Thursday, July 30, 2009

રાજકારણી એટલે શું? રાજનીતિજ્ઞ એટલે શું?

'બાલ ઠાકરે મુસ્લિમોનું મોં જોવાનું પણ પસંદ ન કરે', 'નરેન્દ્ર મોદીને દેશના પીએમ બનાવી દેવાય તો મુસ્લિમોને આ દેશમાં કેવી રીતે જીવવું તે શીખવાડી દે', 'રાહુલ ગાંધી વડાપ્રધાન થાય તો દેશનું ચિત્ર જ બદલાઈ જાય.' આ પ્રકારના વિધાન સાંભળીએ ત્યારે ખરેખર હસવું આવે. પણ આવી માનસિકતા ધરાવતા અનેક ગગાજી ડોટ કોમનો આપણા અમદાવાદમાં અને દેશમાં ટૂટો નથી. આ પ્રકારના ગગાજી ડોટ કોમની પિપૂડી વાગતી હોય છે ત્યારે તેના જેવા એકસોને એક ગગા-કમ-લલવા ટપાકાં પાડતાં જોવા મળશે.

રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે મૂળભૂત ફરક શું છે? હાથીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ-અલગ હોય છે. રાજકારણીઓ હાથી જેવા હોય છે. બહુજન સમાજ પક્ષ તો એટલો પ્રામાણિક છે કે તેનું નિશાન જ હાથી રાખી દીધું છે. કાશીરામ દીર્ઘદ્રષ્ટા હતા. તે સારી રીતે જાણતા હતા તેમના પક્ષની લગામ ભવિષ્યમાં કોને સોંપવાની છે...રાજકારણીઓ જેવું બોલે છે તેવું આચરણ ધરાવતા નથી અને જેવું આચરણ ધરાવે છે તેને જાહેર કરવાની હિમ્મત તેમનામાં હોતી નથી. તેઓ શરાબ પીને પણ જૂઠ્ઠું બોલી શકે છે. પ્રજાની માનસિકતા જાણીને તેને અનુરૂપ સ્વાંગ તેઓ સજે છે. રાજકારણ એટલે શું? રાજકારણી એટલે શું? અને રાજનીતિજ્ઞ એટલે શું?

રાજકારણ એટલે રાજ કરવા માટેનું કારણ અને રાજકારણીઓ એટલે રાજ કરવા માટે યોગ્ય કે અયોગ્ય-કોઈ પણ માર્ગે શાસન કરવા માગતા સ્વાર્થી અને મહત્વાકાંક્ષી લોકો. માયાવતી, નરેન્દ્ર મોદી, શરદ પવાર, મુલાયમ સિંહ, એલ કે અડવાણી, ઉમા ભારતી, અમરસિંહ જેવા આજના બધા 99.99 ટકા નેતાઓ રાજકારણીઓ છે. જવાહરલાલ નહેરુ રાજનીતિજ્ઞ હતા. તમે તેમની નીતિ સાથે અસહમત થઈ શકો છો, પણ રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા પર આંગળી ન ઉઠાવી શકો. તેમના દિકરી ઇન્દિરા પ્રિયદર્શિની મહાન રાજકારણી હતા. રાજીવ ગાંધી ન રાજનીતિજ્ઞ હતા, ન રાજકારણી. મનમોહન સિંઘ દેશભક્ત સરકારી અધિકારી હતા, પણ રાજકારણીઓ તેમને રાજકારણી બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. રાજનીતિજ્ઞ અને રાજકારણીઓ વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે.

રાજનીતિજ્ઞ એટલે સ્ટેટ્સમેન. તેમના માટે દેશનું હિત સર્વોપરી હોય છે, સત્તા નહીં. તેઓ સત્તા મેળવવા કે જાળવવા દેશનું હિત જોખમાય તેવો વિચાર સુદ્ધાં કરતાં નથી. દેશની જનતાના ચરણોમાં તેમણે તેમનું જીવન સમર્પિત કરી દીધું હોય છે. તેમના શાસનનો આશય દેશ અને જનતાની સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધારવાનો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડો. રાજેન્દ્રપ્રસાદ, લાલબહાદુર શાસ્ત્રી રાજનીતિજ્ઞ હતા.

રાજનીતિજ્ઞ ભવિષ્યની પેઢીઓ માટે આદર્શરૂપ હોય છે, પ્રેરણારૂપ હોય છે જ્યારે રાજકારણીઓ પર તેમનું પોતાનું લોહી પણ થૂંક ઉડાવે છે. લાચાર અને નિઃસહાય જનતાનું શોષણ કરતા આ સત્તાસમ્રાટો જીવે છે ત્યારે ધિક્કારને પાત્ર હોય છે અને મરી જાય છે પછી તેમની તકતી પર ભવિષ્યની પેઢીઓ લઘુશંકા કરી તેમના પૂર્વજોની પીડાનો બદલો વાળતી હોય છે...

Tuesday, July 28, 2009

ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન

ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. (http:// www.nireekshak.com) પહેલી જુલાઈ, 2009થી પોસ્ટેજ સમસ્યાને કારણે 'નિરીક્ષક' તેના ગ્રાહકો સુધી પહોંચી શક્યું નથી. પરંતુ હવે ઇન્ટરનેટ પર તેની પીડીએફ આવૃત્તિ ઉપલબ્ધ છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી ગુજરાતને એક સારા વિચારપત્રની-વિવેચનયુક્ત સમાચારો, નિર્ભય વિચારચર્ચાઓ અને નિષ્પક્ષ નિરાકરણો પૂરા પાડનારા સાપ્તાહિક પત્રની-ખોટ રહેલી છે.

એના પ્રથમ અંકમાં પ્રગટ થયેલ અભિલાષ અને અભીપ્સા આ પ્રમાણે છે:

મહાત્મા ગાંધીના તપોબળે અને ભાવનાશીલોના સ્વાર્પણે મેળવી આપેલું સ્વરાજ્ય, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ જેવા સપૂતોના પુરુષાર્થથી આપણી પરંપરામાં ઊંડાં મૂળ નાંખે ન નાંખે ત્યાં તો દેશમાં છિન્નતાની પરંપરાઓ સર્જાઈ છે અને રાજસત્તા લોકસત્તાને ગ્રસી જાય તેવી પરિસ્થિતિ નીપજી છે. તેવે, લોકજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નવું નેતૃત્વ પેદા કરીને લોક-શાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી ગુજરાતની પ્રજાને અમે વિનમ્રભાવે એક નવા સાપ્તાહિક ‘નિરીક્ષક’ની નવાજેશ કરી રહ્યા છીએ.

આપણા બંધારણે જે ઉત્તમ લોકશાહી માળખાની દેશને ભેટ ધરેલી છે તે છિન્નભિન્ન થઈ જાય તેવી કટોકટીઓ આપણા દેશમાં સર્જાઈ રહી હોય ત્યારે બંધારણને અને લોકશાહી સંસ્થાઓને ટકાવવા માટે પણ નિર્ભય અને નિષ્પક્ષ સાપ્તાહિક પત્રની જરૂર સમજાય છે. દેશનો બુદ્ધિશાળી વર્ગ ઉત્તમ વિચારમાંથી પ્રગટેલા ઉત્તમ કાર્યની ભૂમિકા ઉપર સંગઠિત થઈ શકતો નથી એનું એક કારણ આવાં વિચારપત્રો નથી તે પણ છે. હકીકતને પવિત્ર ગણવી અને ટીકાને મુક્ત રાખવી એ જેનો ધ્યાનમંત્ર હોય એવાં પત્રો જ સબળ લોકશાહીનું જતન કરી શકશે.

‘નિરીક્ષક’ કોઈ પણ રાજકીય પક્ષનું વાજિંત્ર નથી. ‘નિરીક્ષક’ પ્રત્યેક પ્રશ્નનો સૂક્ષ્મ અને તટસ્થ અભ્યાસ કરી રહ્યું છે. એ વસ્તુસ્થિતિનાં તથ્યોને અને લોકશાહી જીવનમૂલ્યોને વળગી રહ્યું છે. લોકજીવનનાં સ્વાસ્થ્ય અને સંસ્કારને સમૃદ્ધ કરવા એ સતત પ્રયાસરત છે. ‘નિરીક્ષક’ની નિષ્ઠા લોકનિષ્ઠા છે અને લોકલાગણી તથા સત્ય વચ્ચે સમન્વયના સેતુ બાંધવાની તેની આકાંક્ષા છે. ‘નિરીક્ષક’ ગુજરાતના, ભારતના અને વિશ્વના વિવિધ વિચારોને મુક્ત મને આવકારી રહ્યું છે અને ગુજરાતના લોકજીવનના તાણાવાણામાં તેને વણી લેવા મથી રહ્યું છે. છતાં એની લોકનિષ્ઠા અચળ છે. ગાંધીજી કહેતા કે મારાં બારીબારણાં ખુલ્લાં છે, ચારે દિશાના વાયરા ભલે વાતા, પણ તેથી હું મારો પગ ભોંયથી ચળવા નહીં દઉં. ‘નિરીક્ષક’નો પણ આ જ શિવસંકલ્પ છે.
આ કામ અઘરું છે અને તેનાં મૂળ ઊંડાં ઊતરે ત્યાં સુધી ધીરજની કસોટી કરે તેવું છે. તેમ છતાં ગુજરાતમાં સહિષ્ણુતા, વિવેક અને વિચારનાં પ્રગતિશીલ મૂલ્યોએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેને કારણે ગુજરાતમાં આવા મુક્ત અને ઉદાર વિચાર-વાહનની ખરેખરી ભૂખ જાગી છે. એટલે અમને શ્રદ્ધા છે કે આ સાહસને ગુજરાતના લોકહિતચિંતકોનું ઉત્તમ સમર્થન સાંપડશે અને એ લોકસહકારથી પોતાનું કામ ગોઠવશે.

‘નિરીક્ષક’ જુલાઈ ૧૬, ૨૦૦૯
‘નિરીક્ષક’ જુલાઈ ૧, ૨૦૦૯