Tuesday, May 17, 2016

દોષ ના જોઈએ કોઈના

સાધુ પ્રેમવત્સલદાસજી

મનુષ્યનું મન બહુ બદમાશ છે. વ્યક્તિઓના દોષો ઊડીને આંખે વળગે અને ગુણો પ્રત્યે આંખ આડા કાન કરે. આપણે કોઈની જરાં સરખી પણ નબળાઈને વાજતેગાજતે જાહેર કરીએ છીએ. રજનું ગજ કરવામાં આપણે માહેર. કોઈ વ્યક્તિ તામસી હોય, ક્રોધિત હોય તો તેનાથી દૂર રહેવામાં જ સલામતી એવું કહીને તેને લોકોની નજરમાંથી ઉતારી પાડીએ. કોઈ વ્યક્તિના કપટસભર વ્યવહારનો અનુભવ થાય તો આપણે તેને કપટી તરીકે જગતમાં ચીતરી નાંખીએ. પણ મારે તમને પૂછવું છે કે, તમે જેટલા લોકોના દોષોનો ઢંઢેરો પીટો છો, તેટલાં લોકોના ગુણગાન ગાવ છો? તમને કોઈ વ્યક્તિનો સારો ગુણ દેખાય તો તેને જગત સમક્ષ જાહેર કરો છો?

સાવ સાચું કહેજો. હકીકતમાં આપણે પામર મનુષ્યોને જેટલો આનંદ દોષદર્શનમાં આવે છે તો તેટલું સુખ આપણને ગુણગાનમાં મળતું નથી. આપણે જે મજા બીજાના નાનાં સરખા દોષને હિમાલય જેવડો કરવામાં આવે છે, તે મજા ગુણગાન કરવામાં ક્યાં મળે! આપણી ઘણી બધી સમસ્યાનું મૂળ દોષદર્શન છે. બીજાના દોષ જોવાથી આપણે તેના ગુણો જોઈ શકતાં નથી. વ્યક્તિમાં રહેલો એકાદ સદગુણ પણ આપણે માણી શકતાં નથી. આ મનોવૃત્તિ સુધારવાની જરૂર છે. આવો, જો કોઈ વ્યક્તિમાં ઉદારતા દેખાય તો તેની ઉદારતાને પોંખીએ. જો વ્યક્તિમાં ક્ષમાનો ગુણ દેખાય તો તેના જેવો ગુણ કેળવવાનો પ્રયાસ કરીએ. તેના ક્ષમાપનાની પ્રશંસા કરીએ.

મહાન તત્ત્વચિંતક કોન્ફ્યુશિયસ હંમેશા કહેતાં કે જો દોષ જ જોવા હોય તો આપણે આપણી અંદર રહેલા દોષોને જોવા. તેનાથી બે ફાયદા થાય છે - આપણો અંતરાત્મા શુદ્ધ થાય છે અને બીજાની મર્યાદાઓની સમજણ પ્રકટે છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે-
દોષ ના જોઈએ કોઈના, સુણિયે નહિ તે કાન;
ન કહીએ ન વિચારીએ, જાણી પુણ્યનું જ્યાન.

તુલસીપત્રઃ દોષ જોવાની ઇચ્છા થાય ત્યારે હું મારા દોષ પર નજર નાંખું છું. મારામાં એટલા બધા દોષ છે કે બીજાના દોષ જોવાનો વિચાર જ આવતો નથી - ડેવિડ ગ્રેસન, મહાન તત્ત્વચિંતક

Tuesday, August 14, 2012

સ્વતંત્ર્તાનો ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ



પુસ્તક: મહાત્મા ગાંધી - પૂર્ણાહુતિ, પુસ્તક ત્રીજું 
લેખક: પ્યારેલાલ
અનુવાદક: મણિભાઈ ભ. દેસાઈ

સ્વાતંત્ર્ય દિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલા, એટલે કે, રાત્રે બે વાગે ઊઠ્યા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી, એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે, ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યો.

હજી પ્રાર્થના ચાલતી હતી ત્યાં સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. કવિવર રવીન્દ્રનાથનાં સ્વાતંત્ર્યનાં સુંદર ગીતો ગાતી કેટલીક કન્યાઓ મકાન તરફ આવતી હતી. આવીને તેઓ ગાંધીજીના ઓરડાની બારી બહાર ઊભી રહી. પ્રાર્થના હજી ચાલતી હતી. ભક્તિભાવથી તેમણે પોતાનું ગાન બંધ કર્યું, તેઓ પ્રાર્થનામાં જોડાઈ અને પછી ફરીથી તેમણે ગીતો ગાયાં. પછી દર્શન કરીને તેઓ ચાલી ગઈ. થોડી વાર પછી, કન્યાઓની બીજી ટુકડી આવી અને તેમણે એ જ પ્રમાણે ગીતો ગાયાં. આ પ્રમાણે સૂર્યોદય સુધી ચાલ્યા કર્યું - આગલા દિવસની સાંજની ધમાલ પછી, દિવસનો આ સુંદર આરંભ હતો. 

સવારે ગાંધીજી તેમના હંમેશના ક્રમ પ્રમાણે ફરવા નીકળ્યા ત્યારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં. આખો દિવસ દર્શનાતુર ટોળાંઓ મકાનને ઘેરી રહ્યાં. અર્ધા અર્ધા કલાકે ગાંધીજીને દર્શન આપવા માટે બહાર આવવું પડતું હતું. પશ્ચિમ બંગાળના પ્રધાનમંડળના સભ્યો પણ તેમના આશીર્વાદ માટે આવ્યા. ગાંધીજીએ તેમને કહ્યું ઃ ‘‘આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. નમ્ર  બનજો. ક્ષમાશીલ બનજો. બિ્રટિશ અમલે તમારી ખસૂસ કસોટી કરી છે. પણ હવે તો તમારી પૂરેપૂરી કસોટી થવાની છે. સત્તાથી ચેતતા રહેજો, સત્તા દૂષિત કરનારી વસ્તુ છે. તેના ઠાઠમાઠ અને તેની ભભકથી અંજાઈને તેના બંદીવાન ન બનશો. યાદ રાખજો કે, હિંદનાં ગામડાંઓમાં વસતા ગરીબ લોકોની સેવા કરવાને તમે સત્તા પર આવ્યા છો. ઈશ્વર તમને સહાય કરો.’’

* * * * * 
૧૫મી ઓગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના અપૂર્વ પ્રદર્શન દ્વારા, રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દૃશ્યો જોવા મળ્યાં. વહેલી સવારથી, હિંદુઓ તથા મુસલમાનોની મિશ્ર ટોળીઓ મોટર લોરીઓમાં બેસીને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ અને ‘‘હિંદુમુસ્લિમ ભાઈ ભાઈ’’નાં સૂત્રો પોકારતી શહેરના જુદા જુદા ભાગોમાં ફરવા લાગી. તે એટલે સુધી કે, મોડી રાત સુધીમાં વિરાટ ટોળાંઓએ - એમાં હિંદુઓ અને મુસલમાનો સેળભેળ હતા - બધા રાજમાર્ગોને રૂંધી દીધા અને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ તથા ‘‘જય હિંદ’’ના કાન ફાડી નાખે એવા પોકારો તેઓ કરતા રહ્યા. એક વરસ સુધીનાં પાગલપણાનાં કાળાં વાદળો પછી જાણે એકાએક સમજણ અને શુભેચ્છાનો સૂર્યોદય થયો હોય એમ લાગતું હતું.

ઉત્સાહથી ઊભરાતાં ટોળાઓએ સરકારીગૃહ ઘેરી લીધુ અને ગર્વનર રાજાજી પોતાના ઘરમાં લગભગ કેદી જેવા બની ગયા.

ગાંધીજીના મકાન આગળ ભાઈચારાનાં રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં, પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમના ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સરજનહારના દર્શનની ખોજ કરતાં હતાં. 

એ દિવસે પ્રાર્થનાભૂમિ પર લગભગ ત્રીસ હજાર માણસો એકઠાં થયાં. મેદની અતિશય ગીચ હતી. જે માર્ગ કાપતાં પાંચ મિનિટ થતી હતી તે કાપતાં વીસ મિનિટ થઈ. કલકત્તાના નાગિરકોએ સિદ્ધ કરેલી એકતા માટે ગાંધીજીએ તેમને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, ‘‘શહેરમાં જોવા મળેલી ભાઈચારાની છલકતી ભાવના સાચા દિલની હોય અને ક્ષણિક ન હોય તો એ ખિલાફતના દિવસો કરતાં પણ વધારે રૂડી છે. પરંતુ લાહોરમાં ગાંડપણનો દાવાનળ હજી ચાલુ જ છે એ સાંભળીને મને વિશેષ અફસોસ થાય છે. મને ખાતરી છે કે, કલકત્તાનો ઉમદા દાખલો સાચા દિલનો હશે તો એની અસર પંજાબ પર તથા હિંદના બીજા ભાગો પર થવા પામશે. હું તમને ચેતવું છે કે, હવે તમે સ્વતંત્ર થયા છો એટલે તમારી સ્વતંત્ર્તાનો તમારે ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ. હિંદમાં રહેનારા યુરોપિયનો પ્રત્યે, તમે તમારે પોતાને  માટે અપેક્ષા રાખો એવો જ વર્તાવ તમારે રાખવો રહ્યો. તમારે સમજવું જોઈએ કે, તમે તમારા પોતાના સિવાય બીજા કોઈના જ સ્વામી નથી. કોઈને પણ તેની મરજી વિરૂદ્ધ કરવાની ફરજ તમે હરગિજ ન પાડી શકો.’’

ગાંધીજી પછી સુહરાવર્દીએ સભાને સંબોધી. તેમણે કહ્યું, હિંદુઓ તેમ જ મુસલમાનો, તેમણે તજેલાં ઘરોમાં પાછા ન ફરે, ત્યાં સુધી આપણું કામ પૂરું થયું એમ આપણે માનવું ન જોઈએ. કેટલાંક લોકો માનતા હતા કે, હિંદુ-મુસ્લિમ એકતા કદી પણ સાધી શકાવાની નથી, પરંતુ ‘‘ખુદાની મરજી અને મહાત્માજીની કૃપાથી’’, માત્ર ત્રણચાર દિવસ અગાઉ અશક્ય માનવામાં આવતું હતું તે ચમત્કારિક રીતે નક્કર હકીકતમાં ફેરવાઈ ગયું છે. પછી તેમણે હિંદુઓ અને મુસલમાનોની મિશ્ર મેદનીને તેમની સાથે જય હિંદ પોકારવાને જણાવ્યું અને મેદનીએ કાન ફાડી નાખે એવી ગર્જનાથી એમ કર્યું. આ હૃદયસ્પર્શી દૃશ્ય જોતી વખતે ગાંધીજીના હોઠ પર અવર્ણનીય મંદ હાસ્ય ફરી રહ્યું.

* * * * *

રાત્રે ગાંધીજી શહેરમાં ફર્શા અને તેના જુદા જુદા ભાગોમાં હજુ પણ ચાલી રહેલા ભાઈચારાના દૃશ્યો તેમણે નિહાળ્યાં. ગાંધીજીએ ઉપવાસ કરીને અને રોજના કરતાં વધુ કાંતીને એ દિવસ ઊજવ્યો. ઉપવાસમાં શહીર સુહરાવર્દી તેમની સાથે જોડાયા.

મહાત્મા ગાંધીનો એગાથા હેરિસન પર પત્ર 
આજના બનાવ જેવા મહાન બનાવો ઊજવવાની મારી રીત - એને માટે ઈશ્વરનો આભાર માનવાની અને તેથી કરીને તેની પ્રાર્થના કરવાની - તમે જાણો છો. એ પ્રાર્થના ઉપવાસયુક્ત હોવી જોઈએ...અને ગરીબોની સાથે તાદાત્મ્યની તેમ જ સ્વાર્પણની નિશાની તરીકે, કાંતણ પણ હોવું જોઈએ. એટલે, હું દરરોજ કાંતું છું એટલા કાંતણથી સંતોષ ન માનતાં, મારાં બીજાં રોકાણો સાથે સુસંગત રહીને શક્ય હોય એટલું વધુ મારે કાંતવું રહ્યું..
અહીંના બનાવો વિષે સવિસ્તર માહિતી તમને હું આપી શકત તો કેવું સારું! કદાચ હાૅરેસ એલેકઝાંડર આપશે..

રાજકુમારી અમૃતકોરના પત્રમાં તેમણે આ પ્રમાણે લખ્યુંં ઃ ‘‘હું એક મુસલમાનના ઘરમાં છું. એ સૌ બહુ જ ભલા છે. સોદપુર આશ્રમમાંથી મેં કોઈને પણ સાથે લીધા નથી. એટલે મારે જોઈતી મદદ માત્ર મુસલમાન મિત્ર તરફથી જ આવે છે. મારે માટે એ નવો અનુભવ નથી. એ વસ્તુ દક્ષિણ આફ્રિકા અને ખિલાફતના દિવસોની મને અહીં યાદ આપે છે. અત્યાર પૂરતો તો હું દુશ્મન નથી. આવું કેટલો વખત ચાલશે એ તો ભગવાન જાણે હિંદુઓ અને મુસલમાનો લગભગ એક જ દિવસમાં મિત્રો બની ગયા. સુહરાવર્દી પલટાઈ ગયા છે, એવું દેખાય છે.’’

દિવસ દરમ્યાન રાજાજી ગાંધીજીને મળવા આવ્યા. ઉંમરના કારણે રાજાજી સહેજ વળ્યા હતા, ગાંધીજી ચિંતાગ્રસ્ત હતા, પરંતુ બંનેના ચહેરા પર આનંદ અને સુખ તરવરતાં હતાં. લગભગ એક કલાક સુધી તેમણે વિનોદ, મજાક અને ઊંડા ડહાપણભર્યા શબ્દોની આપલે કરી.