Showing posts with label સ્વામી વિવેકાનંદ. Show all posts
Showing posts with label સ્વામી વિવેકાનંદ. Show all posts

Saturday, January 28, 2012

સ્વસ્થતા


આવેશ જેમ ઓછો, તેમ કામ વધુ સારું થાય. આપણે જેમ વધુ શાંત હોઈએ તેમ આપણે માટે વધુ સારું. તેનાથી આપણે કામ વધુ કરી શકીએ. આપણી લાગણીઓ પર આપણો કાબૂ નથી રહેતો ત્યારે આપણી ઘણી શક્તિ વેડફી નાખીએ છીએ. આપણા જ્ઞાનતંતુઓ ભાંગીએ નાખીએ છીએ, આપણા મનને ખલેલ પહોંચાડીએ છીએ અને કામ સાવ થોડું થાય છે. જે શક્તિ કાર્યરૂપે પરિણમવી જોઈતી હતી તે માત્ર લાગણીના ઊભરારૂપે ખર્ચાઈ જાય છે અને કાંઈ વળતું નથી. મન શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારું કામ કરવામાં વપરાય છે.
જગતમાં જન્મેલા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રોને વાંચશો તો તમને જણાશે કે એ વ્યક્તિઓ અસાધારણ શાંત સ્વભાવની હતી. કોઈ વસ્તુ તેમની મનની સ્વસ્થતાને ડગાવી શકતી નથી. જે માણસ ગુસ્સે થઈ જાય છે તે બહુ કામ કરી શકતો નથી. જે વ્યક્તિને કોઈ પણ બાબત ગુસ્સે ન કરી શકે તે ઘણું કાર્ય પાર પાડે છે. જે માણસ ગુસ્સાને, ધિક્કાને અને બીજા કોઈ પણ આવેશને વશ થાય છે તે કાર્ય ન કરી શકે. તે માત્ર પોતાની જાતને નિરાશ કરે છે. તેના કાર્યમાં કંઈ ઊતરતું નથી. શાંત, સમતોલ અને સમાન દૃષ્ટિવાળું મન જ વધુમાં વધુ કામ કરે છે.
હકીકતમાં વિશ્વની સર્વ શક્તિઓ આપણી છે. આપણે જ આપણી આંખો આડા હાથ ધઈને અંધારું છે, અંધારું છે એમ બૂમો પાડીએ છીએ. તમે જાણો છો કે આપણા આસપાસ અંધાર ું નથી. હાથ ખસેડી લો એટલે અજવાળું દેખાશે. ખરેખર અંધકારનું અસ્તિત્ત્વ નથી, નિર્બળતાનું અસ્તિત્ત્વ નથી. આપણે બૂમો પાડીએ છીએ કે આપણે દુર્બળ છીએ, આપણે અપવિત્ર છીએ. તમે તમારી જાતને ખોટી આંકી રહ્યાં છો. તમે તમારી જાતને સંમોહિત કરીને કંઈક નીચી, નિર્બળ અને કંગાળ કલ્પીએ રહ્યાં છો. આ જ તમારી મોટીમાં મોટી ભૂલ છે. આપણે નિર્બળ છીએ એ માનવું મોટામાં મોટું પાપ છે. આપણામાં અનંત શક્તિ છે. ઊઠો, જાગો અને આ શક્તિનો સ્વસ્થતાપૂર્વક ઉપયોગ કરો.

Friday, June 3, 2011

વીરભોગ્યા વસુંધરા


મિત્ર! પ્રથમ માણસ બનો. પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કાંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વૈષ, એ કૂતરાં જેવો એકબીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.

‘તુલસા આયા જગતમેં જગત હસ્યો તુમ રોય;

વૈસી કરની કર ચલો, તુમ હસો જગ રોય.’

એવું જો તમે કરી શકો તો ખરા માણસ; નહીંતર જનમ ધરીને વળ્યું શું?

‘દુનિયાને જે કહેવું હોય તે કહે. હું તો ધર્મને માર્ગે ચાલીશ.’ વીરપુરુષોનો સાચો રસ્તો આવો છે. નહિતર માણસને જો આ માણસ શું કહે છે અને પેલો માણસ શું લખે છે તે જ રાતદિવસ ધ્યાનમાં લેવાનું હોય તો આ દુનિયામાં કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. તમે આ સંસ્કૃત શ્લોક જાણો છો?

‘નીતિનિપુણ માણસો ભલે નિંદા કરે કે સ્તુતિ કરે; લક્ષ્મી આવે કે ભલે ઠીક પડે ત્યાં જાય; મરણ આવે થાય કે પછી યુગો થાય, પણ ન્યાયના પંથથી વીરપુરુષો કદી ચલાયમાન થતા નથી.’ લોકો તમારી સ્તુતિ કરે કે નિંદા કરે, ભાગ્ય તમારા પર રૂઠે કે રીઝે, તમારું શરીર આજે પડે કે યુગો પછી પડે, પણ સત્યના માર્ગેથી તમે ચલાયમાન ન થતા. શાંતિને કિનારે પહોંચતાં પહેલાં માણસને કેટલાં તોફાનો અને વિરાટ મોજાંઓનો સામનો કરવો પડે છે! જેમ મનુષ્ય વધારે મહાન તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે. વ્યાવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે.

જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે!’ આ છે પુરુષાર્થ, મર્દાનગીભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.

જે લોકો જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. વીરભોગ્યા વસુંધરા! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો. હંમેશા બોલોઃ ‘મને કોઈ ડર નથી,’ દરેકને કહોઃ ‘નિર્ભય બનો.’

તુલસીપત્રઃ ભય નરક છે, ભય અધમ છે, ભય મિથ્યા જીવન છે.

Tuesday, June 22, 2010

જાગો વીર! કાપો, કાપો આ ભ્રમજાળ....



જાગો વીર!
સદાય શિર પર
ચક્રાવા લ્યે કાળ.

છોડો નિજનાં સ્વપ્નાં,
ભય શો?
કાપો, કાપો આ ભ્રમજાળ.

બધી શક્તિ અને
સામર્થ્યનું મૂળ
જગદંબાનું હું સંતાન છું.

મારે મન
શિર ઝુકાવતી,
ખુશામત કરતી,
કકળાટ કરતી,
અધમ નિષ્ક્રિયતા અને નર્ક
બંને સમાન.

બસ એક જ પ્રાર્થના મારી કે
મારે કાયરને મોત મરવું ન પડે.
જે કાયર છે તે મૃત્યુ પછી
જન્મે એક જંતુરૂપે કાં
બને અળશિયું.

લાખો વર્ષની તપસ્યાને અંતે
કાયરને માટે
ન કોઈ ઉદ્ધાર.

સત્ય મારો પરમેશ્વર ને
વિશ્વ મારો દેશ.

ઊભો થા અને યુદ્ધ કર.....


ઊભો થા અને યુદ્ધ કર,
એક ડગલું પણ પીછેહટ ન કર,
છેલ્લે સુધી લડત ચાલુ રાખ,
પરિણામ ભલે ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે!
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય!
મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમા શું?
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહટ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે....
પુરુષાર્થ કરો,
પ્રકાશ માટે પુરુષાર્થ કરો!
આગળ ધપો!

Friday, July 24, 2009

એકાગ્રતા એટલે સફળતા


જ્ઞાન મેળવાની કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એકાગ્રતા છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી મનની બધી શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્રબિંદુ પર લાવે છે અને તત્વો પર ફેંકે છે. આ તત્વોનું વિશ્લેષણ થાય છે અને રસાયણશાસ્ત્રી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ખગોળવેત્તા પણ પોતાના મનની શક્તિને એકત્ર કરીને એક જ કેન્દ્ર પર લાવે છે અને પોતાના દૂરબીન દ્વારા પદાર્થો પર ફેંકે છે. પરિણામો તારાઓ અને સૂર્યમંડળો સામે આવીને પોતાનું રહસ્ય ખુલ્લું કરે છે.

એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય. બૂટપોલિશ કરતો કોઈ છોકરો પોતાનું કામ એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરીસા જેવા કરી શકશે. રસોઇયો એકાગ્રતાથી રસોઈ કરશે તો ભોજન સ્વાદિષ્ટ બનશે. પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ, તેટલું કામ સારું. એકાગ્રતા એક પોકાર છે, એક ધક્કો છે, જે કુદરતના દ્વાર તમારી સમક્ષ ખુલ્લા મૂકી પ્રકાશનો ધોધ વહેતો કરે છે.

સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે મુખ્ય ભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં છે. પ્રાણઓમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે અને તેઓ લાંબા સમય સુધી એક વસ્તુ પર એકાગ્રતા સાધી શકતા નથી. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના તફાવતના મૂળમાં પણ એકાગ્રતાનો જ સવાલ છે. નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા માનવીની તુલના કરી જુઓ. આ બંનેમાં ભેદ કેવળ એકાગ્રતાની માત્રાનો જ છે.

કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તેની સફળતાનું રહસ્ય એકાગ્રતા જ છે. ઘણનો ઘા ક્યારે મારવો, અંદરનું દ્વાર ક્યારે ખખડાવવું એટલું આપણે જાણીએ તો પછી બ્રહ્માંડ તો પોતાનો ખજાનો-રહસ્યો તમારી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. પણ પ્રહાર કરવાની આ તાકાતની જનેતા કોણ છે? એકાગ્રતા.
સેન્ટર પોઇન્ટઃ એક વિચારને પકડીને તેની જ ઉપાસનો કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ ધપો. ચોક્કસ તમારો સૂર્યોદય થશે

Thursday, July 23, 2009

બાળકોને રચનાત્મક ખ્યાલો આપો


માર મારવાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તે રીતે આપણે આપણા બાળકોને કેળવવા મથતી પદ્ધતિ રદ કરવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણા બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્યને સુધારવા બળજબરીથી થતા પ્રયાસો હંમેશા એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે.

આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નકારાત્મક વિચારો મનુષ્યને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાના સંતાનોને વાંચવા લખવા કાયમ ટોક ટોક કર્યા કરે અને ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કર્યા કેર ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.

ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો અને કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ વધારી સારી રીતે કરી શકે, તે માર્ગ તેમને દર્શાવવો જોઇએ. શિષ્યની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવો જોઇએ. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય કરી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં કરી શકો નહીં. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે અને આપણે તેને માત્ર જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેના માટે કરવાનું છે.

સેન્ટર પોઇન્ટઃ તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં, તો પછી એ શિયાળ બની જશે

કેળવણી એટલે...


તમારા મગજમાં ઠાંસેલી અને જીવનભર વણપચી રહીને કાળો કેર વરતાવતી માહિતીનો સંચય એટલે કેળવણી નહીં. જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે., તેના ચારિત્ર્યનો વિકાસ કરે તેવા વિચારની આપણને જરૂર છે. માત્ર પાંચ જ વિચારો પચાવીને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં વણી લીધા હોય તો આખું પુસ્તકાલય ગોખી નાખનાર કોઈ પણ માણસ કરતાં તમે વધુ કેળવણી પામેલા છો. કેળવણી અને માહિતીના અર્થમાં કશો જ ફેર ન હોય તો, પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ ઠરે અને સર્વજ્ઞાનસંગ્રહો ઋષિમુનિઓમાં ખપે.

સાધારણ જન સમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે તેને શું આપણે કેળવણી કહીશું? કેળવણીનો હેતુ શો છે?

આપણે એવી કેળવણીની જરૂર છે જેના વડા મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ. કેળવણી માત્રનો હેતુ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો છે. માનવને વિકાસના પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઇચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય. લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓની અત્યારે આપણા રાષ્ટ્રને જરૂર છે.

જેની સામે થવાની કોઈ હિંમત પણ ન કરે, જે સૃષ્ટિના ગુપ્ત રહસ્યને ભેદી શકે અને તેનો તાગ મેળવી શકે, જે મરજીવા બનીને સમુદ્રના તળિયે મોતનો સામનો કરીને પણ જીવનનું રહસ્ય શોધી શકે એવા રાક્ષસી મનોબળની આપણે જરૂર છે. માનવને 'માનવ' બનાવતો ધર્મ આપણે જોઇએ. માનવને 'માનવ' બનાવે તેવા સિદ્ધાંતો આપણે ઇચ્છીએ છીએ. આપણે સર્વત્ર માનવને 'સાચો માનવ' બનાવી એવી કેળવણી ઝંખીએ છીએ.

માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં


તમે માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં. માનવજાતના 99 ટકા લોકો ગુલામની જેમ કાર્ય કરે છે અને તેનું ફળ દુઃખ સ્વરૂપે મળે છે, કારણ કે આ બધું સ્વાર્થવૃત્તિથી પ્રેરાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરો ! પ્રેમથી કાર્ય કરો ! પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ મળે છે. પ્રેમથી કરેલું એક પણ કાર્ય એવું નથી જેને પરિણામે સુખ અને શાંતિની પ્રતિક્રિયા ન મળે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે. પણ જ્યાં સુધી સ્વતંત્ર્તા ન હોય ત્યાં સુધી પ્રેમ ન જ આવે.

ગુલામમાં સાચો પ્રેમ ન સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો અને કામ કરાવો તો એ વેઠિયાની જેમ કામ કરશે. પણ એનામાં પ્રેમ હશે નહીં. ગુલામની જેમ આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન હોય તે સ્વાભાવિક છે. તેના પરિણામે આપણું કાર્ય સારું થતું નથી. સગાઓ, મિત્રો અને આપણા પોતા માટે પણ કરેલાં કામો પણ આવાં જ છે.

સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામનું કાર્ય છે. ગુલામની જેમ કાર્ય કરવાથી સ્વાર્થીપણું અને આસક્તિ આવે છે, પણ આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનો આનંદ આવે છે. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણા પ્રગતિ રુંધાય છે. એટલું જ નહીં દુઃખ પણ ઉત્પન્ન થાય છે. તમે તમારા બાળકોને જે આપ્યું છે, તેના બદલામાં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખો છો? તમારા બાળકો માટે કામ કરવાને તમે ફરજ માનો છો અને ત્યાં તમે કોઈ બદલાની અપેક્ષા રાખતા નથી. કોઈ પણ વ્યક્તિ કે શહેર કે રાષ્ટ્ર માટે તમે જે કાંઈ કરો ત્યારે તમારાં બાળકો માટે કરેલા કાર્ય જેવો ભાવ રાખો. બદલામાં કશી આશા ન રાખો.

Tuesday, July 14, 2009

ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો


એક વાર હું કાશીમાં એક જગ્યાએથી પસાર થતો હતો. ત્યાં એક બાજુ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુ ઊંચી દિવાલ હતી. તે જગ્યાએ ઘણા વાંદરા હતા. તેમણે મને ત્યાંથી પસાર ન થવા દેવાનું નક્કી કર્યુ. તેઓ કિકિયારી કરવા લાગ્યા, ચીસો પાડવા માંડયા, મારા પગે ચોંટવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેઓ મારી નજીક આવ્યા, એટલે મેં દોડવાનું શરૂ કર્યું. પણ જેમ હું જેમ વધુ ઝડપથી દોડતો ગયો તેમ વાંદરાઓ પણ ઝડપથી પાછળ પડ્યા અને તેઓ મને બચકાં ભરવા આવ્યા. તે જ વખતે અચાનક એક અજાણ્યા ભાઈ આવી ચડ્યા. તેણે મને બૂમ પાડી કહ્યું, 'વાંદરાની સામે થાઓ.' હું પાછો ફર્યો અને વાંદરાની સામે થયો, એટલે તેઓ પાછા ફર્યા અને આખરે નાસી ગયા.

જીવનનો આ એક બોધપાઠ છેઃ ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓમાંથી આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હઠે છે. ભય, મુશ્કેલી અને અજ્ઞાનને નસડાવાં હોય તો આપણે તેમની સામે લડવું પડશે. આપણે સ્વાતંત્ર્ય મેળવવું હોય તો પ્રકૃતિ પર વિજય મેળવીને જ પ્રાપ્ત થશે, નહીં તે નાસી છૂટીને. નામર્દને કદી વિજય સાંપડતો નથી.

મારા યુવક મિત્રો ! સુદ્રઢ બનો. નબળા લોકોને માટે આ જિંદગીમાં અથવા બીજી કોઈ જિંદગીમાં કોઈ સ્થાન નથી. નબળાઈ ગુલામી તરફ દોરી જાય છે. તે સર્વ પ્રકારનાં માનસિક અને શારીરિક દુઃખો લાવે છે. નબળાઈ મૃત્યુ છે. આપણી આજુબાજુ અસંખ્ય જીવાણુઓ રહેલા છે, પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ અને શરીર તેમને સંઘરવાને તૈયાર તેમ જ અનુરૂપ બને ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતાં નથી. દુઃખના અસંખ્યા જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઊડતા હોય, કંઈ વાંધો નહીં ! જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં.

સેન્ટર પોઇન્ટઃ શક્તિ જીવન છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા બોજ છે, દુઃખ છે, મૃત્યુ છે.

Sunday, July 12, 2009

ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો



આપણી નિષ્ફળતા માટે આપણે બીજાને દોષ દઇએ છીએ. જે ઘડીએ હું નિષ્ફળ જાઉં છું તે વખતે કહું છું કે અમુક માણસ મારી નિષ્ફળતાનું કારણ છે. નિષ્ફળતા વખતે માણસને પોતાના દાષ અને નબળાઇઓ કબૂલ કરવી ગમતી નથી. દરેક માણસ પોતાની જાતને નિર્દોષ માને છે અને દોષનો ટોપલો કોઈ અન્ય વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર અથવા છેવટે દુર્ભાગ્ય ઉપર ઢોળે છે.

આ વિશ્વમાં આપણા સિવાય બીજું કોઈ પણ આપણને નુકસાન કરી શકે તેમ નથી. એટલે આપણે કોઇને દોષ દેવો ન ઘટે, પણ આપણે તો આપણાં કર્મોને જ દોષ દેવો ઘટે. માનવશરીર જ્યાં સુધી દુર્ગુણ, અપથ્ય, ખોરાક, ટાઢતડકામાં ખુલ્લું પડી રહેવાના કારણે ક્ષીણ ને સત્વહીન થાય નહીં ત્યાં સુધી કોઈ પણ રોગનાં જંતુઓ તેમાં પ્રવેશી શકતાં નથી. તંદુરસ્ત માણસની આસપાસ ભલેને લાખો ઝેરી જંતુઓ ભમતાં હોય, એથી એને જરા સરખી આંચ આવતી નથી.

દોષ આપણો જ છે. ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો. બીજાના પર કાદવ ફેંકવાનો પ્રયાસ કરશો નહીં. જે દોષને કારણે તમારે સહન કરવું પડે છે તેનું એકમાત્ર કારણ તો તમે જ છો. યાદ રાખો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે છો.

સેન્ટરપોઇન્ટઃ નિષ્ફળતા સ્વાભાવિક છે અને માનવજીવનનું સૌંદર્ય છે

Friday, June 19, 2009

જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે

આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ ઉત્તમ વિચારો જ સાંભળો અને સતત તેનું ચિંતન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. તેના વિના જીવનમાં શું મજા? જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે. તેના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય?

ભૂલ થાય તો પરવા નહીં। નિષ્ફળતાના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શો હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળતા મળે તોય ફરી એકવાર પ્રયાસ કરો. સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઇશ્વરની જેમ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે? તે જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે.

તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત? તો પછી તમારી ભૂલોને વધાવી લો। એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુઃખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગે કદમ!

નાની નાની બાબતો, નિષ્ફળતાઓને, ભૂલોને ગણકારો નહીં। આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો આટલા બધા નાજુક કે કાયર હોય તો તેમને આપણી હરોળમાંથી તગડી મૂકો.

સેન્ટર પોઇન્ટઃ જગતનો ઇતિહાસ બહુ ઓછા મનુષ્યોએ રચ્યો છે

Monday, June 15, 2009

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે



જે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ બાબત કકળાટ કરે છે તે બધી જ બાબતોમાં રોદણાં રોયા જ કરશે. આમ કાયમ રોદણાં રોનારનું જીવન દુઃખથી ભરાઈ જાય, દરેક કામમાં નિષ્ફળતા જ સાંપડશે. પણ જે માણસ પોતાની ફરજ બજાવતો આગળ વધે છે, સ્વાશ્રયી બને છે, તેનો પંથ ઉજ્જવળ બનશે અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવા ભાગ્યશાળી બનશે.

જે માણસ કામના પરિણામ તરફ નજર રાખી બેઠો છે એ તો પોતાને જે કામ સોંપ્યું છે તેની ફરિયાદ કર્યા જ કરશે। પણ જે માણસ નિઃસ્પૃહી છે એને તો બધાં જ કાર્ય સરખાં જ લાગે છે. આ પ્રકારનો માણસ દરેક કાર્યને પોતાનામાં રહેલા સ્વાર્થ-વાસના ઇત્યાદિ દુર્ગુણોને હણવાનું હથિયાર બનાવી પોતાના આત્મા માટે મોક્ષનું સાધન બનાવે છે.

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે, તેને કોઈ પણ કામમાં સંતોષ મળતો નથી, તેનું આખું જીવન એક નિષ્ફળતાની હારમાળા બની રહે છે। આપણે કામ કરતા રહીએ, જે ફરજ આપણે માથે આવે તે બજાવતા જઇએ અને હંમેશા આપણો સહકાર આપવા તત્પર રહીએ તો પછી જરૂર આપણને પ્રકાશ સાંપડશે. કોઈ કામ નાનું નથી. મોટામાં મોટો મૂર્ખ માનવી પણ પોતાને મનગમતું કામ હોય તો પાર પાડી શકે છે. પણ ખરો બુદ્ધિશાળી તો એ છે કે દરેક કામને પોતાને મનગમતું બનાવી લે છે.

આ દુનિયામાં દરેક કામ વડનાં બી જેવું છે। એ બીજ સાવ નાનું હોય છે. છતાં તેમાં આખો વડ સમાયો હોય છે. જે માણસ આ વાત સમજે છે એ ખરેખર બુદ્ધિશાળી છે. આ પ્રકારનો માણસ દરેક કામને ખરેખર મહાન કરી બતાવે છે.

સેન્ટર પોઇન્ટઃ કાર્યક્ષેત્રથી પલાયન વૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી

Monday, June 8, 2009

આત્મસંયમની શક્તિ


ચાર ઘોડાની ગાડી હોય તો કાં તો ઘડઘડાટ કરતી કરતી બેકાબૂ બની ઢાળમાં ઊતરે અથવા તો કોચવાન ઘોડાઓને કાબૂમાં રાખી ગાડી સંભાળીને ઉતારે. તેમાં શક્તિ ક્યાં વધારે દેખાય છે? ઘોડાઓને બેકાબૂ દોડવા દેવામાં કે તેમને કાબૂમાં રાખવામાં? તોપમાંથી ગોળો છૂટે તે ક્યાંય દૂર જઈ પટકાય છે. પણ વચ્ચે દિવાલ આવે તો તેની સાથે અથડાય છે. પરિણામે ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે. સ્વાર્થભાવે છોડેલો શક્તિપ્રવાહ નકામો વેડફાઈ જાય છે. તેમાંથી કશી જ શક્તિ પાછી નહીં મળે. પણ એ શક્તિને કાબૂમાં રાખીએ તો તેમાંથી શક્તિ પેદા થાય. આ જ વાત આપણી લાગણીઓ અને ક્રોધને લાગૂ પડે છે.

આપણે આપણી લાગણીઓને બેફામ રીતે છૂટી મૂકીએ છીએ, ત્યારે આપણે કેટલી બધી શક્તિ વેડફી નાખીએ છીએ। મનમાં શાંતિનો ભંગ થાય છે અને પરિણામે કાંઈ જ કરી શકતા નથી. જો શક્તિ કોઈ કાર્ય કરવામાં વાપરવાને બદલે લાગણીઓમાં જ વેડફાઈ જાય છે તો તેનાથી પરિણામ શૂન્ય આવે છે. આપણું મન ખૂબ સ્વસ્થ અને શાંત હોય, ત્યારે સમગ્ર શક્તિ સારું કાર્ય કરવામાં વાપરી શકાય.

દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા તેમનું જીવન જોશો તો જણાશે કે તેઓનાં મન ગજબ શાંત અને સ્વસ્થ હતાં। કોઈપણ બાબત એવી ન હતી જે તેમનું સમતોલપણું ડગાવી શકે. જે કોઈ માણસ બહુ ક્રોધ કરે તે કોઈ દિવસ મહાન કાર્ય ન કરી શકે. જે માણસ કોઈ દિવસ માનસિક સંતુલન ગુમાવે નહીં તે ઘણું કાર્ય કરી શકે છે. જે માણસ ગુસ્સો કે ધૃણા કે વાસનાને વશ થઈ જાય તે કામ કરી શકતો નથી. તે પોતે કાંઈ પણ મેળવી શકતો નથી અને ઊલટો ભાંગીને ભુક્કો થઈ જાય છે. પણ જે માણસ શાંત, ક્ષમાશીલ, સમતાવાળો હોય તે જ માણસ વધારેમાં વધારે કાર્ય કરી શકે. આને આત્મસંયમ કહેવાય. તેનાથી મનુષ્ય અદભૂત શક્તિ પ્રાપ્ત કરે છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ માનવી એ છે જે સંપૂર્ણ નીરવતા અને શાંતિમાં ખૂબ જ કાર્યરત હોય છે અને ખૂબ જ કામની ધમાલમાં પણ રણપ્રદેશમાં હોય તેવી નીરવ શાંતિ અનુભવી શકે

Thursday, June 4, 2009

સફળતાની ચાવી


ભારતમાં એક સુંદર દંતકથા છે. સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે જે વરસાદ પડે, એ વરસાદનું ટીપું છીપમાં ઝીલાઈ જાય અને એ વર્ષાબિંદુ મોતી બની જાય છે. કાલુ માછલીને એ ખબર હોય છે. એટલે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે તે સાગરની સપાટી પર આવે છે અને મોંઘાંમૂલા વરસાદની રાહ જુએ છે. જેવું વરસાદનું એક ટીપું એમાં પડે છે કે તરત કાલુ માછલી છીપનાં બંને પડ બરાબર બંધ કરી ઠેઠ પાણીને તળિયે જઈ બેસે છે અને ત્યાં એ ધીરજથી પાણીના ટીપાનું મોતી બનાવે છે.

આપણે કાલુ માછલી જેવા બનવાનું છે। એક જ વિચાર પસંદ કરી લો। તેને આદર્શ બનાવી દો. તેને તમારા જીવનનું લક્ષ્ય બનાવો. તેનો જ વિચાર કરો, તેને સાકાર કરવાનું સ્વપ્ન સેવો, તેના આધારે જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, નાડીઓ તમારા આખા શરીરમાં તે વિચાર, તે લક્ષ્ય ભરી દો. તે સિવાય બીજા બધા વિચાર પડતાં મૂકી દો. જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત કરો નહીં ત્યાં સુધી તેનો છોડો નહીં.
એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે। એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે. એક બટકું અહીં અને એક બટકું ત્યાં એમ કરનાર કશું જ પામી શકતો નથી. થોડો સમય તેમાં ફાયદો થાય છે, પણ લાંબા ગાળે તેનાથી નુકસાન જ થાય છે. એક વિચાર આવે અને તેના પર અમલ કરતાં પહેલાં બીજો વિચાર આવે છે. એટલે પહેલાં વિચારને પડતો મૂકી બીજાને અપનાવવાથી શક્તિનો વ્યય થાય છે. મનને એક જ લક્ષ્ય પર કેન્દ્રીત કરો અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં જ આગળ વધો. તમારા મગજમાં, નસોમાં અને લોહીના એક-એક ટીપામાં તમારા વિચારને વહેતો કરી દો. આ જ સફળતાની ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ વિનાનો માણસ એક હજાર ભૂલો કરે છે, જ્યારે આદર્શ વિનાનો માણસ પચાસ હજાર ભૂલો કરે છે

Wednesday, June 3, 2009

નેતા બનતા નથી, નેતા જન્મે છે


નેતા બનતા નથી, નેતા જન્મે છે. નેતૃત્વ તેમનામાં સહજ હોય છે. તેમને યોજનાઓ ઘડવામાં કંઈ મુશ્કેલી પડતી નથી, પણ નેતાની કસોટી જુદા જુદા વ્યક્તિત્વ અને સ્વભાવવાળા લોકોને વિવિધ ભાવનાઓમાં એક સર્વસામાન્ય ભાવના કેળવીને એક જ સંગઠનમાં સંગઠિત રાખવા. આ કાર્ય જન્મજાત નેતા સહજ કરી શકે છે.

નેતા બનવા ''દાસસ્ય દાસ'' થવું પડે છે અને અસંખ્ય લોકોના મન સાચવવાં પડે છે। જે બધાનો દાસ છે તે જ ખરો નેતા છે. નેતૃત્વમાં ક્યાંય અદેખાઈ કે સ્વાર્થનો ઓછાયો પણ ન હોઈ શકે. પક્ષપાત કરવો એ અનિષ્ટનું મૂળ છે. જો તમે પક્ષપાતથી અમુક વ્યક્તિ તરફ વધારે પ્રેમ રાખો છો તો ખાતરી રાખજો કે તમે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીના બીજ રોપો છો. ઊંચનીચનો ભેદ રાખનાર કદી નેતા થઈ શકતો નથી. બીજાની ઊણપ નભાવી લો. લાખો ગુનાઓ માફ કરો. તમે બધાયને નિઃસ્વાર્થપણે ચાહશો તો ધીમે ધીમે કરતાં બધાં પણ પરસ્પર પ્રેમ કરતાં થશે. જ્યારે બધાંને સમજાશે કે પ્રત્યેકનો લાભ બીજાના લાભમાં જ સમાયેલો છે. જન્મથી નેતૃત્વ સહજ હોય અને નિઃસ્વાર્થી હોય તે જ ખરો નેતા.

કેટલાક માણસો એવા હોય છે જેઓ દોરવણી તળે જ શ્રેષ્ઠ કામ કરી શકે। જેટલા જન્મે છે તે બધા જ કંઈ નેતા હોતા નથી. છતાં પણ જે નેતા નાના બાળકની જેમ દોરવણી આપે એ જ શ્રેષ્ઠ નેતા કહેવાય. નાનું બાળક બધાંય પર આધાર રાખતું હોય છે છતાં ઘરમાં તેનું સામ્રાજ્ય હોય છે. નેતૃત્વની આ જ ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ નેતાનું ચારિત્ર્ય શુદ્ધ ન હોય તો તેની સાથે કોઈ ભળે નહીં

Friday, May 29, 2009

જે શિક્ષણ ચારિત્ર્યબળ અને સિંહ જેવી હિંમત ખીલવી ન શકે તેને શિક્ષણ કહી શકાય?


આજે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છો તેનાં અમુક તત્વો સારાં છે, પણ તેના ગેરફાયદાં વધારે છે. આ શિક્ષણમાંથી માનવ ઘડાતો નથી. આ શિક્ષણ નકારાત્મક છે અને તેના કરતાં તો મૃત્યુ વધારે સારું. આ શિક્ષણમાંથી છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન મૌલિક શક્તિવાળો એક પણ માણસ પાક્યો નથી. આ શિક્ષણપ્રથા તો માત્ર કારકુન ઉત્પન્ન કરનારું યંત્ર છે.

જુઓ તો ખરા, માણસો કેવી શ્રદ્ધાહીન, આસ્થાહીન બનતા જાય છે। તેમને દેશ કરતાં વિદેશનું વધારે ઘેલું લાગ્યું છે. ભારત બહારની વસ્તુઓ અને પ્રજાઓને લગતી નાનામાં નાની વિગતો પર પ્રભુત્વ મેળવવાનું તેમને ગમશે, પણ તમે એમને વેદ, ગીતા કે રામાયણ વિશે પૂછશો તો તેમની જીભ પર તાળાં વાગી જશે.

આપણા પંડિતો બાળકોને પોપટ બનાવવાનું કામ કરે છે। અનેક વિષય ગોખાવીને એમના મગજને ક્ષીણ કરી મૂકે છે. ભલા ભગવાન! સ્નાતક થવા માટે કેટલી ધમાલ અને થયા કે થોડા દિવસ પછી બધું જ ફરી ટાઢું ટપ! આપણો ધર્મ અને રીતરિવાજો ખરાબ અને પશ્ચિમના લોકોનો ધર્મ અને રીતરિવાજ સારાં છે તે સિવાય આ પંડિતો બીજું શું શીખવે છે! ભૂખનો હાઉ તેમને સતાવવા માંડે છે. આ ઉચ્ચ શિક્ષણ જાય કે રહે તેથી આપણે શું? તેના કરતાં તો લોકો થોડીઘણી હુન્નરઉદ્યોગની કેળવણી લેતા હોય તો વધારે સારું જેથી કંઈ ને કંઈ કામધંધો કરી રોટલો તો રળી શકે. બીજાના બારણે ધક્કાં ખાઇને સેવાચાકરીની યાચના કરવાનું તો નહીં રહે.

જેના પરિણામે સદીઓથી આપણી સંકલ્પશક્તિ કુંઠિત થઇને મૃતપ્રાય થઈ ગઈ છે તેને આપણે શિક્ષણ કહીશું? જે માણસને ધીમધીમે યંત્ર જેવો બનાવતું જાય તે શિક્ષણ? જે શિક્ષણ ચારિત્ર્યબળ, પરોપકારની ભાવના અને સિંહના જેવી હિંમત ખીલવી શકતું નથી તેને શું શિક્ષણ કહી શકાય?

સેન્ટર પોઇન્ટઃ તમે અત્યારે શાળાઓમાં અને કોલેજમાં જે શિક્ષણ પામો છો તે તમને અજીર્ણથી પીડાતા રોગીઓ જ બનાવે છે. તમે કેવળ યંત્રની જેમ કાર્ય કરો છો અને કૂવામાંના દેડકા જેવું જીવન જીવો છો

Wednesday, May 27, 2009

પુસ્તકિયા જ્ઞાનથી કશું વળવાનું નથી


શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? તે પણ નહીં. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ટ શક્તિ અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતા શીખવવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોને મેળો નહીં.

માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ। શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્મસાત્ બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીનો ઢગલો નહીં. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર્ય વિકસાવનારા વિચારોને આત્મસાત્ કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવળ પાંચ જ વિચારને આત્મસાત્ કરી તમારા જીવન સાથે, સ્વભાવ સાથે એકરૂપ કરી શક્યા હો, તો એક પુસ્તકાલયના ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું માનજો.

यथा खरश्चंदभारवाही भारस्य वेत्ता न तु चंदनस्य

ચંદનકાષ્ઠનો ભારો લઈ જનાર ગધેડો લાકડાના ભારને જ જાણે છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી। જો માહિતીના સંચયનું નામ જ શિક્ષણ હોય તો પુસ્તકાલયોને મહર્ષિઓ કહેવા જોઈએ અને જ્ઞાનકોશને ઋષિઓ કહેવા જોઈએ.

અત્યારે પ્રવર્તી રહેલી શિક્ષણપ્રથાને હું શિક્ષણ કહેતો નથી। મારે મન શિક્ષણ એટલે સંગીન પ્રકારની કેળવણી. કેવળ પુસ્તકિયા જ્ઞાનથી કશું વળવાનું નથી. જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, જેનાથી મનનું બળ વધે, જેનાથી બુદ્ધિ વિશાળ બને અને જેના વડે માણસ પોતાના પગ પર ઊભો રહી શકે તેવાં શિક્ષણની આપણને જરૂર છે.

સેન્ટર પોઇન્ટઃ જીવનના પ્રશ્નો શી રીતે ઉકેલવા એ શોધવામાં જે ઉપયોગી નીવડી શકે તેનું નામ જ ઉચ્ચશિક્ષણ

Friday, May 1, 2009

સિંહનું ખોળિયું પહેરવાથી ગધેડો કદી સિંહ ન બની શકે

આપણી દ્રષ્ટિ સમક્ષ, અહીં ભારતમાં બે મોટાં ભયસ્થાનો દેખાય છે। તેમાંનું એક તે ભૌતિકવાદનો ભસ્માસુર અને બીજું તે નર્યા વહેમીવેડાનો નરકાસુર, પુરાણમતવાદ. આ બંનેનું જડમૂળ કાઢવું જોઇએ.

આજે એવા પણ માણસો છે જે પાશ્ચાત્ય વિદ્વત્તાનું પાન કરીને એમ માને છે કે પોતાને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે। આપણા પ્રાચીન ઋષિઓની એ હાંસી ઉડાવે છે. હિન્દુઓએ જે કાંઈ વિચાર્યું છે તે એમને મન તુચ્છ છે; હિન્દુઓના દર્શન એમને મન કેવળ બાળકોનો બડબડાટ લાગે છે; હિન્દુઓનો ધર્મ એમને મન મૂર્ખાઓનો વહેમ જ લાગે છે.

અનુકરણ એ સંસ્કૃતિ નથી। હું રાજાનો વેશ ધારણ કરું છું તેથી કાંઈ રાજા થોડો જ બની જવાનો હતો? સિંહનું ખોળિયું પહેરવાથી ગધેડો કદી સિંહ નહીં જ બની શકે. અનુકરણ, કાયરવૃત્તિથી કરેલું અનુકરણ કદી પ્રગતિસાધક બની શકતું નથી. ઊલટું, માણસનાં ભયંકર પતનનું જ સ્પષ્ટ લક્ષણ બની રહે છે. જે ક્ષણે મનુષ્ય પોતાને તિરસ્કારવા માંડે છે તે ક્ષણે તેના પર અંતિમ કારી ઘા પડે છે, જ્યારે માણસને પોતાનાં પૂર્વજોનાં નામથી શરમાવા જેવું લાગે ત્યારે સમજી લેવું કે એનો અંત હવે દૂર નથી. ભારતની જે જીવનપ્રણાલી છે એને છોડીને ક્યાંયે કોઇના તાણ્યા તણાઇ જશો નહીં. ઘડીભર એમ માનશો નહીં કે ભારતવાસીઓ કોઈ બીજી પ્રજા જેમ ખાયપીએ, પહેરેઓઢે કે બોલેચાલે, તો તેથી ભારતનું કલ્યાણ થઈ જવાનું છે.

ત્યારે બીજી બાજુ શિક્ષિત છતાં અમુક પ્રકારની ઘેલછા જેને વળગી હોય એવો પણ એક વર્ગ છે જે દરેક વસ્તુના શુકન, અપશુકન જોવા બેસે છે। એની જાતિના, ખાસ દેવો વિશેના તથા એના અમુક ગામના વહેમોને એ તત્વજ્ઞાનની, અધ્યાત્મવિદ્યાની ને ભગવાન જાણે કેવાયે પ્રકારની બાલિશ દલીલો કરીને સાર્થ ઠરાવવા મથે છે.

આપણે ઘણા વહેમોને પોષ્યા છે, આપણા શરીર ઉપર ઘણાં ડાઘ અને વ્રણ છે। એ બધાંને છેદી નાખવાની જરૂર છે. એનાથી આપણા ધર્મનો, રાષ્ટ્રજીવનનો કે આપણી આધ્યાત્મિકતાનો નાશ થતો નથી. એથી ધર્મના કોઈ પણ સિદ્ધાંતને જરા સરખી આંચ આવતી નથી. એ ડાઘને જેટલા સત્વર આપણે દૂર કરીશું, તેટલા સત્વર જ ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંતો વધુ તેજસ્વી બની ઝળકી ઊઠશે.

સેન્ટર પોઇન્ટઃ ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વક્તા બનવું વધુ સારું છે

Thursday, April 16, 2009

નકારાત્મક વિચારો નિર્બળ બનાવે છે


આપણે બાળકોનો રચનાત્મક ખ્યાલો આપવા જોઇએ। નકારાત્મક વિચારો મનુષ્યોનો કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માતાપિતા પોતાનાં સંતાનોને વાંચવા લખવા માટે કાયમ ટોક ટોક કર્યા કરે અને, ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કરે ત્યાં ઘણાં દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. જો તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. જો તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.

માર મારવાથી ગેધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તેની રીતે પ્રમાણે આપણા બાળકોને કેળવવા મથતી કેળવણી પદ્ધતિ રદ થવી જોઇએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ મળતો નથી.

મનુષ્યમાત્રમાં અપાર મનોવૃત્તિઓ રહેલી છે. તેમને પોતાની તૃપ્તિ માટે યોગ્ય અવકાશની જરૂર છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે અને જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે કરવાનું છે. મનુષ્યને સુધારવાના બળજબરીથી થતા પ્રયાસો હંમેશાં એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે. જો તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં તો પછી એ શિયાળ બની જવાનો છે.

Tuesday, April 14, 2009

બીજાના દોષ ન જુઓ


મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે। તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઇએ. લોભી બનીને માત્ર માનસિક સિદ્ધિઓને જ વિચાર ન કરો, તેને જવા દો. જે માણસ મનની શકિતઓને શોધતો ફરે છે, તે તેમનો ગુલામ બને છે. જે લોકો આવી શક્તિઓની ઇચ્છા રાખે છે. લગભગ બધા તેના પાશમાં બંધાય છે.

મન પર સંપૂર્ણ સંયમ મેળવવાનો રામબાણ ઉપાય પૂર્ણ સદાચારનું પાલન છે। જે સંપૂર્ણપણે સદાચારી છે તેને બીજું કશું કરવાની જરૂર નથી, તે મુક્ત જ છે. જે માણસ સંપૂર્ણપણે સદાચારી છે તે બને ત્યાં સુધી બીજા કોઈને દુઃખ પહોંચાડી શકતો નથી. જેણે મુક્ત બનવું છે તેણે અહિંસા પ્રાપ્ત કરવી જ જોઇએ. જેણે સંપૂર્ણ અહિંસા કેળવી છે તેનાથી વધારે શક્તિશાળી માણસ બીજો કોઈ નથી. તેવા માણસની હાજરીમાં કોઈ લડાઈ કરી નથી શકતું કે કોઈ ઝઘડો કરી નથી શકતું. તેની હાજરી જ્યાં હોય ત્યાં શાંતિ હોય, ત્યાં પ્રેમ હોય.

બીજાને પ્રેમ કરવાનો એક સરળ માર્ગ છે. બીજાઓના દોષને ન જુઓ. બીજાઓને દોષ ગમે તેટલા ખરાબ હોય તોપણ તેમના વિશે કદી બોલશો નહીં. તેનાથી કંઈ લાભ થતો નથી. માણસના દોષ વિશે બોલી બતાવવાથી તમે તેને ક્યારેય મદદ કરી શકતા નથી. તેથી ઊલટું તમે તેને નુકસાન પહોંચાડો છો અને સાથેસાથે તમારી જાતને પણ નુકશાન કરો છો.