Showing posts with label જગનમોહન રેડ્ડી. Show all posts
Showing posts with label જગનમોહન રેડ્ડી. Show all posts

Tuesday, June 5, 2012

જગનમોહન રેડ્ડીઃ આંધ્રપ્રદેશના રાજકારણનો ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટ!


વર્ષ 1982. હૈદરાબાદમાં ચારે તરફ 'તેલુગુ વારી આત્મ ગૌરવમ્'ના સૂત્રોચ્ચારો થઈ રહ્યાં છે. પીળા ઝંડાઓ હાથમાં લઈને ફરતા યુવાનોની આંખોમાં તેલુગુ અસ્મિતાના પુનરોદ્ધારનું સ્વપ્ન ચમકી રહ્યું છે. તેલુગુ પ્રજાનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરવાની ગર્જના સાથે  'ચૈતન્ય રથમ્' નામની એક વાન રાજ્યના પ્રવાસે નીકળે છે. વાનમાં કાળાં ગોગલ્સ ધારણ કરેલો એક નેતા બિરાજમાન છે. તેનો વેશ સાધુ જેવો છે. વાન આખા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાં ખૂંદી વળે છે. વાન શહેર કે ગામમાં પ્રવેશે ત્યારે આ નેતા વાન પર ચઢી જાય છે અને તેલુગુ જનતાને સ્વાભિમાન જગાવવા અપીલ કરે છે. અન્યાય સામે એક થવા અપીલ કરે છે. પીળા ઝંડા નીચે અનેક યુવાનો અને નાગરિકો કરિશ્માઈ નેતા સાથે જોડાઈ જાય છે.  થોડા મહિના પછી વાન હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી હૈદરાબાદ પાછી ફરે છે અને આ પ્રવાસ આંધ્રપ્રદેશના રાજકીય ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ બની જાય છે. પછીના વર્ષે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને?

વર્ષ 1956માં આંધ્રપ્રદેશની અલગ રાજ્ય તરીકે રચના થઈ ત્યારથી વર્ષ 1983 સુધી ત્યાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. પણ 'ચૈતન્ય રથમ્'ના ચક્ર હેઠળ કોંગ્રેસનો પંજો  બેરહમીથી કચડાઈ જાય છે. રાજ્ય વિધાનસભાની 294 બેઠકમાંથી કોંગ્રેસને ફક્ત 56 બેઠક મળે છે જ્યારે કાળાં ગોગલ્સધારી નેતાનો પક્ષ 200 કરતાં વધારે બેઠકોને લઈને સત્તામાં આવે છે. આ નેતા એટલે નંદમુરી તારક રામા રાવ ઉર્ફે એનટીઆર કે એન ટી રામા રાવ. એનટીઆરએ વર્ષ 1982માં તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી)ની રચના કરી અને 1995 સુધી તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી થયા હતા. આંધ્રપ્રદેશમાં વર્ષ 1982માં તેઓ કોંગ્રેસ માટે 'બર્નિગ-કમ-ટર્નિંગ પોઇન્ટ' પુરવાર થયા હતા અને એનટીઆરની આંધીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. કોંગ્રેસ માટે બર્નિંગ પુરવાર થયેલા આ ટર્નિંગ પોઇન્ટને 30 વર્ષ થવા આવ્યાં છે અને બરોબર ત્રણ દાયકા પછી આંધ્રપ્રદેશના રાજકારણમાં એક નવો રાજકીય અધ્યાય રચાઈ રહ્યો છે. એવું લાગે છે કે, આંધ્રપ્રદેશ અને કોંગ્રેસ બંને માટે ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ વખતે કોંગ્રેસ માટે બર્નિંગ અને ટર્નિંગ પોઇન્ટ બની રહ્યાં છેઃ જગનમોહન રેડ્ડી.

જગનમોહન રેડ્ડી એટલે આંધ્રપ્રદેશની જનતાના અણ્ણા (મોટા ભાઈ). આ બિરૂદ મેળવવા તેમણે 265 દિવસ 5,152 ગામડાં અને 114 શહેરોની યાત્રા કરી છે તેમજ 13 જિલ્લાના 700 પરિવારોની મુલાકાત લીધી છે. તેઓ અત્યારે આંધ્રપ્રદેશમાં એનટીઆરનું પુનરાવર્તન કરવા આતુર છે તો બીજી તરફ વર્ષ 2009માં વાયએસઆર રેડ્ડીના આકસ્મિક અવસાન પછી કોંગ્રેસ પણ દક્ષિણ ભારતનું આ એકમાત્ર રાજ્ય ગુમાવવાની દિશામાં ઝડપથી અગ્રેસર હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે ધારાસભ્યો કાલી ક્રિષ્ના શ્રીનિવાસ અને વેંકટ સુજય ક્રિષ્ન રંગા રાવે રાજીનામા આપી દીધા છે. તેમણે જગનમોહન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાસે હવે 151 બેઠક છે, જે 148ના જાદુઈ આંકડાથી ફક્ત ત્રણ વધારે છે.2009ની વિધાનસભાની ચૂંટણીમાં વાયએસઆરના કરિશ્માઈ નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 158 બેઠકો મળી હતી અને ફરી સરકાર રચી હતી. પણ તેમના અવસાન પછી કોંગ્રેસે જગન રેડ્ડીને 'ઊગતા જ ડામી દેવા' ભૂલોની હારમાળા સર્જી છે. કોંગ્રેસની આ જ નીતિએ જગનમોહન રેડ્ડીને એનટીઆર જેવી લોકપ્રિયતા બક્ષી છે તેવું ખુદ એનટીઆરની પત્ની લક્ષ્મી પાર્વતીએ કબૂલ્યું છે.

આંધ્રપ્રદેશની રાજકીય શતરંજ પર જગન રેડ્ડી અત્યંત વિચક્ષણ રાજકારણી સાબિત થઈ રહ્યાં છે અને કોંગ્રેસી નેતાઓ તેની ચાલ પ્રમાણે રમી રહ્યાં છે. રાજકારણમાં વિરોધીઓને ભડકાવીને તેમને તેમની જ ચાલમાં ફસાવી દેવાનો ખેલ બહુ જાણીતો છે અને જગન રેડ્ડીની ચાલમાં કોંગ્રેસ બરોબર ફસાઈ ગઈ હોય તેવું લાગે છે. તેમણે કોંગ્રેસ પર પહેલો ઘા ઓડર્પુ યાત્રા સ્વરૂપે કર્યો હતો. તેઓ જાણતા હતા કે કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતી નથી અને સોનિયા ગાંધી સંચાલિત કોંગ્રેસ પાસે આ યાત્રાનો વિરોધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમનું તીર બરોબર નિશાન પર લાગ્યું હતું અને સોનિયા ગાંધીએ યાત્રા પડતી મૂકવા દબાણ કર્યું, પણ પ્રજાએ સાડા પાંચ લાખ જેટલા અંતરથી જગનને વિજયમાળા પહેરાવી કડપ્પાના સાંસદ બનાવ્યા. કોંગ્રેસ માટે આ પરાજય લાલ બત્તી સમાન હતો, પણ હાર્યો જુગારી બમણું રમે તેવું વલણ કોંગ્રેસ અપનાવ્યું.

જગનને રાજકીય રીતે કાબૂમાં રાખવામાં નિષ્ફળ નિવડેલી કોંગ્રેસે જગનની છબી ખરડવાનો દાવ અજમાવ્યો. કોંગ્રેસના જ એક સાંસદે જગન પર આવક કરતાં વધારે સંપત્તિ ધરાવવાનો કેસ દાખલ કર્યો અને તેની ઓફિસો પર દરોડા પડાવી રેડ્ડી પરિવાર પર દબાણ ઊભું કર્યું. હકીકતમાં આ નરી મૂર્ખતા હતી. ભારતમાં ભ્રષ્ટાચારના મામલે  હવે કોઈ નેતા કે પક્ષ હારી જશે તો એ એકવીસમી સદીનો સૌથી મોટો ચમત્કાર ગણાશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારના મામલે જગનને લોકોની નજરમાંથી ઉતારી દેવા ઇચ્છે છે, પણ એ ભૂલી ગઈ છે કે આંધ્રપ્રદેશમાં વર્ષ 2009ની વિધાનસભાની ચૂંટણી વખતે વાયએસઆર સામે વિરોધ પક્ષોએ ભ્રષ્ટાચારને જ મુદ્દો બનાવ્યો હતો, તેમ છતાં આંધ્રપ્રદેશની જનતાએ 'ભ્રષ્ટાચારી' વાયએસઆર અને કોંગ્રેસ બંનેને વિજયની ભેટ ધરી હતી. જગન રેડ્ડી સારી રીતે જાણે છે કે ભ્રષ્ટાચારના આરોપોને લીધે તેમના પિતા વાયએસઆર કે દેશના કોઈ રાજકીય પક્ષને નુકસાન થયું નથી. એ બેધડક તેલુગુ ફિલ્મોના બળવાખોર અભિનેતાની માફક કહે કહે છે કે, 'હું ભ્રષ્ટાચારી છું કે તો દેશના બધા નેતા ભ્રષ્ટ છે.' તેની આ નફ્ફટાઈથી હેબતાઈ ગયેલી કોંગ્રેસે તેની ધરપકડ કરાવી છે અને એ પણ 12મી જૂને યોજાનારી પેટાચૂંટણી અગાઉ!

કોંગ્રેસ અને જગન બંને માટે 12મી જૂને રાજ્યમાં 18 વિધાનસભા અને નેલ્લોર લોકસભાની બેઠકની પેટાચૂંટણી અગ્નિપરિક્ષા સમાન છે.  આ ચૂંટણી અગાઉ પોતાની ધરપકડથી જગન અત્યંત ખુશ છે અને તેમને એક વખત ફરી લોકોની લાગણી જીતવામાં મદદ મળશે તેવું રાજકીય વિશ્લેષકો અને ખુદ કોંગ્રેસના ધારાસભ્યો માને છે. વિધાનસભાની આ 18 પેટાચૂંટણીમાંથી 16 કોંગ્રેસ પાસે છે. જો જગન રેડ્ડીનો કરિશ્મો કારગર નીવડશે અને ઓપિનિયન પોલ અનુસાર તેમને 18માંથી 14 બેઠક મળશે તો કોંગ્રેસને સરકારી બચાવવાના ફાંફા પડી જશે. એટલું જ નહીં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો આ પેટાચૂંટણીના પરિણામોની રાહ જોઈને જ બેઠા છે. જગન રેડ્ડીનો  હાથ ઉપર રહેશે તો તેઓ કોંગ્રેસનો હાથ છોડીને જગન રેડ્ડીના ખોળામાં સરકી જેવાની તક છોડશે નહીં. પણ રાજનીતિ જો અને તોનો ખેલ છે. આ જુગાર જેટલો કોંગ્રેસ માટે જોખમી છે તેટલો જ જલદ જગન માટે પણ છે. પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે હકારાત્મક રહ્યાં તો પછી જગનની રાજકીય કારકિર્દી કઈ દિશામાં જાય કે દિશાહિન થઈ જાય તે કહી શકાય નહીં. જોકે આંધ્રપ્રદેશના હાલના વાતાવરણને જોતા જોખમ કોંગ્રેસ માટે વધારે છે. ટૂંકમાં 12મી જૂન કોંગ્રેસ અને જગન બંને માટે બર્નિંગ અને ટર્નિગ પોઇન્ટ પુરવાર થશે એ નક્કી છે....

ચલતે-ચલતેઃ હું અને મારા પિતા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી અમે ભ્રષ્ટ નહોતા, પણ મેં પક્ષ છોડ્યો પછી ભ્રષ્ટાચારી થઈ ગયો - જગન રેડ્ડી