સૌની સરકારી ખર્ચે હોશિયાર ડોક્ટરો પાસે તપાસ કરાવડાવું અને જ્યાં જરૂર હોય ત્યાં તેમને પ્રમાણપત્રોવાળા દવાના વેપારીઓ પાસેથી ઠરાવેલા પ્રમાણમાં આ જલત પીણાં મેળવવાનો અધિકાર આપનારાં પ્રમાણપત્રો આપવામાં આવે એવી ગોઠવણ કરું.
દારૂની આવક પૂરતી ખોટને માટે હું સીધો જ લશ્કરી ખરચ પર કાપ મૂકું અને સેનાધિપતિ નવી સ્થિતિમાં ગમે તેમ કરીને ચલાવે એવી તેની પાસે અપેક્ષા રાખું. કારખાનાં બંધ પડવાને લીધે જે મજૂરો બેકાર બને તેમને માટે કારખાનાંની નજીક તરત જ નમૂનેદાર ખેતીશાળાઓ કાઢી ત્યાં તેમને મોકલી દઉં, સિવાય કે મને એ કલાકમાં એવી સલાહ મળે કે આ જરૂરી શરતો સાચવીને સરકાર એ કારખાનનાં ચલાવીને નફો કરી શકે અને તેથી માલિકો પાસેથી તે પોતે લઈ શકે એમ છે.




