Showing posts with label ગુલિસ્તાં. Show all posts
Showing posts with label ગુલિસ્તાં. Show all posts

Thursday, March 4, 2010

અરબી ઘોડો અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે....


મેં એક રાજકુમાર વિશે સાંભળ્યું છે. તે ઠીંગણો અને કદરૂપો હતો. તેના ભાઈઓ ઊંચા અને સુંદર હતા. એક દિવસ બાદશાહે તે કદરૂપ પુત્ર તરફ નફરત ભરેલી નજર સાથે જોયું.

રાજકુમાર બહુ સમજુ હતો. તે તરત જ સમજી ગયો કે પિતાના મનમાં કેવા ભાવ જાગ્યા છે. તેણે બાદશાહને કહ્યું, ''નાના કદ ધરાવતા બુદ્ધિશાળી લોકો ઊંચા અને સુંદર મૂર્ખાઓ કરતાં વધુ સારા. જે ચીજવસ્તુ નાની હોય છે, તેનું મૂલ્ય વધારે નથી હોતું? બકરી હલાલ (ભોજનને યોગ્ય) છે અને હાથી મુરદાર (અખાદ્ય).

''તૂર (તે પર્વત જ્યાં ખુદાના દર્શન કરીને હઝરત મૂસા બેભાન થઈ ગયા હતા) પર્વત બહુ નાનો છે, પરંતુ બધા પર્વતમાં શ્રેષ્ઠ ગણાય છે.

''તમે તે વાત સાંભળી નથી, જે એક દુબળા-પાતળા વિદ્વાને એક હટ્ટાકટ્ટા-તંદુરસ્ત મૂર્ખને કહી હતી? તેણે કહ્યું હતું, 'અરબી ઘોડો ગમે તેટલો દુબળો કેમ ન હોય, પણ તે અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે.' ''

રાજકુમારની વાતો સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો. દરબારીઓને પણ તેની વાત પસંદ પડી, પણ તેના ભાઈઓને આ વાત ખૂંચી.

જ્યાં સુધી મનુષ્ય બોલે નહીં, ત્યાં સુધી તેના ગુણ અને અવગુણ પ્રગટ થતા નથી.

આ ઘટનાના થોડા સમય પછી બાદશાહને એક શક્તિશાળી શત્રુનો સામનો કરવો પડ્યો. બંને તરફની સેના આમનેસામને આવી ગઈ તો રણભૂમિમાં સૌથી પહેલો ઘોડો કદરૂપા અને ઠીંગણા રાજકુમારે દોડાવ્યો. તેણે શત્રુને લલકારતાં કહ્યું, ''આજે તું ભલે મારો શિરચ્છેદ કરે, પણ મારી પીઠ જોઈ નહીં શકે.''

જે સિપાહી લડવા જાય છે તે વિજયપતાકા લહેરાવવા પોતાનું લોહી રેડી દે છે, પણ જે કાયર રણભૂમિમાં પીઠ દેખાડે છે તે આખા સૈન્યનો વિનાશ નોતરે છે.

કદરૂપો રાજકુમાર દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યો અને જોતજોતામાં અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દીધો. પછી તે બાદશાહ સમક્ષ હાજર થયો અને તેની ચરણરજ મસ્તકે ચડાવી બોલ્યો, ''તમે મારા કદને જોઈને નબળો સમજી લીધો હતો. લડાઈના દિવસે તો પાતળી કમરવાળો ઘોડો જ કામ આવે છે, તાજોમાજો આખલો નહીં.''

કહેવાય છે કે દુશ્મન પાસે મોટું સૈન્ય હતું અને આ તરફ બહુ ઓછા સિપાહીઓ હતા. તેમાંથી થોડા સિપાહીઓ તો યુદ્ધ કરવા માગતા નહોતા. રાજકુમારે તેમને પાનો ચડાવતાં કહ્યું, ''જવાનો, યા હોમ કરીને પડો, ફતહે છે આગે. તમે મર્દ છો, ડર તમારા લોહીમાં નથી.''

સિપાહીઓ જોશમાં આવી ગયા અને દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યાં. તે જ દિવસે બાદશાહને વિજય મળી ગયો. તે પછી કદરૂપા રાજકુમારની પ્રગતિ શરૂ થવા લાગી. બાદશાહે તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. આ જોઈને તેના ભાઈઓના મનમાં ઇર્ષાનો કીડો સળવળ્યો. તેમણે કદરૂપા ભાઈની હત્યા કરી નાંખવાનું ષડયંત્ર રચ્યું.

એક દિવસ તક મળતાં તેમણે ભોજનમાં ઝેર ભેળવી દીધું. રાજકુમાર ભોજન કરવા બેઠો ત્યાં તેની બહેને તેને ઇશારો કરી દીધો. રાજકુમાર બહુ ચતુર હતો. તે સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે. તેણે ભોજન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, ''બુદ્ધિશાળી મરી જાય અને મૂર્ખા તેમનું સ્થાન લે તે વાત શક્ય નથી.''

આ વાતની જાણ બાદશાહને થતાં તેણે બીજા રાજકુમારોનો બોલાવીને યોગ્ય સજા કરી. પછી તેમણે દરેક રાજકુમારને તેમનો હિસ્સો આપી દૂર મોકલી દીધા, જેથી લડાઈ હંમેશા માટે ખતમ થઈ ગઈ.

દસ ફકીર એક ધાબળામાં ભેગા સૂઈ શકે છે, પણ બે બાદશાહ એક મુલ્કમાં સાથે હળીમળીને ન રહી શકે.

ખુદાના નેક બંદા અડધો રોટલો પોતે ખાય તો બાકીનો અડધો રોટલો ફકીરો માટે રાખે છે. પણ એક બાદશાહ સમગ્ર દેશનો સ્વામી થઈ જાય તો પણ તે બીજા મુલ્કોને હડપવાનું વિચારે છે.

Tuesday, February 23, 2010

ગુલિસ્તાં


મેં એક બાદશાહ વિશે સાંભળ્યું છે. તેણે એક કેદીને મૃત્યુદંડની સજા કરી. તે સાંભળીને નિરાશ અને હતાશ થયેલો કેદી ગુસ્સે થઈ ગયો. તેણે બાદશાહ પર અપશબ્દોનો મારો કર્યો. ખરેખર જે માણસ મૃત્યુની નજીક પહોંચી જાય છે, તે કંઈ પણ કહેવા-સાંભળવાથી ડરતો નથી. દુશ્મન ફસાઈ જાય છે અને બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે તે મરણિયો થઈને તલવાર ઉઠાવે છે. મનુષ્ય જીવનથી નિરાશ થઈ જાય છે ત્યારે તે ગુસ્સામાં આવીને બકવાસ કરવા લાગે છે. જ્યારે બિલાડી કૂતરાંના મોંમાં ફસાઈ જાય છે ત્યારે તેની પકડમાંથી છૂટવા એકદમ ઝપટ મારે છે.

બાદશાહે પૂછ્યું, ''આ કેદી શું કહી રહ્યો છે?''

એક શાણા વજીરે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ''હુજૂર, કેદી કહે છે કે-આ લોકો કેટલા સારા છે. તેઓ ક્રોધને સંયમમાં રાખે છે અને બીજાની ભૂલોને માફ કરી દે છે.'' આ સાંભળીને બાદશાહને કેદી પર દયા આવી ગઈ. તેણે મૃત્યુદંડ આપવાનો ઇરાદો બદલી નાંખ્યો. પણ એક બીજો વજીર બહુ ઇર્ષાળુ હતો. તેને પહેલો વજીર આંખમાં કણાની માફક ખૂંચતો હતો.

તેણે તરત જ ઊભા થઈને બાદશાહને કહ્યું, ''હુજૂર, તમને યોગ્ય સલાહ આપવાની અને સાચી વાત સ્પષ્ટપણે કહેવાની અમારી ફરજ છે. આ કેદીએ જહાંપનાહને ગાળો દીધી છે અને ન કહેવા જેવું કહ્યું છે, એટલે તેને માફ ન કરી શકાય.''

બાદશાહને બીજા વજીરની વાત ગમી નહીં. તેને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, ''મને તે વજીરની વાત જ યોગ્ય લાગે છે. તેનું જૂઠ તારા આ સત્ય કરતાં પણ વધારે સારું છે, કારણ કે તેના હ્રદયમાં ભલું કરવાની ભાવના છે.''

કોઈ વિદ્વાને સાચું જ કહ્યું છે કે બીજાનું અહિત કરનાર સત્ય કરતાં કોઈના પ્રાણ બચી જાય તેવું અસત્ય અનેકગણું સારું છે. બાદશાહ તેના વજીરની સલાહ પ્રમાણે શાસન કરે તો વજીરે પણ પ્રજાના હિતમાં હોય તેવી સલાહ જ આપવી જોઈએ.

(દોસ્તો, ગૉડફાધરનો અનુવાદ ચાલુ રાખવાની ઇચ્છા હતી. પણ એક પ્રકાશક મહોદયના કહેવા મુજબ તેઓ આ પુસ્તકનો અનુવાદ એક સિદ્ધહસ્ત અનુવાદક પાસે કરાવી રહ્યાં છે. તેમની વિનંતીને માન આપીને આ અનુવાદને આપણે અટકાવી રહ્યાં છીએ. પણ કોપીરાઇટના મુદ્દે કોઈ તકરાર ન થાય તે માટે શેખ સાદીની વિશ્વપ્રસિદ્ધ કૃતિ 'ગુલિસ્તાં'નો અનુવાદ શરૂ કરી રહ્યો છું. આ કૃતિના કોપીરાઈટ પૂર્ણ થઈ ગયા છે અને તેનો અનુવાદ કરતાં કોઈ અટકાવી નહીં શકે...ગૉડફાધરના અનુવાદને પ્રોત્સાહન આપનાર તમામ મિત્રો અને બ્લોગના મુલાકાતીઓનો ઋણી છું.......)