Showing posts with label જય જય ગરવી ગુજરાત. Show all posts
Showing posts with label જય જય ગરવી ગુજરાત. Show all posts

Saturday, May 1, 2010

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ....


ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે પહેલી મે, 1960ના રોજ પૂ. રવિશંકરે મહારાજે સાબરમતી આશ્રમમાં આપેલું માર્ગદર્શક પ્રવચન


આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્યમૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા વિના રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યાં છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંધીજીની સમક્ષ દરેક ક્ષણે નજર સમક્ષ ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધોરોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થ વ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાલના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિષે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ વિશે તેમ જ પેદાશ પણ વધી હશે, પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણે ત્યાંની એકએક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ, એ તો પોષણનું સાધન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુંમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવાં દુર્લભ થાય એ આપણી દુર્દશા કહેવાય! એ સ્થિતિ આપણે ટાળવી જોઈએ.

ગોસંવર્ધન અને ગોસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતે ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ....

સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણમાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને દૂઘ-ઘી કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યાં છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલો ગણાતો ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યાં પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.

પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ મૂકે છે? એને જેટલું મળે છે એટલું ઓછું જ કેમ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ ને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજુ અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને 'આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ' એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવાશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ કરવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દ્રઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ એની પણ ખૂબ વિચારણા કરવી પડશે......

બધા પક્ષોને મારી વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રમાં તડાં પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું......


....અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે....આવો જ સવાલ દારૂબંધીનો છે. એ અંગે આપણી જે નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય.

પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજ્યની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોશાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.....

....આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમણે આપેલા વારસના શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ...

સર્વેડત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત્

Monday, June 8, 2009

વલ્લભવિદ્યાનગરના સર્જક ભાઈકાકા


કાશ્મીરમાં વર્ષ 1929માં ગિલગિટ આગમ સાયેક બંધ તૂટી ગયો અને સિંધુ નદીમાં પૂર આવ્યું. નદીના ધસમસતા પાણી સિંધમાં ફરી વળ્યાં. લારખાના ડૂબી જવાની તૈયારીમાં હતું ત્યારે એક કુશળ ઇજનેરે સમયસૂચક કૌશલ્ય દેખાડી લારખાનાને બચાવી લીધું. આ લારખાનાની નજીક પ્રાચીન સિંધુ સંસ્કૃતિના જગપ્રસિદ્ધ સ્થળ મોહેંજોદડોના અવશેષો છે. આ ઇજનેરની કામગીરીના કદરરૂપે અંગ્રેજ સરકાર તેમનો પગાર વધારી રૂ. 1,700 કરવાનું વિચારતી હતી ત્યારે સરદાર પટેલનો પડતો બોલ ઝીલી તેણે અમદાવાદ મ્યુનિસિપાલટીમાં ચીફ એન્જિનિયર તરીકે માતૃભૂમિની સેવા કરવાનું પસંદ કર્યું. આ ઇજનેર કોણ હતા?

ગુજરાતનું શૈક્ષણિક ધામ ગણાતા વલ્લભવિદ્યાનગર વિશ્વવિદ્યાલયના સર્જક ભાઈકાકા એટલે કે ભાઈલાલભાઈ દ્યોભાઈ પટેલ। તેમનો જન્મ આઠમી જૂન, 1888માં ખેડા જિલ્લાના સોજિત્રા ગામે થયો હતો. બાળપણથી ગણિત વિષયમાં હોંશિયાર એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી એન્જિનિયર થયા. વડોદરા રાજ્યમાં આવતા મહેસાણામાં માસિક રૂ. 80ના પગારતી સુપરવાઇઝર તરીકે જોડાયા. પછી બ્રિટિશ સરકારની નોકરી લીધી અને મહારાષ્ટ્રના ધૂળિયા શહેરમાં તેમની નિમણૂંક થઈ.

મુંબઈ ધારાસભાએ વર્ષ 1923માં સક્કર બરાજનું કામ શરૂ કરવાનું બિલ પસાર કર્યું અને આ ભગીરથ કામ ભાઈલાલને સોંપવામાં આવ્યું। તેમણે આ કામ આઠ વર્ષમાં પૂર્ણ કર્યું અને આ દરમિયાન 'સક્કર બરાજમાં મારાં આઠ વર્ષ' નામે પુસ્તક લખ્યું. તે પછી કાશ્મીરમાં ગિલગિટ બંધ પર કુશળતાપૂર્વક ફરજ બજાવી અમદાવાદ આવ્યાં.

અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાઇલાલે ત્રણ વર્ષ કામ કર્યું। આ દરમિયાન ગાંધી પુલ, રિલીફ રોડ, કાંકરિયા વિસ્તારનો વિકાસ જેવાં અનેક વિકાસકાર્યો હાથ ધર્યા. પરંતુ તેમનું સ્વપ્ન ગ્રામ્ય વિસ્તારમાં મહાશૈક્ષણિક કેન્દ્ર સ્થાપવાનું હતું. તેની જાણ થતાં ઘનશ્યામદાસ બિરલાએ આણંદમાં એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાનો વિચાર જણાવી ત્રીસ લાખ રૂપિયા આપવાની તૈયારી દેખાડી. બીજી તરફ ઉદ્યોગપતિ શેઠ કસ્તૂરભાઈ પચીસ લાખ રૂપિયાનું દાન આપી અમદાવામાં ઇજનેરી કોલેજ શરૂ કરવાના હતા. કેટલાંક લોકોને તે સમયે અમદાવાદ પહેલાં આણંદ કે વલ્લભવિદ્યાનગરમાં ઇજનેરી કોલેજ શરૂ થાય તે ગમતું ન હતું. એટલે તેમણે ગાંધીજીને હાથો બનાવ્યો અને સમજાવ્યાં કે, ગુજરાતમાં બે ઇજનેરી કોલેજની જરૂર નથી. બાપુ ભોળવાઈ ગયા અને તેમણે બિરલાને વલ્લભવિદ્યાનગર માટે જે રકમ આપવાના હોય તે મુંબઈમાં બીજા કોઈ કામ માટે વાપરે તેવી સલાહ આપી. આ વાતની જાણ સરદાર પટેલને થઈ અને તેમણે બાપુને સાચી હકીકતથી વાકેફ કરાવ્યાં. છેવટે વલ્લભવિદ્યાનગરમાં કોલેજ થઈને જ રહી.

આઝાદી પહેલાં ચોથી એપ્રિલ, 1947ના રોજ અહીં સરદાર પટેલના હાથે વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર પટેલના મોટા ભાઈ) મહાવિદ્યાલયના મકાનનું ઉદઘાટન થયું। 13 ફેબ્રુઆરી, 1949ના રોજ જવાહરલાલ નેહરુએ વિદ્યાનગરનો પાયો નાંખ્યો. તે સમયે તેમણે કહ્યું હતું કે, ''દેશમાં અત્યારે દરેક સ્થળે અધિકારીઓ લોખંડ, સિમેન્ટ અને લાકડાની ખેંચની બૂમો પાડે છે. અમારા દિલ્હીમાં પણ આવી જ બૂમો સંભળાય છે. જ્યારે અહીં દરવાજો ના હોય તો પરવા નહીં, છત ના હોય તો તેની પણ પરવા નહીં, છતાં કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાના કામ ચાલી રહ્યાં છે. આ સંસ્થા સરકારી મદદની પરવા કર્યા વિના પોતાનું કામ આગળ ધપાવ્યે જાય છે. હું ઇચ્છું છું કે દેશમાં બધે અહીંના કામનું અનુકરણ થાય.''

ભાઈકાકાએ પાછલી ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સ્થાપિત હિતોથી ખદબદતી કોંગ્રેસની સામે તેમણે સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સત્તા મેળવવાની એકદમ નજીક પહોંચી ગયેલા. તેમના પક્ષને 65 બેઠક મળી હતી. તે સમયે તેઓ ઉંમરના આઠમાં દાયકમાં હતા. વલ્લભવિદ્યાનગર એ ભાઇકાકાની શક્તિ, નિષ્ઠા, પરિશ્રમ, સંકલ્પશકિતનું પ્રતીક છે.

Friday, May 1, 2009

જય જય ગરવી ગુજરાત.....



જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને,
પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દૂધારકેશ એ,
પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદધરમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો,
દે આશિષ જયકર સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગથકી પણ અધિક સરસ રંગ,
થકી સત્વરે માત!
શુભ શુકન દીસ મધ્યાહન શોભશે,
વીતી ગઈ છે રાત જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

કવિ નર્મદ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...



જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ,
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ।

જેની ઉષા હસે હલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

જેને ઉર ગુજરાતી હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ,
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.

ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય,
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.

જય જય જન્મ સફળ ગુજરાતી,
જય જય ધન્ય અદલ ગુજરાતી!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર 'અદલ'

Thursday, March 12, 2009

સમાજસુધારક અને પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ


કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગરીબો અને દલિતોના ઝૂંપડામાં જઇને પક્ષને મત આપવા જનતા જનાર્દનને રીઝવી રહ્યાં છે ત્યારે એક યુવરાજ એવો હતો જે બાળપણમાં ગાયો ચરાવતો હતો પણ તે નસીબનો બળિયો હતો. તે 18 વર્ષની વયે એક રજવાડાની ગાદીએ બેઠો અને પછી પોતાનું જીવન અંત્યજો અને પ્રજાના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું. આ ગોવાળિયાનું નામ ગોપાળરાવ હતું જે પાછળથી વડોદરાના પ્રજાપરાયણ મહારાજ સયાજીરાવ ગાયકવાડ તરીકે ઓળખાયા. 11 માર્ચના રોજ તેમનો 146મો જન્મદિવસ હતો. આ પ્રસંગે મહારાજા સયાજીરાવની જીવનની અને તેમના સમાજપયોગી કાર્યોની થોડી ઝાંખી મેળવીએ.

ગોવાળમાંથી રાજકુમાર
વડોદરાના રાજવી ખંડેરાવને કોઈ સંતાન ન હતું। તેમણે તેમના નાના ભાઈ મલ્હારાવે ગાદીએ બેસાડ્યા. પણ તેઓ પ્રજા પર જુલમ ગુજારાતા હતા એટલે તેમને રાજગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યાં. તે પછી પરંપર મુજબ, ગાયકવાડ વંશમાંથી કોઈ પણ બાળક દત્તક લેવાનો હક મહારાણી જમનાબાઈને મળ્યો. તેમણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કવલાણા ગામમાં રહેતા ગાયકવાડ કુટુંબ કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રો-આનંદરાવ, ગોપાળરાવ અને સંપતરાવમાંથી વચેટ ગોપાળરાવની પસંદગી કરી. તે સમયે ગોપાળરાવ ગાયો ચરાવતા હતા. તેઓ અભણ હતા.

સયાજીરાવ અને શિક્ષણ
દત્તક લેવાયા પછી મહારાણીએ ગોપાળરાવનું નામ સયાજીરાવ રાખ્યું। તેમને શિક્ષણ આપવા ગુજરાતી અને મરાઠી શિક્ષકો રાખવામાં આવ્યા. પછી જમાનબાઈએ રાજકુટુંબના બાળકોને વ્યવસ્થિત કેળવણી મળે તે માટે એક ખાસ શાળા દરબારગઢમાં શરૂ કરી, જેના વડા ઇલિયટ નામના અંગ્રેજ થયા. અહીં સયાજીરાવે ગુજરાતી, મરાઠી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું. તેમણે ઇ. સ. 1881ની આઠમી ડીસેમ્બરે અઢાર વર્ષની વયે વડોદરાનો સંપૂર્ણ વહીવટ સંભાળ્યો. તેમણે 60 વર્ષ શાસન કર્યું હતું.

લગ્ન
સયાજીરાવ ગાદીએ બેઠા પછી મહારાણી જમાનાબાઈએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું। તેમણે વિવિધ રજવાડાઓની રાજકુમારીઓ પર નજર દોડાવી અને દક્ષિણ ભારતના તાંજોર રાજ્યમાં રહેતા હૈબતરાવ નારાયણરાવ મોહિતેની પુત્રી લક્ષ્મીબાઈ પર તેમની નજર ઠરી. મહારાષ્ટ્રમાં લગ્ન પછી નવવધુને સાસરીમાં નવું નામ આપવાની પરંપરા છે. આ પરંપરા મુજબ જમાનાબાઈએ લક્ષ્મીબાઈનું નામ ચીમણાબાઈ રાખ્યું. જોકે મહારાણીના મૂળ નામ પરથી વડોદરાના એક મહેલને લક્ષ્મીવિલાસ પેલેસ નામ આપવામાં આવ્યું છે. સયાજીરાવ અને ચીમણાબાઈના બે વર્ષના સુખી-સંપન્ન લગ્નજીવન પછી યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ થયો. પછી એક દિકરીનો જન્મ થયો. પરંતુ ઇ. સ. 1885માં મહારાણી ચીમણાબાઈનું અચાનક અવસાન થયું. તેમની યાદમાં સયાજીરાવે એક વિશાળ ઇમારત બંધાવી, જે અત્યારે ન્યાયમંદિર તરીકે જાણીતી છે. તે પછી સયાજીરાવે બીજા લગ્ન કર્યા.

કેળવણીકાર
સયાજીરાવે પ્રજાના વિકાસ માટે અનેક કાર્યો કર્યા। તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કાર્ય કેળવણીનું છે. તેમણે 1893ની સાલમાં મફત અને ફરજિયાત કેળવણીના પ્રથા દાખલ કરી. સમગ્ર હિંદુસ્તાનમાં આવું પગલું ભરનાર સયાજીરાવ સૌપ્રથમ રાજવી હતા. તે પછી ફરજિયાત અને મફત કેળવણીનો વ્યાપ હાઈસ્કૂલો અને કોલેજ સુધી વિસ્તાર્યો. રાજ્યના યુવાનોને ઉદ્યોગો સ્થાપવાની તાલીમ આપવા કલાભવનની સ્થાપના કરી. ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. સૌથી વિશેષ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમાંથી સ્નાતક થયેલા અનેક વિદ્યાર્થીઓએ આજે જે તે ક્ષેત્રમાં નામના મેળવી છે. કેળવણીનો વ્યાપ વધારવા રાજ્યના ગામડે ગામડે પુસ્તકાલયો શરૂ કર્યા.

રાજભાષા ગુજરાતી
સયાજીરાવ સાહિત્યરસિક હતા। પોતે મહારાષ્ટ્રીયન હતા. તે સમયે વડોદરા રાજ્યની પ્રજાનો મોટો ભાગ પણ મરાઠીભાષી હતો. તેમ છતાં વડોદરા, ગુજરાતનો જ ભાગ હોવાથી રાજ્યભાષા ગુજરાતી જ ઠેરવી. ગુજરાતી ભાષામાં અનેક સુંદર પુસ્તકો પ્રગટ કરાવ્યાં. ગુજરાતના પ્રાચીન કવિઓનાં કાવ્યોની પ્રાચીન કાવ્યમાળાની શ્રેણી શરૂ કરી. ઇ. સ. 1912માં વડોદરામાં ગુજરાતી લેખકોની પરિષદ ભરાઈ હતી. તેમાં તેમણે લોકોપયોગી પુસ્તકો પ્રગટ કરવા બે લાખ રૂપિયાનું ભંડોળ જુદું રાખવાની જાહેરાત કરી હતી.

સમાજસુધારક
સયાજીરાવ એક સારા સમાજસુધારક હતા। તેમણે અંત્યજો માટે ઇ. સ. 1882થી શાળાઓ શરૂ કરી. અંત્યજ બાળકો માટે છાત્રાલયો શરૂ કર્યા. ભારતના દલિતનેતા આજે જેમના નામનો દૂરપયોગ કરી દલિતોને ભડકાવી ગાદીપતિ અને અબજોપતિ થઈ ગયા છે તેવા ભીમરાવ આંબેડકર પણ સયાજીરાવની મદદથી પરદેશ અભ્યાસ કરવા ગયા હતા. તેઓ સ્ત્રીકેળવણીનું મૂલ્ય બહુ સારી રીતે સમજતાં હતા. તેમણે સમાજમાં પ્રવર્તતા ખોટા રીતરિવાજો દૂર કરવા અનેક કાયદા બનાવ્યાં હતા. બાળલગ્ન પર પ્રતિબંધ મૂકી દીધો. વિધવાવિવાહને કાયદેસર બનાવ્યાં. જ્યારે ગાંધીજી ભારતથી સેંકડો માઇલ દૂર દક્ષિણ આફ્રિકામાં હિંદી નાગરિકોને સમાન અધિકાર મળે તે માટે લડત ચલાવતા હતા ત્યારે સયાજીરાવે વડોદરા રાજ્યમાં અસ્પૃશ્યતાનિવારણ કર્યું હતું. જનતા જનાર્દનનો મત સ્વીકારવા ધારાસભાની સ્થાપના કરી.

સંગીતશાળા
ગુજરાતનાં દેશી રાજ્યોમાં સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયાસો મહારાજા સયાજીરાવે કર્યા હતા। વડોદરામાં સંગીત-પ્રવૃત્તિનો પારંભ ખંડેરાવ મહારાજાના સમયથી થયો હતો. તેમણે મૈસૂરના રાજગાયક મૌલાબક્ષને વડોદરાના રાજદરબારની શોભા વધારવા આમંત્રણ આપ્યું હતું. તે પછી 1886માં સયાજીરાવે વડોદરામાં સંગીતશાળા શરૂ કરી. તેના પહેલાં આચાર્ય તરીકે મૌલાબક્ષની નિમણૂક કરી. તેઓ મૌલા વીણાવાદક હતા. આ સંસ્થા અત્યારે સંગીત, નૃત્ય અને નાટ્યકલાના શિક્ષણ માટેની આગવી સંસ્થા છે. વડોદરાએ મૌલાબક્ષ ઉપરાંત ખાંસાહેબ અબ્દુલકરીમખાં, ફૈયાઝખાં, નાસિરખાં, ફિદાહુસૈન, ફૈજમહમ્મદ, ગણપતરામ, આતાહુસેન, અમીરખાં, ઇનાયત હુસૈન, ગંગારામ તખવાજી, હીરાબાઈ બડોદેકર, લક્ષ્મીબાઈ જાદવ, મીરા ખાંડેકર વગેરે અનેક સંગીતકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. મહારાજાએ 1916માં ભારતની સૌપ્રથમ સંગીત પરિષદ બોલાવી હતી. વડોદરાના દરબારના ઉત્તમ કલાકારો અઠવાડિયે એક વાર જાહેરમાં લોકો માટે ગાતા હતા.

ગુજરાતમાં જ્ઞાનપ્રચાર, કલાપ્રચાર, વિજ્ઞાન અને ટેકનિકલ શિક્ષણ, ગ્રામસુધાર, અંત્યજોદ્વાર, નારીવિકાસ અને રાષ્ટ્રપ્રેમની ચિંતા અને પુરુષાર્થ કરનાર આ વિરાટ પુરુષ માત્ર ગુજરાતના જ નહિ, પણ ભારતના મહાપુરુષ તરીકે અમર રહેશે. તેમનું અવસાન છઠ્ઠી ફેબ્રુઆરી, 1939ના રોજ થયું હતું.