Wednesday, July 25, 2012

સ્વધર્મ


સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ, કેમ કે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. દરેક વ્યક્તિનો ધર્મ અલગ હોય છે. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરજસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી. 

બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારું કલ્યાણ નથી. સૂરજનું અજવાળું મને ગમે છે. એ પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારું વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારું પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલ તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે વિકાસ સાધવો જોઈએ. 

બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે, પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. આપણા જન્મની સાથે જ સ્વધર્મ જન્મે છે, બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંય ખોટું નથી. તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હોય, મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ 'સ્વ'ને ટાળવા જેવું આત્મઘાતકીપણું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ. તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં. 

Sunday, June 10, 2012

અણ્ણા હઝારેઃ ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યો છે...


મારા એક સાથીદાર થોડા સમય અગાઉ અણ્ણા હઝારેના આંદોલનના કટ્ટર સમર્થક હતા. તેમની સામે અણ્ણા હઝારેના આંદોલનનો તાર્કિક વિરોધ કરવાની કોઈ હિંમત પણ કરતું નહોતું. તેઓ પોતાને લોકશાહીના સમર્થક માને છે, પણ પોતાની વાતનો તાર્કિક વિરોધ કરનાર સાથે દ્વૈષભાવ રાખે છે. તેમના આ પ્રકારના લોકશાહીયુક્ત વલણનો ખ્યાલ આવતા જ અમે તેમનાથી સલામત અંતર રાખીએ છીએ. તેમની કોઈ પણ રાજકીય ચર્ચામાં સામેલ જ થતા નથી. પણ આજકાલ તેઓ નિરાશ છે. બેથી ત્રણ દિવસ અગાઉ તેમણે પોતે જ કબૂલ્યું કે, 'અણ્ણા હઝારે વિશ્વસનિય નથી.' અમને આશ્ચર્ય લાગ્યું નહોતું. અગાઉ તેઓ બાબા રામદેવના દિવાના થઈ ગયા હતા અને તેમને શિવાજીનો અવતાર ગણાવતા હતા. પણ રામલીલા મેદાનમાં રામદેવને મહિલાઓના ડ્રેસમાં ઊભી પૂંછડીએ ભાગતા જોયા પછી બાબાજીનું ભૂત ઉતર્યું હતું. હકીકતમાં અણ્ણા હઝારે અને રામદેવનો નશો તેમના કટ્ટર સમર્થકો પરથી ઉતરી રહ્યો છે. હઝારે અને રામદેવના ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યાં છે. જે લોકો આવેશમાં આવીને તેમના આંધળા સમર્થકો બની ગયા હતા તેઓ હવે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને તેમની મૂંઝવણ કે નિરાશાનું કારણ ખુદ અણ્ણા હઝારે છે. તેમણે છેલ્લાં થોડા દિવસોમાં વડાપ્રધાન વિશે વિરોધાભાસી નિવેદનો કર્યા છે. તેમાંથી કેટલાંક નિવેદનો અહીં રજૂ કરવામાં આવ્યાં છેઃ

- 27 મે, નાશિકઃ વડાપ્રધાન સરળ અને પ્રામાણિક માણસ છે અને તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવાનો સવાલ જ ઊભો થતો નથી.


- 1 જૂન, રત્નાગિરીઃ મને મનમોહન સિંગમાં વિશ્વાસ નથી. કોલસાની ખાણની કરેલી ફાળવણીમાં તેમની સામે તપાસ થવી જોઈએ


- 5 જૂન, મુંબઈઃ કોંગ્રેસ સંચાલિત યુપીએ સરકાર મે બનાવેલા લોકપાલના ખરડાને કાયદો બનાવશે તો હું કોંગ્રેસ સાથે ખભેખભો મેળવીને કામ કરવા તૈયાર છું


- 8 જૂન, થાણેઃ મનમોહન સિંઘ પ્રામાણિક છે 

આંદોલન પર જ પ્રશ્નઃ
અણ્ણા હઝારે વડાપ્રધાન મનમોહન સિંઘ વિશે જ અસ્પષ્ટ નથી. તેઓ તેમના પોતાના ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલન વિશે પણ દિશા ભૂલ્યાં હોય તેવું લાગે છે. હઝારેએ 20મીના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સભા સંબોધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'રશિયા, અમેરિકા, ચીન જેવા દેશોમાં પણ ભ્રષ્ટાચાર છે. કોઈ સરકાર ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે મુક્ત ન કરી શકે.' તેમના આ નિવેદનો સાંભળીને અમરાવતીની પ્રજા અવાક થઈ ગઈ હતી. તેઓ તો અણ્ણા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરકારને ભાંડશે તેવી આશા સાથે આવ્યા હતા. આ રેલીમાં જ કેટલાંક નાગરિકોએ પૂછ્યું હતું કે, 'તો પછી તમે આંદોલન શું કામ કરો છો?' રેલી પૂરી થઈ પછી અણ્ણાના સાથીદારોએ તેમને આ પ્રકારના નિવેદનો ન કરવા અપીલ કરી હતી.

કથની-કરણીમાં ફરકઃ
અન્ના હઝારેનો 15 જૂને જન્મદિવસ છે. તેમના આ 74મા જન્મદિવસની ઉજવણી રાલેગણ સિદ્ધિમાં ધામધૂમપૂર્વક થવાની છે. શું તમે જાણો છે તેમાં હઝારેનું સન્માન કોના હાથે થવાનું છે? મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર આર પાટિલના હાથે. આ એ જ પાટિલ છે જેમણે મુંબઈમાં કસાબ એન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કર્યા પછી એવું નિવેદન આપ્યું હતું કે, મોટા મોટા શહેરોમાં આ પ્રકારના નાના હુમલા તો થાય! આર આર પાટિલ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના વડા શરદ પવારના સૌથી વિશ્વસનિય વ્યક્તિ છે. હઝારે એક તરફ પવાર તરફ ભ્રષ્ટાચારના આરોપો મૂકે છે તો બીજી તરફ પવારના સાથીદારના હાથે સન્માન મેળવે છે. તેમની આ પ્રકારની નીતિથી ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)માં નારાજગી છે, જેમણે અન્નાના પ્રથમ આંદોલનમાં પડદા પાછળની ભૂમિકા ભજવી હતી અને આંદોલન માટે સ્વંયસેવકો પૂરાં પાડ્યાં હતાં.

ડેક્કાન ક્રોનિકલે ટીમ અણ્ણાની પોલ ખોલીઃ
આંધ્રપ્રદેશમાં 18 જૂને વિધાનસભાની 18 બેઠકો અને લોકસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. ડેક્કાન ક્રોનિકલના પત્રકારે નવમી જૂન, 2012ના રોજ ટીમ અણ્ણાનો સંપર્ક કરીને પૂછ્યું હતું કે, 'તમે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરો છો તો અહીં જગન રેડ્ડી સામે આંદોલન કરશો?' ત્યારે ટીમ અણ્ણાના સભ્યોએ ઘસીને ના પાડી દીધી અને તેઓ પેટાચૂંટણીમાં કોઈ પક્ષની વિરૂદ્ધ પ્રચાર કરતા નથી તેમ જણાવ્યું. હકીકતમાં હરિયાણા હિસ્સારની લોકસભા બેઠક માટે ટીમ અણ્ણાના સભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રચાર કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ એ પત્રકારે કર્યો ત્યારે ટીમ અણ્ણાએ પરોક્ષ રીતે એવું કહ્યું કે, અમારે ક્યા આંદોલન કરવું અને ન કરવું એ અમે નક્કી કરીશું. હકીકતમાં ટીમ અણ્ણાના આંદોલનનો હેતુ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ નથી એ સ્પષ્ટ થઈ ગયું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની મૂંઝવણઃ
અણ્ણાએ ગયા વર્ષે આંદોલન શરૂ કર્યું ત્યારે તેમને આરએસએસ અને ભાજપે મોટા પાયે સ્વયંસેવકો પૂરાં પાડ્યાં હતાં. એટલું જ નહીં આ સ્વયંસેવકોએ જ તમામ વ્યવસ્થા કરી હોવાનું પણ કહેવાય છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે થોડા સમય અગાઉ 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' નામના અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં પણ આ કબૂલાત કરી હતી. કિરણ બેદી ભાજપના ટોચના નેતા અરુણ જેટલીના સતત સંપર્કમાં રહે છે અને તેમનું માર્ગદર્શન મેળવે છે. પણ અણ્ણાએ થોડા સમય અગાઉ સંઘ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોવાનો દાવો કર્યો હતો. તેનાથી સંઘ અને ભાજપની મૂંઝવણ વધી ગઈ છે. એક તરફ હઝારે તેમના સ્વયંસેવકોની મદદ લે છે અને બીજી તરફ તેઓ સંઘ સાથે સંબંધ ન હોવાનો દાવો કરે છે. થોડા દિવસ અગાઉ સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસ્બળેએ નાગપુરમાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને કહ્યું હતું કે, 'અણ્ણાનું વલણ ન સમજાય તેવું છે. તેઓ અવારનવાર અમારા સ્વયંસેવકોને સંબોધવા આવ્યાં છે. તેઓ ઘણા વર્ષોથી સંઘના સંપર્કમાં છે. અમારા સ્વયંસેવકો તેમના આંદોલનમાં સક્રિય છે અને ભવિષ્યમાં પણ સક્રિય રહેશે. પણ તેઓ ટીમ અણ્ણા અમારી સાથેનું જોડાણ કેમ નકારે છે તે સમજાતું નથી'

અમર્યાદ વાણીવિલાસઃ
લાગે છે કે ટીમ અણ્ણામાં નિરાશા વ્યાપી ગઈ છે. અણ્ણા હઝારેના વિવાદાસ્પદ વિધાનો, ટીમના સભ્યોમાં આંતર્કલહ, ભાજપ અને સંઘની પીછેહટ, મીડિયોનો ઘટતો જતો રસ જેવા કારણોસર ટીમ અણ્ણાના સભ્યો ઘાંઘા થઈ ગયા છે. તેઓ એક યા બીજા પ્રકારે સતત ચર્ચામાં રહેવા અમર્યાદ વાણીવિલાસ કરી રહ્યાં છે. 28 મેના રોજ પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહન સિંઘને શીખંડી કહ્યાં હતાં તો કિરણ બેદીએ 10મી જૂન, મનમોહનને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સામે રોષ છે એ હકીકત છે, પણ વડાપ્રધાન સામે આ પ્રકારની અત્યંત ધૃષ્ટ ભાષાનો પ્રયોગ ન કરાય તેવું ભાજપ સહિત તમામ વિરોધ પક્ષો સ્વીકારે છે. ટીમ અણ્ણાના આ પ્રકારના વાણીવિલાસથી ભાજપ હેરાનપરેશાન છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવપ્રતાપ રુડ્ડીએ કહ્યું કે, 'વડાપ્રધાન માટે અસભ્ય ભાષાનો પ્રયોગ ન થવો જોઈએ. ટીમ અણ્ણાએ લવારી કરવાનું બંધ કરવું જોઈએ.' ભાજપ હવે ટીમ અણ્ણાને જોઈએ તેવું સમર્થન આપતો નથી અને એટલે જે તેણે મોંઘવારીના મુદ્દે અણ્ણાથી અલગ રીતે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે...


ચલતે-ચલતેઃ અન્નાનું આંદોલન નાટક છે અને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. તેનો આશય ફક્ત કોંગ્રેસને નિશાન બનાવવાનો છે. તેઓ ભાજપશાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચૂપ રહે છે - સુરેસ હોસ્બત, નિવૃત્ત ન્યાયાધીશ, બોમ્બે હાઈ કોર્ટ (30 જૂન, મુંબઈ)