Sunday, October 2, 2011

હું કેવળ પ્રેમ માગીશ....


દરરોજ સવારે જ્યારે અંધકારના દ્વાર ઊઘડી જાય,
ત્યારે અમે તને - મિત્રને - સામે ઊભેલો જોઈએ.

સુખનો દિવસ હોય કે
દુઃખનો દિવસ હોય કે
આપત્તિનો દિવસ હોય,
તારી સામે મારું મિલન થયું,
તો બસ,
હવે મને કશી ચિંતા નથી,
આજ હવે હું બધું જ સહી શકીશ.

જ્યારે પ્રેમ નથી હોતો,
ત્યારે જ હે સખા,
અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ,
ત્યારે ઓછી પૂંજીથી ગમે તેવા આઘાત
સહી શકતા નથી.

પરંતુ જ્યારે પ્રેમનો ઉદય થાય છે
ત્યારે, જે દુઃખમાં,
જે અશાંતિમાં તે પ્રેમની કસોટી થાય,
તે દુઃખને,
તે અશાંતિને માથે ચડાવી શકીએ છીએ.

હે બંધુ, ઉપાસના-સમયે હવે હું શાંતિ નહિ માગું,
હું કેવળ પ્રેમ માગીશ.

પ્રેમ શાંતિરૂપે આવશે,
અશાંતિરૂપે પણ આવશે,
તે ગમે તે વેશે આવે,
તેના મુખ તરફ જોઈને હું કહી શકું કે
તને હું ઓળખું છું,, બંધુ તને ઓળખું છું -
એવી શક્તિ મને મળો.

રવીન્દ્રનાથ ઠાકુર

No comments: