Showing posts with label જરા હટકે. Show all posts
Showing posts with label જરા હટકે. Show all posts

Sunday, February 21, 2010

જનહિતની અરજીનો પહેલો કિસ્સોઃ હુસૈન આરા ખાતૂનનો ઐતિહાસિક કેસ


વાત વર્ષ 1979ની છે. તે વર્ષે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં બિહારની જેલોમાં બંદ કાચા કામના કેદીઓ એટલે કે જેમની સામે કેસ ચાલી રહ્યો હોય તેવા કેદીઓના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આ કેદીઓ ઘણાં વર્ષોથી અમાનવીય પરિસ્થિતિઓમાં જેલના સળિયા ગણી રહ્યાં હતાં. તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં. આ કેદીઓ પર જે આરોપો હતા તે અનુસાર કાયદેસર તેમને જે સજા મળે તેના કરતાં પણ વધારે સમય તે લોકોએ જેલમાં પસાર કર્યો હતો. આ જાણકારી પ્રાપ્ત થતાં એક અનુભવી વકીલ પુષ્પા કમલ હિંગોરાનીનું લોહી ઊકળી ઊઠ્યું.

તેમણે એક સ્ત્રી હુસૈન આરા ખાતૂન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમણે દલીલ કરી કે કેદી પર લગાવવામાં આવેલો આરોપ પુરવાર થયો નથી છતાં તેણે તે અપરાધની મહત્તમ સજા ભોગવી લીધી છે. પણ આ ગરીબ કેદી વકીલને ફી ચૂકવી શકે તેમ ન હોવાથી તેના વતી કોઈ રજૂઆત થઈ શકી નથી અને હજુ તે જેલના સળિયા પાછળ સડી રહી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ પી એન ભગવતીની ખંડપીઠ આ કિસ્સો સાંભળી ચોંકી ઊઠી. તેણે આ મામલો ગંભીરતાથી લીધો અને પુરાવાની ચકાસણી કર્યાં પછી બિહારની હુસૈન આરા સહિત વર્ષોથી જેલમાં બંધ કાચા કામના કેદીઓને છોડી દેવાનો આદેશ આપ્યો.

આ ચુકાદો માત્ર બિહાર રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો, પણ તેના પગલે સમગ્ર ભારતમાં વર્ષોથી બંધ અંદાજે 40,000 કેદીઓને છૂટકારો મળ્યો. આ આદેશ દેશના ન્યાયિક ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયો અને ભારતમાં જનહિત અરજી એટલે કે પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ની સફર શરૂ થઈ. હિંગોરાની દ્વારા દાખલ થયેલા આ અરજી દેશમાં પહેલી જનહિતની અરજી હતી. જનહિતની અરજીની જોગવાઈ ભારતીય બંધારણ કે કાયદામાં સામેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત બંધારણીય વ્યાખ્યાનું પરિણામ છે. જનહિતની અરજીમાં જરૂરી નથી કે પીડિત પક્ષ પોતે ફરિયાદ કરે. આ અરજી સામાન્ય નાગરિક કે અદાલત પોતે પણ પીડિત પક્ષને ન્યાય મળે તે માટે દાખલ કરી શકે છે.

હુસૈન આરા કેસ બીજા કારણસર પણ ઐતિહાસિક છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું છે કે તમામ કદીઓને કાયદાકીય સહાયતા પૂરી પાડવી સરકારની ફરજ છે (તેનું પ્રસિદ્ધ ઉદાહરણ આતંકવાદી કસાબનો કેસ છે, જેમાં ભારત સરકારે તેને વકીલ પૂરો પાડ્યો છે) અને અપરાધિક કેસોમાં કેદી પોતાના કેસની તરત જ સુનાવણી કરવાની અપીલ કરી શકે છે. આ કેસ પછી જનહિત અરજીઓનું મહત્વ સમજી સુપ્રીમ કોર્ટે 1980માં તેની સાથે સંબંધિત એક અલગ વિભાગ બનાવ્યો....

Thursday, January 28, 2010

109 વર્ષથી રોશન એક બલ્બ...


તમારા ઘરે કોઈ બલ્બ લગાવો તો તે કેટલા સમય સુધી પ્રકાશ પાથરી શકશે? તમે કહેશો કે વધીને બેથી ત્રણ વર્ષ બલ્બ ચાલે. અસરકારક રીતે ઉપયોગ કરો તો વધીને સાડાથી ચાર વર્ષ અંધકાર દૂર કરી શકે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં એક ફાયર સ્ટેશનમાં એક બલ્બ છેલ્લાં 109 વર્ષથી રોશન છે.

આ સદી કરતાં પણ વધુ આવરદા ધરાવતાં બલ્બનું નામ છે સેંટેનિયલ લાઇટ. તેને 1901માં લગાવવામાં આવ્યો હતો. સૌથી વધુ સમય સુધી પ્રકાશ પાથરનાર બલ્બ તરીકે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. આઠ જૂન, 2001ના રોજ તેની જન્મશતાબ્દી ઉજવવામાં આવી હતી અને ત્રણ કલાક સુધી વિવિધ સંગીત પીરસી તેને સલામી આપવામાં આવી હતી.

આ બલ્બની પોતાની એક વેબસાઈટ (http://www.centennialbulb.org/) પણ છે, જેમાં તેના હજારો ચાહકોના નામ નોંધાયેલા છે. હજારો કિલોમીટર દૂરથી લોકો આ નાનકડાં આશ્ચર્યને જોવા આવે છે. આ બલ્બની ડીઝાઇન ફ્રાંસીસી મૂળના વિજ્ઞાની એડોલ્ફ શૈલે તૈયાર કરી હતી અને તેનું નિર્માણ શેલ્બી ઇલેક્ટ્રિક કંપનીએ ઓહિયોમાં કર્યું હતું. તેની ક્ષમતા ચાર મેગાવોટ છે. સેંટેનિયલ લાઇટ જેવા આશ્ચર્યજનક બલ્બની ડીઝાઇન કરવા છતાં શૈલેને 'બલ્બના શોધક' ગણાતા થોમસ આલ્વા એડિસન જેવી પ્રસિદ્ધિ મળી નહોતી. અત્યારે આ બલ્બની દેખભાળ સ્ટીવ બન કરે છે. આ બલ્બને અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટ વોર્થના બાયર્સ ઓપેરા હાઉસમાં પ્રજ્જવલિત એક બલ્બ સ્પર્ધા પણ પૂરી પાડી રહ્યો છે.

21 સપ્ટેમ્બર, 1908થી ઝળહળતા આ બલ્બનું નામ બેરી બર્ક હતું. ઓપેરા હાઉસ નામ બદલાઈને પેલેસ થિયેટર થયા પછી આ બલ્બ પેલેસ બલ્બ તરીકે ઓળખાતો હતો. અત્યારે આ બલ્બ સ્ટોકયાર્ડ્સ મ્યુઝીયમમાં છે. તેના પર વેબસાઇટ બનવાનું કામ ચાલુ છે. ન્યૂયોર્ક સિટીના એક હાર્ડવેર સ્ટોરમાં એક બલ્બ 1912થી પ્રકાશિત હતો, પણ અત્યારે તે ચાલુ છે કે ઉડી ગયો છે તેની ચોક્કસ જાણકારી નથી.

Saturday, November 28, 2009

પામેલાસિંહ ચૌધરી ઉર્ફે પામેલા બોર્ડેસનું સેક્સ સ્કેન્ડલ...


વાત પામેલા બોર્ડેસની છે. તમને થશે કે કોઈ વિદેશી અભિનેત્રીની વાત હશે, પણ ના આ વાત છે એક મિસ ઇન્ડિયાની. મિસ ઇન્ડિયા પામેલાસિંહ ચૌધરીની. પામેલા વર્ષ 1982માં મિસ ઇન્ડિયા બની હતી અને તેણે 1990ના દાયકાના અંતમાં બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.

પામેલસિંહ ચૌધરી ભારતીય સેનામાં મેજર તરીકે સેવા આપી ચૂકેલા મહિન્દરસિંહ કાદ્યાનની પુત્રી છે. તેનો જન્મ વર્ષ 1961માં થયો હતો. દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં આ સુંદર વિદ્યાર્થીનીએ અભ્યાસ દરમિયાન જ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિસ ઇન્ડિયા બન્યા પછી તે યુરોપ જતી રહી અને ત્યાં તેણે શસ્ત્રોના સોદાગર હેનરી બોર્ડેસ સાથે લગ્ન કર્યાં હતા.

આ દરમિયાન પામેલા બ્રિટનમાં પણ રહી. અહીં તેણે અનેક સાંસદો, મંત્રીઓ અને વિશિષ્ટ લોકો સાથે અંતરંગ સંબંધો કેળવ્યાં હતા. તેમાં બ્રિટિશ અખબાર સંડે ટાઇમ્સના સંપાદક એન્ડ્રુસ નીલ અને બ્રિટનની રમતમંત્રી કોલિન મોનીહા પણ સામેલ હતા. પામેલા પાસે હાઉસ ઓફ કોમન્સ એટલે બ્રિટનની લોકસભાનો સિક્યુરિટી પાસ હતો. આ પાસ તેણે રાજકીય વગથી મેળવ્યો હતો. અહીં પામેલા ટોરી પક્ષના સાંસદ ડેવિડ શૉના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. બ્રિટનના અખબારો ત્યારે પામેલા માટે કયો શબ્દ વાપરતા હતા જાણો છો? Alleged High Society Prostitute.

આ વિવાદ બહાર આવ્યો ત્યાં સુધી બ્રિટિશ સરકાર તેને ફક્ત એક સેક્સ કૌભાંડ જ માનતી હતી, પણ તે દરમિયાન એક વધુ ફણગો ફૂટ્યો. તે મુજબ પામેલાના સંબંધ લિબિયા સાથે હતા અને તે આ સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ તરફથી બ્રિટનમાં જાસૂસી કરતી હતી. ખરેખર વાત એમ હતી કે લિબિયાના શાસક ગદ્દાફીના એક સગા અને લિબિયા સરકારના વરિષ્ઠ અધિકાર અલ ડૈમ અને પામેલા વચ્ચે પણ અત્યંત સુંવાળા સંબંધો હતા. ડૈમને મળવા પામેલા અનેક વખત લિબિયા પણ ગઈ હતી. ઉપરાંત તેઓ બંને પેરિસની અત્યંત વૈભવી હોટેલમાં નિયમિતપણે મળતાં હતાં.

બ્રિટિશ સરકાર તેના પર દબાણ વધારતી હતી, પણ પામેલા બહુ તૈયાર હતી. તેણે એક અખબારને મુલાકાત આપી સ્ફોટક જાહેરાત કરી દીધી કે જો તે સત્ય રજૂ કરશે તો બ્રિટનની સરકાર પડી જશે. અંગ્રેજો બહુ શાણા. તેમણે સરકાર બચાવી લીધી અને સાથેસાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગ્રેજોની આબરુના ધજાગરા પણ ન થયા. આ કૌભાંડ પછી વર્ષો સુધી પામેલા ગાયબ થઈ ગઈ હતી. પછી ભારત આવી પ્રોફેશનલ ફોટોગ્રાફર બની ગઈ હતી...

Tuesday, September 29, 2009

કિસ્સા કુર્સી કા...


હા, કિસ્સો ખુરશીની વાતનો છે અને સાથેસાથે ખુરશીની તાકાતનો અહેસાસ પણ કરાવે છે. સત્તાધારી માણસો લોકશાહીમાં પણ પોતાની તાકાતનો દૂરપયોગ કરી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું ગળું દબાવી દે છે તેનો પુરાવો આ કિસ્સો છે. વાત એમ છે કે, વર્ષ 1975માં એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું કિસ્સા કુર્સી કા. રાજકીય વ્યંગ્ય રજૂ કરતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા અમૃત નાહટાએ કર્યું હતું અને ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વ. ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનને મળતું આવતું હતું. વર્ષ 1975માં આ ફિલ્મ રજૂ થવાની હતી, પણ તેની પહેલાં વાજપેયીજીએ જેમને મા દુર્ગા સાથે સરખાવ્યાં હતા તેવા ઇન્દિરા અમ્માએ કટોકટી લાદી દીધી હતી અને સરકારના દબાણ હેઠળ સેન્સર બોર્ડે ફિલ્મ રજૂ થવાની લીલી ઝંડી ન આપી.

સેન્સર બોર્ડના નિર્ણયને નાહટાએ અદાલતમાં પડકાર્યો. અદાલતે ચુકાદો આપ્યો કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં ન્યાયાધીશોનો દેખાડવી. પણ બન્યું એવું કે અદાલત સામે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેની મૂળ પ્રિન્ટ ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે, સંજય ગાંધીના ઇશારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લએ મુંબઈથી ફિલ્મનો પ્રિન્ટ્સ જપ્ત કરાવી દિલ્હીની પાસે ગુડગાંવ સ્થિત મારુતિ ફેક્ટરીના સંકુલમાં રખાવી દીધી. પાછળથી બધી પ્રિન્ટ નષ્ટ કરાવી દીધી. તે પછી નાહટાનું શું થયું?

વર્ષ 1977ની ચૂંટણીમાં અમૃત નાહટા જનતા પક્ષની ટિકિટ પરથી સાંસદ બન્યા. તેમણે સંસદમાં માંગણી કરી કે, તેમની ફિલ્મની પ્રિન્ટ તેમને પાછી મળે. તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સૂચના-પ્રચારણા મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. સીબીઆઈના સંયુક્ત સચિવ નિર્મળકુમાર સિંહે આ કેસની તપાસ કરી અને સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી થઈ અને દિલ્હીની એક સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દંડ કરી સજા સંભળાવી. ગાંધી અને શુક્લએ સેશન્સ કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. તે સમયે મોરારાજી દેસાઈએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચૌધરી ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી જ વડાપ્રધાનની ગાદી પર સવાર થઈ ગયા હતા. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ફિલ્મને લઇને નાહટા પોતે જ પોતાના આરોપોમાંથી ફરી ગયા. છેવટે સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લને છોડી દીધા. પણ કિસ્સા કુર્સીના મામલાનું મહત્વ શું છે?

દેશમાં અદાલતે સજા ફટકાર્યા પછી પણ આરોપીઓને ચૂંટણી લડવાની પહેલી વખત મંજૂરી મળી હતી અને બંને ઉમેદવાર જીતી પણ ગયા. વર્ષ 1977માં અમૃત નાહટાએ ફરી તે જ સ્ક્રિપ્ટ પર કિસ્સા કુર્સી નામે જ ફિલ્મ બનાવી, પણ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ.

Friday, October 24, 2008

જવાહરલાલ નહેરુને ઝોકું આવ્યું અને પાકિસ્તાન ફાવી ગયું



અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન ફોસ્ટર ડલેસ વર્ષ 1953માં ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નવી દિલ્હી મળવા આવ્યા હતા. તે સમયે અમેરિકા અને ભારત વચ્ચે થોડા મતભેદ હતા અને તેને દૂર કરવા ડલાસ જવાહરલાલ સાથે ચર્ચા-વિચારણા કરવા ભારત આવ્યા હતા. જ્યારે તેમની વાતચીત ચાલતી હતા તે દરમિયાન જવાહરલાલને ઝોકું આવી ગયું અને તેઓ ઊંઘી ગયા. ડલાસને થોડી ક્ષણ પછી ખબર પડી કે જવાહરલાલ સૂઈ ગયા છે. તેમને લાગ્યું કે, ભારતના વડાપ્રધાનને ચર્ચા-વિચારણામાં કોઈ રસ નથી. તેમને માઠું લાગ્યું અને તેઓ ઊઠીને ચાલ્યા ગયા. ત્યારપછી થોડા જ સમયમાં અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રસંરજામની મદદ કરવાનું વચન આપ્યું અને તે માટેની ગોઠવણ પણ કરી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીનો જવાહરલાલે ઘણો વિરોધ કર્યો પણ તેનાથી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.
તે પછી વર્ષ 1958માં મોરારાજી દેસાઈ જ્યારે પહેલી વખત અમેરિકા ગયા ત્યારે તેઓ ડલેસને મળ્યા. ત્યારે તેમને જાણવા મળ્યું કે જો જવાહરલાલજીએ ડલેસ સાથે સારી રીતે વાતચીત કરી હોત તો પરિસ્થિતિ કાંઈક જુદી હોત.