Wednesday, August 12, 2009

આપણે ધાર્મિક છીએ?

ભારતના લોકો ધાર્મિક છે આવું વિધાન તમને ઠેરઠેર સાંભળવા મળશે. પણ ખરેખર આ વાત સાચી છે? મોટા ભાગના લોકો આંખો મીંચીને કહેશે જગતમાં સૌથી વધુ ધાર્મિક દેશ હિંદુસ્તાન છે. એમ? મને તો આ વાતમાં બહુ તથ્ય હોય તેવું લાગતું નથી. મારું માનવું છું કે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, પણ પ્રામાણિકતા અને સદાચારયુક્ત કરુણામય જીવન. પડતાને પાટું મારે તે અધર્મ અને હાથ ઝાલીને બેઠો કરે તેનું નામ ધર્મ. આ હિસાબે ખરેખર આપણે ધાર્મિક છીએ? ક્યાંક આપણે ધાર્મિક હોવાનો ડોળ કરવાને તો ધર્મ નથી સમજી બેઠાને? દરરોજ શિવાલય જઇને શિવલિંગને દૂધ-પાણીનો અભિષેક કરવો અને બિલિપત્ર ચડાવવા એનું નામ જ ધર્મ? ઇસ્કોનના મંદિરમાં જઇને ટોળામાં હરે રામા હરે કૃષ્ણાની ધૂન પર બે હાથ ઊંચા કરીને મસ્તરામ થઈને એકબીજા પર પડતું મૂકવું એટલે ધર્મ? સત્યનારાયણ ભગવાનની કથા કરીને સોજીના લોટનો શીરાનો પ્રસાદ વહેંચવો એ જ ધર્મધુરંધર?

ધર્મ એટલે પ્રામાણિકતા અને નૈતિકતા. ધર્મ સમાજને ઉપયોગી થવાનું શીખવે છે અને સહકારની ભાવના ખીલવે છે. પણ સ્વાઇન ફ્લુએ એક વખત ફરી દેખાડી દીધું છે કે, આપણો દેશ ધાર્મિક કર્મકાંડો કરવામાં નંબર વન છે, પણ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવામાં કે જીવદયા પ્રત્યે કરુણા દાખવવામાં આપણને છેલ્લું સ્થાન મળે તો પણ કોઈ શેહશરમ નથી. સ્વાઇન ફુલ માટે જવાબદાર એચ1એન1 વાઇરસ નો ચેપ ન ફેલાય એટલે ડૉક્ટરોએ નાગરિકોને એન-95 માસ્ક પહેરવાની સલાહ આપી. આ માસ્ક હજારો-લાખોની સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. આ સમયે કેમિસ્ટોની ફરજ એ હતી કે તેમની પાસે જેટલા એન-95 માસ્ક ઉપલબ્ધ હોય તો તેમનો સ્વાભાવિક નફો લઇને વેંચવો. પણ થયું શું?

વૈદિક, જૈન, બૌદ્ધ, ઇસ્લામ વગેરે તમામ ધર્મો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બાવાઓના સંપ્રદાય હારી ગયા અને લોભ જીતી ગયો. મુંબઈ, અમદાવાદ, પૂણે, નાશિક, બેંગ્લોર જેવા દેશના વિવિધ શહેરોમાં પોતપોતાના ભગવાનને દીવાબત્તી કરીને કેમિસ્ટોએ માસ્કના કાળા બજાર કર્યા. સામાન્ય રીતે એન-95 માસ્ક 300 રૂપિયામાં મળે છે, પણ પ્રજામાં ફફડાટ અને ગભરાટ જોઇને કેમિસ્ટોએ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે આ માસ્કનું વેચાણ કર્યું. આટલું પૂરતું નથી. જે કેમિસ્ટ પાસે એન-95 માસ્ક નહોતા તેમણે સામાન્ય માસ્કના પણ કાળા બજાર કર્યા. પ્રજાને એન-95 માસ્ક ન મળ્યાં તો સામાન્ય માસ્ક પર તૂટી પડી. આ માસ્કની કિંમત સામાન્ય સંજોગોમાં પાંચથી દસ રૂપિયા હોય છે, પણ કેમિસ્ટોએ તેને પણ 30થી 50 રૂપિયામાં વેંચ્યા. જેવો ગ્રાહક તેવો ભાવ...આપણા ધાર્મિક દેશના આ કેમિસ્ટોએ એકથી વધુ વખત વપરાયેલા માસ્કને ભેગા કરીને તેને ધોઇને તેના પણ કાળા બજાર કર્યા. એક વખત વપરાયેલા માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ ખિસ્સા માટે તો લાભદાયક છે ને...

હકીકતમાં કેમિસ્ટોની ફરજ શું હતી? ગુજરાતના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કેમિસ્ટોને માનવતા દાખવવાની અને પ્રજાને ગેરમાર્ગે ન દોરી જરૂર હોય તેને જ સામાન્ય કિંમતે માસ્ક વેંચવાની અપીલ કરી. માનવતાના નામે કરેલી અપીલને આપણા ધાર્મિક દેશની જનતા ઘોળીને પી ગઈ. ધર્મ કહે છે કે તક મળે ત્યારે જનતાની સેવા કરી લો અને સ્વાર્થી અને ભ્રષ્ટ વેપારનો સિદ્ધાંત તક મળે ત્યારે વધુમાં વધુ ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ધાર્મિક છીએ કે સ્વાર્થમાં અંધ ધાર્મિકતાનો ડોળ કરતાં લોભી માનસિકતા ધરાવતા અમીચંદો ?

બીજું એક ઉદાહરણ આપું. આખા દેશમાં અત્યારે મોંઘવારીની હાયતોબા મચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ગરીબોને ખીચડી ખાવી પણ પોષાય તેમ નથી. આ મામલે સરકાર બેવડી રમત રમી રહી છે. એક તરફ તેણે દુષ્કાળના નામે ઓછું ઉત્પાદન થશે તેવું કહી હાથ ઊંચા કરી દીધા છે તો બીજી તરફ કૃષિ પ્રધાન શરદ પવારને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પણ સટ્ટો કરવાની છૂટ આપીને જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંજોગોમાં દેશની જનતાએ એકબીજાને ટેકો આપવાની જરૂર છે. પણ નાના-મોટા વેપારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવામાં કંઈ પાપ સમજતા નથી. ખાંડનું જ ઉદાહરણ લઇએ.

જે વેપારીઓ 24થી 25 રૂપિયાની પડતર કિંમતે ખાંડ લાવ્યાં હતા તેઓ ગઇકાલ સુધી 30 રૂપિયે કિલો ખાંડ વેચતા હતા. આજે તેમણે ખાંડના ભાવ 34 રૂપિયા કરી નાંખ્યા છે. આ વિશે મારે એક વેપારી સાથે વાતચીત થઈ તો તેણે કહ્યું કે ખાંડના ભાવ વધવાના જ છે. એટલે જેટલો થાય તેટલો નફો ઘરે કરી લેવામાં જ માલ છે. આવા અનેક વેપારીઓ છે જેમણે ખાંડ અને તેના જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે અને ભગવાનનું નામ લઇને તેને કૂદકે-ભૂસકે વધતા ભાવે વેચી રહ્યાં છે. આપણે પોતે જ કાળા બજાર કરતાં હોય ત્યારે સરકારને દોષ દેવો કેટલો યોગ્ય છે? આપણે પોતે નૈતિકતા જાળવતા નથી અને સરકાર ભ્રષ્ટ હોવાનું કહીને સત્યનારાયણ બનીને ફરવાનો ડોળ કરીએ તે કેટલું યોગ્ય છે?

ધર્મ અન્યાય સામે લડતાં શીખવાડે છે. રામાયણમાં રામ અન્યાયી રાવણનો નાશ કરવા શસ્ત્ર ઉઠાવે છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આતતાયી કૌરવોને હણીને પૃથ્વીનો ભાર હળવો કરવા અર્જુનને ગાંડીવ ધારણ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે ગીતાનો પાઠ કરવામાં અને રામાનંદ સાગરના દિકરાની રામાયણ જોવાને જ ધર્મ માનીએ છીએ. ખરેખર આપણે ધર્મને સમજવા માગતા જ નથી. આપણે પોતાને ધર્મગુરુ જ ગણીએ છીએ. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા ધર્મગુરુઓ આપણા કરતાં વધારે ચડિયાતા અને વિશિષ્ટ જ હોવાના.

મોંઘાવારીએ માઝા મૂકી છે તેમ છતાં એક પણ બાવાએ સરકારને કહ્યું નથી કે, બાપ, આ શું થવા બેઠું છે? ગરીબ માણસ ચા ને રોટલો પણ ખાઈ શકે તેમ નથી ત્યારે તમે હાથ શાને ઊંચા કરો? એકપણ બાવાઓએ નઘરોળ વેપારીઓને કાળા બજારથી દૂર રહેવાની સલાહ આપી નથી. તેમને કદાચ ડર છે કે જો વેપારીઓને સાચું કહેશે તો તેમના મહેલો જેવા આલીશાન મઠ અને મંદિરો કોણ બનાવી આપશે? સ્વાઇન ફ્લુનો સામનો કેવી રીતે કરવો કે સમલૈંગિકતા યોગ્ય છે કે અયોગ્ય કે અંબાણી બંધુઓએ ઝઘડો ન કરવાની વણમાગી સલાહ આપવાનો સમય આ બાવાઓ પાસે છે, પણ પ્રજાનું લોહી ચૂસતી આ સરકારને શોષણખોર વૃત્તિ અટકાવવાની સલાહ આપવાની હિમ્મત એક પણ ધર્મગુરુઓ પાસે નથી.

હકીકતમાં નથી આપણે ધાર્મિક, નથી આપણા ધર્મગુરુઓ ધાર્મિક. આપણે બધા સ્વાર્થી, શોષણખોર, તકવાદી અને ભ્રષ્ટ છીએ. ધર્મને નામ ધતિંગ કરતાં અમીચંદો છીએ...

Tuesday, August 11, 2009

અફઘાન સ્ત્રીઓની વેદનાનો નગ્ન ચિતારઃ मुझे उस बिस्तर में घुसना हैं, जिससे मुझे नफऱत है

જોડકણા એ કવિતા નથી અને કવિતા એ જોડકણા નથી. મોટા ભાગના જોડકણા કવિતાનું વિકૃત સ્વરૂપ છે અને તેને મારી મચડીને કવિતાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પણ આપણને કવિતા અને જોડકણામાં બહુ સમજણ પડતી નથી અને (અદ્)ભૂત કવિતાપ્રેમીઓ જોડકણા બનાવીને યુગકવિઓ બનવા થનગની રહ્યાં છે. કવિતા શું છે? સમાજ અને તેમાં જીવતા નાગરિકોની વેદના-સંવેદનાનો નગ્ન ચિતાર. વેદના-સંવેદના ચરમ સીમાએ પહોંચે ત્યારે કવિતાનો ઘાટ બંધાય છે.

કવિતા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય? સાહિત્ય જે તે યુગમાં જીવતા સમાજનો આયનો. થોડા દિવસ પહેલાં નોર્વેની યુવાન મહિલા પત્રકાર ઓસ્ને સેયેરસ્તાડનું બેસ્ટસેલર પુસ્તક 'The Bookseller of Kabul'નો હિંદી અનુવાદ 'કાબુલ કા કિતાબવાલા' ખરીદ્યું. આ પુસ્તક આજના અફઘાનિસ્તાનના સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઈ પણ સમાજ કેટલો પ્રગતિશીલ છે તેની જાણકારી તે સમાજની સ્ત્રીઓની સ્થિતિ પરથી મળી જાય છે. આ પુસ્તકના કેટલાંક પ્રકરણમાં અફઘાન સ્ત્રીઓની ઇચ્છા-આકાંક્ષા, આશા-નિરાશા, પ્રેમ-નફરતનો કાવ્યાત્મક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.

અફઘાન સમાજમાં આજે પણ પ્રેમને સૌથી મોટો અપરાધ ગણવામાં આવે છે અને તેની સજા સ્ત્રીઓને જ ભોગવવી પડે છે. કટ્ટર મુલ્લા અને મૌલવીઓ માટે સૌથી બેકાર અને નાપાક ચીજ છે પ્રેમ. પુરુષોના હ્રદયમાં પ્રેમરૂપી પુષ્પ અંકુરિત થાય તો તે માટે તેઓ કોને ગુનેહગાર ગણે છે? સ્ત્રી અને તેની સુંદરતાને. અહીં પ્રેમની સજા 'સજા-એ-મૌત' છે. યુવાન છોકરીઓનો વિક્રય થાય છે, વિનિયમ થાય છે. માલસામાનની જેમ અબ્બા-અમ્મી તેમની દિકરીઓની હરાજી કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં એક વખત ફરી જવાનીનો જોશ અનુભવવા માગતા. અડધા દાંત પડી ગયેલા હવસખોર વૃદ્ધો ઊંચી મેહર (છોકરાવાળા છોકરીવાળાના પરિવારને ભેટસૌગાદગદ આપે છે તેને મેહર કહેવાય છે. યુવતીની સુંદરતાના આધારે તેના પરિવારને મેહર મળે છે) આપી સુંદરતાનો સોદો કરે છે. તેમાંથી જન્મે છે પીડા, ચીસ, ચિત્કાર!

અફઘાન શાયર સૈયદ બહાઉદ્દીન મજરુહે તેમની ભાભીની મદદથી અફઘાન સ્ત્રીઓની કવિતાઓ ભેગી કરી હતી. તેના બદલામાં તેમને શું મળ્યું? કટ્ટરપંથીઓએ 1988માં પેશાવરમાં તેમની હત્યા કરી નાંખી. આ કવિતાઓમાં અફઘાનની મોટા ભાગની સ્ત્રીઓનો પ્રેમી અને શૌહર (પતિ) અલગ જ હોય છે. આ સ્ત્રીઓ પોતાના શૌહર પ્રત્યને ગુસ્સો કાઢતા કહે છેઃ

बर्बर लोगों,
तुम बुढे आदमी को देख रहे हो
वो मेरे बिस्तर की तरफ बढ रहा है
और तुम,
तुम मुझसे पूछ रहे हो कि
मैं रोते हुए अपने बाल क्यों नोंच रही हूं
ओह, मेरे खुदा,
फिर से तुने मुझे
काली रात में धकेल दिया

और फिर मैं
सर से पैर तक
कांप रही हूं
मुझे उस बिस्तर में घुसना हैं,
जिससे मुझे नफऱत है
-------------------
मैं गुलाब जैसी खूबसुरत थी,
तुम्हारे नीचे दबकर मैं संतरे जैसी पीली पड गई हूं.
मुझे कभी गम का अहसास भी नहीं था,
इसलिए मैं सीधी बडी हुई, फर के पेड की तरह.

અફઘાનમાં આ કવિતાઓને 'લાંડે' કહેવાય છે, જેને અર્થ થાય છે 'લઘુ'. તેની થોડી પંક્તિઓ નાની અને લયબદ્ધ હોય છે જેને કવિ મજરુહ 'કોઈ ચીસ' કે 'ખંજરના ઘા' જેવી કહે છે. કવિતાઓમાં સ્ત્રીઓ વિદ્રોહ કરે છે. તે પોતાના પ્રેમ માટે જીવ જોખમમાં મૂકે છે અને તે પણ એવા સમાજમાં જ્યાં પ્રેમની સજા રુંવાડા ઊભા કરી દે તેવી હોય છે.

मुझे अपना हाथ दो
ए मेरे महबूब,
और हम
घास के मैदान में छुप जाएंगे.

प्यार करेंगे
या फिर
खंजर के वार से
घायल हो जाएंगे.

मैं नदी में कूदी,
लेकिन बहाव मुझे
बहा कर दूर नहीं
ले जा रहा.

मेरे शौहर की तकदीर अच्छी हैं,
मैं हंमेशा वापिस किनारे पर पटक दी जाती हूं.

कल सुबह तुम्हारे कारण
मेरी हत्या कर दी जाएगी.
फिर ये मत कहना,
तुमने मुझसे प्यार नहीं किया था.

આ કવિતાઓમાં ભરપૂર મીઠાશ છે. વ્યવહારિકતાના ત્રાજવામાં તોલ્યા વિના અફઘાન સ્ત્રીઓએ પોતાની લાગણી કવિતામાં રજૂ કરી છે. તે પુરુષોની પુરુષોની મર્દાનગીને પડકાર ફેંકતી હોય તેવું પણ લાગે છે.

बंद कर दे मेरा मुंह अपने मुंह से,
लेकिन मेरी जीभ को खुला रहने दो, ताकि यह प्यार की बात कर सके.

पहले मुझे अपनी बाहों में भर लो!
फिर अपने-आपको, मेरी मखमली जांघो में पैबस्त कर लेना.

मेरा मुंह तुम्हारा हैं, इसे खा जाओ, डरो मत!
यह कोई चीनी का नहीं बना, जो धुल जाएगा.

मेरा मुंह, इसे चूम लो,
लेकिन सुलगाओ न मुझे - मैं तो पहेली ही भीग चुकी हूं.

मैं तुम्हें जला करी खाक कर दूंगी.
बस एक पल के लिए मैं अपनी नजर तुम पर गडा दूं.

ચલતે-ચલતેઃ કવિતા આત્માને નગ્ન કરવાની પ્રક્રિયા છે. તેમાં લજ્જાને કોઈ સ્થાન નથી-ચંદ્રકાંત બક્ષી