Sunday, April 1, 2012

જનરલ વી કે સિંહઃ સિદ્ધાંતો સાથે સમાધાન કરીને આબરૂના લીરા ઉડાવ્યાં


તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવા સિદ્ધાંતો સાથે સમાધાન કરો પછી મૂલ્યો અને નિષ્ઠાની વાત કરી શકો? તમે જે મૂલ્ય સાથે સમાધાન કર્યું હોય એ જ મૂલ્યનું રક્ષણ કરવા માટે કોઈને પડકાર ન ફેંકી શકો. અને ફેંકો તો? તો તમારી આબરૂના લીરા ઉડી જાય અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાય. કોઈને મોં ગંધાય છે એવું કહેતાં અગાઉ આપણું મોં ચોખ્ખું હોવું જરૂરી છે. પણ લોભ અને મહત્વાકાંક્ષા ભલભલાને ભાન ભૂલાવે છે. સેનાના વડા વી કે સિંહ આનું તાજું ઉદાહરણ છે.

હરિયાણાના ભિવાની જિલ્લાના બપોરા ગામના રાજપૂત પરિવારમાંથી આવતા વિજય કુમાર સિંહના પિતા કર્નલ હતા અને દાદા જુનિયર કમિશન ઓફિસર હતા. દાદા અને પિતાના વારસાને આગળ વધારતા વિજયકુમારે 29 જુલાઈ, 1965ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ)માં પ્રવેશ મેળવવા માટેની પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું અને તેમની જન્મતારીખ સંબંધિત વિવાદના મૂળિયા આ ફોર્મમાં જ રહેલા છે. એ સમયે તેઓ રાજસ્થાનમાં પિલાનીની જાણીતી બિરલા પબ્લિક સ્કૂલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એનડીએની પરિક્ષામાં બેસવા માટે તેમનું ફોર્મ તેમની સ્કૂલના ક્લાર્કે ભર્યું હતું. આ વિવાદ વિશે વિજયકુમારનું કહેવું છે કે, ''એનડીએની પરિક્ષામાં બેસવા માટે મારું ફોર્મ સ્કૂલના કારકૂને ભર્યું હતું અને મેં તેના પર માત્ર સહી કરી હતી. તેમાં કારકૂને મારી જન્મતારીખ 10 મે સાચી લખી હતી, પણ જન્મનું વર્ષ ખોટું એટલે કે 1950 લખ્યું હતું. હકીકતમાં મારો જન્મ 1951માં થયો છે. આ ગોટાળા અંગે મને કોઈ જાણકારી નહોતી. પણ હું પરિક્ષામાં પાસ થયો અને એનડીએ માટે પસંદ થયા પછી યુપીએસસી પાસેથી મને જાણકારી મળી.'' 1966ના મે મહિનામાં તેઓ એનડીએની પરિક્ષામાં પાસ થયા અને 11 જૂન, 1966ના રોજ સેનાના ડોક્ટરો દ્વારા તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું. તેના ફોર્મમાં વિજયકુમારે જન્મતારીખ 10 મે, 1951 હોવાની જાણકારી આપી હતી. પણ મેડિકલ એક્ઝામિનેશન થયું ત્યારે તેમણે જે ફોર્મ ભર્યું તેની સરખામણી પ્રવેશપરિક્ષા માટે ભરેલા ફોર્મ સાથે કરાઈ નહોતી અને તે સમયે આ પ્રકારની સરખામણી કરવામાં આવતી પણ નહોતી. પણ જન્મતારીખનો આ ગોટાળો તેમને એનડીએમાં જોડાવવાનો ઓર્ડર ઇશ્યૂ કરતી વખતે બહાર આવ્યો.

એ સમયે યુપીએસસી (એનડીએની પરિક્ષા યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લે છે)ના તત્કાલિન અંડર સેક્રેટરી શ્રી ક્રિષ્નન હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે વિજયકુમાર સિંહના યુપીએસસીના ફોર્મ અને મેડિકલ એક્ઝામિનેશનના ફોર્મમાં જન્મતારીખ એકસરખી નથી. તેમણે તરત જ 18 જૂન, 1966ના રોજ પત્ર લખીને સિંહને જણાવ્યું કે યુપીએસના ફોર્મમાં જન્મનું વર્ષ 1950 છે જ્યારે મેડિકલ એક્ઝામિનેશન ફોર્મમાં 1951 છે તો તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવા વિનંતી. આ જાણકારી મળ્યાં પછી તરત જ વિજયકુમારે ધોરણ 10ની માર્કશીટ રજૂ કરીને તેમના જન્મનું વર્ષ 1951 ગણવા વિનંતી કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. પછી તેઓ એનડીએમાં જોડાયા અને જૂન, 1970માં તેમને ઇન્ડિયન મિલિટરી એકેડમીનું આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું. તેમાં તેમની જન્મતારીખ 10 જૂન, 1951 હતી. વર્ષ 1971માં રાજસ્થાન શિક્ષણ બોર્ડે સિંહને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ આપ્યું, જેમાં પણ જન્મનું વર્ષ 1951 હતું. તેમણે આ સર્ટિફેકટ સેનાની એડ્જુટન્ટ જનરલ (એજી) શાખાને સુપરત કર્યું. આ શાખા સૈન્ય કર્મચારીઓના દસ્તાવેજોનો રેકોર્ડ રાખે છે અને દરેક સૈન્ય અધિકારીઓએ નોકરી દરમિયાન તેમના સર્ટિફિકેટ આ શાખાને સુપરત કરવા પડે છે. સિંહે આ સર્ટિફિકેટ એજીને સુપરત કર્યા પછી ત્યાં તેમના જન્મનું વર્ષ સુધારી લેવાયું હતું અને 1951 કરવામાં આવ્યું હતું. પણ એજી પાસેના દસ્તાવેજોમાં જન્મનું જે વર્ષ હોય એ જ વર્ષ સેનાના જ અન્ય એક વિભાગ મિલિટરી સેક્રેટરી (એમએસ) પાસેના દસ્તાવેજમાં હોવું જોઈએ.

મિલિટરી સેક્રેટરી સૈન્ય અધિકારીઓને પ્રમોશન અને પોસ્ટિંગ આપવાની જવાબદારી નિભાવે છે. સૈન્ય અધિકારી નિવૃત્ત ક્યારે થશે તેનો નિર્ણય પણ એમએસ જ લે છે. આ કારણે એજી પાસે જે પ્રમાણપત્રો હોય તેની નકલો એમએસ પાસે પણ હોય છે એટલે સ્વાભાવિક રીતે કોઈ સૈન્ય અધિકારી તેમના એજી શાખામાં પ્રમાણપત્રોમાં સુધારાવધારા કરાવે તો સાથેસાથે એમએસ શાખામાં પણ એવા જ ફેરફાર કરાવવા પડે. પણ આ ફેરફાર કરાવવાની તસ્દી સિંહે ન લીધી. એ પછી સિંહે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ પણ મેળવ્યું અને તેમાં પણ જન્મનું વર્ષ 1951 જ હતું. વર્ષ 2006 સુધી એટલે કે નોકરીમાં 35 વર્ષ પસાર થયા સુધી કોઈ વાંધો ન આવ્યો. પણ 2006માં તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન મળ્યું ત્યારે જન્મતારીખનું ભૂત ફરી ધુળવા માંડ્યું. મિલિટરી સેક્રેટરીના તત્કાલિન લેફટનન્ટ જનરલ રિચાર્ડ ખરેએ જન્મતારીખની વિસંગતતાની જાણકારી આપી ત્યારે સિંહે એજીનો રેકોર્ડ સાચો હોવાનું જણાવ્યું. સૈન્યના કેટલાંક અધિકારીઓના કહેવા મુજબ, આ પ્રમોશન સાથે જ સિંહને નિવૃત્તિ વર્ષ 2012માં લેવી પડશે એ નક્કી થઈ ગયું. સેનાના નિયમ મુજબ, કોઈ પણ સૈન્ય અધિકારી 62 વર્ષ સુધી જ સેનામાં સેવા આપી શકે.

મિલિટરી સેક્રેટરીએ સિંહને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન આપ્યું પણ તેમાં જન્મનું વર્ષ 1950 જ ગણ્યું અને સિંહની જન્મનું વર્ષ 1951 ગણવાની સૂચનાની ધ્યાનમાં ન લીધી. હકીકતમાં એજી અને એમએસ વચ્ચે દસ્તાવેજોમાં વિસંગતતા હોય ત્યારે નિયમ મુજબ એજીના દસ્તાવેજોને સાચા માનવામાં આવે છે. આ કારણે સિંહ બેફિકર હતા. તેમને એમ હતું કે ભવિષ્યમાં નિવૃત્તિ કે અન્ય કોઈ બાબતમાં જન્મનું કયું વર્ષ સાચ ગણવું તે પ્રશ્ન ઊભો થશે ત્યારે સ્વાભાવિક રીતે એજીનો રેકોર્ડ જ સાચો માનવામાં આવશે. પણ તેમની આ બેફિકરાઈ જ તેમના માટે મોટી મુશ્કેલી પુરવાર થવાની છે તેની કલ્પના તેમને નહોતી. આ સમયે તેમની મહત્વાકાંક્ષા પણ વધી ગઈ હતી. વર્ષ 2008માં તેમને આર્મી કમાન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ વખતે પણ મિલિટરી સેક્રટેરી પી ગંગાધરને તેમને જન્મતારીખની વિસંગતતા વિશે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમને વર્ષ 1950ને જન્મનું વર્ષ ગણવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહ્યું હતું અને સિંહને આ બાબત માન્ય ન હોય તો તેમણે કાયદાકીય રીતે લડી લેવાનું કહ્યું હતું. ગંગાધરનની દલીલ એવી હતી કે અગાઉ તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન વર્ષ 1950ના આધારે આપવામાં આવ્યું છે ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો. હકીકતમાં અહીં સિંહે અટકવાની જરૂર હતી અને જન્મના વર્ષ અંગે સુધારો કરવા કાયદકીય લડત આપવાની જરૂર હતી. પણ એ વખતે સિંહ સરસેનાપતિ બનવાની નજીક હતા. તેઓ આર્મી કમાન્ડરનો હોદ્દો સ્વીકાર લે તો તેના બે વર્ષ પછી તેઓ સરસેનાપતિ બનશે એ નક્કી હતું. તેઓ કાયદાકીય લડત શરૂ કરે તો આર્મી કમાન્ડરનું પ્રમોશન થોડો સમય અટકી જાય અને તેમને સરસેનાપતિ બનવાનો મોકો ન પણ મળે તેવી શક્યતા હતી. તેઓ વર્ષ 2006થી જ સરસેનાપતિ બનવા આતુર હતા એટલે તેમણે ગંગાધરનને જણાવ્યું કે મિલિટરી સેક્રેટરી વિભાગ જન્મનું વર્ષ જે કહેશે તે જ લખશે. સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહ અહીં મોટું ગોથું ખાઈ ગયા. ત્યાર મિલિટરી સેક્રેટરીએ તેમની ફાઇલ સંરક્ષણ મંત્રાલયને મોકલી દીધી હતી, જેમાં જન્મનું વર્ષ 1950 હતું.

સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ તેમને 31 માર્ચ, 2010ના રોજ સરસેનાપતિ બનાવ્યા ત્યારે પણ તેમને જન્મનું વર્ષ 1950 જ ગણ્યું હતું. આ હિસાબે સિંહને માર્ચ, 2012ના રોજ નિવૃત્ત થવું પડે. સેનાનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ સેનામાં 62 વર્ષની ઉંમર સુધી જ સેવા આપી શકે. સરસેનાપતિની મુદ્દત ત્રણ વર્ષની હોય છે, પણ આ મુદ્દત પૂર્ણ થાય એ અગાઉ તેમની ઉંમર 62 વર્ષ થઈ જાય તો તેમને અધવચ્ચે જ નિવૃત્તિ લેવી પડે. સિંહ સરસેનાપતિ બન્યા પછી તરત જ આ હકીકત જાણી ગયા હતા એટલે તેમણે તેમણે એજીના રેકોર્ડનો હવાલો આપીને તેમની જન્મતારીખનું વર્ષ સુધારવાની સૂચના આપી અને મિલિટરી સેક્રટેરીએ મને-કમને તેને સુધારી પણ લીધી. પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

સિંહ જે માર્ગે સરસેનાપતિ બન્યાં હતાં એ જ માર્ગે સરકારે તેમને નિવૃત્તિના દ્વારા દેખાડ્યાં. સિંહે તેમની જન્મતારીખ અંગે સુધારાની જાણકારી એન્ટોનીને આપી હતી. પણ તેમણે તેમના જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. સિંહ તેમના કહેવાનો અર્થ સમજી ગયા હતા કે તેમને માર્ચ, 2012માં વિદાય લેવી પડશે. એટલે સિંહે કોર્ટમાં અરજી કરી. કાયદા મંત્રાલયે અને એટોર્ની જનરલે પણ સરકારને નિયમ મુજબ, સિંહના જન્મનું વર્ષ 1951 ગણવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. પણ સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, સિંહે પોતે સરસેનાપતિ બનતી વખતે જન્મનું વર્ષ 1950 ગણવાનું માન્ય રાખ્યું હતું અને અગાઉ તેમને તમામ પ્રમોશનમાં જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવ્યાં હતાં. સિંહે અગાઉ જે સમાધાન કર્યા એ તેમને સુપ્રીમમાં આડા આવ્યા. તેમનો કેસ નબળો પડી ગયો. સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધિશ આર એમ લોઢા અને એચ એલ ગોખલે સમજી ગયા હતા કે સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહે સમાધાન કર્યું છે અને સરકાર તેનો જ ઉપયોગ કરી રહી છે. પછી આ બંને ન્યાયાધિશોએ જે ચુકાદો આપ્યો તે સલામી આપવાને લાયક છે.

તેમણે ધાર્યું હોત તો સિંહની અરજી ફગાવી શક્યા હોત. પણ તેઓ જાણતા હતા કે સિંહ મહત્વાકાંક્ષી છે, પણ તેઓ દેશ માટે લડ્યાં છે અને આદર્શ કૌભાંડ અને સુકના જમીન કૌભાંડમાં સૈન્ય અધિકારીઓ સામે કડક હાથે કામ લીધું છે. તેમની સામે નાણાકીય ગોટાળાના કોઈ આક્ષેપ નથી. તેઓ સમજી ગયા હતા કે સિંહને પૈસા કરતાં પદ વધારે વહાલું છે. તેમણે સિંહને અરજી પાછી ખેંચી લેવા કહ્યું. એટલું જ નહીં આ બંને ન્યાયાધિશોએ સિંહની સેવાની પ્રશંસા કરીને ટકોર કરી કે તમારી સેવા કાબિલેદાદ છે, પણ તમે જે વર્તણૂંક કરી રહ્યાં છો એ સરસેનાપતિના પદને લાયક નથી. સુપ્રીમ કોર્ટની ટકોર સિંહ સમજી ગયા હતા અને તેમને પીછેહટ કરવાની ફરજ પડી. આ રીતે હકીકતમાં સિંહ જન્મતારીખના વિવાદમાં સાચા હોવા છતાં તેમણે પ્રમોશન મેળવવા જન્મના વર્ષ સાથે જે સમાધાન કર્યું તેના જ ફળ તેઓ ભોગવી રહ્યાં છે. તેઓ ચાલુ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થશે એ વાત લગભગ પાક્કી થઈ ગઈ છે. પણ તેમના જીવનમાંથી એક સંદેશ જરૂર મળે છે કે સિદ્ધાંતો માટે લડવું હોય તો પદની ખેવના છોડવી ન રાખવી.

Wednesday, February 22, 2012

હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ

જે આર ડી ટાટા (૧૯૦૪-૧૯૯૩)
૧૫ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ ભારતની પહેલી એરલાઇન કંપનીના વિમાને ઉડાન ભરી હતી. આ કંપની હતી ટાટા એરલાઇન જેનું વર્ષ ૧૯૫૩માં એર ઇન્ડિયા સ્વરૂપે રાષ્ટ્રીયકરણ થયું હતું અને તેના પાયલોટ હતા મહાન અને દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ જે આર ડી ટાટા ‘પુશ મોથ’ નામનું એ સિંગલ એન્જિન ધરાવતા વિમાન કરાંચીથી એર મેઇલ લઈને રવાના થયું હતું અને વાયા અમદાવાદ થઈને મુંબઈ પહોંચ્યું હતું. કરાંચીમાં વિમાને ઉડાન ભરી ત્યારે જે આર ડીએ કહ્યું હતું કે, ‘‘આ સાથે ભારતની પ્રથમ એરલાઇન-ટાટા એરલાઇન-નો જન્મ થઈ ગયો છે અને મારું સ્વપ્ન સાકાર થયું છે.’’ જે આર ડીએ ઓક્ટોબર, ૧૯૬૨માં કરાંચી અને મુંબઈ વચ્ચે ફરી ઉડાન ખેડી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૮૨માં કરાંચીથી મુંબઈ ઉડાનની સુવર્ણજયંતિ ઉજવવામાં આવી અને તેના ભાગરૂપે જે આર ડીએ એ જ ‘પુશ મોથ’ વિમાનમાં ૭૮ વર્ષની ઉંમરે પણ કરાંચીથી મુંબઈ વચ્ચે ઉડાન ભરીને યુવાનોને આત્મવિશ્વાસ કેળવવાનો સંદેશો આપ્યો હતો. તેમનું વિમાન મુંબઈના જુહૂ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમનું સ્વાગત કરવા અનેક લોકો એકત્ર થયા હતા. તેમની સામે ટાટાએ એક ભાષણ આપ્યું હતું અને યુવાનોને પડકારો ઝીલવાની અને કાર્ય પ્રત્યે નિષ્ઠા દાખવવાની સલાહ આપી હતી.

આજે સાંજે ભાષણ સાંભળીને હું જેટલી શરમ અનુભવુ છું તેટલી ક્યારેય અનુભવી નથી. હું વિનમ્ર વ્યક્તિ છું તેવું કહીને મહામહિમ રાજયપાલે તેમની સજજનતા દાખવી છે. સામાન્ય રીતે મેં અનુભવ્યું છે કે મારી પાસે ઘણું બધું છે, જેના પગલે મારી નમ્રતા જળવાઈ રહી છે. આજે પણ કરાંચી સુધી ઉડાન ભરવાની અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાછું લઈને આવવામાં મેં કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય કે મહાન કામ કર્યું હોય તેવું હું માનતો નથી. આ માટે વિશેષ કૌશલ્ય, સાહસ કે યોગ્યતાની જરૂર પણ નથી. મારે આ ઉડાનમાં ઊંચા પર્વતોને પાર કરવાની કપરી કામગીરી કરવી પડી નહોતી, ન બરફીલા તોફાનો કે ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો.
ખરેખર ૫૦ વર્ષ અગાઉ વિમાનનું ઉડ્ડયન પ્રમાણમાં સરળ હતું. તેમાં હવામાં સંતુલન જાળવી રાખવા અને સરેરાશ ચોકસાઈ સાથે વિમાન ઉડાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તે વખતે વિમાનના ઉડ્ડયન માટે મારી પાસે એક જ સાધન હતું-નકશા. મેં નકશાની મદદ લીધી હતી અને કમ્પાસની સહાયથી વિમાનની નીચે પસાર થતી જમીન પર નજર રાખી હતી. પછી મારા ગંતવ્ય સુધી પહોંચી જવાય તેવી આશા સાથે ઉડાન ભરી હતી. હકીકતમાં મારી કામગીરીની વધારે પડતી પ્રશંસા થઈ રહી છે અને મને વધુ પડતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેવું મારું માનવું છે, પરંતુ તેને સાંભળીને મને જરૂર આનંદ થયો છે એનો હું નિખાલસપણે સ્વીકાર કરું છું.
મને બાળપણથી વિમાન પ્રત્યે આકર્ષણ હતું. વિમાનને જોઈને હું રોમાંચિત થઈ જતો હતો. વિમાન ઉડાવવાનું સ્વપ્ન સેવતો હતો. મને ક્યારે વિમાન ઉડાવવાની તક મળશે તેની હું આતુરતાપૂર્વક રાહ જોતો હતો. ઉડ્ડયન શરૂ કર્યું તે અગાઉ મેં મારા જમાનના જાણીતા પાયલોટ વિશે માહિતી મેળવી હતી અને તેના કારનામા પર મુગ્ધ થતો હતો. વર્ષ ૧૯૨૭માં લિન્ડબર્ગે સિંગલ એન્જિન વિમાન વડે ૩૩ કલાકમાં એટલાન્ટિક પાર કર્યો હતો, જે ખરેખર એક સિદ્ધિ હતી અને આજે પણ એ પ્રશંસાની હકદાર છે.
મેં અનુભવ્યું હતું કે વર્ષ ૧૯૩૨ની પ્રથમ ઉડાનના સ્મરણોત્સવ (સુવર્ણજયંતિ) માટે મારે કંઈક કરવું જોઈએ. હું એકમાત્ર કાર્ય જાણતો હતો અને એ વિમાનની ઉડાન ભરવાનું મેં કર્યું. આ માટે મારી પાસે અન્ય બે કારણો પણ હતાં. પ્રથમ કારણ તો એ છે કે ૪૬ વર્ષના આ ગાળામાં એર ઇન્ડિયા અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને પગભર કરવામાં મારી સહાયતા કરનાર હજારો સાથીદારોને હું સંદેશ આપવા ઇચ્છતો હતો. હું તેમનો આભાર માનવા માંગું છું અને ભેટ સ્વરૂપે તેમને કશું આપવા ઇચ્છતો હતો. આ ઉડાનને પ્રાયોજિત કરનાર એર ઇન્ડિયા અને મારાં જૂનાં વિમાનનું સમારકામ કરીને ફરી ઉડાન ભરવાને લાયક બનાવવનાર અને છેલ્લાં ૫૦ વર્ષમાં મારી સાથે ઘણી વખત ખુશી અને કેટલીક વખત દુઃખ વહેંચનાર મારા સાથીદારોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું.
મને પ્રેરિત કરવા માટે જવાબદાર બીજું કારણ એ છે કે હું મારા જીવનમાં પસાર થયેલી એ અવિસ્મરણીય ક્ષણો ફરી જીવવા ઇચ્છતો હતો. આપણે બધા આપણા જીવનની યાદગાર ક્ષણોને ફરી જીવવા માંગીએ છીએ એ સ્વાભાવિક છે. અનેક વ્યક્તિઓ પોતાની સગાઈ કે વિવાહની યાદને તાજી કરવા ઇચ્છે છે. આ માટે ઘણાં બીજી વખત પરણે છે. જોકે અત્યારે કરવેરાઓનો બોજ એટલો બધો છે કે બહુ ઓછા લોકો એકથી વધુ પત્નીઓનો ભાર ઉઠાવી શકે છે. ખૈર, આ ઉડાન ભરવાનું મારી પાસે અન્ય એક કારણ પણ હતું.
જેમ જેમ મારી ઉંમર વધી તેમ તેમ મેં અનુભવ્યંુ છે કે અત્યારે દેશવાસીઓના મનમાં મોહભંગની ભાવના પેસી ગઈ છે. જે આશા, આકાંક્ષા, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આપણે સ્વતંત્ર્તાનું સ્વાગત કર્યું હતું એ બધી ધૂંધળી પડી ગઈ છે. આપણું મનોબળ નબળું પડ્યું છે અને આત્મવિશ્વાસ ચાલ્યો ગયો છે.
અત્યારના યુવાનોને મુખ્ય ચિંતા નોકરી અને રોજગારીની હોય છે. હું તેમને દોષ પણ દેતો નથી. રોજગારીની ચિંતા થવી સ્વાભાવિક છે અને બેરોજગારી વાસ્તવિકતા છે. પણ આપણે બીજા લોકોની સરખામણીમાં સારી કામગીરી કરી શકીએ છીએ કે બીજા કોઈએ ન મેળવી હોય તેવી સિદ્ધિ મેળવી શકીએ છીએ તેવી ભાવના દેખાતી નથી. એટલે મેં વિચાર્યું કે આ ઉડાન તેમનામાં ઉત્સાહની નવી ચિંગારી જન્માવશે, દેશના અને પોતાના સમ્માન માટે કંઈક કરવાનો જુસ્સો પેદા કરશે અને અત્યારે પણ કંઈક કરી દેખાડવાનો સમય વીતી ગયો નથી તેવું દર્શાવશે. અન્ય અનેક કાર્ય છે, જે કરી શકાય છે. આ દેશ માટે યુવાનો અનેક કાર્યો કરી શકે છે અને આ માટે તેમણે કમર કસવી જોઈએ. કાર્ય ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય અને પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ કેમ ન હોય, મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ વડે તેને પાર પાડી શકાય છે.
મારી આજની ઉડાન આપણા દેશના યુવાનોમાં આશા અને ઉત્સાહ જન્માવવાનો પ્રયાસ હતો. હું ઇચ્છું છું કે આજના યુવાનો ૭૮ વર્ષના થશે ત્યારે મારી જેવો જ આત્મવિશ્વાસ ધરાવતા હશે. મારી જેમ ૭૮ વર્ષની ઉંમરે તેઓ પણ અનુભવી શકશે કે તમામ મુશ્કેલીઓ અને વિકટ સંજોગો વચ્ચે પણ તમે તમારા ધ્યેય તરફ નિરંતર આગળ વધતા રહો તો લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તમે તમારા કાર્યને વફાદાર હોવ તો બીજા લોકોની સરખામણીમાં વધુ સારું કામ કરી શકો છો. ખરેખર હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ છે.