Monday, July 6, 2009

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટઃ ઉડતી નજરે


મમતા દાદીએ શુક્રવારે રેલવે બજેટ રજૂ કર્યા પછી પ્રણવ દાદાએ આજે યુનિયન બજેટ રજૂ કર્યું છે. સંસદમાં બજેટ પર તેમનું ભાષણ થોડી મિનિટ પહેલાં જ પૂર્ણ થયું છે. આ બજેટના મુખ્ય મુદ્દા પર એક ઉડતી નજર કરીએ:

આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે, જે રૂ. 10 લાખ કરોડ કરતાં વધારેનું છે

હ્રદયરોગની સારવારમાં આવતી દવાઓ સસ્તી થશે

વકીલો પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવશે

ડોક્ટર પર સર્વિસ ટેક્સ લાગશે

મોબાઇલ ફોન એસેસરીઝ સસ્તી થશે

1.2 કરોડ યુવાનો માટે રોજગારીનું સર્જન કરાશે

બ્રાન્ડેડ જ્વેલરી સસ્તી થશે

બાયોડીઝલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

એલસીડી ટીવી સસ્તું થશે। તેના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી પાંચ ટકા કરાઈ

નાના વેપારીઓને એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ

સોનાની આયાત હવે મોંઘી પડશે

નવ જીવનરક્ષક દવાઓ સસ્તી થશે

ચૂંટણી ભંડોળ પર 100 ટકાની છૂટ

સેટ ટોપ બોક્સ મોંઘા થશે

પેન્શન સ્કીમની મેચ્યોરિટી પર ટેક્સ આપવો પડશે

કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીએસટી) નાબૂદ

સામાન્ય કેટેગરી માટે ટેક્સમાં છૂટની મર્યાદા વધી રૂ. 1.60 લાખ થઈ, જે પહેલાં રૂ. 1.50 લાખ હતી

સીનિયર સિટીઝન માટે ટેક્સમાં છૂટની મર્યાદા રૂ. 2.40 લાખ થઈ

ફ્રિન્જ બેનિફિટ ટેક્સ નાબૂદ

તમામ ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કરેવરા) દૂર કરાયા

મહિલાઓ માટે ટેક્સમાં છૂટની મર્યાદા રૂ. 1.90 લાખ થઈ

કોર્પોરેટ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં

જીએસટી પહેલી એપ્રિલ, 2010થી લાગૂ થશે. વેટની જગ્યાએ જીએસટી લાગૂ પડશે

અર્ધસૈનિક દળો માટે એક લાખથી વધુ ઘર બનશે

લઘુમતી મંત્રાલય માટે રૂ. 1,740 કરોડની ફાળવણી

આઇઆઇટી અને એનઆઇટી સંસ્થા માટે રૂ. 2,113 કરોડ રૂપિયાની ફાળવણી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મુર્શિદાબાદ અને મલ્લપુરમ કેમ્પસ માટે રૂ. 25 કરોડની ફાળવણી

વડાપ્રધાન આદર્શ ગ્રામ યોજનાની જાહેરાત. આ યોજના 100 ગામમાં શરૂ થશે

ગરીબી રેખા નીચે રહેતાં લોકોની સ્વાસ્થ્ય સેવા માટે બાયોમેટ્રિક સ્માર્ટ કાર્ડ

દરેક નાગરિક માટે આઇકાર્ડ યોજનાની શરૂઆત. દરેક નાગરિકને બાયોમેટ્રિક આઇડેન્ટિટી કાર્ડ મળશે

કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 3,472 કરોડની ફાળવણી

પંજાબ યુનિવર્સિટી ચંદીગઢને રૂ. 50 કરોડની ગ્રાંટ

નેશનલ ગંગા સ્કીમનું બજેટ વધીને રૂ. 562 કરોડ કરાયું

નિવૃત્ત સૈનિકો માટે પહેલી જુલાઈથી એક રેન્ક-એક પેન્શન સ્કીમ લાગૂ થશે

પેરા-મિલિટરી ફોર્સના જવાનોને સૈન્ય કર્મચારીઓ જેટલો પગાર મળશે

કૃષિ ઋણ માફી યોજનાના સમયગાળો છ મહિના વધ્યો

1000 દલિત ગામમાં ઘર બનાવવામાં આવશે

એજ્યુકેશન લોન પર સબસિટી આપવાની જાહેરાત

મહિલા શિક્ષણ માટે રાષ્ટ્રીય મિશન બનશે

ખેડૂતોને સાત ટકાના વ્યાજે ઋણ મળશે

અંતરિયાળ ગામડામાં બેંક શરૂ કરવા રૂ. 100 કરોડની ફાળવણી

ઇન્દિરા આવાસ યોજનાનું બજેટ 63 ટકા વધી રૂ. 8,883 કરોડ કરાયું

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના માટે રૂ. 39,100 કરોડની જોગવાઈ

બેન્ક અને વીમા કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવામાં આવે

ટેક્સેશનની પ્રક્રિયાને સરળ બનાવવા સરળ-2 ફોર્મ

પેટ્રોલીયમ ઉત્પાદનોની કિંમત નિષ્ણાતોનું એક જૂથ નક્કી કરશે

બજેટમાં ખાધ ઓછી કરવા પગલાં લેવાશે. ડિસઇન્વેસ્ટમેન્ટ, ખર્ચમાં કાપ મૂકીને ખાધ ઓછી કરવામાં આવશે

એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી સ્કીમ માર્ચ, 2010 સુધી લંબાવવામાં આવી

કૃષિ લોનનું લક્ષ્યાંક વધારી રૂ. 3,25,000 કરોડ રૂપિયા કરાયું

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું બજેટ 30 ટકા વધારવામાં આવ્યું

નેશનલ હાઇવે ઓથોરિટી લિમિટેડનું બજેટ 23 ટકા વધારવામાં આવ્યું

શહેરી ગરીબો માટે મકાન અને પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા બજેટ વધારવામાં આવ્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ નવી કંપની આઇઆઇએફસીએલ કરશે

મંદી સામે લડવા સરકારે ત્રણ પેકેજ આપ્યાં છે

વર્ષ 2008માં ચીજવસ્તુઓ અને સેવાઓમાં વેપાર બેગણો થયો

માલગાડીમાં સામાન મોકલવા સર્વિસ ટેક્સ આપવો પડશે

Wednesday, July 1, 2009

એર ઇન્ડિયાનું ખાનગીકરણ કેમ નહીં?


સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સરકારી ઉદ્યોગોનો પાયો નાંખ્યો ત્યારે તેમણે તેને આધુનિક રાષ્ટ્રના મંદિર ગણાવ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે, આ જાહેર સાહસો જે કમાણી કરશે તેમાંથી દેશની જનતાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીશું. દરેક ગામને સ્વચ્છ પાણી અને વીજળી પૂરી પાડીશું. પણ થયું શું? આ સરકારી ઉદ્યોગો દેશની જનતા પર બોજ બની ગયા અને અત્યારે તેને બચાવવા આપણા કરવેરાનો દૂરપયોગ થઈ રહ્યો છે. આ સરકારી ઉદ્યોગો ખોટ કરી રહ્યાં છે તેમાં જનતાનો વાંક છે કે વહીવટીતંત્રનો? આ ઉદ્યોગોને બચાવવા પ્રજાના નાણાનો ઉપયોગ કરવો કેટલે અંશે વાજબી છે? તેના બદલામાં પ્રજાને શું મળે છે?

થોડા દિવસ પહેલાં એર ઇન્ડિયાના મહારાજા રામપાતર લઇને ભારત સરકારના દ્વારે પહોંચી ગયા। ખોટમાં ચાલતી આ એરલાઇન્સના કર્મચારીઓની નોકરીને બચાવવા મહારાજાએ રૂ. 15,000 કરોડની માંગણી કરી અને મનુજીએ તેને મંજૂરી પણ આપી દીધી. પ્રશ્ન એ છે કે, જે સરકારી ઉદ્યોગો કમાણી કરતાં નથી તેને બચાવવાની શું જરૂર છે? એર ઇન્ડિયા ખોટ કરે છે તો તેમાં દોષ તેના મેનેજમેન્ટનો છે, જેમાં સરકારે તોતિંગ પગારે કહેવાતા બુદ્ધિધનોની નિમણૂંક કરી છે. તેમાં દિવસ-રાત મજૂરી કરતાં કરદાતાઓનો શું દોષ છે? તેમના નાણા આ ડૂબતી કંપનીને બચાવવા માટે રોકવાનો કોઈ અર્થ નથી. એર ઇન્ડિયા ખોટમાં ચાલે છે તેના ઘણા કારણ છે.

સૌપ્રથમ તો તે પ્રોફેશનલ એરલાઇન્સ કંપનીની જેમ કામ કરતી જ નથી। તે સરકારી નોકરીયાતોનો તબેલો છે. ગયા અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસે થોડા આંકડા રજૂ કર્યા હતા, જેનો અભ્યાસ કરીને ગગાજી ડોટ કોમને પણ સમજણ પડે કે એર ઇન્ડિયાની મુશ્કેલી છે. આ આંકડા પર એક નજર કરીએ-

એર ઇન્ડિયામાં 50,000 કર્મચારી છે. તેની પાસે 148 વિમાન છે. એટલે કે એક વિમાન પાછળ સરેરાશ 337 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે ઓછામાં ઓછા એક કરોડ લોકો મુસાફરી કરે છે. તેની સરખામણી અમેરિકન એરલાઇન્સમાં 60,000 કર્મચારી છે. તેની પાસે 993 વિમાન છે. આ હિસાબે એક વિમાન પાછળ માત્ર 60 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે આઠ કરોડ લોકો મુસાફરી કરે છે. એટલું જ નહીં આપણા દેશમાં ખાનગી એરલાઇન્સને મંજૂરી નહોતી ત્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ બંને સરકારી કંપનીના વિમાન જ ઉડતા હતા. તે દિવસોમાં ઇન્ડિયન એરલાઇન્સના આતિથ્ય-સત્કાર વિશે જાણશો તો મોંમા આંગળા નાંખી જશો. ત્યારે ઇન્ડિયન એરલાઇન્સમાં દર વર્ષે 25,000 લોકો પ્રવાસ કરતાં હતા અને તેમની સરભરા માટે કેટલા કર્મચારીઓનો ઊભા પગે હતા? 25,000. તો પણ આ બધાએ ભેગા થઇને પ્રવાસીઓની એવી સેવા આપી હતી કે ખાનગી એરલાઇન્સને મંજૂરી મળતાં જ સરકારી એરલાઇન્સના છક્કાં છૂટાં ગયા. હજુ થોડા છક્કાં છૂટવાના બાકી છે.

મનુજી તેમની ગત સરકારમાં તો ખાનગીકરણ શબ્દ ઉચ્ચારતાં જ ધ્રૂજતાં હતા, કારણ કે તેમના ગળામાં લાલ ઘંટ લટકતાં હતા. પણ જનતા જનાર્દને લોકસભાની આ ચૂંટણીમાં લાલ ઝંડો હાથમાં લઇને ફરતાં ડાબેરીઓની ખસી કરી નાંખી છે તો પછી અર્થશાસ્ત્રી ડિસઇન્વેસ્ટમેનેટ મંત્રાલયને ફરી જીવંત કેમ કરતાં નથી? વિદેશી વિમાન કંપનીઓનો મુકાબલો એર ઇન્ડિયા કરી શકતી નથી તો પછી તેને બચાવવાની શું જરૂર છે? તેનું ખાનગીકરણ કેમ નહીં?