Tuesday, November 11, 2008

મને દંભીઓ બિલકુલ પસંદ નથી



મોટાભાગના લોકો અન્ય વ્યક્તિઓનાં-ખાસ કરીને પોતાની જ આસપાસના સગાસંબંધીઓ અને મિત્રોનાં-સારો ગુણોનું દર્શન કરીને કે તેમની પ્રશંસા સાંભળીને ઇર્ષાની આગમાં બળી ઊઠે છે. આ સત્ય હકીકત છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઇર્ષાનો જન્મ સ્પર્ધામાંથી થાય છે અને આપણને સ્પર્ધાત્મક બનવાનો ગુણ તો બાળપણથી જ મળે છે.
બાળપણથી જ મોટાભાગના માતાપિતા તેમના બાળકોને શિક્ષણસહિત દરેક ક્ષેત્રમાં અન્ય બાળકો કરતાં આગળ રહેવાની સલાહ આપતાં હોય છે. તમે જોયું હશે કે, મોટાભાગના માતાપિતા તેમના બાળકો પાસે દરેક ક્ષેત્રમાં નંબર-વન રહેવાની અપેક્ષા સેવે છે. આ રીતે તેઓ પોતાના જ બાળકોને તેમના મિત્રોના પ્રતિસ્પર્ધી બનાવી દે છે. બાળક પર સ્પર્ધાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. તે પોતાના જ સાથીદારની પ્રશંસા સાંભળી શકતું નથી. બાળપણથી જન્મેલી આ માનસિકતા કાયમ માટે ઘર કરી જાય છે. આ જ માનસિકતા પરોક્ષ રીતે અન્ય વ્યક્તિના દોષદર્શન માટે જવાબદાર હોય છે.
આ કારણે જ જ્યારે પોતાના સાથીદારની પ્રગતિ થાય છે ત્યારે મોટાભાગનાં લોકો તેને ઉપર-ઉપરથી અભિનંદન આપતા હોય છે, પણ પાછળથી ધુમાડા કાઢતાં હોય છે. આ એક પ્રકારનો દંભ છે અને મને દંભી લોકો બિલકુલ પસંદ નથી. પરંતુ અમુક લોકો એવા હોય છે કે તેમને દંભી જીવન જીવવાની ટેવ હોય છે અને દંભ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાનાં જ મિત્રોની પ્રગતિ સમયે બે ચહેરા ધારણ કરે છે. એક, ફૂલગુલાબી ચહેરો અને બીજો, કાળા ડિબાંગ વાદળ જેવો ચહેરો. તેઓ પોતાના મિત્રો સામે તો ફૂલગુલાબી ચહેરો રાખીને ફરતાં હોય છે, પણ તે એક નકાબ હોય છે અને તેની પાછળ વાસ્તવિક ચહેરો હોય છે અને તે કાળોમેશ હોય છે. ઇર્ષાની આગમાં સળગી-સળગીને તેનો ચહેરા પર કાલિમા છવાઈ જાય છે.

Wednesday, November 5, 2008

હવે મુસલમાનોએ એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છેઃ સૈયદ અહમદ બુખારી


દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ દેશના મુસલમાનોને એક અલગ રાજકીય પક્ષ બનાવવવાનું આહ્વાન કર્યું છે। એટલું જ નહીં તેમણે મુસલમાનોને એક થઈ દિલ્હીના લાલ કિલ્લા પર ઇસ્લામિક સલ્તનતની સ્થાપના ફરીથી કરવાની પણ આડકતરી રીતે હાકલ કરી છે।
બુખારીએ હિંદી પખવાડિક સાપ્તાહિક 'તહેલકા'ને આપેલી મુલાકાતમાં ભારતમાં મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, ''દેશમાં મુસલમાનોને જીવતા સળગાવી દેવામાં આવે છે, તેમના કામધંધા બરબાદ કરી દેવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભારતના મુસલમાનોએ રાજકીય તાકાત બનવું પડશે..આ દેશમાં માત્ર તે જ લોકોને માન-સન્માન મળે છે જેમની પાસે રાજકીય તાકાત હોય છે...એક વખત મુસલમાનો પાસે તે રાજકીય તાકાત આવી જશે પછી આપણે અધિકારો છીનવી પણ શકીશું..હવે અમે એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છે.''
તેમણે મુસલમાનો માટે અલગ રાજકીય પક્ષની જરૂર શા માટે છે તેનું કારણ સમજાવતા કહ્યું હતું કે, ''દલિતો પાસે બસપા છે, હિંદુઓ પાસે ભાજપ છે. કોંગ્રેસ પણ એક હિંદુ પક્ષ જ છે. તે ધર્મનિરપેક્ષ નથી. છેલ્લાં 60 વર્ષથી અમે હિંદુ નેતાઓ અને તેમના પક્ષોને સમર્થન આપ્યું છે. પણ તેમણે અમારા હિતો માટે કશું જ કર્યુ ન હોવાથી અમારી પાસે અમારી હિતો સાધવા કયો રસ્તો બચ્યો છે?''