Showing posts with label પુસ્તક પરિચય. Show all posts
Showing posts with label પુસ્તક પરિચય. Show all posts

Tuesday, August 14, 2012

સ્વતંત્ર્તાનો ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ



પુસ્તક: મહાત્મા ગાંધી - પૂર્ણાહુતિ, પુસ્તક ત્રીજું 
લેખક: પ્યારેલાલ
અનુવાદક: મણિભાઈ ભ. દેસાઈ

સ્વાતંત્ર્ય દિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલા, એટલે કે, રાત્રે બે વાગે ઊઠ્યા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી, એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે, ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યો.

હજી પ્રાર્થના ચાલતી હતી ત્યાં સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. કવિવર રવીન્દ્રનાથનાં સ્વાતંત્ર્યનાં સુંદર ગીતો ગાતી કેટલીક કન્યાઓ મકાન તરફ આવતી હતી. આવીને તેઓ ગાંધીજીના ઓરડાની બારી બહાર ઊભી રહી. પ્રાર્થના હજી ચાલતી હતી. ભક્તિભાવથી તેમણે પોતાનું ગાન બંધ કર્યું, તેઓ પ્રાર્થનામાં જોડાઈ અને પછી ફરીથી તેમણે ગીતો ગાયાં. પછી દર્શન કરીને તેઓ ચાલી ગઈ. થોડી વાર પછી, કન્યાઓની બીજી ટુકડી આવી અને તેમણે એ જ પ્રમાણે ગીતો ગાયાં. આ પ્રમાણે સૂર્યોદય સુધી ચાલ્યા કર્યું - આગલા દિવસની સાંજની ધમાલ પછી, દિવસનો આ સુંદર આરંભ હતો. 

સવારે ગાંધીજી તેમના હંમેશના ક્રમ પ્રમાણે ફરવા નીકળ્યા ત્યારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં. આખો દિવસ દર્શનાતુર ટોળાંઓ મકાનને ઘેરી રહ્યાં. અર્ધા અર્ધા કલાકે ગાંધીજીને દર્શન આપવા માટે બહાર આવવું પડતું હતું. પશ્ચિમ બંગાળના પ્રધાનમંડળના સભ્યો પણ તેમના આશીર્વાદ માટે આવ્યા. ગાંધીજીએ તેમને કહ્યું ઃ ‘‘આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. નમ્ર  બનજો. ક્ષમાશીલ બનજો. બિ્રટિશ અમલે તમારી ખસૂસ કસોટી કરી છે. પણ હવે તો તમારી પૂરેપૂરી કસોટી થવાની છે. સત્તાથી ચેતતા રહેજો, સત્તા દૂષિત કરનારી વસ્તુ છે. તેના ઠાઠમાઠ અને તેની ભભકથી અંજાઈને તેના બંદીવાન ન બનશો. યાદ રાખજો કે, હિંદનાં ગામડાંઓમાં વસતા ગરીબ લોકોની સેવા કરવાને તમે સત્તા પર આવ્યા છો. ઈશ્વર તમને સહાય કરો.’’

* * * * * 
૧૫મી ઓગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના અપૂર્વ પ્રદર્શન દ્વારા, રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દૃશ્યો જોવા મળ્યાં. વહેલી સવારથી, હિંદુઓ તથા મુસલમાનોની મિશ્ર ટોળીઓ મોટર લોરીઓમાં બેસીને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ અને ‘‘હિંદુમુસ્લિમ ભાઈ ભાઈ’’નાં સૂત્રો પોકારતી શહેરના જુદા જુદા ભાગોમાં ફરવા લાગી. તે એટલે સુધી કે, મોડી રાત સુધીમાં વિરાટ ટોળાંઓએ - એમાં હિંદુઓ અને મુસલમાનો સેળભેળ હતા - બધા રાજમાર્ગોને રૂંધી દીધા અને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ તથા ‘‘જય હિંદ’’ના કાન ફાડી નાખે એવા પોકારો તેઓ કરતા રહ્યા. એક વરસ સુધીનાં પાગલપણાનાં કાળાં વાદળો પછી જાણે એકાએક સમજણ અને શુભેચ્છાનો સૂર્યોદય થયો હોય એમ લાગતું હતું.

ઉત્સાહથી ઊભરાતાં ટોળાઓએ સરકારીગૃહ ઘેરી લીધુ અને ગર્વનર રાજાજી પોતાના ઘરમાં લગભગ કેદી જેવા બની ગયા.

ગાંધીજીના મકાન આગળ ભાઈચારાનાં રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં, પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમના ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સરજનહારના દર્શનની ખોજ કરતાં હતાં. 

એ દિવસે પ્રાર્થનાભૂમિ પર લગભગ ત્રીસ હજાર માણસો એકઠાં થયાં. મેદની અતિશય ગીચ હતી. જે માર્ગ કાપતાં પાંચ મિનિટ થતી હતી તે કાપતાં વીસ મિનિટ થઈ. કલકત્તાના નાગિરકોએ સિદ્ધ કરેલી એકતા માટે ગાંધીજીએ તેમને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, ‘‘શહેરમાં જોવા મળેલી ભાઈચારાની છલકતી ભાવના સાચા દિલની હોય અને ક્ષણિક ન હોય તો એ ખિલાફતના દિવસો કરતાં પણ વધારે રૂડી છે. પરંતુ લાહોરમાં ગાંડપણનો દાવાનળ હજી ચાલુ જ છે એ સાંભળીને મને વિશેષ અફસોસ થાય છે. મને ખાતરી છે કે, કલકત્તાનો ઉમદા દાખલો સાચા દિલનો હશે તો એની અસર પંજાબ પર તથા હિંદના બીજા ભાગો પર થવા પામશે. હું તમને ચેતવું છે કે, હવે તમે સ્વતંત્ર થયા છો એટલે તમારી સ્વતંત્ર્તાનો તમારે ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ. હિંદમાં રહેનારા યુરોપિયનો પ્રત્યે, તમે તમારે પોતાને  માટે અપેક્ષા રાખો એવો જ વર્તાવ તમારે રાખવો રહ્યો. તમારે સમજવું જોઈએ કે, તમે તમારા પોતાના સિવાય બીજા કોઈના જ સ્વામી નથી. કોઈને પણ તેની મરજી વિરૂદ્ધ કરવાની ફરજ તમે હરગિજ ન પાડી શકો.’’

ગાંધીજી પછી સુહરાવર્દીએ સભાને સંબોધી. તેમણે કહ્યું, હિંદુઓ તેમ જ મુસલમાનો, તેમણે તજેલાં ઘરોમાં પાછા ન ફરે, ત્યાં સુધી આપણું કામ પૂરું થયું એમ આપણે માનવું ન જોઈએ. કેટલાંક લોકો માનતા હતા કે, હિંદુ-મુસ્લિમ એકતા કદી પણ સાધી શકાવાની નથી, પરંતુ ‘‘ખુદાની મરજી અને મહાત્માજીની કૃપાથી’’, માત્ર ત્રણચાર દિવસ અગાઉ અશક્ય માનવામાં આવતું હતું તે ચમત્કારિક રીતે નક્કર હકીકતમાં ફેરવાઈ ગયું છે. પછી તેમણે હિંદુઓ અને મુસલમાનોની મિશ્ર મેદનીને તેમની સાથે જય હિંદ પોકારવાને જણાવ્યું અને મેદનીએ કાન ફાડી નાખે એવી ગર્જનાથી એમ કર્યું. આ હૃદયસ્પર્શી દૃશ્ય જોતી વખતે ગાંધીજીના હોઠ પર અવર્ણનીય મંદ હાસ્ય ફરી રહ્યું.

* * * * *

રાત્રે ગાંધીજી શહેરમાં ફર્શા અને તેના જુદા જુદા ભાગોમાં હજુ પણ ચાલી રહેલા ભાઈચારાના દૃશ્યો તેમણે નિહાળ્યાં. ગાંધીજીએ ઉપવાસ કરીને અને રોજના કરતાં વધુ કાંતીને એ દિવસ ઊજવ્યો. ઉપવાસમાં શહીર સુહરાવર્દી તેમની સાથે જોડાયા.

મહાત્મા ગાંધીનો એગાથા હેરિસન પર પત્ર 
આજના બનાવ જેવા મહાન બનાવો ઊજવવાની મારી રીત - એને માટે ઈશ્વરનો આભાર માનવાની અને તેથી કરીને તેની પ્રાર્થના કરવાની - તમે જાણો છો. એ પ્રાર્થના ઉપવાસયુક્ત હોવી જોઈએ...અને ગરીબોની સાથે તાદાત્મ્યની તેમ જ સ્વાર્પણની નિશાની તરીકે, કાંતણ પણ હોવું જોઈએ. એટલે, હું દરરોજ કાંતું છું એટલા કાંતણથી સંતોષ ન માનતાં, મારાં બીજાં રોકાણો સાથે સુસંગત રહીને શક્ય હોય એટલું વધુ મારે કાંતવું રહ્યું..
અહીંના બનાવો વિષે સવિસ્તર માહિતી તમને હું આપી શકત તો કેવું સારું! કદાચ હાૅરેસ એલેકઝાંડર આપશે..

રાજકુમારી અમૃતકોરના પત્રમાં તેમણે આ પ્રમાણે લખ્યુંં ઃ ‘‘હું એક મુસલમાનના ઘરમાં છું. એ સૌ બહુ જ ભલા છે. સોદપુર આશ્રમમાંથી મેં કોઈને પણ સાથે લીધા નથી. એટલે મારે જોઈતી મદદ માત્ર મુસલમાન મિત્ર તરફથી જ આવે છે. મારે માટે એ નવો અનુભવ નથી. એ વસ્તુ દક્ષિણ આફ્રિકા અને ખિલાફતના દિવસોની મને અહીં યાદ આપે છે. અત્યાર પૂરતો તો હું દુશ્મન નથી. આવું કેટલો વખત ચાલશે એ તો ભગવાન જાણે હિંદુઓ અને મુસલમાનો લગભગ એક જ દિવસમાં મિત્રો બની ગયા. સુહરાવર્દી પલટાઈ ગયા છે, એવું દેખાય છે.’’

દિવસ દરમ્યાન રાજાજી ગાંધીજીને મળવા આવ્યા. ઉંમરના કારણે રાજાજી સહેજ વળ્યા હતા, ગાંધીજી ચિંતાગ્રસ્ત હતા, પરંતુ બંનેના ચહેરા પર આનંદ અને સુખ તરવરતાં હતાં. લગભગ એક કલાક સુધી તેમણે વિનોદ, મજાક અને ઊંડા ડહાપણભર્યા શબ્દોની આપલે કરી. 

Wednesday, April 15, 2009

'90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું ષડયંત્ર રચાઈ ગયું છે'


પુસ્તકઃ ઇન્ટરવ્યૂઝ
લેખક-સંપાદકઃ યશંવત ત્રિવેદી
પ્રકાશકઃ આર આર શેઠની કંપની
કિંમતઃ રૂ. 38

અચાનક મારી તેના પર નજર પડી અને તેને મારું બનાવવામાં એક પણ ક્ષણનો વિલંબ ન કર્યો। હું આવું સાહસ હવે માત્ર પુસ્તકો સાથે જ કરી શકું છું. ''ઇન્ટરવ્યૂઝ'' નામના આ પુસ્તકમાં યશંવત ત્રિવેદીએ મનુભાઈ પંચોળી 'દર્શક', ડો. ચંદ્રવદન ચી મહેતા, સુંદરમ, ડો. રમણલાલ જોશી, ઉમાશંકર જોશી, ચન્દ્રકાંત બક્ષી જેવા ગુજરાતના જાણીતા સાહિત્યકારોની વિસ્તૃત મુલાકાત લીધી છે. અહીં ચન્દ્રકાંત બક્ષીની મુલાકાતનો એક અંશ મૂકું છું.

યશવંત ત્રિવેદીઃ તમે વિધાન કર્યું છે કે, ''કોઈ પણ sensible માણસ કવિતા લખે નહિ,'' તો શું બધા કવિઓ non-sensible છે? ઊલટાનું, તમારાં વર્ણનો અને સંવાદો ખૂબ કાવ્યમય હોય છે। તો તમારા વિષે ભાવકે શું સમજવું? કેટલીકવાર વિવેચકો વાર્તાઓ વિષે એવું કહે છે કે ''વાર્તા કાવ્યનાં સીમાડા પર પહોંચી જાય છે,'' તે વિષે તમે શું વિચારો છો?

બક્ષીઃ ક્યાંક વાંચ્યું હતું કે કવિતા, વરાળની જેમ, દબાણ હોય તો જ સર્જાય છે। કવિતા આત્માની ભૂગોળનું દર્શન છે. ગઝલનો અર્થ વાંચ્યો હતો કે, ગિઝલા (હરણનું બચ્ચું) જીવલેણ રીતે આહત થઈ ગયું ત્યારે ગળામાંથી જે અંતિમ ઘરઘરાટ કરે એને ગઝલ કહેવાય છે-અને એ ગઝલ જીવનમાં એક જ વાર આવે. કવિતા એક રઈસી કલાપ્રકાર છે, શબ્દોનો ઉપયોગ સમાપ્ત થઈ જાય પછી રહેતા ભાવોમાંથી કાવ્યનું સર્જન થતું હોય છે, કવિતામાં પ્રત્યેક અલ્પવિરામ અને પ્રત્યેક ખાલી જગ્યાનો પણ ગર્ભિત અર્થ હોય છે. કવિતાના સર્જક પાસે વિષય અને સાધનોની, ન્યૂરોસર્જન પાસે હોય છે એમ પાક્કી ચોકસાઈ અને સફાઈ જોઈએ. આજના યુગમાં કવિતા એક મૃતઃપ્રાય કલાપ્રકાર છે. ટેકનોલોજીનો યુગ અને કવિઓની નવરી ઉડાનો આ બેનું સહઅસ્તિત્વ સંભવ નથી. કવિતામાંથી સંગીત અને ગેયતા ઓગળી જાય છે ત્યારે કવિતાનાં હાડકાં બોલાવ માંડે છે. કવિતાના શ્રેષ્ઠ દિવસો મરી ચૂક્યા છે.

1971ના ડિસેમ્બરના ભારત-પાકિસ્તાનના યુદ્ધ નિમિત્તે લખાયેલાં શૌર્યગીતો તમે વાંચ્યા-સાંભળ્યાં છે? કોઈ sensible માણસ યુદ્ધને આ રીતે જોઈ શકે? મુંબઈના ગુજરાતી રેડિયો પર જેને હું ''ગમાણ'' કહું છું-ગુજરાતના જૂના જોગીઓ વારે-તહેવારે જે કવિતાઓ છોડે છે એ સાંભળી છે? 90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને તમને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું એક ષડયંત્ર રચાઈ ગયું છે, મને ગુજરાતી કવિઓનો બહુ મોટો ભાગ હંમેશા રમૂજી લાગ્યો છે। કવિતા લખવાનું, આવી કવિતાઓ લખવાનું મારું કામ નથી - હું કોઈ દિવસ નિર્વીર્ય કવિતાઓ લખવાનો નથી. દસ-પાંચ ટકા કવિઓ મને ગમે છે જેમના પરવાઝમાં એમની ઘુટનનું સાતત્ય સ્પષ્ટ દેખાય છે. બાકી કવિતાકારો માત્ર ગમ્મત આપે છે.

''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એ કથનથી વધીને વાર્તાનું બીજું અપમાન નથી. આવું લખનારા-બોલનારા ન વાર્તાને સમજે છે, ન કવિતાને. કવિતા એટલે ઉચ્ચ અને વાર્તા એટલે ઉચ્ચથી જરા નીચે આવા રમૂજી વિચારો આ કળિયુગમાં રાખવા બુદ્ધિનાશની નિશાની છે. વાર્તા પોતાની રીતે સ્વસ્થતાની ચરમ સીમા પર પહોંચેલો એક કલાપ્રકાર છે, એને કવિતાનાં કોષ્ટકોમાં ગોઠવીને પીઠ થાબડવાની જરૂર નથી. ''કાવ્ય વાર્તાની ઊંચાઈએ પહોંચે છે,'' એવી વિચિત્ર તુલના કરી શકાય? ''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એવું વાંચું છું ત્યારે મને વિચાર આવે છે કે ''વાઘની આંખો મોરપીંછના રંગની સીમા પર પહોંચે છે'' જેવું મૂર્ખાઈભર્યું કોઈ કહી રહ્યું છે...હું આ બધાનો અર્થ સમજતો નથી.

Monday, April 13, 2009

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે માટે લખાયેલું એક પ્રેરણાદાયી પુસ્તક



પુસ્તકઃ ખભે કોથળો ને દેશ મોકળો
લેખકઃ રશ્મિ બંસલ
ભાવાનુવાદઃ સોનલ મોદી
પ્રકાશકઃ આઇઆઇએમ-અમદાવાદ
કિંમતઃ રૂ. 150

જીવનની ઘણી વણઉકેલી મૂંઝવણો, જવાબ વગરના સવાલો, આપણા દિલના દ્વાર વારંવાર ખટખટાવ્યા જ કરે છે। તેમાંનો એક સવાલ છે....'જો મેં આમ કર્યું હોત તો?'

મારા કોલેજકાળના પ્રથમ પ્રેમી સાથે પરણી હોતો તો?

હું થોડાં વર્ષ મોડી જન્મ હોત તો? સારી નોકરી તો મળત.

મેં જીવનમાં થોડું ઓછું પ્લાનિંગ કર્યું હોત તો?

અરે! થોડું વધારે જીવી શકાય તો?
હિંમત કરીને નાનપણમાં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો હોત તો?

આ બધા 'જો' અને 'તો' કાલ્પનિક નથી હોતા। દરેક કલ્પનાની પાછળ એક આશા, એક અરમાન, એક સ્વપ્ન હોય છે. પણ આ અરમાનોમાં બીકરૂપી ડામરની ગોળીઓ મૂકીને આપણે એ સ્વપ્નાનું પોટલું વાળી દઈએ છીએ. મનોમન વિચારીએ છીએ કે કે ક્યારેક એ અરમાનોનું પોટલું ખોલીશું. જોકે, એ ખોલવાનો વખત અને આવે છે ત્યારે આપણે ખૂબ થાકી ગયા હોઈએ છીએ. ક્યાં તો આળસી જઈએ છીએ અગર વૃદ્ધાવસ્થાને આરે પહોંચી જઈએ છીએ.

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે આશયથી એક પ્રેરણાદાયી પુસ્તક લખાયું છે। રશ્મિ બંસલ લિખિત આ બેસ્ટસેલર પુસ્તક 'STAY HUNGRY STAY FOOLISH'નો સરળ અને રસાળ ભાવાનુવાદ 'ખભે કોથળો ને દેશ મોકળો' શીર્ષક સાથે જાણીતા ગુજરાતી અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. તેમણે સુધા મૂર્તિના જીવનલક્ષી પુસ્તકોનો સરસ અનુવાદ કર્યાં છે જે ગુજરાતીમાં બેસ્ટસેલર પુરવાર થયા છે.

આ પુસ્તક દેશની જાણીતી મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદમાંથી સ્નાતક થઈને સફળ ઉદ્યોગ સાહસિક બનેલા 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરે છે. આઇઆઇએમના વિદ્યાર્થીઓ સારા મેનેજર બની શકે છે, પણ ઉદ્યોગપતિ નહીં. જો તમે આ પ્રકારની માન્યતા ધરાવતા હશો આ પુસ્તક તેનું ખંડન કરે છે. તેમાં ભારતના સૌથી સફળ ઇન્ટરનેટ સાઇટ નોકરી ડોટ કોમના ઉદ્યોગપતિ સંજીવ બિખચંદાની, એજ્યુકોમ્પના માલિક શાંતનુ પ્રકાશ, દેશની જાણીતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ કંપની ફિડબેક વેન્ચર્સના સ્થાપક વિનાયક ચેટર્જી, દેશની સૌથી મોટી રીટેલ કંપની સુભિક્ષાના સ્થાપક આર સુબ્રમન્યન સહિત 25 ઉદ્યોગસાહસિકોના સંઘર્ષની દાસ્તાન રજૂ કરે છે.
અહીં જેમની વાતો રજૂ કરવામાં આવી છે તેમણે બજારમાં તક જોઈ હતી, ધંધા માટેની શક્યતા જોઈ હતી, પરંતુ સાથેસાથે તેમણે પોતાની ક્ષમતાનું વાસ્તિવક મૂલ્યાંકન પણ કર્યુ હતું। તેમણે પોતાના અંતરાત્માના અવાજને સાંભળ્યો હતો....કે સાબુ વેચવામાં કદાચ વધારે રૂપિયા મળશે॥પણ તેનો કોઈ અર્થ ખરો? તગડી કંપનીના પગારદાર નોકર બની જવાનું તો બહુ સહેલું છે, પણ તારે જિંદગીભર એ જ કરવું છે? તારી શક્તિઓ તારે કાંઇક વધુ મેળવવામાં વાપરવી છે કે નહીં?

અને તેથી જ બીજાની નજરમાં મૂર્ખામી ઠરે તેવા કામો આ વીરલાઓએ કર્યાં। દરેક ઉદ્યોગ સાહસિકની વાત જુદી છે, પણ દરેકે વિશ્વાસથી ડગ માંડ્યાં છે, ખૂબ ખંત અને ધીરજપૂર્વક ઝઝૂમ્યા છે અને આજે સફળ કહી શકાય તેવી મોટી કંપનીઓના માલિક બન્યા છે.

તમારામાં જ્ઞાનની ભૂખ અને નવું કરવાની ઇચ્છા છે ખરી?

Friday, March 6, 2009

આમીન-ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નનઃ પાદરીઓના યૌન શોષણનો ઘટસ્ફોટ


'આમીન' પ્રાર્થનાનો અંતિમ શબ્દ હોય છે. તેનો એક અન્ય અર્થ થાય છે-'જે છે, તે છે.' આ અર્થે કદાચ કેરળ ચર્ચની નન સિસ્ટર જેસ્મીને વિવાદાસ્પદ આત્મકથા 'આમીન' પ્રકાશિત કરવાની પ્રેરણા આપી. આ પુસ્તકે કેરળમાં સુનામી જેવો ખળભળાટ મચાવી દીધો છે. તેમાં જેસ્મીએ પાદરીઓ અને સાથી નનોએ કરેલા યૌન શોષણનો ઘટસ્ફોટ કર્યો છે.

આ પુસ્તક પ્રકાશિત થયા પછી કેરળમાં વિવાદ ઊભો થયો છે, કારણ કે આ યૌન વિવાદમાં રાજ્યનું શક્તિશાળી કેથોલિક ચર્ચ સામેલ છે। કેરળમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ છે. દેશમાં 60 ટકા નન અને પાદરીઓ આ રાજ્યના જ છે. જેસ્મીની ઉંમર 53 વર્ષ છે અને તેમણે ચર્ચમાં ચાલતી કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.

જેસ્મીએ પુસ્તકમાં યૌન શોષણના કિસ્સા, સમલૈંગિકતા, ક્ષુદ્ર હરિફાઈ અને પુરુષ વર્ચસ્વના ખુલાસા કર્યાં છે। આ પહેલાં ચર્ચનો આટલો વિકૃત ચહેરો સામે આવ્યો નહોતો. મલયાલમ પુસ્તક 'આમીનઃ ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નન' બેસ્ટ સેલર સાબિત થઈ છે. એક જ મહિનામાં તેની ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે. તેનો અનુવાદ પ્રકાશિત કરવા વિવિધ ભાષાના પ્રકાશકોએ દોટ મૂકી છે તો ફિલ્મી કંપનીઓએ કોઝિકોડમાં જેસ્મીએ ભાડે લીધેલા નાના ફ્લેટની બહાર લાઇન લગાવી દીધી છે. 33 વર્ષ સુધી કંગ્રીગ્રેશન ઓફ મધર ઓફ કાર્મેલ (સીએમસી)માં નોકરી કર્યા પછી રાજીનામું આપીને તે અહીં રહેવા આવી ગઈ છે.

જેસ્મીને ચર્ચમાં અનેક વરિષ્ઠ નન સાથે સમલૈંગિક સંબંધો બાંધવા મજબૂર કરવામાં આવી હતી અને પાદરીઓએ તેનું યૌન શોષણ કર્યું હતું। તે પોતે આ વિશે કહે છે કે, ''નન વચ્ચે સમલૈંગિક સંબંધો સામાન્ય છે. નનના ચર્ચના પાદરીઓ સાથે કે ચર્ચની બહાર અન્ય કોઈ વ્યક્તિ સાથે યૌન સંબંધ હોવાના કિસ્સા પણ ઓછા નથી.''

જેસ્મીએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે। તેમણે અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું છે અને કવિતાઓની ત્રણ પુસ્તક લખી છે. તે 35 લાખ સભ્યો ધરાવતા સાઇરો-માલબાર ચર્ચ (એસએમસી) સંચાલિત ત્રિશૂરની પ્રતિષ્ઠિત વિમલા કોલેજની પ્રિન્સિપલ રહી ચૂકી છે. દેશનું આ સૌથી મોટું કેથોલિક ચર્ચ છે. તેમણે આત્મકથા લખવા નોકરી છોડી દીધી. પુસ્તકમાં તેમના જીવનની દાસ્તાન છે. નન બનવાથી લઇને દુઃખ અને હતાશા સાથે કંગ્રીગેશન છોડ્યું ત્યાં સુધીની આશ્ચર્યજનક અને આંચકાજનક સફર.

આ પુસ્તકનું સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રકરણ છે-જેસ્મીનું એક પાદરી સાથે યૌન પ્રકરણ। જ્યારે તે 30 વર્ષની હતી ત્યારે એક પાદરી બળજબરીપૂર્વક તેને ભેટી પડ્યાં અને તેના સ્તન દબાવ્યા। જેસ્મી કહે છે કે, ''તે પછી તેમણે મને શારીરિક પ્રેમની જરૂરત પર ઉપદેશ આપ્યો..... તે અચાનક મને જોશપૂર્વક ભેટી પડ્યાં...મને સ્તન દેખાડવા કહ્યું...મને ધક્કો મારી પલંગ પર સુવડાવી દીધી અને પૂછ્યું કે શું મેં ક્યારેય કોઈ પુરુષનું શરીર જોયું છે...તેમણે એક પછી એક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરી દીધું.....થોડા સમય પછી તેમણે મને દૂધ જેવું પ્રવાહી દેખાડ્યું અને કેવી રીતે તેમાં લાખો જીવનનો વાસ હોય છે તેના પર પ્રવચન આપ્યું.''

જેસ્મી એકરાર કરે છે કે, ''હું યુવાન હોવાથી મને પણ પુરુષનું શરીર જોવાની ઇચ્છા હતી....તે પહેલાં મેં પુરુષનું શરીર ક્યારેય જોયું નહોતું...'' તેમણે ચર્ચના વધતાં જતાં પ્રભાવ વિશે પણ લખ્યું છે અને ચર્ચના ગરીબી વિરોધી દ્રષ્ટિકોણ અને શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવાઓના વ્યવસાયીકરણ વિશે પણ.

પોતાના સમલૈંગિક અનુભવ વિશે જેસ્મી લખે છે કે, ''સિસ્ટર વિમી મને લાંબા લાંબા પ્રેમપત્રો લખતી હતી॥જ્યારે મેં કોઈ જવાબ ન આપ્યો તો તે મારી વિરૂદ્ધ થઈ ગઈ...તે બહુ પ્રભાવશાળી હોવાથી તેને વશ થવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો...હું થોડો સમય તેનો શિકાર બનતી રહી...રાત્રે બધા સૂઈ જતાં ત્યારે વિમી મારી પાસે આવીને અભદ્ર ચેષ્ટાઓ કરતી...હું તેને રોકી શકતી નહોતી..તેણે મને કહ્યું કે તે આ વાતને લઇને બહુ સાવધાન રહે છે અને આ પ્રકારના સંબંધો મહિલાઓ સાથે જ બાંધે છે...''

જેસ્મીએ શક્તિશાળી ચર્ચ સામે બળવો પોકાર્યા પછી અનેક પ્રેરણા મળી છે. સીએમસીની વિવિધ નનના એક જૂથે એક સ્કૂલ મેનેજમેન્ટ સામે લડત આદરી છે. અસંતુષ્ટ નનો હવે સીએમસીમાંથી અલગ હોવાની યોજના બનાવી રહી છે.

Wednesday, January 28, 2009

મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે



પુસ્તકઃ સ્ત્રી-પુરુષ સહજીવન
લેખકઃ દાદા ધર્માધિકારી
કિંમતઃ રૂ. 30
પ્રકાશકઃ યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા


સ્ત્રી-પુરુષનું સહજીવન ઉપભોગ સારું નહીં, પણ આનંદ સારુ હોય એ એક સાધના છે. બંને એકમેકની સાથે રહે અને એકમેકના જીવનને પવિત્ર અને સુંદર માને, એકમેકના જીવનને અધિક સુંદર બનાવવાની કોશિશ કરે, તેઓ બંને અથવા જેટલા સાથે રહેતા હોય તેઓ એકમેકના જીવનને સંપન્ન કરે. बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च - એકમેકને મારો બોધ આપે છે, મારું વર્ણન કરે છે અને તેમાં સંતોષ પામે છે, આનંદ આપે છે, परस्परं भावयन्तः श्रेयः परं अवाप्यस्थ - એકમેકના રક્ષણની, સંવર્ધનની, વિકાસની, કલ્યાણની ભાવના રાખીને પરમ શ્રેય પ્રાપ્ત કરે છે. એકમેકને સંભાળીશું, એકમેકને શીખવીશું, એકમેકને પ્રકાશ આપીશું.
તેથી મેં કહ્યું કે સહજીવન સારું ભૂમિકા સમાન હોવી જોઇએ. જ્યાં બરાબરીની ભૂમિકા નહીં હોય ત્યાં સહજીવન નહીં સંભવે. એટલે સૌ પ્રથમ સ્ત્રી-પુરુષની ભૂમિકા સમાન જોઇએ. તેમાં મુશ્કેલી ક્યાં નડે છે?
સૌથી પહેલી મુશ્કેલી એ છે કે સ્ત્રી અને પુરુષ એકમેકના સંપર્કથી ડરે છે અને તેમાંયે પુરુષના સંપર્કથી સ્ત્રી વધુ ડરે છે. પોતાની નૈસર્ગિક શરીરરચનાના કારણે સ્ત્રી પુરુષના સંપર્કથી વધારે ડરે છે. સ્ત્રીને માટે પુરુષ આક્રમણકારી હોય છે અને પુરુષ માટે સ્ત્રી કામિની છે, કામવાસનાનું પ્રતિક છે!
ફ્રોઈડ નામે એક માનસશાસ્ત્રી યુરોપમાં થઈ ગયો, સ્વપ્નમીમાંસા એ એનો મુખ્ય સિદ્ધાંત છે. આપણે જે સ્વપ્ન જોઇએ છીએ તે ક્યાંથી આવે છે? તેનું કહેવું છે કે કેટલીક અતૃપ્ત વાસનાઓ, કલ્પનાઓ, આકાંક્ષાઓ આપણા મનની અંદર છુપાયેલી પડી હોય છે. જેમ ચોરો છુપાઈ જાય છે; કે આંદોલનના નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા જાય છે તેવી રીતે કેટલીક ચીજો આપણા અંદરના મનમાં છુપાયેલી હોય છે. અસલમાં મન તો એક જ છે. પરંતુ જેમ ઉનાળામાં ગંગાજીમાં નહાવા જાઓ તો ઉપરનું પાણી સહેજ ગરમ હોય છે અને નીચેનું પાણી ઠંડું હોય છે, એવી રીતે આ અંદરનું મન કહેવાય છે. તે મનમાં કેટલીક વાસનાઓ છુપાયેલી રહે છે. તે બધી આપણાં સ્વપ્નોમાં દેખા દે છે. તેમાં મુખ્ય વાસના કઈ છે? ફ્રોઈડે કહે છે કે કામવાસના મુખ્ય છે. તે સૌથી વધુ પ્રબળ છે અને તેનો રંગ બીજા પર ચઢે છે.
પણ તમે જોયું હશે કે સ્ત્રી-પુરુષ આખી જિંદગી સાથે રહે છે, તેઓ કેવળ શરીરનિષ્ઠ નથી રહી શકતાં. કેવળ શરીરનિષ્ઠ રહેશે તો તેમનું સહજીવન અસંભવ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં શારીરિકતા જેટલી ઓછી હશે અને પ્રેમ-સંબંધ અને હાર્દિકતા જેટલી વધારે હશે એટલો એમનો સંબંધ સ્થાયી અને પાકો થશે, પવિત્ર થશે. તે ખરું છે કે એ બંને કાંઈ અશરીર તો નથી. માત્ર એમના આત્મા સાથે સાથે નથી રહેતા પણ એમનાં શરીર એકમેકની સાથે રહેતાં હોય છે. પરંતુ એટલું ખ્યાલમાં રહેવું જોઇએ કે કેવળ શારીરિકતા હોય તો એ શબની સાથે રહેવા જેવું થઈ જાય છે. ત્યાં પછી એ જીવન નથી, એ તો મૃત્યુ છે. એટલે શરીરની સાથેસાથે મન અને હ્રદય પણ સાથે રહેવાં જોઇએ. એમ થશે તો શારીરિકતા ક્ષીણ થતી જશે.
મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં સ્વાર્થ કે મતલબનું પ્રમાણ જેટલું વધારે તેટલું તેમનું સહજીવન મુશ્કેલ બને છે.

Monday, January 12, 2009

આપો તો આટલું આપો રે !


રવીન્દ્રનાથ સાથે વાચનયાત્રા
સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી
કિંમતઃ રૂ. 30

મહેન્દ્ર મેઘાણી સંપાદિત પુસ્તકો એટલે સાહિત્યરસિકો માટે લગડી. ગુજરાતી વાચકોને રવીન્દ્રનાથના પદ્ય અને ગદ્યનો પરિચય મળી રહે તે માટે ઝવેરચંદ મેઘાણી, નગીનદાસ પારેખ, સુરેશ જોષી, જુગતરામ દવે, મહાદેવ દેસાઈ, કુન્દનિકા કાપડિયા જેવા વિવિધ લેખકોએ કરેલા એંશીએક અનુવાદો આ પુસ્તકોમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકનું આચમન કરનારને ગુજરાતીમાં પ્રાપ્ય રવીન્દ્રનાથનાં પુસ્તકોનું પાન કરવાની હોંશ થશે. નમૂના માટે રવીન્દ્રનાથની એક કવિતા અને એક લેખનો અનુવાદ રજૂ કર્યો છે.

આપો તો આટલું આપો રે !
ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહિ !
આપો તો આટલું આપો રે, (2)
કદી હું ભીડથી બીઉં નહિ !

દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
દુઃખોને જીતું સહી લઈ.

તમે મને તારજો તારણહાર !
કે એવી જાચના જાચું નહિ;
આપો તો આટલું આપો રે, (2)
તરું પણ થાકે ના મારી દેહી !

ભાર મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
બધોયે ભાર શકું હું વહી.

હશે જ્યારે સુખનો ઉજ્જવળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને
ભૂલશે સકળ મહી;
તે વારે આટલું આપો રે,
આપો તો આટલું આપો રે,
તમો પર આસ્થા તૂટે નહિ !

અનુ. જુગતરામ દવે

* * * * *
કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી

આપણા ઉપાસનાના મંત્રમાં આવે છે : સુખકરને નમસ્કાર, કલ્યાણકરને નમસ્કાર. પણ આપણે સુખકરને જ નમસ્કાર કરીએ છીએ, કલ્યાણકરને હંમેશા નમસ્કાર કરી શકતા નથી. કલ્યાણકર કંઈ કેવળ સુખકર જ નથી, તે દુઃખકર પણ છે. એટલે દુઃખભીરુ વેદનાકાતર આપણે દુઃખથી પોતાને બચાવવા માટે જાતજાતનાં આવરણ રચીએ છીએ. તેથી શું થાય છે? સત્યના પૂર્ણ સંસ્પર્શથી આપણે વંચિત રહીએ છીએ.

ધની વિલાસી લોકો બધી મહેનતથી પોતાને બચાવીને કેવળ આરામમાં મગ્ન રહે છે. એથી તેઓ પોતાને પાંગળા બનાવી દે છે, પોતાના હાથ-પગ ઉપર તેઓનો અધિકાર રહેતો નથી. જે બધી શક્તિઓ લઈને તેઓ પૃથ્વીમાં જન્મ્યા હતા, તે બધી કામના અભાવે પૂરો વિકાસ પામી શકતી નથી, ચીમળાઈ જાય છે, વિકૃત થઈ જાય છે.

પૃથ્વીમાં આવીને જે વ્યક્તિએ દુઃખ ન જોયું તેને ઈશ્વર તરફથી તેનો પૂરો હિસ્સો ન મળ્યો, તેનું ભાથું ઊણું રહી ગયું સમજવું.

જે માણસ મિત્રની પાસેથી કદી આઘાત પામતો નથી, માત્ર સ્નેહ-સન્માન જ પામે છે તે હતભાગી મિત્રતાના પૂરા આસ્વાદથી વંચિત રહે છે - મિત્રો તેના સંબંધમાં પૂરેપૂરા મિત્રો બની શકતા નથી.

જગતમાં આપણો આ દુઃખનો હિસ્સો સંપૂર્ણ ન્યાયસંગત હોય જ એમ બનતું નથી. જેને આપણે અન્યાય કહીએ છીએ, અનુચિત કહીએ છીએ, તેનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અન્યાય અને અનુચિતનો પણ આપણે યોગ્ય રીતે સ્વીકાર કરી શકીએ, એવું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ.

પૃથ્વીમાં આપણે ભાગે જે સુખ આવે છે તે પણ શું એકદમ બરાબર હિસાબસર આવે છે ? ઘણી વાર આપણે ગાંઠથી જે દામ ચૂકવીએ છીએ તેના કરતાં વધારે ખરીદ કરી બેસતા નથી ? પણ ત્યારે આપણે કદી એવો વિચાર નથી કરતા કે આપણે એને લાયક નથી। બધું જ ખાસ્સા અસંકોચપૂર્વક બથાવી પાડીએ છીએ ! શું દુઃખની વખતે જ માત્ર ન્યાય-અન્યાયનો હિસાબ મેળવવાનો ? બરાબર હિસાબસર આપણને કોઈ જ વસ્તુ મળતી નથી.

તેનું એક કારણ છે. ગ્રહણ અને વર્જનની મારફતે જ આપણા પ્રાણની ક્રિયા ચાલતી હોય છે. આપણા પ્રાણનો, આપણી બુદ્ધિનો, આપણા સૌંદર્યબોધનો, આપણી મંગલ પ્રવૃત્તિનો, ખરું જોતાં આપણી સમસ્તા શ્રેષ્ઠતાનો મૂળ ધર્મ જ એ છે કે તે માત્ર લેશે નહિ, ત્યાગ પણ કરશે.

સંસારમાં આપણને કેવળ ન્યાય હોય તો જ મળે, કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી. સંસારમાં ન્યાયની સાથે અન્યાય ભળેલો હોય એ આપણા ચારિત્ર્યને માટે અત્યંત આવશ્યક છે. નિઃશ્વાસ-પ્રશ્વાસની ક્રિયાની પેઠે આપણા ચારિત્ર્યમાં એવી એક સ્વાભાવિક શક્તિ હોવી જોઈએ જેથી આપણે જે આપણું પ્રાપ્ય હોય તેટલું અનાયાસે ગ્રહણ કરીએ અને જે ત્યાજ્ય હોય તેટલું વિના ક્ષોભે ત્યાગી શકીએ.

આથી સમગ્ર મન-પ્રાણથી તૈયાર થાઓ - જેઓ સુખકર છે તેમને પ્રણામ કરો અને જેઓ દુઃખકર છે તેમને પણ પ્રણામ કરો - તો જે સ્વાસ્થ્ય મળશે, શક્તિ મળશે - જેઓ શિવ છે, જેઓ શિવતર છે તેમને જ પ્રણામ કર્યા ગણાશે.

અનુ. નગીનદાસ પારેખ