Wednesday, November 17, 2010

દોસ્તો,
આજે સવારે ‘અક્સ’ ફિલ્મ જોઈ. અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, રવિના ટંડન અને નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં છે અને નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાનું. ફિલ્મને બોક્સઓફિસ પર જોઈએ તેવી સફળતા મળી નહોતી. પણ મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ એક સારો સંદેશ આપે છે. જગતમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ છે. આપણી આસપાસ શુભ અને અશુભ તત્વો હાજર છે, દૈવી અને આસુરી તત્ત્વોનું અસિતત્ત્વ છે. દૈવી અને આસુરી બંને પ્રકારના તત્ત્વોમાં આપણને પ્રભાવિત કરવાની તાકાત છે, પણ તેનાથી પણ વધારે તાકાત આપણી ઇચ્છાશક્તિમાં છે તે સંદેશ આ ફિલ્મ આપે છે.

ફિલ્મમાં મનોજ વાજપેયીએ રઘુ નામના અપરાધીની ભૂમિકા ભજવી છે. તેને વડાપ્રધાનની હત્યા કરવાની સુપારી આપવામાં આવે છે. પોલીસ અધિકારી મનુ વર્મા એટલે કે અમિતાભ બચ્ચન તેને પકડીને ફાંસીના માંચડા સુધી પહોંચાડે છે, પણ તેનો દુષ્ટ આત્મા અમિતાભને વશ કરી લે છે. તે પછી રઘુ અમિતાભના શરીરનો ઉપયોગ કરી તેને ફાંસની સજા આપનાર જસ્ટિસ ચૌધરી અને અન્ય ત્રણ લોકોની હત્યા કરે છે. નંદિતા દાસ તેના પતિ અમિતાભના વ્યવહારમાં આવેલા પરિવર્તનને અનુભવે છે અને તેને કંઈક અજુગતું લાગે છે. છેવટે તે ધર્મનું શરણ લે છે. તે એક સ્વામીની મદદ લે છે. બંને પતિપત્ની સ્વામી પાસે જાય છે અને સ્વામી શું કરે છે?

આ સ્વામી તાંત્રિક નથી. અત્યંત ધર્મપરાયણ અને વાસ્તવવાદી છે. તેમને કોઈ સ્વાર્થ નથી કે મોહ નથી. તે અમિતાભને સમજાવે છે કે મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન તેને પોતાને જ કરવું પડે છે. ઇશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણને માર્ગ ચીંધે છે, પણ તેના પર ચાલવું તો આપણે જ પડે છે. મનુષ્યની ઇચ્છાશક્તિ જ તેની સૌથી મોટી તાકાત છે અને તેને મજબૂત બનાવવા સ્વામીજી અમિતાભને સમજાવે છે. સાથેસાથે તેઓ આસુરી આત્મા વિશે સમજાવે છે કે દિવસ દિવસ ન હોય અને રાત રાત ન હોય ત્યારે આસુરી શક્તિઓ નિર્બળ બની જાય છે. આ રીતે તેઓ અમિતાભને આ પ્રકારના સંજોગો ઊભો થાય ત્યારે રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવવાનો ઉકેલ સૂચવે છે અને છેવટે અમિતાભ રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવે છે.....અને આ આત્મા અમિતાભના જૂનિયર અધિકારના શરીરમાં પ્રવેશી જાય છે....અહીં ફિલ્મનો અંત આવી જાય છે...

આ ફિલ્મ સરસ સંદેશ આપે છે. જગતમાં દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. જરૂર છે તેને ઓળખવાની અને શુભ તત્ત્વોને અપનાવવાની. અમિતાભ બચ્ચન અને મનોજ વાજપેયીનો દમદાર અભિનય ફિલ્મનું હાર્દ છે....ફિલ્મના સંવાદ અદ્ભૂત છે....આ ફિલ્મ બીજી વખત જોઈ....આ ફિલ્મની એક ખાસિયત છે...બીજી વખત....ત્રીજી વખત...વધુ ને વધુ વખત આ ફિલ્મ જોશો તેમ તેમ તમને સમજાશે.....

Saturday, November 13, 2010

દોસ્તો,

અરુંધતી રૉયએ કાશ્મીર માટે કરેલું વિવાદાસ્પદ વિધાન આપણે બધા જાણીએ છીએ. તેમના કહેવા મુજબ, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ક્યારેય નહોતું....તે પછી ઘણો વિવાદ થયો....અરુંધતી રૉયને લઈને બુદ્ધિજીવીઓમાં બે ભાગલા પડી ગયા છે...એક જૂથ તેમને સ્વચ્છંદી કહે છે તો બીજું જૂથ વાણી સ્વાતંત્ર્યના અધિકારનો મુદ્દો આગળ ધરીને અરુંધતીએ કશું ખોટું કર્યું નથી તેવું માને છે.....બંને જૂથના પોતપોતાના તર્ક છે, પોતપોતાની દલીલ છે....પણ દુઃખ એ વાતનું છે કે અરુંધતી સમર્થકોનું પાગલપન તમામ મર્યાદા તોડી રહ્યું છે....

'તહેલકા' નામનું એક સામયિક અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં પ્રક્ટ થાય છે....તેમાં તાજેતરમાં અરુંધતી રૉયની પ્રશંસા કરતો એક લેખ પ્રક્ટ થયો છે....તેમાં અરુંધતીને ગરીબો, આદિવાસીઓ અને મુસલમાનો માટે લડતી કરુણાની દેવી તરીકે ચિતરવામાં આવી છે.....અરુંધતીને વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.....અરુંધતીને 'સ્વપ્નોની રાજકુમારી' તરીકે નવાજી લોકશાહીના પ્રહરી ગણાવવામાં આવી છે.....એક વાત કબૂલ છે કે અરુંધતીને તેમના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે... પણ પ્રશ્ન એ છે કે અરુંધતી રૉયની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરવી કેટલી ઉચિત છે?

'તહેલકા' શું કહે છે કે તે પહેલાં જણાવી દઉં - 'વિડંબના એ છે કે રૉય પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હોત તો તે ઐતિહાસિક હસ્તીઓની યાદીમાં સામેલ થઈ જાત. 'યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત પોતાના વિચારોને કારણે મહાત્મા ગાંધી સામે 1922માં રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું, 'આ અદાલતમાં હું એ તથ્ય છુપાવવા માગતો નથી કે સરકારની વર્તમાન વ્યવસ્થા પ્રત્યે અસંતોષ ફેલાવવો મારા માટે લગભગ એક ઝનૂન બની ગયું છે....કાયદા મુજબ રાષ્ટ્રદ્રોહ જાણીજોઈને કરવામાં આવતો અપરાધ છે...પણ અત્યારે આ અપરાધ મને એક નાગરિકનું સૌથી મોટું કર્તવ્ય લાગે છે....કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થા સારી ન લાગે તો તેને અસંતોષ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ...'

કહેવાનો અર્થ એ છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી તેવી જ લડત અરુંધતી અત્યારે ભારત સરકાર સામે ચલાવી રહી છે....એટલે અંગ્રેજ સરકાર જે રીતે ભારતીયોનું શોષણ કરતી હતી તેવું શોષણ અત્યારે ભારત સરકાર કાશ્મીરીઓનું કરી રહી છે....(અરુંધતી રોયએ કાશ્મીરીઓના સંદર્ભમાં વાત કરી છે...) ખરેખર આ સરખામણી નરી મૂર્ખતા છે....અરુંધતીની સરખામણી ગાંધી સાથે કરીને બાપૂના આત્મા દુભાવવા જેવું આ કૃત્ય છે.....ગરીબો માટે બાપૂએ આજીવન પોતડી ધારણ કરી હતી....સાબરમતીના કિનારે આશ્રમ બનાવીને રહેતાં હતાં.....નર્મદાના કિનારે ખેડૂતોની જમીન પચાવીને ફાઇવસ્ટાર બંગલો બનાવીને નહીં.....બસ, એક જ પ્રાર્થના છે કે અરુંધતી સમર્થકોને સન્મતિ મળે....