Sunday, May 20, 2012

આમિર ખાનઃ મિયાં પડ્યાં પણ તંગડી ઊંચી!


નિષ્ફળતા બહુ ક્રૂર છે. એને પચાવવી બહુ અઘરી છે. માણસ ખરેખર મજબૂત છે કે તકલાદી છે તેનું બેરોમીટર છે. નિષ્ફળતા માણસના ચહેરાને બેનકાબ કરી દે છે, મનુષ્યના વ્યક્તિત્વનો નગ્ન ચિતાર આપી દે છે. મજબૂત માણસ નિખાલસતા સાથે નિષ્ફળતાનો સ્વીકાર કરે છે જ્યારે તકલાદી માણસો નિષ્ફળતાનો સ્વીકાર કરવાને બદલે ખોટા તર્કો આપીને પોતાની નિષ્ફળતાને ઢાંકવા ધમપછાડા કરે છે. આવા જ ધમપછાડા અત્યારે આમિર ખાન કરી રહ્યાં છે. તેના અત્યંત ગાજેલા 'સત્યમેવ જયતે'ને કાર્યક્રમને ધોબીપછાડ મળી છે. પણ 'પર્ફેકશનિસ્ટ' તરીકે પંકાયેલો માર્કેટિંગનો આ મહારથી તર્કવિતર્કો કરી પોતાની નિષ્ફળતાને ઢાંકવા ફાંફાં મારી રહ્યો છે. 

છટ્ઠી મેના રોજ એકસાથે નવ ટેલીવિઝન (દૂરદર્શન અને સ્ટાર ગ્રૂપની) ચેનલો પર શરૂ થયેલા આ કાર્યક્રમને ચારનું રેટિંગ મળ્યું છે. ટેમ મીડિયા રિસર્ચના અહેવાલ મુજબ, આમિર ખાનના કાર્યક્રમનો  ફિયાસ્કો થઈ ગયો છે અને તેને અમિતાભ બચ્ચનના 'કૌન બનેલા કરોડપતિ' અને સલમાન ખાનના 'બિગ બોસ' કરતાં અત્યંત ઓછા દર્શકો મળ્યાં છે.પણ આમિર મિયા આ વાતનો સ્વીકાર કરવા તૈયાર જ નથી. મિયા પડ્યાં પણ તંગડી ઊંચી! તેમનું કહેવું છે કે હું આ પ્રકારના રેટિંગમાં માનતો જ નથી. બહુ સરસ! તમારામાં રેસમાં દોડી ન શકવાની તાકાત ન હોય ત્યારે રેસમાં માનતા જ ન હોવાની ગુલબાંગો પોકારો. હકીકતમાં આ કાર્યક્રમે આમિરના વ્યક્તિત્વના નવાં પાસાંનો તેના પ્રશંસકોને પરિચય કરાવ્યો છે.આ શો શરૂ થયો એ અગાઉ તેનું માર્કેટિંગ કરવા અને મહત્તમ દર્શકો મેળવવા આમિર ખાને કેવા ધમપછાડા કર્યા તેના પર એક નજર નાંખીએઃ

- સામાન્ય રીતે ટેલીવિઝન પર રાતના આઠથી દસ વાગ્યા સુધીનો સમય પ્રાઇમટાઇમ ગણાય છે. દરેક મનોરંજન ચેનલો પર આ સમય દરમિયાન સારામાં સારાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. આમિર ખાને આ કાર્યક્રમો સાથે સ્પર્ધા ટાળવા રવિવારે સવારનો 11 વાગ્યાનો સમય પસંદ કર્યો. આ સમયે દરેક ચેનલો પર વિવિધ કાર્યક્રમોનું પુનરાવર્તન થતું હોય છે. આમિરે એવું વિચાર્યું હતું કે લોકો રીપિટ કાર્યક્રમો જોવાને બદલે તેનો શો જોવાનું વધુ પસંદ કરશે અને તેનો શો બિનહરિફ રીતે નંબર વન બની જશે. 

- છઠ્ઠી જૂને પ્રથમ એપિસોડ પૂર્ણ થયા પછી સ્ત્રી ભ્રૂણહત્યાને મુદ્દે ચર્ચા કરવા આમિરે 230 રેડિયો સ્ટેશનો પર ચર્ચા કરી, જેમાંથી 164 સ્ટેશનો ઓલ ઇન્ડિયા રેડિયોના હતા. 

- ભ્રૂણહત્યાના મુદ્દે વિવિધ ભાષાના અખબારોમાં આમિરે પોતાના લેખ પ્રકાશિત કરાવ્યા. આ રીતે દરેક ભાષામાં સત્યમેવ જયતેનો પ્રચાર કરવામાં પાછી પાની કરી નહીં.

- આમિર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યો અને ભ્રૂણહત્યાના કેસોનું ઝડપથી નિરાકરણ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની વિનંતી કરીને પ્રચારમાં રહેવાનો સતત પ્રયાસ કર્યો.

- દેશભરમાં મોબાઇલ ફોન્સ પર આમિર ખાને પોતાના કાર્યક્રમ વિશે માહિતી આપી. 

- દરેક એપિસોડમાં કયો મુદ્દો ઉઠાવવામાં આવે છે તેના પર અખબારોમાં સમાચારોનો મારો ચલાવવામાં આવ્યો.

- અંગ્રેજી મેગેઝિનોમાં આમિર ખાનના કાર્યક્રમ કવરસ્ટોરી પણ પ્રકાશિત કરાવવામાં આવી.

આ રીતે આમિરે તેના શોમાં મહત્તમ દર્શકો મેળવવા માર્કેટિંગનું એક પણ માધ્યમ બાકી રાખ્યું નહોતું. તેના શોને હિટ કરાવવા તેના મિત્રો પણ ગોબલ્સ પ્રચાર કરવામાં લાગી ગયા હતા. છઠ્ઠી મેના રોજ તેના કાર્યક્રમનો પ્રથમ એપિસોડ પૂર્ણ થાય એ અગાઉ જ ટ્વિટર પર તેના મિત્રોએ શોને સુપરહિટ ગણાવવાની શરૂઆત કરી દીધી હતી. ફેસબુક પર તો કેટલાંક ગાંડાઘેલા અને મૂર્ખશિરોમણીઓ આ કાર્યક્રમને જોવાની અપીલ કરીને પોતે પણ સમાજ પ્રત્યે કેટલાં જવાબદાર છે તેવું દેખાડવાની સ્પર્ધા શરૂ કરી દીધી હતી. સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના કામમાં દેખાવી જોઈએ, ફેસબુક કે ટિવટર પર નહીં. આમિરે દર્શકોને ઉલ્લું બનાવવાનો એક પણ પ્રયાસ બાકી રાખ્યો નહોતો. પણ ટેલીવિઝનના દર્શકોએ આમિરને તેની કક્ષા દેખાડી દીધી છે અને થોડો લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય, પણ બધાને કાયમ માટે મૂર્ખ ન બનાવી શકાય તેવો સંદેશ આપી દીધો છે. પણ આમિર અને તેના ચમચાઓ એક નવો પેંતરો શરૂ કર્યો છે. 

હવે આમિર ખાન અને તેની ચમચામંડળીનું કહેવું છે કે આમિર તો સામાજિક જવાબદારીની ભાવના સાથે આ કાર્યક્રમ કરે છે, નહીં કે રૂપિયા-પૈસા માટે કે દર્શકો મેળવવા. આ પણ એક મોટું જૂઠ્ઠાણું છે. હકીકતમાં આમિર દરેક એપિસોડના સાડા ચાર કરોડ રૂપિયા લે છે. આ કાર્યક્રમના 13 એપિસોડ પ્રસારિત થવાના છે અને આ હિસાબે તેને રૂ.45 કરોડ મળવાના છે. આમિર ખાન અને આ કાર્યક્રમની સ્પોન્સર કંપનીઓ સામાજિક જવાબદારીની ભાવનાનો દેખાડો કરીને લોકોની લાગણીઓ સાથે રમીને પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે, પણ આ દેશની પ્રજા આમિર ખાન સમજે એટલી મૂર્ખ નથી. પ્રજામાં એટલી સામાન્ય સમજ છે છે કે ભ્રૂણહત્યા ગરીબોમાં થતી નથી. ગરીબો પાસે તો બાળકના જાતિપરિક્ષણ કરાવવાના અને ભ્રૂણહત્યા કરાવવાના રૂપિયા જ હોતા નથી. અને ગરીબો શા માટે ભ્રૂણહત્યા કરાવે? તેમના માટે તો બાળકો એક પ્રકારનું મૂડી રોકાણ છે. જેટલી સંખ્યા વધારે તેટલી આવક વધારે. આ પ્રકારની હત્યા મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ધનિક પરિવારોમાં થાય છે અને એ લોકો આમિર ખાનની સલાહ માનવાના નથી એ હકીકત છે. 

ચલતે-ચલતેઃ ટેલીવિઝન પર વર્ષે એકાદ વખત દર્શકોને પ્રેમ મેળવવો સહેલો છે, પણ દર અઠવાડિયે દર્શકોનો પ્રેમ જાળવી રાખવા મજબૂત વ્યક્તિત્વ જોઈએ, તકલાદી નહીં. 



Sunday, May 13, 2012

આંબેડકરનું કાર્ટૂન અને સંસદીય લોકશાહીના અવમૂલ્યનનો નગ્ન ચિતાર...


'આપણા દેશનું રાજકારણ એટલું ગંદુ અને હલકી કક્ષાનું છે કે હું કાર્ટૂનિસ્ટ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત.' આ શબ્દો છે દેશના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણના.જૂન, 1998માં દેશની આઝાદીના સુવર્ણજયંતિ વર્ષે લક્ષ્મણનું પુસ્તક પ્રકાશતિ થયું હતું. તેમાં તેમણે આઝાદી પછી પાંચ દાયકામાં ભારત વિશે લખ્યું છે. પુસ્તકના વિમોચન પછી પ્રીતિશ નાંદીએ રેડિફ વેબસાઇટ માટે લક્ષ્મણની મુલાકાત લીધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'ભારતની રાજકીય વ્યવસ્થાને ઓટોક્રેસી, પ્લુટોક્રેસી કહી શકાય, પણ લોકશાહી બિલકુલ નહીં.' ઓટોક્રેસી એટલે જિસકી લાઠી ઉસકી ભેંસ જ્યારે પ્લુટોક્રેસી એટલે ધનિકશાહી, ધનિકવર્ગનું શાસન અને ધનિક વ્યક્તિઓને બનેલો શાસકવર્ગ (ગુજરાતી લેક્સિકોન પ્રમાણે). આ મુલાકાતમાં તેમણે અત્યંત દુઃખ સાથે કહ્યું હતું કે, 'આ દેશમાં તમે જાતિ, ધર્મ, જ્ઞાતિ, મંદિર, મસ્જિદના નામે કંઈ પણ કરી શકો છો. તમે કોઈ પણ વ્યક્તિની હત્યા કરી શકો છો પણ તમારી પાસે ટોળું હોવાથી તમારું કોઈ બગાડી શકતું નથી' આ વાત અત્યારે 14 વર્ષ પછી પણ એટલી જ સચોટ છે.

શુ્ક્રવારે ટોળવાદી સાંસદોએ ભીમરાવ આંબેડકરના એક કાર્ટૂનને મુદ્દે સંસદમાં તેમની બુદ્ધિક્ષમતાનું પ્રદર્શન કર્યું અને તેમાં આપણી સંસદીય લોકશાહીના અવમૂલ્યનોનો નગ્ન ચિતાર આપ્યો. તેમણે માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ પાસેથી રાજીનામું માંગ્યું. કોંગ્રેસના જ એક નેતા પી એલ પુનિયાનું કહેવું છે કે સિબ્બલ રાજીનામું આપે અથવા દેશની માફી માંગે. પ્રભા ઠાકુરનું કહેવું છે કે કાર્ટૂનને મંજૂરી આપનાર તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. ભાજપ, બીએસપી સહિત વિરોધ પક્ષના તમામ તકવાદી નેતાઓએ પણ દલિતોને રીઝવવાની તક ઝડપી લીધી છે. પણ આ તમામ મતમતલબીઓમાંથી કેટલાંક એ પણ જાણતા નથી કે આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? ક્યારે બનાવ્યું હતું? અને આ વિવાદને ત્રણ દિવસ પસાર થયા પછી પણ પોતાને રાજકીય બાબતોમાં નબર વન ગણતાં 'ગદર્ભરાજ' પત્રકારો અખબારો અને સામયિકોમાં આંબેડકરનું કાર્ટૂન શોધી રહ્યાં છે.

હકીકતમાં જે કાર્ટૂનને લઈને વિવાદ ઊભો થયો છે તેની રચના ભારતીય સંસદની પ્રથમ બેઠક શરૂ થઈ એના ત્રણ વર્ષ અગાઉ એટલે કે 1949માં બનાવવામાં આવ્યું હતું. 28 ઓગસ્ટ, 1949ના રોજ આ કાર્ટૂન દેશના મહાન કાર્ટૂનિસ્ટોમાંના એક શંકર પિલ્લઈએ બનાવ્યું હતું. કાર્ટૂનમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે બંધારણની રચનાની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. તેમાં તેના સંચાલકો તરીકે જવાહરલાલ નહેરુ અને આંબેડકરને દેખાડવામાં આવ્યાં છે. આપણા બંધારણનું નિર્માણ કરવામાં બંધારણીય સભાને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને કાર્ટૂનિસ્ટે તેના પર કટાક્ષ કર્યો હતો. આ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારે નેહરુ અને આંબેડકર-બેમાંથી એક પણ નેતાએ તેનો વિરોધ કર્યો નહોતો. તેમણે શંકર સામે દ્વૈષભાવ પણ રાખ્યો નહોતો. એ પછી તો શંકરને પહ્મશ્રી, પહ્મભૂષણ અને પહ્મવિભૂષણથી બિરદાવવામાં આવ્યાં હતા. તેમાં આંબેડકરના અપમાન જેવું કશું નહોતું. પછી એ કાર્ટૂનને બધા પક્ષો ભૂલી ગયા હતા, પણ છ વર્ષ અગાઉ આ કાર્ટૂનને એનસીઇઆરટીના એક પાઠ્યુપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું. છ વર્ષ સુધી દલિતોની મતબેન્કો પર તાતાથૈયા કરતાં અને પોતાને 'દલિતોના મસીહા' ગણાવતા સાંસદોની નજર આ કાર્ટૂન પર ગઈ નહોતી. પણ આશરે 2,000 દિવસો પછી 'આંબેડકરના આ સ્વયંભૂ માનસપુત્રો'એ એનસીઇઆરટીની પુસ્તકોમાથી કાર્ટૂનને હટાવવાની માંગણી કરી છે.

આ બુદ્ધિહીન સાંસદોની માંગણીના વિરોધમાં શુક્રવાર સાંજ સુધીમાં આ પુસ્તકની રચના કરનાર સમિતિના મુખ્ય સલાહકાર યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકરે રાજીનામું આપી દીધું. આ પુસ્તકને મંજૂરી આપવામાં યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકર જ સામેલ નહોતા, પણ તેના પર નિરીક્ષણ સમિતિએ પણ મંજૂરીની મહોર મારી હતી. આ સમિતિના સહઅધ્યક્ષ પ્રોફેસર મૃણાલ મિરી અને જી પી દેશપાંડે જેવા વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ હતા. જી પી દેશપાંડેએ તો દલિત સુધારક જ્યોતિબા ફુલે પર ઉત્તમ દરજ્જાનું નાટક પણ લખ્યું છે. આ સમિતિએ મંજૂર કર્યા પછી પુસ્તકને રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ સમક્ષ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોફેસર ગોપાલ ગુરુ અને જોયા હસન જેવા દિગ્ગજો સામેલ છે. આ લોકો દલિતોના અધિકારો માટે લડે છે અને તેમણે પણ આંબેડકરના કાર્ટૂન સાથે પુસ્તકને મંજૂરી આપી હતી. તેમને કાર્ટૂનમાં દલિતો કે આંબેડકરના અપમાન જેવું કશું લાગ્યું નહોતું. પણ આ વિવાદ સૂચવે છે કે ભારતીય સંસદમાં છ દાયકામાં કેવી માનસિકતા ધરાવતા લોકો પ્રવેશી ગયા છે? આપણી સંસદની ગરિમાનું અવમૂલ્યન કેટલી હદે થયું છે? શંકરના આંબેડકર પરના કાર્ટૂનને છ દાયકા થઈ ગયા છે અને આ કાર્ટૂને આપણા સંસદોનું બૌદ્ધિક સ્તર કેટલું કથળી ગયું છે તે દર્શાવ્યું છે, આપણી લોકશાહીની પોકળતા ખુલ્લી કરી છે...

ચલત-ચલતેઃ સ્વતંત્ર્તાનો ખોટો ઉપયોગ થવાનું જોખમ છે, તેમ છતાં હું સ્વતંત્ર પ્રેસનો હિમાયતી છું - જવાહરલાલ નેહરુ (શંકરનું કાર્ટૂન પ્રકાશિત થયાના એક વર્ષ પછીનું નિવેદન)