Tuesday, May 25, 2021

E20 ઇંધણ

 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક ડ્રાફ્ટ બિલ જાહેર કર્યું છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે, E20 ઇંધણને ઓટોમોબાઇલ ઇંધણ સ્વરૂપે અપનાવવાની દિશામાં કાર્ય ચાલુ છે.

E20 ઇંધણ એટલે શું?

E20 ઇંધણ એટલે ગેસોલિન અને ઇથેનોલનું મિશ્રણ. તેમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકા સુધી હોય છે. હાલ ભારતમાં ઇથેનોલ મિશ્રણ કરવાનું માન્ય સ્તર 10 ટકા છે. ભારતમાં વર્ષ 2019 સુધી ફક્ત 5.6 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હતું.

E20 ઇંધણના ફાયદાઃ

Ø  એનાથી કાર્બન ડાયોકસાઇડ, હાઇડ્રોકાર્બન વગેરેના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળશે.

Ø  આ ઓઇલના આયાત બિલને ઘટાડવામાં મદદ કરશે, જેથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે.

Ø  ઇથેનોલ એક પ્રકારનું જૈવિક ઇંધણ છે, જે મકાઈ, શેરડી, શણ, બટાટા જેવા કૃષિ ઉત્પાદનોની આડપેદાશ છે.

1જી, 2જી અને 3જી ઇથેનોલ

Ø  ફર્સ્ટ જનરેશન (1જી) – આ અનાજ (ચોખા, ઘઉં, જવ, મકાઈ અને ચારા), શેરડી અને સફેદ બીટના કંદ વગેરેમાંથી બને છે.

Ø  સેકન્ડ જનરેશન (2જી) – એમાં વધારાના બાયોમાસ/કૃષિ કચરા સેલ્યુલોસિક અને લિગ્નોકેલ્લોસિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બિનકૃષિ અને જંગલોના અવશેષ, ચોખા, ઘઉંના ભૂસા, વૂડી બાયોમાસનો ઉપયોગ સામેલ છે. એને અદ્યતન જૈવઇંધણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું ઉત્પાદન બિનખાદ્ય પાકોમાંથી થાય છે અથવા જેનો ઉપયોગ ભોજન માટે થાય છે એ ખાદ્ય પાકોમાંથી થાય છે.

Ø  થર્ડ જનરેશન (3જી) – આ જૈવઇંધણ શેવાળ પર આધારિત હોય છે, જેમાં જૈવ સીએનજી વગેરે હોય છે.

E20ને હરિત ઇંધણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ અને પશુઓના દ્રવ્યમાંથી પ્રાપ્ત એક પ્રકારનું સ્વચ્છ ઇંધણ છે. આ જીવાશ્મ ઇંધણની સરખામણીમાં પર્યાવરણને વધારે અનુકૂળ છે. આ ઘણા પ્રકારનું હોય છે, જેમ કે – બાયો ઇથેનોલ, બાયોડિઝલ, બાયોગેસ, બાયો બ્યુટોનોલ, બાયો હાઇડ્રોજન.

જૈવઇંધણને પ્રોત્સાહન આપવા માટે સરકારના પ્રયાસોઃ

Ø  પ્રધાનમંત્રી જી-વન યોજના, 2019: આ જૈવ ઇંધણ વાતાવણને અનુકૂળ પાક અવશેષ નિવારણ યોજના છે. એનો ઉદ્દેશ લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ અને અન્ય નવીન પશુચારાનો ઉપયોગ કરીને એકીકૃત બાયો-ઇથેનોલ યોજનાઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવાનો છે. આ 2જી ઇથેનોલ પર કેન્દ્રિત છે.

Ø  ગોબર ધન યોજના, 2018: એને ગેલ્વનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિઝ ધન યોજના કહેવાય છે. આ યોજના અંતર્ગત ગોબર અને ખેતરમાં ઘન કચરાને કમ્પોસ્ટ, બાયોગેસ અને બાયો-સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવશે. સાથે સાથે આ યોજના ગામડાઓને સ્વચ્છ બનાવીને પશુઓ અને અન્ય પ્રકારના જૈવિક કચરામાંથી વધારાની આવક અને ઊર્જા પેદા કરવામાં મદદરૂપ થશે.

Ø  ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમઃ ભારત સરકારે 2030 સુધી પેટ્રોલમાં ઇથેનોલનું 20 ટકા સુધી મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

Ø  શેરડી અને ઇથેનોલનું ઉત્પાદન મુખ્ય ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થાય છે. બિહાર દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે અલગથી ઇથેનોલ નીતિ બનાવવાનો નિર્ણય લીધો છે.

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમઃ

·         એનો ઉદ્દેશ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરીને પર્યાવરણને જીવાશ્મ ઇંધણોના ઉપયોગથી થતા નુકસાનથી બચાવવાનો, ખેડૂતોને વળતર પ્રદાન કરવાનો અને ક્રૂડ ઓઇલની આયાતને ઘટાડીને વિદેશી હૂંડિયામણ બચાવવા વગેરેનો છે.

·         હાલ ઇબીપી કાર્યક્રમ 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલુ છે. આ કાર્યક્રમ અંતર્ગત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવું ફરજિયાત છે.

·         ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે વર્ષ 2022 સુધી પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 10 ટકા કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ-2018: આ નીતિમાં જૈવઇંધણને આધારભૂત જૈવ ઇંધણ એટલે ફર્સ્ટ જનરેશન (1જી) જૈવ ઇથેનોલ અને બાયોડિઝલ વિકસિત જૈવઇંધણ – સેકન્ડ જનરેશન (2જી) ઇથેનોલ, નિગમના ઘન કચરાથી લઈને ડ્રોપ ઇન ઇંધણ તથા થર્ડ જનરેશન (3જી) ઇંધણ, બાયો સીએનજી વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

 

Tuesday, November 17, 2020

જીવન એટલે દરરોજ નવો સંઘર્ષ અને નવો અનુભવ

 


જીવન પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ ધરાવો છો?

જીવન એટલે સકારાત્મકતા, પોઝિટિવિટી. જીવન એટલે દરરોજ નવો સંઘર્ષ અને નવો અનુભવ. હું હંમેશા આશાવાદી રહું છું. મને ખાતરી છે કે, જીવન મને હંમેશા એક યા બીજી સારી ચીજો આપશે. હું જીવનને સંપૂર્ણપણે જીવવામાં માનું છું. દરેક વ્યક્તિના જીવનમાં ચડઊતર આવે છે. પણ આપણે એનાથી ગભરાઈ જવું ન જોઈએ. જિંદગી એકવાર મળે છે એને મન ભરીને માણવી જોઈએ. જીવનમાં મારી એક જ ઇચ્છા છે કે, હું જે કાંઈ કરું એ પ્રામાણિકતાપૂર્વક કરું. મારા માટે સંગીત મારી પૂજા છે. આ સાધનામાં મને સફળતા મળે એવું હું ઇચ્છું છું. ઈશ્વર અને પરિવારનો સાથ મળે તો જીવન જીવવાની મજા અનેરી હોય છે.

તમારા માટે સફળતા અને નિષ્ફળતા એટલે શું?

સફળતા એટલે મારો પરિવાર મારા પર ગર્વ કરે. મેં જે પ્રકારનાં ગીતો ગાયા છે અને દર્શકોએ જે પ્રેમ આપ્યો છે એ મારા માટે સફળતા છે. જો હું ગીતો ગાઉં અને લોકો એને પસંદ ન કરે તો મારા માટે એ નિષ્ફળતા છે. મેં ફક્ત 14 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી. એ સમયે મને સંગીતના દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી હતી. એમની પાસેથી શીખવાની તક મળી. મારું માનવું છે કે, હું દરરોજ કશું નવું શીખું – આ જ સફળતા છે.

જીવનમાં નિરાશાનો સામનો કેવી રીતે કર્યો?

પરિવારનો સાથસહકાર મળ્યો અને સંગીતે હંમેશા મુશ્કેલીમાંથી ઉગારી લીધી. સંગીતમાં અજીબ શક્તિ છે, જે તમને અંધકારમાં પણ આશાનું કિરણ દેખાડે છે. મારા માટે સંગીત જ મારી દુનિયા છે.

ચિંતારહિત જીવન જીવવાની ફિલોસોફી શું છે?

પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તો ચિંતારહિત જીવન જીવી શકાય. ધીરજ રાખો અને નિષ્ઠાપૂર્વક કામ  કરતા રહો. કોઈની સાથે સ્પર્ધા ન કરવી. સ્પર્ધા હંમેશા તણાવ પેદા કરે છે. તમે જે કોઈ કામ શ્રેષ્ઠતાપૂર્વક કરી શકો એને કરો. એમાં વધુને વધુ પારંગત બનો. બીજા વિશે નકારાત્મક વિચારો ન કરો. નેગેટિવિટીથી દૂર રહો.

તમારા માટે ખુશી શેમાં છે – ધનદોલત કે પ્રતિષ્ઠામાં?

મારી ખુશી મારો પરિવાર છે. જ્યારે હું મારી પ્રતિષ્ઠા જાળવી રાખીશ, ત્યારે જ મારો પરિવાર ખુશ રહેશે. રૂપિયાપૈસા મારાં માટે મારી જરૂરિયાત પૂરી કરવાનું માધ્યમથી વિશેષ કશું નથી. પ્રતિષ્ઠા જીવન જીવવાનું એક માધ્યમ છે.

તમારા જીવનનો વિચાર કરો તો કેવું લાગે છે?

મેં ફક્ત 14 વર્ષની વયે ટેલેન્ટ હંટમાં શરૂઆત કરી હતી. એમાંથી દેવદાસમાં બહુ મોટી તક મળી. જ્યારે હું 16 વર્ષની હતી, ત્યારે પહેલું ફિલ્મી ગીત બૈરી પિયા ગાયું હતું. એ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. જ્યારે કોઈ ટેલેન્ટ શોની જજ બનું છું, ત્યારે એક લાંબી સફર ખેડી હોય એવું લાગે છે. આજે સંતોષ થાય છે કે, એક સામાન્ય છોકરી લોકો વચ્ચે પોતાની પ્રતિભાના જોરે જગ્યા ઊભી કરી શકી.